નાટક ‘ઝીરો બની ગયો હીરો’ના પેલા બહેરા-મૂંગા છોકરાના રોલમાં અમને એવું જ કૅરૅક્ટર જોઈતું હતું જે ઑડિયન્સની સિમ્પથી જીતી લે અને એટલે અમારી પાસે હાર્દિક સિવાય કોઈ ઑપ્શન નહોતો
જે જીવ્યું એ લખ્યું
ગ્રૅન્ડ રિહર્સલ્સમાં નાટક જોયા પછી હું મૂંઝાઈ ગયો કે સ્ટેજ પર આ શું ચાલી રહ્યું છે!
હાર્દિકના ચહેરા પર જે ભોળપણ હતું એ ગજબનાક હતું અને અમને એ ભોળપણની જ જરૂર હતી. એ બહેરા-મૂંગા છોકરાનો તો કોઈ વાંક નહોતો, જે તેણે પોતાના હાવભાવ સાથે સતત વ્યક્ત કરતાં રહેવાનું હતું તો અનાથ અને બહેરા-મૂંગા હોવાની જે પીડા હોય એ પીડા પણ તેના હાવભાવમાં ઝળકતી રહે એ જોવાનું હતું.
આપણે વાત કરીએ છીએ અમારા પ૭મા નાટકની, જેની વાર્તા લેખક ભાવેશ માંડલિયાએ વિપુલ મહેતાને કરી હતી અને વિપુલ મહેતાએ ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ના પ્રીમિયર પહેલાં મને રાજકોટમાં સંભળાવી હતી. વાર્તા સાંભળીને હું તરત જ તૈયાર થઈ ગયો અને અમે નાટકનું કામ શરૂ કરી દીધું.
ADVERTISEMENT
નાટકની સ્ટોરી તમને ગયા સોમવારે કહી. સ્ટોરી મુજબ, નાટકમાં બે પાત્રો સૌથી અગત્યનાં હતાં. એક જેહાદી આતંકવાદી, જે વારાણસીનો પંડિત બનીને મુંબઈમાં રહે છે અને બીજો બહેરો-મૂંગો છોકરો, જેને માનવબૉમ્બ બનાવીને ગણેશવિર્સજનના સરઘસમાં છૂટો મૂકી દેવાનો છે. જેહાદી આંતકવાદીના કૅરૅક્ટર માટે અમે સનત વ્યાસને ફાઇનલ કર્યા. સનત વ્યાસ હોય એટલે ડિરેક્ટરનું અડધું ટેન્શન હળવું થઈ જાય. ક્યારેય તમને તેમના પર્ફોર્મન્સની કે અપ્રોચની કોઈ ચિંતા રહે નહીં. આગળના કાસ્ટિંગની વાત કરતાં પહેલાં તમને કહું કે કાસ્ટિંગની દૃષ્ટિએ આ નાટક ખાસ્સું મોટું હતું.
જેહાદી આતંકવાદીનો એક અસિસ્ટન્ટ હતો. આ અસિસ્ટન્ટના રોલમાં અમે યતિન પરમારને લીધો. યતિન અગાઉ પણ અમારાં નાટકોમાં કામ કરી ચૂક્યો હતો. આજે યતિન ગુજરાતી ફિલ્મો તરફ વળ્યો છે અને તેણે ઘણી ગુજરાતી ફિલ્મો કરી છે.
ફરી આવીએ નાટકની વાત પર.
નાટકમાં એક ચાલ હતી, જેમાં પંડિત અને પેલો બહેરો-મૂંગો છોકરો રહે તો આ જ ચાલમાં બીજાં પાત્રો પણ છે. ચાલમાં એક માસી અને તેમની દીકરી હતી તો આ જ ચાલમાં કાકા અને તેમનો દીકરો પણ રહે. આમ ચાલમાં કુલ છ કૅરૅક્ટર રહે. માસીના રોલમાં અમે મનીષા મહેતાને કાસ્ટ કર્યાં તો કાકાના દીકરાના રોલમાં અમે ભાસ્કર ભોજકને લાવ્યા. એ રોલમાં કૉમિકનું સત્ત્વ ભારોભાર હતું અને ભાસ્કર એ કામ સરસ રીતે સંભાળી લે એની અમને ખાતરી હતી. ભાસ્કર માસીની દીકરીને પ્રેમ કરે છે એટલે એ લોકોની નોંકઝોંક સતત ચાલતી રહે છે.
માસીની દીકરીના રોલમાં એટલે કે મનીષા મહેતાની દીકરીના રોલમાં અમને કોઈ યંગ ચહેરો જોઈતો હતો, જેમાં અમે ડિરેક્ટર વિપુલ મહેતાની જ ભત્રીજી ઊર્જા મહેતાને કાસ્ટ કરી. ઊર્જાનું આ પહેલું અને છેલ્લું નાટક. એ સમયે તે ભણતી હતી. અત્યારે તો તે પરણીને પોતાના અંગત જીવનમાં ઠરીઠામ થઈ ગઈ છે. ઊર્જા દેખાવડી, હાઇટ પણ સરસ અને ઍક્ટિંગ એવી કરે કે તમને લાગે જ નહીં કે છોકરી પહેલી વાર સ્ટેજ પર આવી છે.
મનીષા મહેતા અને ઊર્જાની જોડી બનાવ્યા પછી હવે અમારે શોધવાના હતા ભાસ્કરના કાકાને. કાકાના આ કૅરૅક્ટરમાં અમે ફાઇનલ કર્યો જય પંડ્યાને. જય પંડ્યા અમદાવાદનો પણ તેને મુંબઈમાં કામ કરવું હતું એટલે મેં તેને અમદાવાદથી મુંબઈ બોલાવ્યો અને આ નાટકથી તેની મુંબઈ કરીઅર શરૂ થઈ.
આ નાટકમાં અમદાવાદ બેઝ્ડ બીજો પણ એક ઍક્ટર હતો, એને પણ અમે અમદાવાદથી બોલાવ્યો હતો. નામ તેનું આકાશ ઝાલા. આકાશ બહુ સારો ઍક્ટર, તેને અમે આ નાટકમાં ઇન્સ્પેક્ટરનો રોલ આપ્યો. આકાશે પોતાની ઍક્ટિંગ કરીઅરને આગળ એવી તે વધારી કે આજે દરેક બીજી ગુજરાતી ફિલ્મમાં જોવા મળે છે. આકાશ ફાઇનલ થયો એટલે હવે નાટકમાં બે ભૂમિકાઓ બાકી રહેતી હતી અને બન્ને ભૂમિકા બહુ મહત્ત્વની હતી. એક, બહેરા-મૂંગા છોકરાની અને બીજી ભૂમિકા, એ છોકરાને સાઇન લૅન્ગ્વેજ શીખવતી સાઇન લૅન્ગ્વેજ એક્સપર્ટ એવી છોકરીની. આ બન્ને પાત્રો બહુ મહત્ત્વનાં હતાં, એમાં જબરદસ્ત ડેપ્થ હતી. સાઇન લૅન્ગ્વેજ એક્સપર્ટ એવી છોકરીના રોલમાં અમે ભક્તિ રાઠોડને કાસ્ટ કરી. અમારા નાટક ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ નાટકથી ભક્તિને અમે જ લૉન્ચ કરી હતી અને ભક્તિ હવે અમારી ટીમની મેમ્બર બની ગઈ હતી. અમને તેની સાથે અને ભક્તિને અમારી સાથે નાટક કરવામાં બહુ મજા આવતી હોવાને લીધે હવે પછીનાં મોટા ભાગનાં નાટકોમાં તમે તેનું નામ વાંચવાના છો.
આ નાટકના રોલ માટે ભક્તિએ સાઇન લૅન્ગ્વેજ શીખવી પડે એમ હતી અને ભક્તિ એના માટે તૈયાર હતી, જેના માટે અમે બહેરા-મૂંગાની સ્કૂલમાં જઈને મળ્યા અને તેમને અમારા નાટકની વાત કરી સમજાવ્યું કે અમને તમારી હેલ્પ જોઈએ છે, જેથી ઑડિયન્સ સામે અમે કોઈ ખોટી સાઇન સાથેનો સંદેશો પાસ ન કરી દઈએ. સ્કૂલ અમને હેલ્પ કરવા તૈયાર થઈ અને અમને એક ટીચર આપ્યા. આ ટીચર રિહર્સલ્સ દરમ્યાન રોજ સાંજે આવે અને એક ખૂણામાં બેસીને ભક્તિને સાઇન લૅન્ગ્વેજ શીખવે.
ભક્તિ પૂરા ડેડિકેશન સાથે આ સાઇન લૅન્ગ્વેજ શીખી અને સાચેસાચી સાઇન લૅન્ગ્વેજનો અમે નાટકમાં ઉપયોગ કર્યો. આ સાઇન લૅન્ગ્વેજનો ક્લાઇમૅક્સમાં બહુ મહત્ત્વનો રોલ હતો. એના આધારે જ આખી વાત ડિકોડ થાય છે અને જેહાદી આતંકવાદી તથા તેનો સાથી પકડાય છે.
હવે વાત આવી પેલા બહેરા-મૂંગા છોકરાના સૌથી મહત્ત્વના કાસ્ટિંગની, જેના માટે અમારી એકમાત્ર પસંદ હતી, હાર્દિક સાંગાણી. હાર્દિક અત્યારે તો અઢળક ગુજરાતી ફિલ્મો કરે છે અને હવે ફિલ્મોમાં જ બિઝી રહે છે, પણ તેણે કરીઅરની શરૂઆત બાળકલાકાર તરીકે કરી અને ખૂબ કામ કર્યું. અનેક ટીવી ઍડવર્ટાઇઝમેન્ટ પણ કરી અને આજે પણ કરે છે. હાર્દિક મારા દીકરા અમાત્ય સાથે કૉલેજમાં હતો, તે બન્નેએ ઇન્ટર-કૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં સાથે ખૂબ કામ કર્યું તો આ નાટક પછી હાર્દિકે અમારી સાથે પણ ઘણું કામ કર્યું.
હાર્દિકના ચહેરા પર જે ભોળપણ હતું એ ગજબનાક હતું અને અમને એ ભોળપણની જ જરૂર હતી. એ બહેરા-મૂંગા છોકરાનો તો કોઈ વાંક નહોતો, જે તેણે પોતાના હાવભાવ સાથે સતત વ્યક્ત કરતાં રહેવાનું હતું તો અનાથ અને બહેરા-મૂંગા હોવાની જે પીડા હોય એ પીડા પણ તેના હાવભાવમાં ઝળકતી રહે એ જોવાનું હતું. આ બધા માટે હાર્દિક બેસ્ટ હતો, અમે હાર્દિકને કાસ્ટ કર્યો અને આમ અમારું કાસ્ટિંગ પૂરું થયું, રિહર્સલ્સ શરૂ થયાં.
મારો દીકરા અમાત્યને હવે મીઠીબાઈ કૉલેજમાં ઍડમિશન મળી ગયું હતું અને તે એકાંકી નાટકો કરવા માંડ્યો હતો. આ નાટકમાં તે વિપુલ મહેતાનો અસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો. અમદાવાદની ટૂર દરમ્યાન એક દિવસ હાર્દિકને ચિકનપૉક્સ થયા અને રાતોરાત અમારે હાદિર્કનું રિપ્લેસમેન્ટ કરવા માટે અમાત્યને અમદાવાદ મોકલ્યો પડ્યો.
તમને કહ્યું એમ, આ દિવસોમાં ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ નાટક મારમાર ચાલતું હતું, પણ મેં નક્કી રાખ્યું હતું કે ‘ઝીરો બની ગયો હીરો’ ઓપન થતું હોય એ એક વીક હું કોઈ પણ હિસાબે જાતને ફ્રી રાખીશ, પણ એવું થયું નહીં અને એકધારું કામ ચાલતું રહ્યું પણ હા, લકિલી ફાયદો એ થયો કે ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ના અમારા શો મુંબઈમાં હતા અને એ બધા શો રાતે હતા એટલે દિવસ દરમ્યાન હું ‘ઝીરો બની ગયો હીરો’ના ગ્રાન્ડ રિહર્સલ્સમાં બેસું. સામાન્ય રીતે અમારા નાટકનાં ગ્રાન્ડ રિહર્સલ્સ ઘાટકોપર ભુરીબેન ઑડિટોરિયમમાં થતાં હોય છે પણ ‘ઝીરો બની ગયો હીરો’ના ગ્રાન્ડ રિહર્સલ્સ અમારે પાર્લા-ઈસ્ટમાં આવેલા નવીનભાઈ ઠક્કર હૉલમાં કરવા પડ્યાં. નવીનભાઈ ઠક્કર હૉલ અમને ખૂબ મોંઘો પડતો, પણ ભુરીબેન અવેલેબલ નહોતું એટલે અમારી પાસે બીજો કોઈ છૂટકો નહોતો.
મોટા ભાગે ગ્રાન્ડ રિહર્સલ્સ ત્રણ દિવસનાં એટલે કે ગુરુ-શુક્ર-શનિનાં હોય, પણ ‘ઝીરો બની ગયો હીરો’નાં ગ્રાન્ડ રિહર્સલ્સ અમે સોમથી શનિ એમ એકધારા છ દિવસનાં રાખ્યાં અને રવિવારે નાટકનો ઓપનિંગ શો હતો.
‘ઝીરો બની ગયો હીરો’ ગ્રાન્ડ રિહર્સલ્સ જોયા પછી મારો જીવ શું કામ અધ્ધર થઈ ગયો એની વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે.
જોક સમ્રાટ
હમણાં ઘરે મૅરેજનું એક આમંત્રણ મળ્યું, જેમાં લખ્યું હતું :
તમારી હાજરી પોતે જ એક ભેટ છે,
અમને લગ્નમાં કોઈ ભેટ જોઈતી નથી.
ફરી-ફરીને વાંચીને હું કન્ફ્યુઝ થઈ ગયો કે કહેવા શું માગે છે.
ફાઇનલી સમજાયું કે મને આમંત્રણ મળ્યું નથી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)