Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’ નાટક સારું હતું, પણ ઑડિયન્સને એ ધીમું લાગ્યું

‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’ નાટક સારું હતું, પણ ઑડિયન્સને એ ધીમું લાગ્યું

Published : 30 January, 2023 04:28 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

હું મારી ગટ-ફીલિંગમાં ભાગ્યે જ ખોટો પડ્યો છું, ‘એવરબડી’ઝ ફાઇન’ની સ્ટોરી સાંભળતી વખતે જ મને એમાં મજા નહોતી આવી અને એવું જ નાટકમાં રૂપાંતર થયા પછી ઑડિયન્સને લાગ્યું, તેમને મજા ન આવી

નાટક ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’માં મારું અનુમાન સાચું પડ્યું અને પ૮ શોમાં અમે એ બંધ કર્યું. ચૅરિટીની પાર્ટીને નાટક ધીમું લાગ્યું, પણ પબ્લિક શોમાં દર્શન જરીવાલાને લીધે ઑડિયન્સ આવ્યું.

જે જીવ્યું એ લખ્યું

નાટક ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’માં મારું અનુમાન સાચું પડ્યું અને પ૮ શોમાં અમે એ બંધ કર્યું. ચૅરિટીની પાર્ટીને નાટક ધીમું લાગ્યું, પણ પબ્લિક શોમાં દર્શન જરીવાલાને લીધે ઑડિયન્સ આવ્યું.


૨૦૧૧ના વર્ષમાં મને પહેલી વાર લાગ્યું કે સંજય ગોરડિયાના ચાહકો છે. સંજય ગોરડિયાની અત્યારે જે પૉપ્યુલરિટી છે, જેને માટે તે ફેમસ છે એ મોમેન્ટ ઑફ ગ્લોરી કઈ? આ સવાલ મને અનેક ઇન્ટરવ્યુમાં પુછાયો છે અને દરેક વખતે જવાબમાં મેં એક કિસ્સો કહ્યો છે.


‘એવરીબડી’ઝ ફાઇન’ પરથી બનનારા અમારા નવા નાટકમાં લીડ રોલ માટે દર્શન જરીવાલા તૈયાર થયો તો એ પછી અમે મિહિર રાજડા, નિર્મિત વૈષ્ણવ, સ્વપ્નિલ અઝગાવકર, દ્રુમા મહેતા, અનાહિતા જહાંબક્ષ, પ્રથમ ભટ્ટને કાસ્ટ કર્યાં અને કાસ્ટિંગ પૂરું કરી અમે નાટકનાં રિહર્સલ્સ પર લાગ્યા. નાટકની ટેક્નિકલ ટીમની વાત કરું તો આ વખતે પહેલી વાર અમારી એ ટીમમાં ચેન્જ આવ્યો હતો. કલા છેલ-પરેશની હતી અને ડિરેક્શન તો તમને ખબર જ છે, વિપુલ મહેતા, પ્રકાશ રોહિત ચિપલૂણકર, પ્રચાર દીપક સોમૈયા અને મ્યુઝિક લાલુ સાંગો. ના, લાલુ સાંગો નહીં, મ્યુઝિક રાજીવ ભટ્ટ. હા, આ નાટકમાં અમે પહેલી વાર નવા મ્યુઝિક ડિરેક્ટરને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. રાજીવ અત્યારે ટીવી-સિરિયલમાં ખૂબ સારું કામ કરે છે. રાજીવ મૂળ રાજકોટનો, પણ વર્ષોથી તે મુંબઈમાં સેટલ થયો અને કોવિડ પછી તે ફરી રાજકોટ ગયો અને હવે મુંબઈ આવીને કામ કરે છે.



અમારા નવા નાટકનું કામ ચાલતું હતું એ દરમ્યાન રાજીવે વિપુલ મહેતાને ફોન કર્યો કે મારે ગુજરાતી નાટકમાં મ્યુઝિક આપવું છે. વિપુલે મને વાત કરી, નવી વ્યક્તિ સાથે કામ કરવા હું તો હંમેશાં આતુર જ હોઉં. મેં હા પાડી અને રાજીવે મ્યુઝિક આપવાનું શરૂ કર્યું. એ પછી તો મેં અને રાજીવે પુષ્કળ કામ સાથે કર્યું, જેની વાતો જેમ-જેમ આવતી જશે એમ-એમ હું તમને કહેતો જઈશ. ઍનીવેઝ, ફરી આવી જઈએ નાટકનાં રિહર્સલ્સ પર. 


નાટકમાં ડબલ રિવૉલ્વિંગ સેટ હતો, જેને લીધે ગ્રૅન્ડ રિહર્સલ્સમાં નાટક ખાસ જામ્યું નહીં. ખૂબ બધા ટેક્નિકલ પ્રૉબ્લેમ ઊભા થયા, પણ અમે અમારી ઓપનિંગ ડેટને ધ્યાનમાં રાખીને જેમતેમ આગળ વધ્યા. ખરું કહું તો નાટકમાં કંઈ મજા આવતી નહોતી. મને પહેલેથી જ એવું લાગતું હતું કે નાટક બહુ સારું નહીં જાય અને એવું જ બન્યું. નાટક ખર્ચાળ હતું એટલે પૈસા પણ બરાબરના લાગ્યા હતા.

૨૦૧૧ની ૧૨ જૂન, ભાઈદાસ ઑડિટોરિયમ.
સમય : સાંજે પોણાઆઠ વાગ્યે.


અમારું સાઠમું નાટક ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’ અમે ઓપન કર્યું અને મારા અનુમાન મુજબ જ એને જોઈએ એવો રિસ્પૉન્સ મળ્યો નહીં. દર્શન જરીવાલાને લીધે પબ્લિક શોમાં નાટક થોડું સારું ચાલ્યું. આ નાટકના અમે કુલ પ૮ શો કર્યા. નાટક બંધ કરતાં પહેલાં અમે એને થ્રી-કૅમેરા સેટ-અપ સાથે શૂટ કર્યું અને ડિજિટલ રાઇટ્સ વેચ્યા, જેને લીધે ઍટ લીસ્ટ એટલું થયું કે નાટકમાં અમને કોઈ આર્થિક નુકસાની ગઈ નહીં, પણ હા મિત્રો, હું અત્યારે પણ કહીશ કે નાટક એટલું ખરાબ નહોતું બન્યું, એ સારું હતું, પણ એને જામવામાં વાર લાગી અને એટલે હવા બની નહીં. આ નાટક અત્યારે શેમારુમી ઍપ પર છે. હું કહીશ કે તમે જુઓ, મજા આવશે. નાટક આજે પણ સંપૂર્ણપણે પ્રસ્તુત છે એ તો હું ચોક્કસ કહીશ. ૨૦૧૧માં મારી સાથે બીજી એક ઘટના બની. એ વખતે મને પહેલી વાર લાગ્યું કે સંજય ગોરડિયાના ચાહકો છે. આ વાત કહેવી એટલા માટે જરૂરી છે કે  સંજય ગોરડિયાની અત્યારે જે પૉપ્યુલરિટી છે, જેને માટે એ ફેમસ છે એ મોમેન્ટ ઑફ ગ્લોરી કઈ?
આ સવાલ આ જ રીતે મને અનેક ઇન્ટરવ્યુમાં પુછાયો છે અને એ પુછાયો છે ત્યારે મેં એના જવાબમાં ૨૦૧૧માં બનેલો એક કિસ્સો કહ્યો છે. આજે એ જ પ્રસંગની વાત મારે તમારી સાથે શૅર કરવી છે. 

આ પણ વાંચો : નાટકમાંથી ટીવી અને ફિલ્મમાં ગયેલા કલાકારોને સમય આવ્યે રંગભૂમિ યાદ આવે જ આવે

‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ નાટક ચાલતું હતું એ દરમ્યાન મારે અમદાવાદ અને ગુજરાતની ઘણી ટૂર કરવાની આવી. ‘આ કોકિલાનું કંઈક કરો’ નાટક વખતે મેં પુષ્કળ ટૂર કરી, પણ આ સમયગાળા સુધી મને ખબર નહોતી કે લોકો મને ઓળખવા લાગ્યા છે અને હું પૉપ્યુલર થઈ ગયો છું.

બન્યું એવું કે ૨૦૦૯-’૧૦માં ઇન્ટરનેટ અને વાઇફાઇ ઘરે-ઘરે આવવા લાગ્યું અને એને લીધે લોકો વૉટ્સઍપ કે પછી બીજા મેસેન્જર વાપરતા થયા અને ફોટો-વિડિયો શૅર કરતા થયા. 
લોકો રીતસર મનોરંજક સામગ્રીનું સંશોધન કરવા લાગ્યા અને એવામાં કોઈએ મારા નાટક ‘બાને ઘેર બાબો આવ્યો’ની એક કૉમેડી ક્લિપ કટ કરી અને એ ક્લિપ ઇન્ટરનેટ પર જબરદસ્ત વાઇરલ થઈ, જેની જાણ મને થઈ ‘આ કોકિલાનું કંઈક કરો’ નાટકની અમદાવાદની ટૂર દરમ્યાન. 

એ સમયે નૉર્મલી નાટકના શો લૉ ગાર્ડન પાસે આવેલા ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં થતા. લૉ ગાર્ડનમાં ખાણીપીણીના ઘણા સ્ટૉલ અને ઑડિટોરિયમની સાવ નજીક એટલે અમે લોકો ત્યાં ખાવા માટે નિયમિત જઈએ. એક દિવસ હું એક સ્ટૉલ પર ખાવા માટે ગયો અને ત્યાં જઈને મેં સૅન્ડવિચ ઑર્ડર કરી. સૅન્ડવિચ આવી અને મેં એમાંથી ટુકડો લઈ એક નાનકડો ટુકડો મોઢામાં મૂકવા હાથ અધ્ધર કર્યો ત્યાં જ એક માણસે આવીને મારો હાથ પકડી લીધો. હું તો રીતસર હેબતાઈ ગયો, પણ તેના ચહેરા પર તો સાવ હળવાશ જ હતી. તેણે મારી સામે મોબાઇલ ધરી દીધો.
‘જુઓ આ...’

મેં સ્ક્રીન પર જોયું, ‘બાને ઘેર બાબો આવ્યો’ નાટકની ત્રણ રૉકેટવાળી વિડિયો-ક્લિપ હતી. 
એ ઉત્સાહી ભાઈ હજી પણ વાતો કરવાના મૂડમાં જ હતા.
‘દિવસમાં ૧૦ વાર આ ક્લિપ જોઉં ને બધેબધી વખત મને બહુ હસવું આવે...’
મારો હાથ તેના હાથમાં હતો. હું ખાવા બેઠો છું એ વાત પર પણ તેનું ધ્યાન નહોતું અને મારો કોળિયો તેણે અટકાવી રાખ્યો છે એના પર પણ તેની નજર નહોતી. આમ જોઈએ તો આ બહુ રુડ કહેવાય, પણ અમદાવાદી સહિત અમુક ચાહકોની પ્રેમ દર્શાવવાની આ જ રીત હોય છે, જે સમય જતાં મને પણ સમજાઈ ગયું, પણ ૨૦૧૧ના આરંભના દિવસોમાં આ અનુભવ મારા માટે નવો હતો અને આ અનુભવને હું મારી લાઇફની મોમેન્ટ ઑફ ગ્લોરી તરીકે જોઉં છું.

જોક સમ્રાટ

પતિનું કહ્યું માને એવી બૈરી અને સવારે આઠ વાગ્યે લોકલમાં બેસવાની સીટ
આ સાચું માત્ર ને માત્ર સપનામાં જ પડે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 04:28 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK