હા, કારણ કે તેમની પ્રાયોરિટી નાટક છે જ નહીં. નાટક સાથે સંકળાયેલા કલાકારમાં એક ડિસિપ્લિન હોય. નાટક કેવા પ્રકારનું કમિટમેન્ટ માગે એની તેમને જાણ હોય અને એટલે જ તે નાટક સાથે પૂરી નિષ્ઠાથી જોડાયેલા રહે
જે જીવ્યું એ લખ્યું
‘મુક્તિ-બંધન’ સિરિયલથી કરીઅર શરૂ કરનારી ઈશા કંસારાને ગુજરાતી નાટકમાં કામ કરવું હતું.
‘રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા’માં જે હિરોઇનનું લીડ કૅરૅક્ટર હતું એના માટે વિપુલ મહેતા મારી પાસે એક નામ લાવ્યો, ઈશા કંસારા. આ ઈશાએ પોતાની કરીઅરની શરૂઆત ‘મુક્તિ-બંધન’ સિરિયલથી કરી. કલર્સ ટીવી પર શરૂ થયેલી આ સિરિયલ હરકિસન મહેતાની આ જ નામની નવલકથા પરથી બની હતી.
અમારા નવા નાટક ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ દરમ્યાન જ મારી નવી સિરિયલનું કામ પણ શરૂ થઈ ગયું હતું. ગયા સોમવારે તમને કહ્યું એમ, ઝી મરાઠી પર રિલીઝ થયેલી એ સિરિયલ ‘આઝૂનહી ચાંદરાત આહે’નું શૂટ ચેમ્બુરના એસેલ સ્ટુડિયોમાં થતું હતું. આ સિરિયલ શરૂ થાય એ પહેલાં જ ફરી એક વાર પ્રી-પ્રોડક્શનમાં જ અમે ખર્ચની લિમિટ ગુમાવી દીધી અને મને પેટમાં ફડકો પડ્યો કે મોટી નુકસાની જોવી પડશે. એવું બને નહીં એટલે ધીમે-ધીમે મેં સિરિયલના પ્રોડક્શનનું કામ મારા હાથમાં લેવાનું શરૂ કર્યું અને જ્યાં પણ ખોટો ખર્ચ થતો હતો એ જગ્યાઓ બંધ કરવાનું કે પછી એ ખર્ચ પર બ્રેક મારવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
આ તરફ અમારા નાટક ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’નાં ગ્રૅન્ડ રિહર્સલ શરૂ થયાં અને એક સાંજે ડિરેક્ટર વિપુલ મહેતાએ મને કહ્યું કે મારી પાસે એક વાર્તા છે, મને લાગે છે કે સરસ નાટક બનશે.
‘હા, પણ લખશે કોણ?’
એ સમયે બધા રાઇટર અલગ-અલગ પ્રોજેક્ટમાં ઇન્વૉલ્વ થઈ ગયા હતા એની મને ખબર એટલે મેં મુદ્દાનો પ્રશ્ન કર્યો અને પછી અમારા વચ્ચે લેખક વિશે ચર્ચા થઈ. બે-ચાર નામોની વાત થઈ પણ એક નામ પર અમે બન્ને સહમત થયા. મુકેશ જોષી અને હિતેન આનંદપરા. હું અને વિપુલ તેમને મળ્યા અને વાર્તા સંભળાવીને મુકેશ-હિતેનને કહ્યું કે આપણે આના પરથી નાટક કરીએ. આ નાટક એટલે અમારા પ્રોડક્શનનું ૬૮મું નાટક ‘રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા’.
મને અત્યારે પણ પાકું યાદ છે કે વિપુલ મહેતા, હિતેન આનંદપરા, મુકેશ જોષી અને હું એમ ચાર જણ વિપુલના ઘરે મીટિંગ માટે મળ્યા હતા. અહીંથી વાત આગળ વધારતાં પહેલાં મારે થોડી આડવાત કરવી છે, જે દરેકના જીવનમાં બહુ જરૂરી છે.
અમારા પ્રોડક્શનમાં ક્યારેય કોઈ પણ મીટિંગ કરવાની હોય તો એ મીટિંગ હોટેલમાં થાય જ નહીં. રાઇટર સાથેની મીટિંગ હોય કે પછી સેટ ડિઝાઇનર સાથે મીટિંગ હોય કે પછી અમારે પ્રોડક્શનના અન્ય કામ માટે મીટિંગ કરવાની હોય, પણ અમે એ કોઈના અને કોઈના ઘરે જ મીટિંગ કરીએ. એ દિવસોમાં મારે ઑફિસ નહોતી પણ આવી વાતોના કારણે જ અને સિરિયલના પ્રોડક્શનને પર્મનન્ટ રૂપરેખા આપવાના હેતુથી જ મેં ઑફિસ વિશે વિચાર્યું પણ એની વાતો આગળ કરીએ.
મેં હંમેશાં નિયમ રાખ્યો છે કે કામની બાબતમાં ટ્રાન્સપરન્ટ રહેવાનું અને ટ્રાન્સપરન્સી રાખવાની. કહ્યું એમ, હોટેલોમાં મીટિંગ માટે જવાનું નહીં અને એવી જ રીતે દારૂ પીતી વખતે પણ મીટિંગ કરવાની નહીં. કામની વાત હોય ત્યારે વચ્ચે દારૂ જોઈએ નહીં અને દારૂ હોય ત્યારે એક પણ કામની વાત વચ્ચે લાવવાની નહીં. બીજું, હોટેલમાં મળીને મીટિંગ કરો અને ખાઓપીઓ કે પછી દારૂનું બિલ તમે કંપનીમાં નાખો એ સિસ્ટમ પણ મેં ક્યારેય ડેવલપ થવા નથી દીધી. આ પ્રકારના ખર્ચાઓ અમે અલાઉ જ નથી કરતા. તમને પણ એટલા માટે કહું છું કે બિઝનેસ કરતા હો અને એ પાર્ટનરશિપમાં હોય ત્યારે તો તમારે આવી વાતોનું બહુ ધ્યાન રાખવું જોઈએ. કાચ અને વિશ્વાસ બન્ને સરખા. તૂટે એટલે એની કરચ વાગ્યા વિના રહે નહીં. ઍનીવેઝ, આપણી વાત આગળ વધારીએ.
મીટિંગ માટે અમે બધા વિપુલ મહેતાના ઘરે ભેગા થયા. વિપુલે જ્યારે વાર્તા કરી ત્યારે એ વાર્તા સાથે હું પૂરેપૂરો સહમત નહોતો. ઘણા મુદ્દે હું વિપુલથી અલગ પડતો હતો પણ વિપુલ એ સાંભળવા રાજી જ નહીં અને અમારી વચ્ચે ખૂબ ઉગ્ર કહેવાય એવી બોલાચાલી થઈ. કહો કે ઝઘડો જ થઈ ગયો. મને અને વિપુલને આમ લડતા-ઝઘડતા જોઈને મુકેશ-હિતેન તો રીતસર હેબતાઈ ગયા કે આ લોકો આ સ્તર પર ઝઘડી પડ્યા.
હવે શું?
થોડી વાર શાંતિ રહી અને પછી જમવાનું પીરસાયું. અમે તો બેસી ગયા જમવા અને બધું ભુલાઈ પણ ગયું. કહેવાનો મતલબ એ કે આ અમારો ક્રીએટિવ ઝઘડો હતો અને સર્જનાત્મક મતભેદને ક્યારેય બાંધી રાખવાના ન હોય. આ જ વાતની સાથે હું એ પણ કહીશ કે અગાઉ મારી અને વિપુલ વચ્ચે ઝઘડા ઓછા થતા. વિપુલ ધ્યાનથી વાત સાંભળતો અને જે વાત સાથે તે સહમત ન હોય એ વાત માટે તે નિષ્ઠાથી સમજાવતો પણ ખરો. ઘણી વાર તો એવું થાય કે હું તેની અસહમતી સાથે સહમત ન થયો હોઉં તો એ સહજ રીતે વાત માની પણ લે અને આગળ વધી જાય, પણ હવે સમય બદલાયો હતો.
હવે વિપુલ મને ડિફાઇન કરવા લાગ્યો હતો અને ધીમે-ધીમે એ મારા મત વિરુદ્ધ એકદમ બોલવા લાગ્યો હતો અને વાતને સમજાવવાની તેની તૈયારી પણ નહોતી રહેતી પણ ઇટ્સ ઓકે. આ એનો મત અને સ્વભાવ હોઈ શકે છે એવું હું ત્યારે પણ માનતો અને આજે પણ માનું છું. જે સમયે તે કોઈ જાતની આર્ગ્યુમેન્ટ વિના વાત સ્વીકારી લેતો એ ખોટું નહોતું તો અત્યારે તે વિના સંકોચે મોઢા પર મને કહી દેવાની માનસિકતા રાખવા માંડ્યો એમાં પણ કશું ખોટું નથી પણ હા, એક વાત કહીશ. વિપુલનો આ જે અપ્રોચ હતો એ અપ્રોચ કેવી રીતે આગળ જતાં અમારા માટે ઘાતકી બન્યો અને કેવી રીતે અમારી જોડી તૂટવામાં કારણભૂત બન્યો એ વાત સમય આવ્યે કરીશ પણ અત્યારે આપણે વાત કરીએ, નાટક ‘રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા’ની.
સાથે બેસીને અમે લોકોએ વાર્તા બનાવી, જે બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. વાર્તા પરથી મુકેશ-હિતેને નાટક લખવાનું શરૂ કર્યું અને અમે કાસ્ટિંગ પર લાગ્યા. નાટકમાં લીડ કૅરૅક્ટરમાં જે છોકરી હતી તેનાં મૅરેજ માટે નાનપણમાં જ કૉલ અપાઈ ગયો અને છોકરો અમેરિકા જતો રહ્યો. સમય વીતતો જાય છે. હવે ઇન્ડિયામાં જે છોકરી છે એ બીજા છોકરાને બહુ ગમવા માંડી છે અને તેની સાથે છોકરીનાં લગ્ન પણ નક્કી થાય છે, પણ એ જ સમયે પેલો છોકરો પાછો આવે છે.
આ જે લીડ કૅરૅક્ટર હતું એના માટે વિપુલ મહેતા મારી પાસે એક નામ લાવ્યો, ઈશા કંસારા. આ ઈશાએ પોતાની કરીઅરની શરૂઆત ‘મુક્તિ-બંધન’ સિરિયલથી કરી. કલર્સ ટીવી પર શરૂ થયેલી આ સિરિયલ હરકિસન મહેતાની આ જ નામની નવલકથા પરથી બની હતી, જેને પ્રોડ્યુસ શોભના દેસાઈએ કરી. ‘મુક્તિ-બંધન’ સિરિયલની રાઇટિંગ ટીમમાં વિપુલ મહેતા પણ હતો. સિરિયલ દરમ્યાન ઈશાએ વિપુલને કહ્યું હતું કે મારે નાટકમાં કામ કરવું છે, તમારી પાસે કોઈ રોલ હોય તો કહેજો.
‘સંજયભાઈ, બહુ સરસ ઍક્ટ્રેસ છે અને લુક્સ પણ સરસ છે...’
વિપુલે મને કહ્યું અને તેની વાત ખોટી પણ નહોતી, એમ છતાં મને ઈશા કંસારામાં બહુ ઇન્ટરેસ્ટ નહોતો પડ્યો. મેં એ સમયે જ વિપુલને કહ્યું હતું કે આ છોકરીને કાસ્ટ કરવાનો કોઈ અર્થ નથી.
‘જે સમયે ઈશાને સિરિયલ કે ફિલ્મ મળશે એ સમયે તે નાટક છોડીને નીકળી જશે...’ મેં વિપુલને સમજાવ્યો, ‘નાટકમાં કયા અને કેવા પ્રકારનું કમિટમેન્ટ હોય એની તેને ખબર જ નથી એટલે આપણે એમાં આગળ વધવું ન જોઈએ.’
વાત બહુ લાંબી છે એટલે એક નાનકડો વિરામ લેવો પડશે. મળીએ આવતા સોમવારે...
ક્રીએટિવ રાઇટિંગ માટે ભાઈને સવારથી ઍડ્વર્ટાઇઝિંગવાળાના ફોન ઉપર ફોન આવે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)