આ જ વિચાર સાથે અમે પચીસ પ્રયોગ માટે ઓપન કરેલું નાટક ‘બા રિટાયર થાય છે’ બંધ કરવાને બદલે સવાસો શો સુધી ચાલુ રાખ્યું
જે જીવ્યું એ લખ્યું
‘બા રિટાયર થાય છે’ના રી-ઓપન સમયે સૌથી વધુ જો કોઈને મેં યાદ કર્યા હોય તો એ શફી ઇનામદાર હતા.
‘બા રિટાયર થાય છે’નાં રિહર્સલ્સમાં મેં શફી ઇનામદારને સૌથી વધુ મિસ કર્યા. મને ફ્લોર પર રીતસર શફીભાઈ દેખાતા. સામાન્ય રીતે મારી આંખો ભાગ્યે જ ભીની થાય, પણ ‘બા રિટાયર થાય છે’નાં રિહર્સલ્સ સમયે એ અનેક વાર ભીની થઈ. એ સમયે મને થયું કે શફીભાઈ ખરેખર બહુ નાની ઉંમરે ચાલ્યા ગયા.
‘આપણે ‘બા રિટાયર થાય છે’ ઓપન કરીએ તો કેવું?’
ADVERTISEMENT
ટીવી-સિરિયલના કામમાંથી મોકળાશ કાઢીને હું નવા નાટક પર ફરી લાગી ગયો. ગયા સોમવારે તમને કહ્યું એમ એ દિવસોમાં અમારો ડિરેક્ટર વિપુલ મહેતા અવેલેબલ નહોતો. તે બહારનું કોઈ નાટક કરતો હતો. એટલે મેં હુકમના એક્કા જેવું અમારું નાટક રી-ઓપન કરવાનું નક્કી કરીને મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીને ઉપર મુજબનો સવાલ કર્યો અને કૌસ્તુભ તરત જ તૈયાર થઈ ગયો. ‘બા રિટાયર થાય છે’ એવરગ્રીન અને સુપરહિટ નાટક એટલે નૅચરલી એ નાટક રી-ઓપન કરવાનું મન થાય એ સમજાય. જોકે આ સિવાયનું પણ એક કારણ હતું, જેને લીધે મને નાટક ફરી કરવાનું મન થયું હતું.
અગાઉ નાટકમાં બાનું લીડ કૅરૅક્ટર કરનારાં પદમારાણી ત્યારે અવેલેબલ હતાં. મેં પદમાબહેનને પૂછ્યું અને તેમણે તરત જ કહ્યું કે જો તું એ નાટક ઓપન કરતો હોય તો મારે બીજું કોઈ નાટક નથી લેવું. આમ અમને કાસ્ટિંગમાં પદમારાણી જ મળી જતાં હતાં એટલે મેં કન્ફર્મ કરી લીધું કે હવે તો આપણે ‘બા રિટાયર થાય છે’ નાટક જ કરવું છે. બા નક્કી થઈ ગયાં એટલે વાત આવી તેમના હસબન્ડના રોલની, જેમાં અમે સનત વ્યાસને નક્કી કર્યા તો મોટી વહુના રોલમાં અમે ભક્તિ રાઠોડને લીધી અને એ પછી કપિલ ભુતા, કિંજલ ભટ્ટ, જૈનિલ દવે, દ્રુમા મહેતા અને મયૂર ભાવસારને ફાઇનલ કર્યાં.
‘બા રિટાયર થાય છે’ના કાસ્ટિંગમાં મને બહુ વાર નહોતી લાગી, જેનું ચોક્કસ કારણ હતું. નાટકનું એકેએક કૅરૅક્ટર મારી આંખ સામે હતું એટલે અમારે એ કૅરૅક્ટર કરી શકે એવા કલાકારોને જ સીધું પૂછવાનું હતું તો આ નાટક ખરા અર્થમાં ગુજરાતી રંગભૂમિનું માઇલસ્ટોન બની ગયું હોવાથી કોઈ ઍક્ટર નાટકની ઑફર ઠુકરાવવા તૈયાર નહોતો. નાટકની અમારી ટેક્નિકલ ટીમ પણ ફાઇનલ જ હતી. કલા છેલ-પરેશ, પ્રકાશ આયોજન રોહિત ચિપલુણકર, પ્રચાર દીપક સોમૈયા અને મ્યુઝિક લાલુ-સાંગો. ભલે મ્યુઝિકમાં અમે લાલુ-સાંગોનું નામ મૂક્યું હોય, પણ હકીકત તો એ જ હતી કે એનું મ્યુઝિક અમારી પાસે રેડી હતું. અમે જ્યારે આ જ નાટક જયા બચ્ચન સાથે હિન્દીમાં કર્યું ત્યારે પણ એ જ મ્યુઝિક રાખ્યું હતું એટલે નૅચરલી અહીં પણ અમે ઓરિજિનલ મ્યુઝિક જ રાખવાના હતા. મારે આ નાટક એકદમ ઓછા બજેટમાં બનાવવું હતું એટલે અમે ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ નાટકનો જ સેટ થોડાઘણા સુધારા સાથે વાપર્યો. આ નાટકનું દિગ્દર્શન મેં સંભાળ્યું અને નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. નાટકનાં રિહર્સલ્સ દરમ્યાન જો મેં કોઈને સૌથી વધુ મિસ કર્યા હોય તો એ શફી ઇનામદાર હતા. મને ફ્લોર પર રીતસર શફીભાઈ દેખાતા. સામાન્ય રીતે મારી આંખો ભાગ્યે જ ભીની થાય, પણ ‘બા રિટાયર થાય છે’નાં રિહર્સલ્સ સમયે એ અનેક વાર ભીની થઈ. એ સમયે મને ખરેખર થયું હતું કે શફીભાઈ બહુ નાની ઉંમરે ચાલ્યા ગયા. જો તેમની હયાતી હોત તો ખરેખર અમે સાથે ખૂબ કામ કર્યું હોત. યોગાનુયોગ ગયા સોમવારે એટલે કે ૧૩ માર્ચે શફીભાઈની પુણ્યતિથિ ગઈ અને જોગાનુજોગ જુઓ. એ જ દિવસે ‘બા રિટાયર થાય છે’ રી-ઓપનની વાત અહીં શરૂ થઈ. ઍનીવે, નાટકથી વાત પર પાછા આવીએ.
અમે પહેલેથી નક્કી રાખ્યું હતું કે અમારે આ નાટક લાંબું ચલાવવું નથી અને એટલે જ અમે નાટકનું અનાઉન્સમેન્ટ કરતી વખતે જ જાહેર કરી દીધું કે માત્ર પચ્ચીસ પ્રયોગ માટે જ આ નાટકના શો કરવામાં આવશે અને એ પછી એને બંધ કરી દઈશું.
૨૦૧૧ની ૨૩ ઑક્ટોબર, રવિવાર.
રાતે નવ વાગ્યે અમે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં નાટકના શુભારંભની જાહેરાત કરી અને નાટક ઍડ્વાન્સ ફુલ. નાટક જોવાનો લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો અને હોય પણ શું કામ નહીં. ત્રણ દશકા પછી આ નાટક ફરી સ્ટેજ પર આવતું હતું. અરે, અનેક લોકો ટિકિટ વિના પાછા ગયા અને પછી દહિસર-વિરારથી છેક તેજપાલમાં નાટક જોવા આવ્યા. તમને કહ્યું અમે અમે તો આ નાટકના પચ્ચીસ જ શો કરવા માગતા હતા; પણ લોકોએ અમારા પર રીતસર પ્રેશર કર્યું કે નાટક બંધ નહીં કરો, આવા અદ્ભુત નાટકનો લાભ નવી પેઢીને પણ લેવા દો અને મિત્રો, આ વાત મને સૌથી વધારે અગત્યની લાગી. મેં મારી યુવાવસ્થામાં જોયાં હોય એમાંનાં નાટકો આજે પણ મને યાદ છે અને એ નાટક કોઈ ને કોઈ રૂપે મને ફરી જોવા મળે તો હું એ જોવાની તક ચૂકું નહીં. મને થયું કે આ નાટક ચાલવું જોઈએ અને વધુમાં વધુ લોકો જુએ એવું કરવું જોઈએ. અમે અમારો નિર્ણય બદલ્યો અને ‘બા રિટાયર થાય છે’ નાટકના ૧૨૪ શો કર્યા.
‘બા રિટાયર થાય છે’ના શો માર-માર ચાલવા માંડ્યા ત્યારે પણ વિપુલ મહેતા બહારના નાટકમાં જ વ્યસ્ત હતો અને અમારે નવું નાટક કરવાનો સમય આવી ગયો. બન્યું એમાં એવું કે કૌસ્તુભ ત્રિવેદીનું બૅનર શો પીપલ ફ્રી થઈ ગયું અને એમાં અમારી પાસે ડેટ્સ હતી એટલે ફરી નાટકની તાતી જરૂરિયાત ઊભી થઈ અને નાટક તરત જ કરવાનું હોય એટલે નૅચરલી નવી વાર્તા, એની તૈયારી અને ઇનહાઉસ ડિરેક્ટરની અનઅવેલબિલિટી વચ્ચે એ શક્ય બને નહીં.
હવે કરવું શું?
મેં ફરી એક વાર અમારો ઇતિહાસ ખોલ્યો અને એમાંથી ‘ચૂંગચીંગ’ નાટક કાઢ્યું, જે ઓરિજિનલી પ્રવીણ જોષીએ ‘પ્રેમશાસ્ત્ર’ના નામે કર્યું હતું. આ નાટક ત્યાર પછી હિન્દીમાં ‘ચૂંગચીંગ’ના નામે થયું હતું અને ગુજરાતીમાં પણ એ જ નામે થયું હતું. આ નાટકમાં સેક્સ અને બીજી થોડી એવી વાતો હતી જે પ્રેક્ષકો માટે રુચિકારક નહોતી એટલે ‘ચૂંગચીંગ’નું ગુજરાતી વર્ઝન ચાલ્યું નહોતું. ટિપિકલ ફારસીકલ પ્લે. પ્રવીણ જોષીએ પણ જ્યારે એ નાટક કર્યું હતું ત્યારે પારસી ઑડિયન્સ માટે જ કર્યું હતું, કારણ કે પારસીઓ એ પ્રકારના જોક સહજતા સાથે પચાવી જતા હતા. જો અમારે એ નાટક કરવું હોય તો એ બધું એમાંથી કાઢવું પડે અને જો એ નીકળી જાય તો નાટક ગુજરાતી પ્રેક્ષકો માટે રુચિકર બની જાય.
ડન, એ નાટક કરીએ.
અમે નક્કી કર્યું કે આપણે આ જ નાટક કરીએ, પણ અમારી એક નાનકડી મજબૂરી હતી. મારી પાસે સ્ક્રિપ્ટ નહોતી. મને માત્ર વનલાઇન ખબર હતી અને એના આધારે અમારે હવે નાટક તૈયાર કરવાનું હતું. નાટક તૈયાર કરવા માટે મેં સંપર્ક કર્યો ખૂબ જાણીતા કવિ, અનુવાદક, સંચાલક અને પ્રોફેશનલી ડૉક્ટર એવા રઈશ મનીઆરનો. રઈશ મનીઆર વિશે જરા તમને વાત કરી દઉં. આપણે ત્યાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ જૂજ છે. ડૉ. રઈશ મનીઆર ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ છે. સુરતી જીવ એટલે સાહિત્યમાં તો રસ હોવાનો જ, પણ આ રસ એવો તે અદ્ભુત કે તેમણે ગુલઝાર અને જાવેદ અખ્તર જેવા જાણીતા અને પ્રતિષ્ઠિત શાયરોના સર્જનનું એવું તે સરસ ભાષાંતર કર્યું કે ગુલઝાર અને જાવેદ અખ્તર પણ તેમના પર ઓવારી ગયા. જોકે મેં તેમને આ કૉમેડી નાટક લખવાનું ઇજન કેમ આપ્યું એનું કારણ છે તેમની હાસ્ય-કવિતાઓ. તેમણે એટલી સરસ હાસ્ય-કવિતાઓ લખી છે કે એ વાંચતી-સાંભળતી વખતે તમારાથી ખડખડાટ હસી પડાય. આવું કૌવત ભાગ્યે જ લોકોમાં હોય છે. અમારા નાટક ‘બાને ઘેર બાબો આવ્યો’માં અમે રઈશભાઈની એક કવિતા વાપરી પણ હતી. એ સમયથી અમારા સંબંધો, જે ત્યાર પછી ઘનિષ્ઠ થતા ગયા. ઘણી વાર અમારી વચ્ચે વાત થઈ હતી કે આપણે સાથે નાટક કરીએ, પણ કમનસીબે એવો મોકો નહોતો આવતો. જોકે મને લાગ્યું કે હવે મોકો આવી ગયો છે તો પછી તક હાથમાંથી જતી નથી કરવી.
રઈશ મનીઆર સાથે મારે શું વાત થઈ અને તેમને જ્યારે મેં વનલાઇન સંભળાવી ત્યારે તેમના પ્રત્યાઘાત કેવા હતા એની વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે.
જોક સમ્રાટ
જો ગઝલ સાંભળીએ તો બૈરી કહે : કાં, કોની યાદ બહુ આવે છે?!
જો પિક્ચરનાં ગીત સાંભળીએ તો ભાઈબંધ કહે : કઈ ફટાકડીનાં સપનાં જુએ છે?!
જો ભજન સાંભળીએ તો ભગવાન કહે: ગમે એ કર, તને સ્વર્ગમાં તો નથી જ લેવાનો.
સાલું, પુરુષોએ સાંભળવું શું? તાબોટા?!
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)