૨૦૧૨ના વર્ષની શરૂઆત ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’થી કરી અને એ પછી અમે ‘રૂપિયાની રાણી ને ડૉલરિયો રાજા’ અને ત્યાર પછી ‘અરે વહુ, હવે થયું બહુ’ નાટક કર્યું અને હજી તો મે મહિનો ચાલુ થયો હતો
જે જીવ્યું એ લખ્યું
પહેલા જ નાટકમાં લીડ અને એ પણ ડબલ રોલ અને એ પછી પણ જાનકી વૈદ્યએ છેલ્લે તો એ જ કર્યું જે તેની મમ્મીએ કર્યું હતું.
જાનકી વૈદ્ય કે પછી બીજો કોઈ પણ ઍક્ટર હોય, મેં ક્યારેય કોઈ પર ઉપકાર નથી કર્યો. મેં જ્યારે પણ કામ કર્યું છે ત્યારે મારી જરૂરિયાતને જ ધ્યાનમાં રાખી છે અને એ જ સાચું પ્રોફેશનલિઝમ છે. કામની બાબતમાં જો તમે ઉપકાર કરો છો એવો અપ્રોચ રાખો તો એની સીધી અસર પ્રોડક્ટ પર પડે અને એ મને મંજૂર નથી.
આપણે એકસાથે ત્રણ પૉઇન્ટ પર વાત કરીએ છીએ. મારી પહેલી ગુજરાતી સિરિયલની સાથોસાથ આપણી વાત થઈ મારા દીકરા અમાત્યએ લખેલા નાટકની, જે ઇન્ટરકૉલેજિયેટ કૉમ્પિટિશિન માટે તેણે કર્યું અને સાથોસાથ અમારા નવા નાટકની જેનું લેખન ઉત્તમ ગડાએ સંભાળ્યું હતું તો દિગ્દર્શન વિપુલ મહેતા કરવાનો હતો. આ નાટક માટે કાસ્ટિંગની શરૂઆત થઈ અને અમે ભૈરવી વૈદ્યની દીકરી જાનકીને કાસ્ટ કરી. ભૈરવીના કડવા અનુભવ વચ્ચે પણ જાનકીને કાસ્ટ કરવાનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે દરેક વ્યક્તિ ખરાબ કે ખોટી નથી હોતી. ઘરની એક વ્યક્તિમાં પ્રોફેશનલિઝમનો અભાવ હોય એનો અર્થ એવો નથી કે એ જ ફૅમિલીની અન્ય વ્યક્તિમાં પણ એ જ ખોટ હોય. હું ઘણી એવી વ્યક્તિને ઓળખું છે જે પોતે સાવ જુદો જ સ્વભાવ ધરાવતી હોય અને તેનો ભાઈ કે બહેન સાવ જુદા જ પ્રકારનો સ્વભાવ ધરાવતાં હોય. ઍનીવે, જાનકી પણ નાટકની ઑફરથી બહુ ખુશ હતી. પહેલા જ નાટકમાં તેને સીધો ડબલ રોલ મળતો હતો. સંજય ગોરડિયા પ્રોડક્શન જેવું માતબર બૅનર તેને ઑફર કરતું હોય, દિગ્ગજ એવા ઉત્તમ ગડા નાટકના લેખક હોય, વિપુલ મહેતા જેવા એકધારાં સુપરહિટ નાટકો આપતા દિગ્દર્શક હોય અને કૌસ્તુભ ત્રિવેદી જેવા ધુરંધર પ્રેઝન્ટર હોય તો પછી નૅચરલી એ વાતની ખુશી અદકેરી જ હોય.
ADVERTISEMENT
જાનકી પછી નાટકમાં મહત્ત્વના રોલમાં આવતાં સાસુ-સસરાનાં કૅરૅક્ટર્સમાં અમે પ્રતાપ સચદેવ અને મનીષા મહેતાને કાસ્ટ કર્યાં તો ઘરજમાઈના કૉમેડી રોલમાં અમે મારા ફેવરિટ ભાસ્કર ભોજકને લીધો. ભાસ્કર અત્યારે મારા નાટક ‘બે અઢી ખીચડી કઢી’માં પણ છે. ભાસ્કરે અગાઉ પણ અમારાં ઘણાં નાટકો કર્યાં છે. હવે તેને ગુજરાતી ઑડિયન્સ પણ બહુ સારી રીતે ઓળખે છે. ‘સુંદર બે બાયડીવાળો’ નાટકમાં પણ ભાસ્કરે બહુ સરસ ભૂમિકા ભજવી હતી. ભાસ્કર ખૂબ જ સારો ઍક્ટર અને તમને કહ્યું એમ ઘરજમાઈનો જે રોલ હતો એ કૉમેડી રોલ હતો અને નાટક માટે બહુ મહત્ત્વનો હતો એટલે એ માટે ભાસ્કર બેસ્ટ હતો. એ પછી વાત આવી ભાસ્કરની વાઇફના રોલની, જેમાં અમે કાસ્ટ કરી અમદાવાદની એક છોકરીને. તેનું નામ છે જિનિતા. ત્યાર બાદ જિનિતા કરતી હતી એ રોલ દીપાલી ભૂતાએ કર્યો હતો. આ બધા કાસ્ટિંગ ઉપરાંત નાટકમાં અનિકેત ટાંક, કપિલ ભુતા, મયૂર ભાવસાર અને દર્શક પટેલ પણ અનુચિત રોલમાં હતાં. કાસ્ટિંગ પૂરું થયું એટલે નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં.
મને આજે પણ યાદ છે કે અમારી પહેલી જાનકીના બે ફોટોવાળી ઍડ આવી હતી, જે જોઈને જાનકીએ મને સવારમાં ફોન કર્યો - થૅન્ક યુ કહેવા માટે. જાનકીના શબ્દો મને હજી પણ યાદ છે.
‘સર, તમે મને પહેલા જ નાટકમાં આટલી સરસ પબ્લિસિટી આપી. થૅન્ક યુ વેરી મચ...’
‘મેં તારા પર કોઈ ઉપકાર નથી કર્યો...’ મારો જવાબ પણ ક્લિયર હતો, ‘આ મારા નાટકની જરૂરિયાત હતી અને મેં એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી છે...’
મિત્રો, આ નાટકનું ટાઇટલ હતું, ‘અરે વહુ, હવે થયું બહુ’. સ્વાભાવિક છે કે વહુની વાત હતી એટલે તેનો મોટો ફોટો હોય એ જરૂરી હતું તો સાથોસાથ વહુની જોડિયા બહેન પણ નાટકમાં હતી એટલે એ રીતે પણ બન્નેનો અલગ-અલગ લુકનો ફોટો હોય એ નાટકની રિક્વાયરમેન્ટ હતી. મેં જાનકી પર કોઈ ઉપકાર નહોતો કર્યો અને મેં જ્યારે પણ કામ કર્યું છે ત્યારે કોઈના પર પણ ઉપકાર નથી કર્યો. મેં મારી જરૂરિયાતને જ ધ્યાનમાં રાખી છે અને એ જ સાચું પ્રોફેશનલિઝમ છે. કામની બાબતમાં જો તમે ઉપકાર કરો છો એવો અપ્રોચ રાખો તો એની સીધી અસર પ્રોડક્ટ પર પડે અને એ મને મંજૂર નથી. એ દિવસે પણ ફોન પર આ જ વાત કરીને મેં ફોન મૂક્યો, પણ એ પછી જાનકીએ જે કર્યું એ બહુ સારું નહોતું. ઍનીવે, એ વાત પછી કરીએ અને અત્યારની વાત આપણે આગળ વધારીએ.
૨૦૧૨ની છઠ્ઠી મે અને રવિવાર.
તેજપાલ ઑડિટોરિયમ ખાતે ‘અરે વહુ, હવે થયું બહુ’ નાટક અમે ઓપન કર્યું. આ અમારું ૬૬મું નાટક પણ સુપરહિટ ગયું. નાટક બૉક્સ-ઑફિસ પર ખાસ કોઈ કમાલ દેખાડી શક્યું નહીં, પણ સોલ્ડઆઉટ શો અને બહારગામના શોમાં એ ખૂબ ચાલ્યું. તમે કહી શકો કે આ નાટક આર્થિક દૃષ્ટિએ મારાં સફળ નાટકો પૈકીનું એક નાટક. આ નાટક પૂરું થવાનું હતું અને છેલ્લા-છેલ્લા શોમાં મને જાનકીનો પણ એ જ અનુભવ થયો જે તેની મમ્મી ભૈરવીનો થયો હતો.
એક ક્લાસિકલ ડાન્સની ટૂર હતી એમાં જાનકી અમને જાણ કર્યા વિના જ નીકળી ગઈ એટલે અમારે નાછૂટકે નાટકમાં નણંદનું કૅરૅક્ટર કરતી દીપાલી ભૂતાને તૈયાર કરવી પડી અને દીપાલી પાસે એ શો કરાવવા પડ્યા. આ નાટકની ડીવીડી પણ બની અને એનું ડિજિટાઇઝેશન પણ થયું, જે અત્યારે શેમારૂમી પર અવેલેબલ પણ છે. એમાં પણ દીપાલી ભૂતા જ લીડ રોલ કરે છે, જાનકી નથી. ડીવીડી માટે અમે જાનકીને બોલાવી જ નહીં. જેને પોતાના કામની કદર ન હોય તેને તમે કામની કદર કરાવી પણ ન શકો.
આપણી વાત આગળ વધારતાં પહેલાં તમને ૨૦૧૨ના વર્ષનું એક નાનકડું રિવિઝન કરાવી દઉં. વર્ષની શરૂઆતમાં એટલે કે ૮ જાન્યુઆરીએ અમે ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ...’ ઓપન કર્યું તો ૧૮ માર્ચે અમે ‘રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા’ નાટક ઓપન કર્યું અને એ પછી છઠ્ઠી મેએ ‘અરે વહુ, હવે થયું બહુ’ નાટક ઓપન કર્યું. છ મહિના હજી તો પૂરા પણ નહોતા થયા ત્યાં અમારાં ત્રણ નાટક ગુજરાતી રંગભૂમિ પર ધમાલ મચાવતાં થઈ ગયાં હતાં અને અમે ચોથા નાટકનું કામ શરૂ કરી દીધું હતું, પણ એ ચોથા નાટકની વાત કરતાં પહેલાં તમને ફરી લઈ જવાના છે મારા સિરિયલ ફ્રન્ટ પર.
મરાઠી સિરિયલનો કન્ટ્રોલ મારા હાથમાં નહોતો, પણ ગુજરાતી પ્રોડક્શનનો બધો કન્ટ્રોલ મારા હાથમાં હતો. ગુજરાતી સિરિયલનું કામ હું મારી પોતાની કંપનીમાં કરી શક્યો હોત; પણ એવું કરવાને બદલે મેં એ સિરિયલ પણ વિનય પરબ, કેદાર શિંદે અને મારી જે કંપની હતી એ હાઉસફુલ એન્ટરટેઇનમેન્ટમાં જ કરવાનું નક્કી કર્યું. આવું કરવા પાછળ મારું વેપારી ગણિત હતું. મને ઊંડે-ઊંડે આશા હતી કે કેદાર શિંદેને જો હું આ પ્રોજેક્ટમાં ઇન્વૉલ્વ રાખીશ તો ભવિષ્યમાં મરાઠી સિરિયલની કોઈ પ્રપોઝલ આવે તો એ પણ અમે સાથે કરી શકીશું.
મેં કેદારને ગુજરાતી સિરિયલની વાત કરી અને તેણે હા પાડી. આમ પણ હા પાડવામાં તેનું કશું જવાનું નહોતું, કારણ કે કામ તો બધું મારે જ કરવાનું હતું અને ઇન્વેસ્ટમેન્ટ પણ બધું મારું જ હતું. તેણે તો બેઠાં-બેઠાં પ્રોજેક્ટમાં પાર્ટનર તરીકે જોડાવાનું હતું. જોકે ઠીક છે, મને એ બધાથી બહુ ફરક નહોતો પડતો.
ગુજરાતી સિરિયલની સ્ટોરી બિનિતા દેસાઈની હતી, જે ઑલરેડી ચૅનલમાં અપ્રૂવ્ડ હતી. વાત આવી તૈયારીની. મેં તમને કહ્યું હતું એમ ગુજરાતી સિરિયલનું બજેટ બહુ એટલે બહુ ઓછું હતું, જેને કારણે મારે આખો દિવસ બેસીને જાતજાતનાં અને ભાતભાતનાં બજેટ બનાવવા પડતાં. મારા એ બધા કામમાં મને પ્રોડ્યુસર મીના ઘીવાલા બહુ ઉપયોગી બની. લાઇટ માટે કેટલું પેમેન્ટ આપવું, સેટ ડિઝાઇનરને કેટલી ફી આપવાની, પ્રોડક્શન મૅનેજર અને ડિરેક્ટરને કેટલું પેમેન્ટ હોય, રાઇટરને કેટલા આપવાના... આ અને આવા અનેક સવાલો હું મીનાને કરતો અને મીના મને વગર કંટાળ્યે ગાઇડ કરતી.
મારી એ પહેલી ગુજરાતી સિરિયલ અને ૨૦૧૨ના અમારા ચોથા નાટકની ઘણી રસપ્રદ વાતો હજી કરવાની છે, પણ સ્થળસંકોચના કારણે હવે એ વાતો કરીશું આપણે આવતા સોમવારે...
ધોબી : બાપુ, હું પણ એ જ કહું છું...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)