‘બાબલાભાઈ કે બેબલીબેન’ નાટકને આ કહેવત લાગુ પડે. એકાદ દોષ હોય તો તમે એની પાછળ મચી પડો અને નાટક બચાવી લો; પણ જો બધેબધું નબળું હોય, બધેબધામાં ફરિયાદ હોય તો તમે રિઝલ્ટ સ્વીકારીને આગળ વધવા સિવાય બીજું કરી પણ શું શકો?!
જે જીવ્યું એ લખ્યું
બહુ ઓછાં નાટકોને હું ભૂલી જવા માગું છું અને એ નાટકો પૈકીનું એક નાટક એટલે ‘બાબલાભાઈ કે બેબલીબેન’.
‘બાબલાભાઈ કે બેબલીબેન’ વિશે મારે વધારે વાત કરવી નથી. વધારે વાત કરીને હું કોઈના દોષ પર ઢાંકપિછોડો કરવા નથી માગતો; કારણ કે નાટક લખાયું ખરાબ હતું, બન્યું ખરાબ હતું, પર્ફોર્મ ખરાબ રીતે થયું હતું. ટૂંકમાં કહું તો નાટક સાથે જોડાયેલા તમામેતમામ લોકોનું કામ ખરાબ હતું.
આપણે વાત કરતા હતા મારા નવા ગુજરાતી નાટકની, જેને માટે મેં તમને કહ્યું એમ એ એક મરાઠી નાટકનું ઍડપ્ટેશન હતું. એ નાટક દેવેન્દ્ર પેમ લિખિત-દિગ્દર્શિત હતું. ગયા સોમવારે તમને કહ્યું હતું એમ, ત્યારે મને એ નાટકનું નામ યાદ નહોતું, પણ આ લખતાં-લખતાં મને એ મરાઠી નાટકનું ટાઇટલ યાદ આવી ગયું છે. એ નાટકનું નામ હતું, ‘બંટી કી બબલી’, જેનો અર્થ થતો હતો, બંટી કે બબલી.
ADVERTISEMENT
મેં તમને કહ્યું એમ, દેવેન્દ્ર સ્વભાવનો એકદમ ચક્રમ. તેની સાથે ડીલ કરવું બહુ અઘરું પડે. હું તડ અને ફડમાં માનું. આજે પણ હું માનું છું કે દુનિયામાં જવાબ બે જ હોય, ‘હા’ અને ‘ના’. એ સિવાયના જેકોઈ જવાબ છે એ આપણે ઊભા કર્યા છે. દેવેન્દ્ર એટલી લપ કરે કે મારાથી સહન થાય નહીં એટલે તેની સાથે બધી ડીલ મારા એ સમયના પાર્ટનર વિનય પરબ અને કૌસ્તુભ ત્રિવેદી જ કરે. દેવેન્દ્રએ લખેલું, ‘બંટી કી બબલી’ એકદમ સીધું-સાદું અને સરળ નાટક હતું. એ જોઈને મને થયું કે આના પરથી આપણે ગુજરાતી નાટક કરવું જોઈએ. મરાઠી નાટક ચાલ્યું નહોતું, પણ એની વાત બહુ સરસ હતી એટલે અમે એ નાટકના રાઇટ્સ લઈને કામે લાગ્યા.
ગુજરાતી નાટક માટે ટાઇટલ તો અમને એકઝાટકે મળી ગયું, ‘બાબલાભાઈ કે બેબલીબેન.’ બહુ ઓછાને ખબર હશે કે ‘બાબલો’ શબ્દ ગુજરાતી ભાષામાં છે જ નહીં. અંગ્રેજીમાં નાના બાળક માટે બેબી શબ્દ હોય, પણ આપણે એવું ધારી લીધું કે બેબી તો છોકરી માટે જ વપરાય એટલે આપણે આ બેબીનું અપભ્રંશ કરીને બાબો કરી નાખ્યું. નાટકમાં વાત પણ આ બેબી અને બાબાની હતી અને એટલે જ અમે આ ટાઇટલ ફાઇનલ કર્યું. બોલચાલની ભાષામાં નાટકનું ટાઇટલ ઓકે-ઓકે હતું એટલે મને એની સામે વાંધો પણ નહોતો.
નાટકની વનલાઇન તમને કહું. આપણે ત્યાં સતત એવું કહેવાતું રહ્યું છે કે દીકરો અને દીકરી એકસમાન કહેવાય, પણ આ વાતને સાચી રીતે પાળનારો વર્ગ ખરેખર આપણે ત્યાં ઓછો છે. એક ફૅમિલી છે, જેમાં મમ્મી-પપ્પા, તેમનો દીકરો અને પુત્રવધૂ રહે છે. પુત્રવધૂ પ્રેગ્નન્ટ છે અને હવે મમ્મી-પપ્પા એટલે કે સાસુ-સસરા એવું ઇચ્છે છે કે ઘરમાં દીકરો જ આવવો જોઈએ, પણ દીકરો અને વહુ એવું માને છે કે દીકરો કે દીકરી, જે આવે એનો ઈશ્વરના આશીર્વાદ માનીને સ્વીકાર કરવો જોઈએ.
ટીમ નાની હતી. મુખ્ય કલાકારોમાં ચાર જ ઍક્ટર, પણ પહેલી વાર એવું બન્યું કે અમને કાસ્ટિંગમાં તકલીફ પડી. ખબર નહીં કેમ, પણ એ સમયે મોટા ભાગના ઍક્ટર બિઝી હતા, જેને કારણે અમને જે જોઈતા હતા એ ઍક્ટર મળતા નહોતા. અમે હવાતિયાં મારતા રહ્યા, પણ કોઈ મળે જ નહીં. ગમતા ઍક્ટર રાહ જોવા માટે કહે અને એ તો મારો સ્વભાવ નહીં. મેં તમને હજી થોડા સમય પહેલાં જ ફિરોઝ ભગતના નાટકનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે વિપુલ મહેતાએ પહેલો અંક આખો લખીને રેડી કરી નાખ્યો અને એ પછી ફિરોઝભાઈએ કહ્યું કે મને જેને આ નાટકમાં લેવા છે એ ઍક્ટરો ફ્રી નથી એટલે આપણે નાટક પછી કરીશું. ત્યાર પછી એ જ નાટક અમે કર્યું હતું જેનું ટાઇટલ હતું, ‘સખણાં રે’ તો સાસુ નહીં.’
જો હું બીજાને એવી સલાહ આપતો હોઉં કે ક્યારેય કલાકારો માટે રાહ નહીં જોવાની તો પછી નૅચરલી એ સલાહનું પાલન તો હું કરું જ કરું. અમે કાસ્ટિંગ માટે મચેલા રહ્યા અને ફાઇનલી અમે પેરન્ટ્સ એટલે કે ચંદ્રિકા અને સિતાંશુ મહેતાના કૅરૅક્ટરમાં સેજલ શાહ અને રાજીવ મહેતાને નક્કી કર્યાં. સેજલ શાહને તમે ઓળખો જ છો. સેજલે પુષ્કળ ટીવી-સિરિયલો કરી અને લૉકડાઉન સમયે તેની ચાલતી સિરિયલ ‘સાવજ’માં સેજલનું કામ ખૂબ વખણાયું હતું. રાજીવ મહેતાને તમે ‘ખીચડી’ના પ્રફુલ્લ તરીકે ઓળખો છો. રાજીવ બહુ સારો ઍક્ટર, પણ તે મૂડી ખૂબ એ મારે કહેવું જ રહ્યું. જો એ મૂડમાં હોય તો એક સેકન્ડમાં હજારો લોકોને મૂડમાં લાવી દે, ભલભલા ચમરબંધીને તે પેટ પકડીને હસાવી દે.
મમ્મી-પપ્પાના કાસ્ટિંગ પછી વાત આવી દીકરા અને પુત્રવધૂના કાસ્ટિંગની, જેને માટે અમે પાર્થ દેસાઈ અને ગઝલ રાયને ફાઇનલ કર્યાં. મેં તમને અગાઉ કહ્યું હતું એમ, ગઝલ બહુ સારી ઍક્ટ્રેસ અને ખરા અર્થમાં હિરોઇન મટીરિયલ. ગઝલે હવે મૅરેજ કરી લીધાં છે અને તે પોતાના સંતાનને ઉછેરવામાં વ્યસ્ત છે.
આ ચાર કૅરૅક્ટર સિવાય પણ એકાદ-બે કલાકારો હતા, પણ એ આવન-જાવન કૅટૅગરીના હતા એટલે એ કલાકારોનાં નામ મારા મગજમાં સ્ટોર નથી થયાં.
૩૦ જાન્યુઆરી એટલે કે ૨૦૧૧ના આરંભમાં અમે એ ઓપન કર્યું અને ‘બાબલાભાઈ કે બેબલીબેન’ નાટક ફ્લૉપ થયું. આજે જ્યારે પાછળ ફરીને એ નાટક ફ્લૉપ જવાનું કારણ શોધું છું તો જવાબ મળે છે એ કે નાટક બધી દિશાએથી નબળું હતું. નાટકનું રૂપાંતર વિપુલ મહેતાએ કર્યું હતું, જે પ્રમાણમાં નબળું હતું તો કલાકારોનો પર્ફોર્મન્સ પણ સારો નહોતો. આ નાટક પાસેથી મારી કોઈ અધધધ અપેક્ષા નહોતી. મેં તમને પહેલાં પણ કહ્યું હતું એમ, મરાઠીમાં પણ નાટક ખાસ ચાલ્યું નહોતું, પણ મને એમ કે અમે એ નાટકની જે થોડીઘણી ખૂબીઓ હતી એ અકબંધ રાખીને અમારી નવી ખૂબીઓ ઉમેરીશું અને નાટક હિટ બનાવીશું, પણ એવું થયું નહીં અને એને માટેનાં કેટલાંક કારણો જવાબદાર છે, પણ એની વાત કરતાં પહેલાં એક વાત કહી દઉં, અમે આ નાટક માત્ર બે મહિનામાં ઊભું કર્યું હતું.
અગાઉનું નાટક અમે ૨૦૧૦ની ૨૮ નવેમ્બરે ઓપન કર્યું હતું અને પછી બે જ મહિનામાં અમે આ નાટક ઓપન કર્યું. આ નાટકના રોકડા ૪૨ શો થયા અને નાટક સુપરફ્લૉપ રહ્યું.
મિત્રો, આ ‘બાબલાભાઈ કે બેબલીબેન’ વિશે મારે વધારે વાત કરવી નથી. વધારે વાત કરીને હું કોઈના દોષ પર ઢાંકપિછોડો કરવા નથી માગતો, કારણ કે નાટક લખાયું ખરાબ હતું, બન્યું ખરાબ હતું, પર્ફોર્મ ખરાબ રીતે થયું હતું. ટૂંકમાં કહું તો નાટક સાથે જોડાયેલા તમામેતમામ લોકોનું કામ ખરાબ હતું. આ નાટકની ખાસ કોઈ મારી મેમરી પણ નથી અને હંમેશાં એવું જ રહ્યું છે કે જગત સફળતાને જ યાદ રાખે. બને કે મારા કિસ્સામાં પણ એવું જ હશે અને એટલે જ હું પોતે ‘બાબલાભાઈ કે બેબલીબેન’ને યાદ રાખવા પણ નથી માગતો. હા, એ નિષ્ફળતાનો અપજશ મારા શિરે, પણ મને એની કડવી વાતો યાદ કરીને મારી આજ પર એનો ભાર નથી વધારવો એ પણ એટલું જ સાચું.
આ પણ વાંચો : હાર્દિકના ચહેરા પર ઝળકતા ભોળપણે નાટકને સુપરહિટ કર્યું
‘બાબલાભાઈ કે બેબલીબેન’ નાટક ભૂંડી રીતે ઘૂસી ગયું એટલે અમને તાત્કાલિક નવા નાટકની જરૂર પડી. આ પિરિયડ સુધીમાં સોલ્ડ-આઉટ શોની એવી રેગ્યુલર પાર્ટીઓનું એક આખું ગ્રુપ ઊભું થઈ ગયું હતું જે અમારા નાટક પર મદાર રાખતું હતું. તરત જ નાટક ઊભું કરવાની જરૂર પડી એટલે અમે નજર કરી નાટ્ય-શિરોમણિ એવા પ્રવીણ સોલંકી તરફ. પ્રવીણભાઈ પાસે નાટક તૈયાર જ હોય. મેં તેમની સાથે વાત કરી અને તેમણે મને પોતાના એક જૂના નાટકની વનલાઇન સંભળાવીને કહ્યું કે આ નાટક નવેસરથી કરી શકાય.
૩૦ જાન્યુઆરીએ ‘બાબલાભાઈ કે બેબલીબેન’ ઓપન કર્યા પછી એ નાટકને બચાવવા માટેના પ્રયાસ કર્યા, પણ નાટક બચે એવું દેખાયું નહીં એટલે ૧પ ફેબ્રુઆરીથી અમે પ્રવીણભાઈવાળા નવા નાટક પર કામે લાગી ગયા, જેની વાતો કરીશું હવે આપણે આવતા સોમવારે.
જોક સમ્રાટ
નવા વર્ષે કોઈ સંકલ્પ લેવાની જરૂર નથી.બગડવાની આપણી ઉંમર નથી,
અને સુધરવાની તો બિલકુલ નહીં.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)