સચિન પિળગાંવકરની મરાઠી ફિલ્મ ‘કુંકું’ જોયા પછી મને યાદ આવી ગયું કે આવી જ વાર્તા પરથી અગાઉ મરાઠી અને ગુજરાતીમાં નાટકો બન્યાં છે પણ એને વર્ષો થઈ ગયાં હતાં એટલે આ નવા સબ્જેક્ટ પર કામ અમે શરૂ કર્યું
જે જીવ્યું એ લખ્યું
મરાઠી નાટ્યલેખક દત્તા કેશવ ખરા અર્થમાં ઑલરાઉન્ડર સાહિત્યકાર પુરવાર થયા છે. તેમની બાયોગ્રાફી ‘અપૂર્ણવિરામ’ વાંચો તો તમે પણ આ જ વાત સ્વીકારશો.
નવા લોકો સાથે કામ કરવું મને બહુ ગમે. નવી વાત, નવા વિચારો, નવો દૃષ્ટિકોણ જીવનમાં બહુ જરૂરી છે અને એ લાવવા માટે તમારે સતત નવા લોકો સાથે કામ કરતાં રહેવું જોઈએ એવું હું આજે પણ માનું છું.
‘જુઓ આ...’
અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં મારા નાટક ‘આ કોકિલાનું કંઈક કરો’નો શો હતો એટલે શો પહેલાં હું નાસ્તો કરવાના હેતુથી હૉલ પાસે આવેલા લૉ ગાર્ડન એરિયામાં એક લારી પાસે ઊભો રહીને સૅન્ડવિચ ખાવાની શરૂઆત કરતો હતો અને ત્યાં એક ભાઈએ આવીને મારો હાથ પકડી લીધો. હું કંઈ કહું એ પહેલાં તો એ ભાઈએ મોબાઇલ કાઢી મારી સામે ધરી દીધો. હું ખાવા બેઠો છું એ વાત જાણે કે તેના માટે મહત્ત્વની હતી જ નહીં.
ADVERTISEMENT
‘દિવસમાં દસ વાર આ ક્લિપ જોઉં ને બધેબધી વખત મને બહુ હસવું આવે...’
મેં સ્ક્રીન પર જોયું, ‘બાને ઘેર બાબો આવ્યો’ નાટકની ત્રણ રૉકેટવાળી વિડિયો ક્લિપ હતી. એ ભાઈના ચહેરા પર ઉત્સાહ જબરદસ્ત હતો. મને મળીને તે બહુ ખુશ થયા હતા અને એકધારી વાતો કરતા જતા હતા. ૨૦૧૧ના આરંભની આ વાત અને આ ઘટના મારા મનમાં સ્ટોર થઈ ગઈ. મારી લાઇફની આ મોમેન્ટ ઑફ ગ્લોરી, જે દિવસે મને લાગ્યું કે મારા ફૅન્સ છે અને એ મને મળીને બહુ રાજી થાય છે. ઍનીવેઝ, આપણે આવી જઈએ ફરીથી આપણી વાતો પર.
૨૦૧૧ની ૧૨મી જૂન અમે નાટક ‘સુખને સેવ કરો દુઃખને ડિલીટ કરો’ ઓપન કર્યું પણ એ નાટક ઓપન થાય એ પહેલાં જ અમારી નવા નાટકની તૈયારી શરૂ થઈ ગઈ હતી. બન્યું એમાં એવું કે ‘સુખને સેવ કરો દુઃખને ડિલીટ કરો’નાં અમારાં રિહર્સલ ચાલતાં હતાં એ જ દરમ્યાન ભાઈદાસ ઑડિટોરિયમના મૅનેજર અને મારા એક સમયના પાર્ટનર વિનય પરબે મને કહ્યું કે સંજયભાઈ, તમે સચિન પિળગાંવકરની ફિલ્મ ‘કુંકું’ જુઓ, બહુ સરસ પિક્ચર છે. એના પરથી નાટક થઈ શકે એમ છે.
ગુજરાતીમાં જેને આપણે કંકુ કહીએ એને મરાઠીમાં કુંકું કહે છે, જે સહેજ તમારી જાણ ખાતર. અમે તરત જ ‘કુંકું’ જોઈ અને ફિલ્મ ખરેખર સરસ હતી. મને અને અમારા ડિરેક્ટર વિપુલ મહેતાને બન્નેને ફિલ્મ ગમી પણ એ ફિલ્મ જોતાં-જોતાં મને ખ્યાલ આવ્યો કે આ જ વાર્તા પરથી અગાઉ ગુજરાતીમાં બે વખત નાટક બની ગયું છે. પહેલી વાર નાટક બન્યું હતું મરાઠી લેખક દત્તા કેશવના નાટક પરથી. દત્તા કેશવ મરાઠી નાટકોના બહુ સારા અને મોટા લેખક. તેમના જ બીજા એક નાટક પરથી પણ અમે નાટક કર્યું હતું પણ એની વાતો આગળ આવશે, અત્યારે આપણે ‘કુંકું’ની વાત આગળ વધારીએ. દત્તા કેશવે આ જ વાર્તા પરથી નાટક બનાવ્યું હતું અને એ પછી એ નાટક પરથી મરાઠી ફિલ્મ બની હતી જ્યારે એ જ મરાઠી નાઠક પરથી અગાઉ ‘સુખના સુખડ જલે’ નામનું ગુજરાતી નાટક થઈ ચૂક્યું હતું, જે થોડાં વર્ષો પછી લાલુ શાહે રિવાઇવ કરી ફરી ‘અભિષેક’ના નામે ઓપન કર્યું હતું. ‘અભિષેક’નું દિગ્દર્શન અરવિંદ ઠક્કરે કર્યું હતું જ્યારે નાટકના મુખ્ય કલાકારોમાં દીપક ઘીવાલા, રાગિણી, સોહિલ વિરાણી, દિનુ ત્રિવેદી હતા એ મને હજી પણ યાદ છે. રિવાઇવ થયું ત્યારે તો એ નાટક મેં જોયું પણ હતું. જો તમને યાદ હોય તો આપણી આ આત્મકથાત્મક સિરીઝની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે કરીઅરની શરૂઆતમાં હું બધેબધાં નાટકો જોતો. હિન્દી-ગુજરાતી નાટકો જોવાનાં અને જે નાટકનાં બહુ વખાણ સાંભળ્યાં હોય એ મરાઠી નાટક પણ અચૂક જોવાનાં. ગજવામાં માત્ર નાટકની ટિકિટ પૂરતા પૈસા હોય અને રાતે ઘરે કેમ પાછા જવું એ પ્રશ્ન હોય એવા સમયે પણ હું નાટક જોવાનું પસંદ કરતો અને પછી રાતે ચાર-પાંચ કિલોમીટર ચાલીને ઘરે પહોંચતો.
‘સુખના સુખડ જલે’ અને એના રિવાઇવલ એવા ‘અભિષેક’ને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં એટલે આ સબ્જેક્ટ કરવામાં મને કોઈ વાંધો નહોતો. મેં હામી ભણી પણ વાત એટલેથી નહોતી અટકતી. અમે સૌથી પહેલાં તપાસ કરી કે આ દત્તા કેશવ રહે છે ક્યાં?
આ પણ વાંચો : ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’ નાટક સારું હતું, પણ ઑડિયન્સને એ ધીમું લાગ્યું
દસકાઓથી લાઇનમાં હતા એટલે એ તો ખબર જ હતી કે તે હવે મોટી ઉંમરના જ હશે. મરાઠી નાટક સાથે જોડાયેલા બે-ચાર લોકો સાથે વાત કરતાં ખબર પડી કે તેઓ ભાઈંદરમાં રહે છે. વધારે તપાસ કરતાં નંબર પણ મળ્યો અને અમે દત્તા કેશવને મળવા ભાઈંદર ગયા. બહુ સીધાસાદા અને સરળ વ્યક્તિ. હું તો તેમને રૂબરૂ પહેલી વાર મળતો હતો અને સામાન્ય રીતે પહેલી મુલાકાતમાં હું કોઈથી પ્રભાવિત ન થાઉં પણ દત્તાજીને મળ્યા પછી હું ખરેખર ઇમ્પ્રેસ થયો હતો. નખશિખ લેખક.
તેમને જે અનૂકૂળ હતી એ શરતો પર અમે નાટકના રાઇટ્સ લીધા પણ આ વખતે અમે રાઇટ્સ લીધા મારા કઝિન વિશાલ ગોરડિયાની કંપની ઇન્ડિયન થિયેટર કંપની માટે. અગાઉ તમને વાત કરી હતી કે વિશાલે ઇન્ડિયન થિયેટર કંપની શરૂ કરી હતી અને એમાં નાટકો બનાવવાનું અમે ચાલુ કરી દીધું હતું. અમે નિયમ રાખ્યો હતો કે ઇન્ડિયન થિયેટર કંપનીમાં મારે અને મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીએ પ્રસ્તુતકર્તા રહેવાનું અને વિશાલ નિર્માતા રહે.
આગળ કહ્યું એમ, રાઇટ્સનું આ બધું કામ ચાલતું હતું એ દરમ્યાન અમારા દર્શન જરીવાલાવાળા નાટક ‘સુખને સેવ કરો દુઃખને ડિલીટ કરો’નાં રિહર્સલ ચાલતાં હતાં. અમે નક્કી કરી લીધું કે આપણે આ નાટકને પણ આગળ વધારવાનું ચાલુ કરી જ દઈએ, જેથી જેવું દર્શનવાળું નાટક ઓપન થાય કે તરત જ આ નવા નાટકનાં રિહર્સલ ચાલુ કરી શકાય.
રાઇટ્સ લીધા પછી જો સૌથી પહેલું કામ કોઈનું આવે તો એ લેખક છે. અમે નક્કી કર્યું કે આ વખતે કોઈ નવી વ્યક્તિને નાટ્યલેખનમાં અજમાવીએ. મિત્રો, મેં તમને અગાઉ પણ કહ્યું છે અને આવતા સમયમાં પણ કહીશ કે નવા લોકો સાથે કામ કરવું મને બહુ ગમે. નવી વાત, નવા વિચારો, નવો દૃષ્ટિકોણ જીવનમાં બહુ જરૂરી છે અને એ લાવવા માટે તમારે સતત નવા લોકો સાથે કામ કરતા રહેવું જોઈએ એવું હું આજે પણ માનું છું.
નવા નાટકમાં અમે એક નહીં પણ એકસાથે બબ્બે લેખકને એટલે કે લેખક બેલડીને લઈ આવ્યા. આ લેખક બેલડી એટલે ખૂબ પૉપ્યુલર એવા કવિ મુકેશ જોષી અને કવિ હિતેન આનંદપરા. હા મિત્રો, આ લેખક બેલડીએ પોતાના જીવનમાં પહેલી વાર નાટક લખવાનું હતું અને અમને તેમના પર પૂરો વિશ્વાસ હતો. અમે તેમને ઇજન આપ્યું અને મુકેશ-હિતેનની જોડીએ અમારા આ ઇજનનો સહર્ષ સ્વીકાર કર્યો અને આમ ‘સુખને સેવ કરો દુઃખને ડિલીટ કરો’નાં રિહર્સલ ચાલતાં હતાં એ જ દરમ્યાન અમારા આ નવા નાટકના સ્ક્રીનપ્લેનું કામ શરૂ થઈ ગયું. આ વીકની વાત પૂરી કરતાં પહેલાં મને એક વાત કહેવી છે. મિત્રો, યાદ રાખજો, સફળતા માટે તમારે સતત અલર્ટ રહેવું પડે, ભાગતા રહેવું પડે. જો તમે બેસી રહો તો ક્યારેય સામે ચાલીને સક્સેસ તમારી પાસે આવે નહીં. મારે મન સફળતા અને મહેનત એક જ સિક્કાની બે બાજુ છે.
અમારા આ નવા નાટકનું ટાઇટલ હતું, ‘એક સાંવરિયો, બીજો બાવરિયો’, નાટકના કાસ્ટિંગ અને અન્ય પ્રોસેસ વિશે હવે વાત કરીશું આવતા સોમવારે.
જોક સમ્રાટ
એક જમાઈ સાસરે જમવા બેઠો અને ૨પ રોટલી ખાઈ ગયો.
સસરા હેબતાઈ ગયા અને સાસુ પરેશાન થઈ ગયાં.
સાસુએ ધીમેકથી જમાઈને કહ્યું,
સાસુઃ ખાતી વખતે વચ્ચે પાણી પણ પીવું જોઈએ.
જમાઈઃ પીઉં છુંને...
સાસુઃ મેં તો નથી જોયાં તમને પાણી પીતાં...
જમાઈઃ વચ્ચે પહોંચવા તો દો...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)