Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બે નાટક વચ્ચે પાંચ મહિનાનો ગૅપ!

બે નાટક વચ્ચે પાંચ મહિનાનો ગૅપ!

Published : 15 January, 2024 10:32 AM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

મારી કારકિર્દીમાં પહેલી વાર એવું બન્યું કે બે નાટક વચ્ચે આટલો મોટો ગૅપ આવ્યો. આવું થવા પાછળ જવાબદાર વિપુલ મહેતા હતો. તેની વ્યસ્તતાને લીધે અમારું કૅલેન્ડર ખોરવાઈ ગયું

‘મારી વાઇફ મૅરી કૉમ’ના શુભારંભના એકલાક પહેલાં અમારા ડિરેક્ટર વિપુલ મહેતાએ પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમના બૅકસ્ટેજ પર ઊભા-ઊભા ક્લાઇમૅક્સ સેટ કર્યો!

જે જીવ્યું એ લખ્યું

‘મારી વાઇફ મૅરી કૉમ’ના શુભારંભના એકલાક પહેલાં અમારા ડિરેક્ટર વિપુલ મહેતાએ પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમના બૅકસ્ટેજ પર ઊભા-ઊભા ક્લાઇમૅક્સ સેટ કર્યો!


‘સંજયભાઈ, એ લાઇનની શું જરૂર છે? રહેવા દો, નહીં લો તમે એ...’
અમારા નવા નાટક ‘મારી વાઇફ મેરી કોમ’નાં રિહર્સલ્સ સમયે ડિરેક્ટર વિપુલ મહેતા મને જરા પણ ઇમ્પ્રોવાઇઝેશન કરવા ન દે. તમને ગયા સોમવારે મેં કહ્યું એમ કૉમેડીની મજા જ ઇમ્પ્રોવાઇઝેશનમાં આવે. રાઇટરે એક લાઇન લખી હોય એનાથી વધારે સારી લાઇન તમને સૂઝે અને તમે એ ઇમ્પ્રોવાઇઝ કરો. નાટક માટે ‘શો’ શબ્દ તો હવે વધારે પ્રચલિત થયો છે બાકી પહેલાં તો એના માટે ‘પ્રયોગ’ શબ્દ જ બોલાતો. જેમ વૈજ્ઞાનિક દરેક વખતે નવા-નવા પ્રયોગ કરતો જાય અને પોતે જે ધ્યેય માટે નીકળ્યો હોય એને પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતો રહે એવું જ નાટ્યકર્મીઓ માટે હોય. એ નવા-નવા અખતરા કરતો જ જાય. આજે પણ અમારા નાટકમાં હું એ કરતો હોઉં છું. તમે મારું નાટક પહેલા શોમાં જુઓ અને પચાસમા શોમાં જુઓ તો તમને એમાં તમને ઘણાબધા બદલાવ દેખાય અને એની જ તો મજા છે, પણ ‘મારી વાઇફ મેરી કોમ’માં વિપુલ મને કોઈ ઇમ્પ્રોવાઇઝેશનની છૂટ આપે નહીં. હું પ્રયાસ કરું અને એ મને તરત જ રોકી પાડે. એક તબક્કે મને પણ થઈ ગયું કે છોડને, હું શું કામ ઇમ્પ્રોવાઇઝેશનની ઝંઝટમાં પડું છું જ્યારે મારો ડિરેક્ટર જ નથી ઇચ્છતો.


આમ અમારાં રિહર્સલ્સની ગાડી ધીરે-ધીરે આગળ વધતી ગઈ અને આવી ગયાં ગ્રૅન્ડ રિહર્સલ્સ. મારે અહીં ફરીથી એક વાત કહેવી છે કે વિપુલનું નાટકમાં જરા પણ ધ્યાન નહોતું, નોર્મલી વિપુલ એવો નથી હોતો. મેં તેની સાથે અઢળક નાટકો કર્યાં છે એટલે જેમ હું તેની ચીવટની વાત અન્ડરલાઇન કરીને કહી શકું એવી જ રીતે હું તમને એ વાત પણ કહેવા માગું છું કે ‘મારી વાઇફ મેરી કોમ’ સમયે વિપુલ જબરદસ્ત બેધ્યાન હતો અને એ પણ ત્યાં સુધી કે નાટકનો ક્લાઇમૅક્સ છેક શુભારંભ શોની પહેલાં તેણે સેટ કર્યો!



સામાન્ય રીતે કેવું હોય કે ગ્રૅન્ડ રિહર્સલ્સના છેલ્લા દિવસે અમે બસો-ત્રણસો જણને બોલાવીને ઝીરો શો એટલે કે પ્રિવ્યુ શો કરીએ જેથી ઍક્ટરનો કોન્ફિડન્સ વધી જાય, પણ અહીં તો અમારા શુભારંભ શોની એક કલાક પહેલાં વિપુલ ક્લાઇમૅક્સ સેટ કરતો હતો. અમારો પહેલો શો પ્રબોધન ઠાકરેમાં હતો.  શોના દિવસે વિપુલે બધાને વહેલા બોલાવી ક્લાઇમૅક્સનો સીન બૅકસ્ટેજમાં ઊભા રહીને આખો સેટ કર્યો. હું આ આખી પ્રોસેસથી ખૂબ નારાજ હતો પણ મારી પાસે આગળ વધવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. બધાની મહેનત દાવ પર લાગેલી હતી, ઑડિટોરિયમનાં ભાડાં ભરાઈ ગયાં હતાં એટલે અમારે આગળ તો વધવાનું જ હતું. અમારું નાટક ઓપન થયું પણ નાટક ઓપન થતાં પહેલાં તમને જે ક્રમાનુસાર સમજાવવાનું હોય છે એ સમજાવી દઉં.
૨૦૧૪ની ૭મી ડિસેમ્બર અને રવિવાર.


પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં અમારું ૭૮મું નાટક ‘મારી વાઇફ મેરી કોમ’ ઓપન થયું, જેની પહેલાંનું નાટક ‘જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ’ અમે ૨૭મી જુલાઈએ ઓપન કર્યું હતું. જુલાઇ એન્ડથી લઈને છેક ડિસેમ્બરની શરૂઆતનો પિરિયડ. ઑલમોસ્ટ પાંચ મહિના. અમારાં બે નાટક વચ્ચે આટલો મોટો સમયગાળો અગાઉ ક્યારેય પસાર થયો નહોતો પણ વિપુલની વ્યસ્તતાને લીધે આ મોટો ગૅપ આવ્યો હતો.

નાટક ઓપન થયું અને સાચું કહું તો નાટક લોકોને ખાસ કંઈ ગમ્યું નહીં. અમે જેના રાઇટ્સ લઈને નાટક બનાવ્યું હતું એ ‘બેગમ મેમરી આઠવણ ગુલામ’ના રાઇટર-ડિરેક્ટર નિખિલ રત્નપારખી પણ નાટક જોવા આવ્યો હતો. અમે જે ચેન્જિસ કર્યા હતા એ નિખિલને ગમ્યા હતા, તેણે અમને કહ્યું પણ ખરું કે તમે નાટકની મૂળ વાત ઑડિયન્સ સુધી બહુ સરસ રીતે લાવ્યા. નિખિલ કઈ વાતનું કહેતો હતો એ તમને સમજાવું.


મરાઠી નાટકમાં નિખિલ છેલ્લેથી પહેલી તરફ જતો હતો એટલે કે હસબન્ડની જે છેલ્લી મેમરી છે એ શરૂઆતમાં આવતી અને એમ કરતાં-કરતાં તે પહેલી મેમરી પર આવતો હતો જ્યારે અમે લિનિયર એટલે કે સીધી લાઇનમાં ચાલ્યા. મનમાં રહેલી વાતો ભૂંસવા માટે હસબન્ડે જે બધું યાદ કરવાનું હતું એમાં હસબન્ડ સૌથી પહેલાં એ યાદ કરે છે કે ચંદુ તેની વાઇફને પહેલી વાર ક્યારે મળ્યો, કેવી રીતે મળ્યો. પછી એ લોકો વચ્ચે પ્રેમ કેવી રીતે થયો, કેવા પ્રકારના ઝઘડા શરૂ થયા, એના મૂળમાં શું હતું અને પછી એ ચંદુ છેલ્લા ઝઘડા સુધી પહોંચે છે.
સ્ક્રિપ્ટમાં કરેલો આ ચેન્જ વર્ક કરી ગયો, જેને લીધે નિખિલને નાટક સુપાચ્ય કહેવાય એવું લાગ્યું પણ હું મારા ઑડિયન્સને ઓળખતો હતો. હું સમજી ગયો હતો કે આપણા ઓડિયન્સને નાટક ગમ્યું નથી. નાટક ન ગમવાનાં જે બે કારણો હતાં એ પણ મને ખબર હતી. પહેલું કારણ, કૉમેડીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે જે ઇમ્પ્રોવાઇઝ કરવાનું હતું એની વિપુલે કોઈ છૂટ આપી નહોતી એટલે કૉમેડી નબળી રહી તો બીજું કારણ, નાટક હજી કાચું હતું. ઍક્ટરો એકબીજાની સાથે પ્રૉપરલી જેલઅપ થયા નહોતા, જેને લીધે અમે કૉન્ફિડન્ટ નહોતા. આના માટે પણ વિપુલ જવાબદાર હતો. ગ્રૅન્ડ રિહર્સલ્સમાં તેણે ધ્યાન જ નહોતું આપ્યું.

નાટકના પહેલા શો પછી અમને કહેવામાં આવ્યું કે આ નાટક પાંચ શોથી વધારે નહીં ચાલે પણ જે નાટક પાંચ શોમાં બંધ થવાનું હતું એ નાટકને સંજય ગોરડિયાના નામના કારણે એક પછી એક શો મળતા ગયા અને નાટક આગળ વધતું ગયું. વધતા જતા આ શોને અમે કેવી રીતે સુધારવાનું કામ કર્યું એની વાત પછી કરીએ પણ પહેલાં તમને એક પછી એક મળેલા શોની વાત કરી દઉં. શરૂઆતમાં મળતા એ બધા ફૅન્સી શો હતા. ફૅન્સી શો એટલે શું એ તમને સમજાવું.

ધારો કે પુણેમાં અમને એક ચૅરિટી શો મળી ગયો. હવે એ જે શો છે એના ઑડિયન્સને નાટક સારું છે કે ખરાબ એની સાથે કોઈ નિસબત નહોતી, એ લોકોને તો સંજય ગોરડિયા નામના ઍક્ટરનું નાટક કરવું છે એટલે એ લોકોએ શો રાખી લીધો પણ અમારા નાટકના રેગ્યુલર શો કરનારા જૈન સોશ્યલ ગ્રુપ, જૈન જાગૃતિ સેન્ટર, મહિલા મંડળો અને અન્ય સંસ્થાઓેએ નાટક ન રાખ્યું. પણ ફૅન્સી શો પર અમારું ગાડું આગળ વધતું ગયું અને આગળ વધતા જતા શો સાથે અમારા કલાકારો વચ્ચે જેલિંગ થતું ગયું એ એક ફાયદો થયો તો બીજો ફાયદો મેં લીધો. મેં મારી રીતે ઇમ્પ્રોવાઇઝેશન કરવાનું શરૂ કરી દીધું. વિપુલ મહેતા પ્રબોધન ઠાકરેના શો પછી ક્યારેય શો પર આવ્યો જ નહીં એનો મેં લાભ લીધો અને મારે નાટકમાં જે ઍડ કરવું હતું, રિમૂવ કરવું હતું એ બધું હું જાતે કરવા માંડ્યો.
એ પછી નાટકનું શું થયું અને નાટક કેવી રીતે માર-માર ચાલવા લાગ્યું એની વાત હવે આપણે કરીએ આવતા સોમવારે.

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2024 10:32 AM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK