રાજકોટમાં ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ ઓપન થયું એ જ દિવસે વિપુલ મહેતાએ મને એક સ્ટોરી સંભળાવી અને રાજકોટમાં જ મેં નિર્ણય લઈ લીધો કે આપણું નેક્સ્ટ નાટક આ જ છે
જે જીવ્યું એ લખ્યું
સનત વ્યાસને તમે કાસ્ટ કરો એટલે તમારું અડધું કામ પતી ગયું એમ જ સમજવાનું.
અમારું પ૬મું નાટક એટલે ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’, જેના અમે ૨૭૫થી વધારે શો કર્યા. પચીસથી વધારે સોલ્ડઆઉટ શો થઈ ગયા હોય અને એ પછી નાટક ઓપન કરવામાં આવે એવું ભાગ્યે જ બનતું હોય છે, પણ ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’માં એવું બન્યું અને મિરૅકલ થઈ ગયો અને નાટક મારમાર ચાલ્યું.
નવા નાટકની વાત કરતાં પહેલાં આ નાટકની બે વાત મારે તમને કહેવાની છે. લાસ્ટ વીક મેં તમને કહ્યું એમ, આ નાટકની ઓપનિંગ ડેટ મને યાદ નથી, પણ આર્ટિકલ આવ્યા પછી હવે મારી પાસે એની ઓપનિંગ ડેટ આવી ગઈ છે.
ADVERTISEMENT
શુક્રવાર અને ૨૦૧૦ની ૧૦ સપ્ટેમ્બરે ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ નાટક અમે રાજકોટમાં ઓપન કર્યું. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે મુંબઈ એક જ શહેર એવું છે જ્યાં રવિવારે કે જાહેર રજાના દિવસે જ નાટકના શો થાય, પણ ગુજરાતમાં આડા દિવસોમાં ક્યારેય શો થાય અને ઑડિયન્સ નાટક જોવા હોંશે-હોંશે આવે.
હવે બીજી વાત, ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ની વાત શરૂ કરી ત્યારે આરંભમાં કહ્યું હતું કે નાટકની વાર્તા સંભળાવ્યા પછી અમને લેખક પ્રવીણ સોલંકીએ કહ્યું હતું કે અગાઉ આ નાટક ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શન્સમાં થઈ ગયું છે. એ વાંચીને ઘણા વાચકોએ પૂછ્યું છે કે અગાઉ થયેલા એ નાટકનું નામ શું હતું?
‘મળવા જેવા માણસો’.
અગાઉ આ નાટક થયું ત્યારે એનું ટાઇટલ આ હતું અને એમાં નયન શુક્લવાળો રોલ પહેલાં ધર્મેન્દ્ર ગોહિલ અને પછી શર્મન જોશીએ કર્યો હતો.
હવે ફરી આવી જઈએ આપણે આપણા નવા નાટકની વાત પર.
‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’નો શુભારંભ કર્યો એ જ દિવસે એટલે કે ૧૦ સપ્ટેમ્બરે જ મને અમારા ડિરેક્ટર વિપુલ મહેતાએ રાઇટર ભાવેશ માંડલિયાએ તેને કહેલી એક સ્ટોરી સંભળાવી અને એ સ્ટોરી સાંભળીને મેં તરત જ હા પાડી દીધી કે વિપુલ આપણે આ નાટક કરીએ છીએ.
નાટકની વાર્તા દસેક વર્ષના એક બહેરા-મૂંગા અનાથ છોકરાની હતી, જે છોકરો સાંભળી શકતો નથી, બોલી શકતો નથી. બોલી-સાંભળી શકતો નથી એટલે તે અભણ છે. આવી આ પરિસ્થિતિ વચ્ચે સમાજમાં તેનું મૂલ્ય ઝીરો જ હોય. આ ઝીરો કેવી રીતે સોસાયટીમાં હીરો બને છે એની વાત હતી.
પાકિસ્તાનથી એક જેહાદી મુસ્લિમ આપણા દેશમાં આવે છે અને મુંબઈની ચાલમાં રહે છે. હિન્દુસ્તાન આવીને તેણે વારાણસીના એક પંડિતનો લુક ધારણ કરી લીધો છે. પંડિત બનતાં પહેલાં તેને જરૂરી લાગે એ બધું તેણે શીખી લીધું છે જેથી સૌની સામે એવી જ ઇમેજ ઊભી થાય કે તે પ્રખર જ્ઞાની છે. એ જેહાદી આ બહેરા-મૂંગા અનાથ છોકરાને રસ્તા પરથી લઈને પોતાના ઘરે ચાલમાં લાવે છે અને સૌની સામે એવી રીતે રહે છે જાણે કે તે આનો ગાર્ડિયન છે અને બહુ દયાળુ સ્વભાવ ધરાવે છે, પણ તેના પેટમાં પાપ છે. હકીકતમાં તે આ છોકરાને હાથો બનાવીને મુંબઈમાં બૉમ્બ-બ્લાસ્ટ કરાવવા માગે છે, જેને માટે તે એ છોકરાને ખબર ન પડે એ રીતે ઇનડિરેક્ટલી ટ્રેઇન પણ કરતો જાય છે. જેહાદીની યોજના છે કે ગણપતિવિર્સજન સમયે આપણે ત્યાં જુલૂસ નીકળે છે એમાં આ છોકરાને માનવબૉમ્બ બનાવીને છોડી દેવો અને વિઘ્નહર્તાના સરઘસમાં છોકરો નાચતો હોય એવા સમયે બૉમ્બ-બ્લાસ્ટ થાય અને મુંબઈમાં તોફાનો થાય. જોકે તેની મેલી મુરાદ બર આવતી નથી અને કઈ રીતે આ છોકરાને મુંબઈ પોલીસ અને બીજા લોકો બચાવે છે એની આખી વાત છે.
મજા પડી જાય એવો સબ્જેક્ટ હતો. અઢળક ટર્ન-ટ્વિસ્ટ સાથેની સ્ટોરી સાંભળીને મેં હા પાડી દીધી, પણ મને ખબર હતી કે સ્ટોરીના બૅકડ્રૉપમાં મલ્ટિપલ લોકેશન છે એટલે નાટક ખર્ચાળ બનશે, પણ મને એની ફિકર નહોતી. જો નાટકની વાર્તા સરસ હોય અને વાર્તાની ડિમાન્ડ હોય તો એ ખર્ચ કરવો જ રહ્યો એવું હું હંમેશાં માનું છું તો હું એવું પણ દૃઢપણે માનું છું કે નાટકના સબ્જેક્ટની માગ હોય તો તમારે કલાકારોનો કાફલો પણ ઊભો કરવો રહ્યો. સાહેબ, મેં તો મારી કરીઅરની શરૂઆત જ ‘કરો કંકુનાં’ જેવા નાટકથી કરી હતી, જેમાં વીસ-પચીસ કલાકારો હોય. આ તો હવે એવો સમય આવી ગયો છે કે લોકો છ-સાત કલાકાર સાથે નાટક કરી લે છે, પણ જો મને આજે પણ એવો સબ્જેક્ટ મળે જેમાં દસ-બાર કલાકારો કમ્પલ્સરી હોય અને સબ્જેક્ટ વર્થ હોય તો હું એ નાટક કરું જ કરું.
‘વિપુલ, આપણે આ નાટક કરીએ છીએ...’
આગળની વાત કરતાં પહેલાં તમને સહેજ ટાઇમટેબલ સમજાવી દઉં.
‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ અમે ૧૦ સપ્ટેમ્બરે રાજકોટમાં ઓપન કર્યું અને અમારું આ નવું નાટક ૨૮ નવેમ્બરે એટલે કે એક્ઝૅક્ટ બે મહિના અને ૧૮ દિવસમાં અમે મુંબઈમાં ઓપન કર્યું. આ પિરિયડમાં પણ હું તો ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ના શોને કારણે ઑલમોસ્ટ એક મહિનો મુંબઈથી દૂર જ હતો અને એ પછી પણ અમે નાટક તૈયાર કર્યું અને અવ્વલ દરજ્જાનું તૈયાર કર્યું. કહેવાનો મતલબ એ છે કે પ્રોફેશનલ ફીલ્ડમાં ટીમવર્ક બહુ મહત્ત્વનું છે. જો બધું તમે જ કરવાનો આગ્રહ રાખો તો બહુ મર્યાદા આવી જાય, પણ જો તમે યોગ્ય ટીમ શોધીને એને જવાબદારી આપતા રહો તો કામની માત્રા પણ વધે અને એની ગુણવત્તામાં પણ ફરક ન આવે. ટીમ બિલ્ડ-અપની મારામાં જે ભાવના જાગી અને મેં એ દિશામાં જે કામ કર્યું એની પાછળ અમેરિકાનો બહુ મોટો ફાળો છે. અમેરિકા પાસેથી જ હું શીખ્યો છું કે ટીમ પર ભરોસો મૂકતાં શીખો અને ટીમ ભૂલ કરે તો એ ભૂલને તમારી ભૂલ માનીને એને સહજ રીતે સ્વીકારી એ લૉસની તમામ જવાબદારી તમારી પોતાની ગણી ટીમ પરનો વિશ્વાસ ઘટાડ્યા વિના આગળ વધો. મિત્રો, હું એક વાત કહીશ કે જે પોતાની ટીમને ફૅમિલી ગણે છે તેના વિકાસને કોઈ અટકાવી નથી શકતું.
ફરી આવી જઈએ આપણે અમારા નવા નાટકની વાત પર.
મેં રાજકોટથી જ ફોન કરીને ભાવેશ માંડલિયાને કહી દીધું કે આપણે નાટક કરીએ છીએ એ ફાઇનલ છે. તું લખવાનું ચાલુ કરી દે. કાસ્ટિંગ અને બીજી બધી બાબતો હું અને વિપુલ નક્કી કરી લઈશું.
કાસ્ટિંગની વાત કહું તો નાટકમાં સૌથી અગત્યનાં બે પાત્રો હતાં. એક તો જેહાદી આતંકવાદી અને બીજો પેલો બહેરો-મૂંગો છોકરો. આ બન્નેમાંથી કોઈ કૅરૅક્ટરમાં વધારે શેડ્સ હોય તો એ પેલા જેહાદીમાં, કારણ કે તેણે કટ્ટર જેહાદી પણ બનવાનું હતું અને પ્રખર પંડિત પણ બનવાનું હતું. આ પાત્ર માટે અમે સનત વ્યાસને કાસ્ટ કર્યા. સનત વ્યાસ વિશે મારે વધારે તમને કશું કહેવાનું રહેતું નથી. સનતભાઈને તમે ઓળખો જ છો. અનેક નાટકો, ટીવી-સિરિયલો તેમણે કરી છે. બહુ સિનિયર અને પૉપ્યુલર ઍક્ટર. તેમને તમે કોઈ કામ સોંપો એટલે સુપેરે પાર પડે જ પડે. અત્યંત પ્રોફેશનલ ઍક્ટર, રિહર્સલ્સના ટાઇમિંગની બાબતમાં એકદમ પંક્ચ્યુઅલ. ક્યારેય મોડા ન પડે અને ધારો કે પાંચ મિનિટ પણ મોડા પડવાના હોય તો તેમનો ફોન આવી જાય. રિહર્સલ્સમાં પણ આવીને તેઓ સીધા જ કામે વળગે. પોતાની લાઇનો પાક્કી કરવાની, ડિરેક્ટર કહે એને ચુસ્તપણે અનુસરવાનું. હું તો કહીશ કે સનતભાઈને તમે કાસ્ટ કરો એટલે ડિરેક્ટરનું અડધું ટેન્શન હળવું થઈ જાય. સનતભાઈથી અમે કાસ્ટિંગની શરૂઆત કરી. નાટકનું એ પછીનું કાસ્ટિંગ કયું હતું અને કોણ-કોણ નાટકમાં આવ્યાં એની ચર્ચા હવે કરીશું આપણે આવતા સોમવારે.
જોક સમ્રાટ
કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમને કાનમાં દુખાવો શરૂ થયો. કેજરીવાલ ડૉક્ટર પાસે ગયા.
કેજરીવાલ : મારા કાનમાં કીડો ઘૂસ્યો છે.
ડૉક્ટર : કીડો તો છે જ, પણ ઍડ્રેસ તમે ખોટું આપો છો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)