નાટક ‘મારી શું ભૂલ?’માં ડિરેક્ટર વિપુલ મહેતાએ વધારે પડતી કૉમેડી ભરી દીધી હતી, જેને લીધે નાટકનાં ઇમોશન્સ અને એની જે સૅડનેસ હતી એના પર આડઅસર થઈ હતી
જે જીવ્યું એ લખ્યું
‘મારી શું ભૂલ?’ નાટક ચૅરિટી શોમાં તો ખૂબ સરસ ચાલ્યું, પણ એમાં કૉમેડીનો અતિરેક હતો એ વાતનો અફસોસ મને આજે પણ છે.
કોઈ ખૂબ ભવ્ય નાટક બનાવે તો કોઈ ગરીબ નાટક બનાવી શકે, કોઈ ઇમોશનલ નાટક બનાવે તો કોઈ ભારોભાર કૉમેડી નાટક બનાવે. જોકે એ ખોટું છે. સાચું એ કે જ્યાં, જેની જેટલી જરૂર હોય એટલું જ રાખવું જોઈએ અને એ જ નાટકની સફળતાની ચાવી છે.
આપણે વાત કરીએ છીએ અમારા નવા નાટક ‘મારી શું ભૂલ?’ના મેકિંગની. એમાં મેં તમને કહ્યું એમ પરિવારના મોભીના રોલમાં સનત વ્યાસ, દીકરાના રોલમાં સૌનિલ દરુ, વાઇફના એટલે કે નાટકના લીડ રોલમાં દ્રુમા મહેતા, મેઘના સોલંકી, યોહાના વાચ્છાની, અલકા ચોટલિયા, હર્ષ મહેતા અને એક કૉમેડી કૅરૅક્ટરમાં પરેશ ભટ્ટને લીધાં અને એ પછી છેલ્લું કાસ્ટિંગ અમે કર્યું અમાત્ય ગોરડિયાનું.
ADVERTISEMENT
હકીકત એ હતી કે અમાત્યને ઍક્ટિંગ કરવી જ નહોતી. તેની પોતાની સ્વતંત્ર વિચારધારા છે. તે પોતાની રીતે જીવવામાં અને પોતાની રીતે આગળ વધવામાં માને છે અને એમાં કશું ખોટું પણ નથી. જોકે એક પિતા તરીકે નૅચરલી તમે પોતે પણ સંતાન વિશે વિચારતા જ હો અને મેં પણ એવું જ કર્યું હતું. અલબત્ત, મારે કહેવું રહ્યું કે અમાત્ય મારો દીકરો છે એ જેટલું સત્ય એટલું જ સત્ય એ પણ ખરું કે હું તેને કહું એટલે તેણે એ કરવાનું એ વાત સાથે તે બિલકુલ સહમત નથી. ઘણી વાર અમારી વચ્ચે મારાં નાટકોના વિષયો બાબતે અને નાટકોની પસંદગી બાબતે બોલાચાલી થાય. તે હંમેશાં નવા પ્રકારનાં નાટકો કરવામાં માને અને એ જ રસ્તે આગળ વધે, પણ મારી વાત જુદી છે.
મારે મારું ઘર ચલાવવાનું હોય, જવાબદારી નિભાવવાની હોય અને એ બધા સામે ઘણી વાર બાંધછોડ પણ કરવી પડે. હું તેને કહેતો પણ ખરો કે બેટા, તારા બાપનું નામ સંજય ગોરડિયા છે, મારા બાપનું નામ સંજય ગોરડિયા નહોતું એટલે તને નવું કરવાની અને અલગ રસ્તે ચાલવાની બધી લિબર્ટી છે, પણ મારી પાસે એ લક્ઝરી નથી. તમે માનશો નહીં, પણ મેં અમાત્ય પાસે સ્વીકાર પણ કર્યો છે કે મીડિયોકર કહેવાય એવું જ કરતાં મને આવડે છે, કંઈ નવું-નોખું કરવાની આવડત મારામાં નથી એટલે તેણે મારી પાસે એવી અપેક્ષા ન રાખવી જોઈએ. જોકે હું એ પણ સ્વીકારું છું કે મીડિયોકર ભલે કહેવાય સામાન્ય, પણ એના જેટલું અસામાન્ય કામ કોઈ નથી. ક્લાસને ગમાડવાનું કામ સરળ હોઈ શકે; પણ સૌને ખુશ રાખવાનું કામ, માસને મજા કરાવવાનું કામ બહુ કપરું છે અને હું ખુશ છું કે હું એ કામ સારી રીતે કરી શક્યો છું.
ઍનીવે, ફરી આવી જઈએ આપણે અમારા નવા નાટક ‘મારી શું ભૂલ?’ પર. અમાત્યને અમે કાસ્ટ કર્યો અને તેણે કામ પણ સરસ કર્યું, પણ મૂળભૂત રીતે તેને ઍક્ટિંગ કરવી નહોતી અને આજે પણ તે એ કરવા માગતો નથી.
‘મારી શું ભૂલ?’ નાટકનું લેખન અમે પ્રણવ ત્રિપાઠીને સોંપ્યું હતું. પ્રણવની ઓળખાણ મેં તમને અગાઉ આપી છે, પણ જરા રીકૉલ કરાવી દઉં. ‘સરસ્વતીચંદ્ર’ જેવી અદ્ભુત વાર્તા લખનારા ગોવર્ધનરામ ત્રિપાઠીનો પ્રપૌત્ર એટલે પ્રણવ ત્રિપાઠી. અગાઉ પણ અમે એકાદ વાર તેને લેખન સોંપી ચૂક્યા હતા એ તમારી જાણ ખાતર. સેટ ડિઝાઇન છેલ-પરેશની હતી તો સંગીત પાર્થ-હર્ષિતનું. આ બન્ને વિશે હું વધારે કશું જાણતો નથી અને મને અત્યારે ખાસ કંઈ એ લોકો યાદ પણ નથી. પ્રકાશ આયોજન રોહિત ચિપલુણકરનું અને કૉસ્ચ્યુમ ડિઝાઇન સ્મિતા મદલાનીની. પ્રચારની જવાબદારી રાબેતા મુજબ જ દીપક સોમૈયાની હતી.
મેં તમને ગયા સોમવારે કહ્યું હતું એમ આ નાટકના ટાઇટલ માટે અમે ખૂબ હેરાન થયા હતા. અમને કોઈ ટાઇટલ મળે જ નહીં અને એને લીધે અમારી વચ્ચે ખૂબ ઝઘડા પણ થયા. એ બધા ઝઘડાના અંતે અમે નાટકનું ટાઇટલ રાખ્યું, ‘મારી શું ભૂલ?’. નાટકનું ટાઇટલ વાર્તા સાથે બંધબેસતું હતું. માની કૂખમાં જે દીકરી છે તે સનત વ્યાસને જોઈતી નથી એટલે તે દીકરી સમાજને પૂછી રહી છે કે મારી શું ભૂલ કે હું દીકરી છું? આવો એ ટાઇટલનો સૂર હતો.
નાટકનાં રિહર્સલ્સ સરસ રીતે પૂરાં થયાં અને ફાઇનલી નાટક ઓપન કરવાનો દિવસ આવી ગયો.
૨૦૧૨ની ૧પ જુલાઈ અને રવિવારનો દિવસ.
તેજપાલ ઑડિટોરિયમમાં રાતે પોણાઆઠ વાગ્યે અમારું સડસઠમું નાટક ‘મારી શું ભૂલ?’ ઓપન થયું અને એ સુપરહિટ રહ્યું. ચૅરિટી શોમાં નાટક ખૂબ એટલે ખૂબ ચાલ્યું, પણ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ ગયું. ‘મારી શું ભૂલ?’ જેવું ટાઇટલ વાંચી કે સાંભળીને કોઈને પાંચ રૂપિયા ખર્ચવાનું પણ ગમે નહીં. ગુજરાતી રંગભૂમિ પર હવે કૉમેડીની બોલબાલા શરૂ થઈ ગઈ હતી. એવા સમયે કરગરતું કે યાચના કરતું આવું ટાઇટલ કોઈને અટ્રૅક્ટ કરે નહીં. ‘મારી શું ભૂલ?’ના અમે કુલ ૧૨૪ શો કર્યા અને નાટકના ડિજિટલ રાઇટ્સ પણ વેચ્યા. આર્થિક રીતે અમે આ નાટકમાંથી ખાસ્સો નફો કર્યો.
‘મારી શું ભૂલ?’ની એક બીજી વાત કહું.
ગ્રૅન્ડ રિહર્સલ્સમાં નાટક જોયા પછી મેં અમારા ડિરેક્ટર વિપુલ મહેતાને કહ્યું હતું કે તેં આ નાટકમાં કૉમેડીનો અતિરેક કરી નાખ્યો છે. આપણે ત્યાં કેવું છે કે કોઈ ખૂબ ભવ્ય નાટક બનાવે તો કોઈ ગરીબ નાટક બનાવી શકે, કોઈ ઇમોશનલ નાટક બનાવે તો કોઈ ભારોભાર કૉમેડી નાટક બનાવે. જોકે મારી દૃષ્ટિએ એ બધું ખોટું છે. સાચું એ છે કે જ્યાં જેની જેટલી જરૂર હોય એટલું જ રાખવું જોઈએ અને એ જ નાટકની સફળતાની ચાવી છે. ‘મારી શું ભૂલ?’ નાટક બનાવતી વખતે વિપુલને ડર હતો કે ગુજરાતી રંગભૂમિ પર કૉમેડીની જે પ્રકારે ડિમાન્ડ ઊભી થઈ છે એ જોતાં આ સિરિયસ અને ઇશ્યુ-બેઝ્ડ નાટકમાં લોકોને મજા નહીં આવે. એટલે તેણે ઠાંસી-ઠાંસીને એમાં કૉમેડી ભરી. નાટકમાં કૉમેડીનો બધો ભાર પરેશ ભટ્ટ પર હતો. પરેશ ભટ્ટ બહુ સારો ઍક્ટર અને મારો માનીતો પણ ખરો. વિપુલની એક ખાસિયત છે. તે જુએ કે ઍક્ટર સરસ કામ કરે છે તો તે તેનો પૂરો લાભ લે અને તેનો રોલ વધારવા માંડે અને એને લીધે ઘણી વાર એવું બને કે મેઇન પ્લૉટ સબ-પ્લૉટ બની જાય અને સબ-પ્લૉટ છે એ મેઇન પ્લૉટમાં ફેરવાઈ જાય. આવું જ બન્યું હતું આ નાટકમાં, પણ ગ્રૅન્ડ રિહર્સલ્સ ચાલુ થઈ ગયાં હતાં અને મારી પાસે કમ્પ્લેઇન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મેં ફરિયાદ કરી, તેણે સાંભળી લીધી અને અમે નાટક ઓપન કરી નાખ્યું.
ચૅરિટી શોમાં નાટક ચાલ્યું એટલે અમે પણ વાત પડતી મૂકીને બીજી દિશામાં ધ્યાન આપવા માંડ્યા. આ એ સમયની વાત છે જે સમયે ઈટીવી ગુજરાતી પર મારી પહેલી ગુજરાતી સિરિયલ ‘તારી આંખનો અફીણી...’ શરૂ થઈ ગઈ હતી.
રોજ સવારે અગિયાર વાગ્યે ઘરેથી નીકળીને હું મારી મલાડની ઑફિસે પહોંચી જઉં અને કમ્પ્યુટર પર બધા ડેટાથી માંડીને આગળનું પ્લાનિંગ ચેક કરવા લાગી જઉં. અમારી સિરિયલનું શૂટિંગ મઢ આઇલૅન્ડમાં ચાલતું હતું. પ્રોડક્શનની ટીમ ત્યાં હાજર હોય એટલે દિવસ દરમ્યાન એ બધા સાથે વાતો ચાલે, ક્રીએટિવ ટીમ સાથે વાતો થતી રહે અને દિવસના અંતે કેટલા મિનિટનું ફુટેજ નીકળ્યું કે નીકળશે એનું કૅલ્ક્યુલેશન ચાલે. મારું ધ્યાન માત્ર ને માત્ર એક જ દિશામાં હતું કે હું પૈસા કેવી રીતે રિકવર કરું અને રિકવરી પછી હું કેવી રીતે બે પૈસા કમાઉં, જ્યારે ચૅનલનું ધ્યાન એ જ દિશામાં કે કઈ રીતે ઓછામાં ઓછા પૈસા આપીને સંજય ગોરડિયા પાસેથી વધારેમાં વધારે સારું કામ લઈ શકાય. ચૅનલને મારી લૉસ સાથે કોઈ સંબંધ નહોતો. એ લોકોને તો ફક્ત પોતાના પ્રોડક્શનમાં જ ઇન્ટરેસ્ટ હતો અને અમે સાવ નાનકડા બજેટમાં સારામાં સારી પ્રોડક્શન-વૅલ્યુ સાથે કામ આપતા હતા, પણ વાત બજેટની બહાર જતી હતી એટલે મારો જીવ બળતો હતો. ગુજરાતી સિરિયલે મારા ખિસ્સામાં મસમોટું ગાબડું પાડ્યું હતું. હું ચૅનલને ગાઈવગાડીને કહેતો હતો, પણ એ લોકોને એ બધાથી કોઈ ફરક નહોતો પડતો. સાચું કહું તો મારા માટે એ બધું માનસિક ત્રાસથી સહેજ પણ ઓછું નહોતું. ૨૦૧૧માં હું સિરિયલ પ્રોડક્શનમાં આવ્યો હતો અને મેં મારી ઊંઘ હરામ કરી દીધી હતી.
ત્રાસદાયી વાતો હવે આવતા અઠવાડિયે. આજે આટલું બસ છે. અને હા, ફિલ્મ ‘ચાર ફેરાનું ચકડોળ’ જોઈ આવ્યા કે નહીં?
જોઈ આવો. તમને નિરાશ નહીં કરું, પ્રૉમિસ.
જોક સમ્રાટ
પપ્પા : આટલા ઓછા માર્ક્સ... થાય છે કે બે-ચાર ઝાપટ ચોડી દઉં.
ભૂરો : હાલો, મેં માસ્તરનું ઘર જોયું છે!