ગુજરાતી રંગભૂમિ પર નાટકના ૨૦૦ શો એટલે જાણે હિન્દી ફિલ્મની ૧૦૦ કરોડની ક્લબમાં સમાવેશ અને આ વાત જયા બચ્ચન બહુ સારી રીતે સમજી ગયાં હતાં
જે જીવ્યું એ લખ્યું
વાર્તામાં અટવાયેલા અમે સૌ એ ભૂલી ગયા હતા કે હાર્દિક સાંગાણીની ઍક્ટિંગ, તેની લાચારી અને તેનું ભોળપણ ઑડિયન્સને કનેક્ટ કરી જશે.
પદ્મારાણીવાળા એ નાટકના ઇન્ટરવલમાં જયાજીએ ટ્રોફી-વિતરણ કર્યું. ટ્રોફી-વિતરણની પ્રક્રિયા ચાલતી હતી એ દરમ્યાન પદ્માબહેને જયાજીને પૂછ્યું કે ટ્રોફી-ડિસ્ટિબ્યુશન પછી હવે તમે નીકળી જશોને, તો તરત જ જયાજીએ જવાબ આપ્યો, ‘ના, હું તો આખું નાટક જોઈશ અને નાટક પૂરું થયા પછી બૅક-સ્ટેજમાં તમને મળીને જઈશ.’
રવિવાર અને ૨૮ નવેમ્બર, ૨૦૧૦.
તેજપાલ ઑડિટોરિયમ.
ADVERTISEMENT
બપોરે ૪ વાગ્યે ‘ઝીરો બની ગયો હીરો’નો શુભારંભ શો અને એ જ દિવસે બપોરે સાડાત્રણ વાગ્યે નેહરુ ઑડિટોરિયમમાં મારા ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’નો શો. ઇચ્છું તો પણ હું ‘ઝીરો બની ગયો હીરો’માં હાજર ન રહી શકું એટલે મારે અધ્ધર જીવે મારો શો કરવાનો હતો. અધૂરામાં પૂરું, અમે લોકોએ કોઈ પ્રકારનો પ્રીવ્યુ શો પણ નહોતો કર્યો એટલે અમને ખબર પણ નહોતી કે જે ચેન્જિસ કર્યા બાદ હવે નાટક કેવું બન્યું છે તો પાશેરામાં પહેલી પૂણીની જેમ, જે દિવસે શુભારંભ હતો એ દિવસે ડ્રાઇવર રજા પર એટલે ગાડી પણ મારે ચલાવવાની હતી. ડિસ્ટન્સની ચર્ચામાં પડ્યા વિના તમને કહું તો, નેહરુ અને તેજપાલ ઑડિટોરિયમ વચ્ચે અડધા કલાકનો ટાઇમ-ડિફરન્સ.
તેજપાલમાં ચાર વાગ્યે નાટક શરૂ થાય અને સાડાછ વાગ્યા સુધીની ડેડલાઇન. ધારો કે નાટક દસેક મિનિટ મોડું શરૂ થાય કે પછી લાંબું ચાલે તો તેજપાલના મૅનેજર ઠક્કરસાહેબ કશું બોલે નહીં, પણ એની સામે નેહરુ જબરદસ્ત સ્ટ્રિક્ટ. નેહરુમાં ટાઇમ-ટુ-ટાઇમ નાટક ચાલુ ન કરો તો તેમને વાંધો નથી, પણ તમારે નાટક ડૉટ છ વાગ્યે પૂરું કરવું જ પડે એટલે મારે સતત ટેન્શન વચ્ચે જ આગળ વધવાનું હતું. નાટકના રિપોર્ટ્સ મને મળે એ માટે મેં નાનકડો રસ્તો કાઢ્યો હતો.
મારા મિત્ર ડૉ. કીર્તિ પટેલ એ દિવસે તેજપાલમાં ‘ઝીરો બની ગયો હીરો’ જોવા બેઠા હતા, જેની મને ખબર હતી. મેં તેમને કહ્યું કે નાટક કેવું જાય છે એ તમે મને મેસેજ કરીને જણાવજો.
આમ વાત કરીને હું તો મારો ફોન બંધ કરી નાટકનો શો કરવા જતો રહ્યો. મારા નાટકનો શો પૂરો થયો એટલે ફટાફટ પાછા આવીને મેં મોબાઇલ ચાલુ કર્યો કે ધડધડધડ કરતા મેસેજ આવવાના શરૂ થયા, પણ મને એ બધા મેસેજ વચ્ચે કીર્તિ પટેલના મેસેજમાં વધારે રસ હતો. હું મેસેજ સ્ક્રૉલ કરતો ગયો અને મારું ધ્યાન ડૉ. કીર્તિ પટેલ પર ગયું. તેમણે શબ્દો ચોર્યા વિના લખ્યું હતું...
‘ફર્સ્ટ ઍક્ટ ઓકે-ઓકે છે...’
આ પણ વાંચો : બે મહિના અને ૧૮ દિવસમાં નવું નાટક : ટીમ વિના અમુક કામ શક્ય જ નથી
મારા પેટમાં ફાળ પડી. અમને તો એમ લાગતું હતું કે ફર્સ્ટ ઍક્ટ તો બહુ સારો છે, પણ કીર્તિભાઈને ફર્સ્ટ ઍક્ટ તો ઓકે-ઓકે લાગ્યો છે. બીજી તરફ અમે સેકન્ડ ઍક્ટનું તો રન-થ્રૂ સુધ્ધાં નથી કર્યું, જે અત્યંત આવશ્યક હતું, કારણ કે અમે એમાં અઢળક ચેન્જિસ કર્યા હતા.
માર્યા ઠાર, નાટક આ અમારું ઘૂસી ગયું.
મનમાં કંઈક આવા જ વિચાર સાથે મેં મારા નાટકનો શો પૂરો કર્યો અને મેકઅપ કાઢી મેં ગાડી સ્ટાર્ટ કરી.
વરલીથી તેજપાલનો રસ્તો મેં જે પ્રેશર વચ્ચે કાઢ્યો છે એ હું આજે પણ ભૂલ્યો નથી. જેવો તેજપાલના ગેટ પાસે ગાડી લઈને પહોંચ્યો કે બહાર કિરણ ભટ્ટ એટલે કે કેબી મળ્યો. કેબી ખૂબ જાણીતો પ્રસ્તુતકર્તા છે અને હવે તો નાટકોનો ડિરેક્ટર પણ બની ગયો છે તો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું કૅરૅક્ટર પણ કેબી જ કરે છે. કેબી તેજપાલની બહાર ઊભો હતો, મને જોતાં જ તેણે કહ્યું, ‘સારું થયું તું આવી ગયો સંજુ, ફટાફટ અંદર જા, લોકો કર્ટન કૉલને તાળીઓથી વધાવી રહ્યા છે.’
એમ ને એમ જ ગાડી મૂકીને હું અંદર ગયો. અંદર ઑડિટોરિયમમાં પહોંચ્યો ત્યારે હાર્દિક સાંગાણીનું ઇન્ટ્રોડક્શન થઈ ચૂક્યું હતું અને લોકોએ હાર્દિકને સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. હવે રાઇટર-ડિરેક્ટર-પ્રોડ્યુસરના ઇન્ટ્રોડક્શનનો વારો હતો અને બધાને સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું. નાટક લોકોને ખૂબ ગમ્યું અને ખરેખર મેં નિરાંતનો શ્વાસ લીધો અને શું કામ નહીં, આ નાટક સારું જાય એ મારા માટે જ નહીં, અમારી આખી ટીમ માટે બહુ જરૂરી હતું, કારણ કે નાટક બહુ ખર્ચાળ હતું, બહુ ઍમ્બિશિયસ પ્રોજેક્ટ હતો.
નાટકના પહેલા શો પછી નાટક હિટ હોય કે ફ્લૉપ, હું અને વિપુલ એનું ઍનૅલિસિસ કરવા બેસીએ. અમારી વચ્ચે એ ચર્ચા ચાલતી રહે. ‘ઝીરો બની ગયો હીરો’ પછી અમે જે ચર્ચા કરી એમાંથી એ વાત બહાર આવી કે આપણે બધાએ ટેક્નિકલ આસ્પેક્ટ્સ અને નાટકની વાર્તાના હૅપનિંગ પર ધ્યાન આપ્યું, પણ એ વાત ભૂલી જ ગયા કે હાર્દિક સાંગાણીને ઑડિયન્સની ખૂબ બધી સિમ્પથી મળશે. નાટકમાં એ વાત પણ કામ કરી ગઈ. લોકો હાર્દિક સાંગાણીના ભોળપણ પર ફિદા થઈ ગયા અને તેના ભોળપણ સાથે કનેક્ટ થયા. આ છોકરા સાથે કશું ખરાબ ન થવું જોઈએ. બસ, પ્રેક્ષકોનો આ જ રિસ્પૉન્સ હતો અને એ રિસ્પૉન્સને લીધે નાટક સુપરડુપર હિટ થયું.
‘ઝીરો બની ગયો હીરો’ નાટક ખૂબ ચાલ્યું, બૉક્સ-ઑફિસ પર પણ ચાલ્યું અને સોલ્ડઆઉટ શોમાં પણ એણે ધૂમ મચાવી. બહારગામમાં પણ બહુ શો કર્યા. આ નાટકના અમે કુલ ૨૨પ પ્રયોગ કર્યા અને એની યાદગીરીરૂપે અમારા ક્રૂ મેમ્બરને અમે ટ્રોફી પણ આપી. મને આજે પણ યાદ છે કે અમે સિત્તેર ટ્રોફી બનાવી હતી.
આ પણ વાંચો : આપણે સંવાદ કરવા બેઠા છીએ, વિવાદ કરવા નહીં
ટ્રોફી માટે પણ અમે ખાસ બજેટ બનાવીએ. અમને લાગે કે આ નાટક ૨૦૦ શો કરશે એટલે ૧૦૦ શો પછી અમે શોદીઠ ૫૦૦ રૂપિયા અલગ કવરમાં મૂકતા જઈએ, એ જે પૈસા ભેગા થાય એમાંથી ટ્રોફી બનાવીએ અને એ પછી પણ પૈસા વધે તો પાર્ટી કરીએ. ‘ઝીરો બની ગયો હીરો’માં ટ્રોફીનું બજેટ વધી ગયું હોવાથી અમે પાર્ટી નહોતા કરી શક્યા. ટીમ મોટી હતી જેને લીધે કુલ ૭૦ ટ્રોફી બનાવી હતી.
નાટકનો ૨૦૦મો શો ભાઈદાસ ઑડિટોરિયમમાં હતો, જે જોવા માટે મેં જયા બચ્ચનને બોલાવ્યાં હતાં. જયાજી મારાં હિટ થયેલાં દરેક નાટક જોવા હંમેશાં આવતાં. તેઓ પોતે નાટક કરી ચૂક્યાં હતાં એટલે તેમને ખબર હતી અને આખી ઇકૉનૉમીનો આઇડિયા હવે આવી ગયો હતો. ગુજરાતી રંગભૂમિ પર નાટકના ૨૦૦ શો થવાનો સીધો અર્થ એવો કરી શકાય કે હિન્દી ફિલ્મે ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. એટલે તેમને હું જેવું કહું કે નાટકના ૨૦૦ શો થયા છે અને એનું ટ્રોફી ડિસ્ટ્રિબ્યુશન તમારે કરવાનું છે એટલે તેઓ તરત જ સમજી જાય કે સરસ નાટક જોવા મળશે અને તરત હા પાડી દે. તમને આ જ વાતનું બેસ્ટ એક્ઝામ્પલ આપું.
અમારું પદ્મારાણી અભિનીત એક નાટક હતું, જેના ૨૦૦ શો થયા એટલે અમે ત્યારે ટ્રોફી-વિતરણનો કાર્યક્રમ રાખ્યો, જયાજી જ એને માટે નાટકમાં આવ્યાં. ઇન્ટરવલમાં ટ્રોફી-વિતરણ કર્યું. ટ્રોફી-વિતરણની એ પ્રક્રિયા ચાલતી હતી એ દરમ્યાન પદ્માબહેને જયાજીને પૂછ્યું કે ટ્રોફી-ડિસ્ટિબ્યુશન થઈ ગયું એટલે હવે તો તમે નીકળી જશોને. તો તરત જ જયાજીએ જવાબ આપ્યો, ‘ના, હું તો આખું નાટક જોઈશ અને નાટક પૂરું થયા પછી બૅક સ્ટેજમાં તમને મળીને પણ જઈશ.’ એ દિવસે જયાજીએ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે હું અહીં નાટક જોવા આવી છું, ટ્રોફી-ડિસ્ટ્રિબ્યુશનની ઇવેન્ટ તો મારા માટે બાય-પ્રોડક્ટ છે.
આ પણ વાંચો : હાર્દિક સાંગાણીના ચહેરા પરનું ભોળપણ કોઈને પણ સ્પર્શી જાય
‘ઝીરો બની ગયો હીરો’નો ૨૦૦મો શો ભાઈદાસ ઑડિટોરિયમમાં હતો અને ભાઈદાસ જયાજીના ઘરની સાવ નજીક એટલે એ રીતે પણ તેમને માટે આવવું સાવ ઈઝી થઈ જાય.
જયાજી પોતે તો નાટક જોવા આવ્યાં જ, પણ તેઓ પોતાની સાથે બીજી પણ એક બહુ જાણીતી વ્યક્તિને લઈ આવ્યાં અને એ સિવાય પણ આજના સમયનો બહુ જાણીતો એક સ્ટાર પણ નાટક જોવા આવ્યો, પણ એ બધી વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે. મળીએ એક નાનકડા વીકલી વિરામ પછી...
જોક સમ્રાટ
કેવો ઘોર અન્યાય કહેવાય.
મંગળસૂત્ર ખેંચનારાને ત્રણ વર્ષની સજા...
અને મંગળસૂત્ર પહેરાવનારને જન્મટીપની સજા!
ઘોર અન્યાય, સાહેબ ઘોર અન્યાય
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)