નાટક ‘ઝીરો બની ગયો હીરો’ના સેકન્ડ હાફ પર કામ કરવા રાઇટર ભાવેશ માંડલિયા તૈયાર થયો નહીં અને તેની અકળામણ વધી ગઈ એટલે મેં તેને આ શબ્દો કહ્યા અને પછી કહ્યું પણ ખરું કે આપણે જે કરીએ છીએ એ નાટકના હિતમાં છે
જે જીવ્યું એ લખ્યું
ફાઇનલી જ્યારે નાટક ‘ઝીરો બની ગયો હીરો’ પરથી કર્ટન ખૂલવાનો હતો ત્યારે હું જ એ શોમાં હાજર નહોતો રહી શકવાનો.
હું હંમેશાં માનું છું કે ‘આ ન ચાલે’ એવા શબ્દોનો તમે પ્રયોગ કરો ત્યારે તમારી પાસે ‘એ શું કામ ન ચાલે’ એનો જવાબ પણ હોવો જોઈએ અને કઈ રીતે ચેન્જ કરવું, શું ચેન્જ કરવું એના જવાબ પણ હોવા જોઈએ.
આપણે વાત કરીએ છીએ અમારા પ૭મા નાટક ‘ઝીરો બની ગયો હીરો’ની. વાત આગળ વધારતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરવાની. અગાઉ મેં તમને કહ્યું એમ, નાટકમાં ઇન્સ્પેક્ટરના રોલ માટે અમે અમદાવાદથી આકાશ ઝાલાને લાવ્યા, પણ આ આકાશને અમે રિપ્લેસમેન્ટમાં લાવ્યા હતા. શરૂઆતમાં અમે આ રોલ માટે સૌનિલ દરુને કાસ્ટ કર્યો હતો અને સૌનિલ પછી બીજા કોઈ કમિટમેન્ટમાં અટવાયો એટલે અમે તેની જગ્યાએ આકાશને લાવ્યા. હવે આપણે આવી જઈએ આપણી વાત પર.
ADVERTISEMENT
‘ઝીરો બની ગયો હીરો’માં મલ્ટિપલ સેટ એટલે નાટક ટેક્નિકલી હેવી, તો ઍક્ટરોની પણ ભરમાર એટલે અમે નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ ત્રણ દિવસનાં રાખવાને બદલે છ દિવસનાં રાખ્યાં, જેથી બધાનો હાથ બરાબર બેસી જાય. નાટક સમયે હું મુંબઈ પહોંચી ગયો હતો એટલે મને ગ્રૅન્ડ રિહર્સલ્સમાં જવાનો મોકો મળી ગયો. સામાન્ય રીતે અમે નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ ઘાટકોપરના ભુરીબેન ઑડિટોરિયમમાં રાખીએ, પણ એ દિવસોમાં ભુરીબેન ખાલી નહોતું એટલે અમારે નાછૂટકે મોંઘા પડતા નવીનભાઈ ઠક્કર હૉલમાં એ રાખવાં પડ્યાં.
ગ્રૅન્ડ રિહર્સલ્સ શરૂ થયાં અને એ જોઈને હું મૂંઝાઈ ગયો. મને થયું કે જે વાર્તા મેં સાંભળી હતી એમાં તો અઢળક ટ્વિસ્ટ-ટર્ન હતા અને અહીં તો નાટક એકધારું, કોઈ જાતના વળાંક કે ઝાટકા વિના ચાલ્યે જ જાય છે, ખાસ કરીને સેકન્ડ હાફ. ઇન્ટરવલ પછીનું નાટક મને બહુ સિમ્પ્લિફાઇડ લાગ્યું, એમાં કોઈ કૉન્ફ્લિક્ટ જ નહોતો અને જેહાદી એટલે કે નાટકનો વિલન બહુ સહેલાઈથી પકડાઈ જતો હતો. આ બાબતમાં મારો મોટો વિરોધ હતો. સસ્પેન્સ કે થ્રિલર નાટકની બ્યુટી જ એ કહેવાય જેમાં એકધારા ઉતાર-ચડાવ આવે અને ઑડિયન્સ પોતાની સીટ પર અક્કડ થઈને બેસી રહે.
પહેલો અંક બહુ સારો હતો, પણ બીજા અંકમાં નાટક થોડું લથડવા માંડ્યું અને મને એ નહોતું જોઈતું એટલે મેં વાત કરી નાટકના ડિરેક્ટર વિપુલ મહેતા અને રાઇટર ભાવેશ માંડલિયાને. અહીંથી સમયની ક્રૉનોલૉજી સમજજો.
ગુરુવારનો એ દિવસ હતો. નાટક ઓપન થાય એ પહેલાં અમે પ્રીવ્યુ-શો કરતા હોઈએ છીએ, જેને ઝીરો-શો પણ કહેવામાં આવે. આ શો એવી જ રીતે થાય જાણે આખું થિયેટર ઑડિયન્સથી ભરાયેલું છે અને તમે શો કરી રહ્યા છો. ૯ વાગ્યાનો પ્રીવ્યુ-શો હતો, જે શરૂ થાય એ પહેલાં જ સાંજે ૬ વાગ્યે મેં વિપુલ અને ભાવેશને કહ્યું કે આ રીતે તો નાટક નહીં ચાલે, આપણે કંઈ પણ કરીને એમાં ચેન્જ કરવું પડે.
મુદ્દો એ હતો કે શું ચેન્જ કરવું?
હું હંમેશાં માનું છું કે આ ન ચાલે એવા શબ્દોનો તમે પ્રયોગ કરો ત્યારે તમારી પાસે એ શું કામ નહીં ચાલે એનો જવાબ પણ હોવો જોઈએ અને કઈ રીતે ચેન્જ કરવું, શું ચેન્જ કરવું એનો જવાબ પણ હોવો જોઈએ.
‘આ નહીં ચાલે...’
આવું કહીને હું છટકી જવામાં નથી માનતો. એનો કોઈ અર્થ પણ નથી. તમારી પાસે એનો વિસ્તૃત જવાબ હોવો જોઈએ. ઘણા એવું કરતા હોય છે કે માત્ર સ્ટેટમેન્ટ કરીને ઊભા થઈ જાય, પણ આપણે ક્રિટિક્સ નથી, આપણે કલાકાર છીએ એ યાદ રાખવું રહ્યું.
મને કોઈ વાત પજવતી હોય કે કનડતી હોય તો હું મારા રાઇટર-ડિરેક્ટર સાથે વિસ્તૃત ચર્ચા કરું. એ દિવસે પણ મેં એ જ કર્યું અને વિસ્તારપૂર્વક વાત કરી અને તેમને કહ્યું કે આપણે આમ-આમ કરીએ તો સેકન્ડ ઍક્ટમાં કૉન્ફ્લિક્ટ ઊભો કરી શકીએ, સાથે એ પણ કહ્યું કે તમે આને આ રીતે ઇન્ટ્રિકેટ બનાવી શકો. રાતનો પ્રીવ્યુ-શો કૅન્સલ કરી અમે ચર્ચા કરવા બેઠા.
મને હજી પણ યાદ છે કે નવીનભાઈ ઠક્કર હૉલમાંથી નીકળી અમે એટલે કે હું, વિપુલ મહેતા અને ભાવેશ માંડલિયા વીરા દેસાઈ રોડ પર આવેલા વિપુલના ઘરની બાજુમાં પડતી સિલ્વર પ્લેટ હોટેલમાં બેઠા હતા અને આ બધી ચર્ચા કરી હતી. અમારી સાથે કદાચ મારો પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી પણ હતો.
બધી લંબાણપૂર્વક વાત કરી અને મેં બન્નેને સમજાવ્યું કે નાટકના સેકન્ડ હાફને કઈ-કઈ રીતે બચાવી શકાય, પણ ભાવેશ એકનો બે ન થાય. ભાવેશની એક જ વાત, નાટક તો આમ જ થશે.
ભાવેશની એક ખાસિયત કહું. તમે તેની સાથે બહુ દલીલ કરો તો તે એવા સ્ટૅન્ડ પર આવી જાય કે જો ચેન્જ કરવું હોય તો નાટકમાંથી મારું નામ કાઢી નાખો.
અગાઉ અમે જ્યારે ‘ચીનીમીની’ નાટક કર્યું હતું ત્યારે પણ મેં ચેન્જ કરવાનું કહ્યું તો ભાવેશે આ જ સ્ટૅન્ડ લીધું હતું કે નાટક તો આમ જ રહેશે, ચેન્જ કરવું હોય તો નાટકમાંથી મારું નામ કાઢી નાખો. એ સમયે પણ મેં ભાવેશને શાંતિથી સમજાવ્યો હતો, પણ ભાવેશ માન્યો નહીં એટલે મારે ભાવેશ સામે ઝૂકવું પડ્યું. એ સમયે હું કેમ ઝૂક્યો એનું પણ કારણ તમને કહું. એ સમયે ક્યાંક ને ક્યાંક ભાવેશનો તર્ક મને પણ વાજબી લાગતો હતો, પણ આ વખતે એવું નહોતું.
આ વખતે હું ભાવેશની જીદ સામે ઝૂકવાને બદલે સતત તેને કન્વિન્સ કરતો રહ્યો, સમજાવતો રહ્યો.
‘ભાવેશ, આપણે સંવાદ કરવાનો છે, વિવાદ નહીં.’ એક તબક્કે ભાવેશ અકળાયો ત્યારે મેં તેને કહ્યું, ‘તારે એ પ્રૂવ નથી કરવાનું કે કોણ સાચું, અકળાવાથી કશું વળશે નહીં. આપણે જેકંઈ વાત કરીએ છીએ એ નાટકના હિતમાં કરીએ છીએ.’
બહુ બધી રકઝક પછી ફાઇનલી ભાવેશ તૈયાર થયો અને એ પછી વિપુલ-ભાવેશ મેં આપેલા સજેશન પર કામ કરવા બેઠા.
બીજા દિવસ એટલે કે શુક્રવારથી સેકન્ડ ઍક્ટમાં એ બધા ચેન્જ કર્યા અને રવિવારે નાટકનો શુભારંભ પ્રયોગ હતો. અહીં મારે તમને એક વાત કહેવી છે. ‘ઝીરો બની ગયો હીરો’ નાટક ટેક્નિકલી બહુ હેવી હતું અને એમ છતાં બદલાવ કર્યા પછી અમે એ નાટકનું રન-થ્રૂ કરી શક્યા નહોતા અને રન-થ્રૂ પણ ન થયું હોય તો પ્રીવ્યુ-શોની તો વાત જ ક્યાં આવે. અમારી પાસે સમય જ નહોતો. અગાઉના પ્રીવ્યુ-શો પહેલાં જ અમે ચર્ચા કરવા બેઠા હતા અને ભાવેશ-વિપુલ બન્ને રાતે કામ કરતા અને દિવસે એ બધા ચેન્જ નાટકમાં ઉમેરતા.
મને આજે પણ યાદ છે કે ‘ઝીરો બની ગયો હીરો’ના શુભારંભ શો સમયે મારા મનમાં કેટલું ટેન્શન હતું.
રવિવાર અને ૨૮ નવેમ્બર, ૨૦૧૦.
તેજપાલ ઑડિટોરિયમ.
બપોરે ૪ વાગ્યે ‘ઝીરો બની ગયો હીરો’નો શુભારંભ શો અને એ જ દિવસે બપોરે સાડાત્રણ વાગ્યે નેહરુ ઑડિટોરિયમમાં મારો ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’નો શો. ઇચ્છું તો પણ હું ‘ઝીરો બની ગયો હીરો’માં હાજર ન રહી શકું એટલે મારે અધ્ધર જીવે શો કરવાનો હતો.
આગળની વાતો પણ ઇન્ટરેસ્ટિંગ છે, પણ સ્થળસંકોચને કારણે આપણે એ બધી વાતો આવતા સોમવાર પર રાખવી પડશે. મળીએ ત્યારે, સોમવારે.
જોક સમ્રાટ
હમણાં મારા મિત્રે મને પૂછ્યું,
મિત્ર : ભઈલા, સાળી અને ઘરવાળી વચ્ચે શું તફાવત?
હું : બૂટ સંતાડે એ સાળી અને છુટ્ટો ઘા કરે એ ઘરવાળી.
મારું વાક્ય પૂરું થાય એ પહેલાં મારી પીઠ પર બૂટનો છુટ્ટો ઘા આવ્યો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)