‘એક સાંવરિયો બીજો બાવરિયો’ નાટકને હજી તો માંડ બે વીક થયાં હતાં અને ત્યાં અમારી લીડ ઍક્ટ્રેસ નમ્રતા પાઠકે ચવાણ ઑડિટોરિયમનો શો શરૂ કરતાં પહેલાં ધડાકો કર્યો અને હું રીતસર મૂંઝાઈ ગયો
જે જીવ્યું એ લખ્યું
જુઓ, એ સમયે એકસાથે અમારાં કેટલાં નાટકો ચાલતાં હતાં અને એ નાટકો વચ્ચે પણ અમે અમારા નવા નાટકના કામ પર તો લાગેલા જ રહેતા.
મેઇન રોલ, ચાલીસ દિવસનાં રિહર્સલ્સ ઉપરાંત તેની સાઇઝના કૉસ્ચ્યુમ્સ કરાવ્યા હોય, પ્રૉપર્ટીઝ લીધી હોય, તેના ચહેરા સાથે તમે માર્કેટિંગ કર્યું હોય અને ત્યારે આ પ્રકારે માત્ર દસ-પંદર દિવસમાં અચાનક જ નાટક છોડી દેવું એ બહુ અનપ્રોફેશનલ કહેવાય.
આપણે વાત કરીએ છીએ અમારા નવા નાટક ‘એક સાંવરિયો બીજો બાવરિયો’ની, જેના લેખક મુકેશ જોષી અને હિતેન આનંદપરા હતા તો રાબેતા મુજબ દિગ્દર્શન વિપુલ મહેતાનું હતું. નાટકના ત્રણ લીડ ઍક્ટર હતા. એમાં અમે નમ્રતા પાઠક, સૌનિલ દરુ અને મેહુલ કજારિયાને કાસ્ટ કર્યાં. મેહુલે ઘણી ટીવી-સિરિયલો કરી છે તો હમણાં જ રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘ફર્ઝી’ના લીડ ઍક્ટર શાહિદ કપૂરના પિતાનો રોલ કરે છે.
ADVERTISEMENT
મેઇન ત્રણ ઍક્ટર મળી ગયા એટલે અમને હાશકારો થયો, પણ કાસ્ટિંગ અહીં પૂરું નહોતું થતું. હજી બીજા ઍક્ટરો શોધવાના હતા એટલે અમે લાગ્યા એ કાસ્ટિંગ પર અને સૌથી પહેલાં અમે કાસ્ટ કર્યો મેઇન કૉમેડિયનમાં પ્રણવ ત્રિપાઠીને. એક પણ ગુજરાતી એવો નહીં હોય જેણે ‘સરસ્વતીચંદ્ર’નું નામ ન સાંભળ્યું હોય. ગુજરાતી સાહિત્યનું સૌથી જાજરમાન સર્જન એવું ‘સરસ્વતીચંદ્ર’ ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખ્યું હતું. પ્રણવ આ ગોવર્ધનરામ ત્રિપાઠીનો પ્રપૌત્ર થાય. આ તેની પહેલી ઓળખ. બીજી ઓળખ. પ્રણવ આજે એક સફળ લેખક અને ગુજરાતી રંગભૂમિનો સફળ નિર્માતા છે. પ્રણવને હું વર્ષોથી ઓળખું. તે ક્યાંક ને ક્યાંક અમારા નાટક સાથે જોડાયેલો હોય. ક્યારેક અમારું પ્રોડક્શન સંભાળતો હોય તો ક્યારેક અમારું નાટક લખતો હોય. ક્યારેક અમારા નાટકમાં ભૂમિકા પણ કરે.
‘એક સાંવરિયો બીજો બાવરિયો’ નાટકમાં પ્રણવને કાસ્ટ કર્યા પછી અમે મરાઠી ઍક્ટ્રેસ સંજીવનીને કાસ્ટ કરી. સંજીવનીએ ઝી મરાઠીની ઘણી સિરિયલો કરી છે અને હવે ખાસ્સી પૉપ્યુલર પણ છે. મરાઠી હોવા છતાં ગુજરાતી પર તેની હથરોટી બહુ સારી. સંજીવનીને કાસ્ટ કર્યા પછી અમે કાસ્ટ કરી મેઘના સોલંકીને. ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’માં આ મેઘનાએ મારી વાઇફનો રોલ કર્યો છે. એ પછી અમે કાસ્ટ કર્યો અર્ષ મહેતાને અને એ સિવાયનું પણ નાનુંમોટું કાસ્ટિંગ પૂરું કર્યું. ટેક્નિકલ ટીમ તો અમારી રેગ્યુલર જ હતી. દિગ્દર્શન વિપુલ મહેતાનું, કલા છેલ-પરેશની અને મ્યુઝિક રાજીવ ભટ્ટનું. પ્રકાશ-આયોજન રોહિત ચિપલુણકર અને પ્રચાર દીપક સોમૈયા. ફરી એક વાર યાદ દેવડાવી દઉં કે આ નાટક અમે વિશાલ ગોરડિયાની ઇન્ડિયન થિયેટર કંપનીમાં કર્યું હતું અને હું તથા મારો પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી નાટકના પ્રસ્તુતકર્તા રહ્યા હતા.
રિહર્સલ્સ થતાં ગયા અને અમારો સંઘ ઓપનિંગ તરફ પ્રયાણ કરતો ગયો.
તમને અગાઉ કહ્યું હતું એમ ૧૨ જૂને સાંજે ૭.૪પ વાગ્યે અમે ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’ નાટક ઓપન કર્યું હતું અને એક્ઝૅક્ટ ૪૩ દિવસ પછી એટલે કે ૨૪ જુલાઈએ અમે અમારું ૬૧મું નાટક ‘એક સાંવરિયો બીજો બાવરિયો’ તેજપાલ ઑડિટોરિયમમાં ઓપન કર્યું. નાટક પહેલા જ શોમાં પકડાઈ ગયું અને સુપરહિટ પુરવાર થયું. આ નાટકના અમે ૧૮૯ શો કર્યા, પણ મોટો ઝટકો અમને નાટક ઓપન થયાનાં બે વીક પછી મળ્યો.
મને પાક્કું યાદ છે કે રવિવારનો એ દિવસ હતો અને અમારા આ નવા નાટકનો શો ચવાણ ઑડિટોરિયમમાં હતો. એ દિવસે હું થોડો ફ્રી હતો એટલે હું પણ ચવાણ પર ગયો અને નાટકની લીડ ઍક્ટ્રેસ નમ્રતા પાઠકે ધડાકો કર્યો કે હું નાટક છોડું છું.
‘કેમ, શું થયું?’ નાટક સુપરહિટ હતું અને એમ છતાં નમ્રતા નાટક કરવાની ના પાડે એટલે નૅચરલી મને આશ્ચર્ય થયું, ‘કોઈ પ્રૉબ્લેમ હોય તો કહે...’
નમ્રતાએ જે કહ્યું એના પરથી ખબર પડી કે પ્રૉબ્લેમ અમારા પ્રોડક્શન સાઇડથી નહીં પણ તેની ફૅમિલીનો હતો. નમ્રતાએ કહ્યું, ‘મારે હવે મૅરેજ કરવાનાં છે. ઘરમાંથી બહુ પ્રેશર છે એટલે મારાથી નાટક આગળ નહીં થાય...’
ખરેખર નાટક માટે આ બહુ મોટો ઝટકો હતો. એક તો મેઇન રોલ, વાર્તા એની આસપાસની એટલે સ્વાભાવિક રીતે ડાયલૉગ્સ સિવાય પણ અઢળક મહેનત તમે કરી હોય, કરાવી હોય અને ચાલીસ દિવસનાં રિહર્સલ્સ પછી તમને સરસ રિઝલ્ટ મળ્યું હોય. આ ઉપરાંત તમે તેની સાઇઝનાં કૉસ્ચ્યુમ્સ કરાવ્યાં હોય, પ્રૉપર્ટીઝ લીધી હોય, તેના ચહેરા સાથે તમે માર્કેટિંગ કર્યું હોય અને ત્યારે આ પ્રકારે માત્ર દસ-પંદર દિવસમાં અચાનક જ નાટક છોડી દેવું એ બહુ અનપ્રોફેશનલ વાત કહેવાય. મિત્રો, નાટક એક સહિયારું સર્જન છે અને એમાં કોઈ એક મનસ્વી બનીને પોતાનો નિર્ણય જાહેર કરી દે એ બિલકુલ વાજબી ન કહેવાય. મૅરેજની વાત કંઈ પાંચ-પંદર દિવસમાં તો ચાલુ ન થઈ હોય. નૅચરલી, એ નમ્રતાને ખબર જ હોય અને એ પછી પણ તેણે અમને અણસાર સુધ્ધાં ન આવવા દીધો અને હવે બધું બરાબર ચાલતું હતું ત્યાં આવી વાત?!
મારી પાસે નમ્રતાનો નિર્ણય સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. મેં એ સ્વીકારી લીધો અને પછી મારા રાબેતા મુજબના સ્વભાવની જેમ એકદમ શાંત થઈ ગયો. મારો બેઝિક નેચર છે કે હું ક્યારેય સમસ્યાઓથી ભાગતો નથી. સમસ્યાને સ્વીકારી લેવાની અને પછી એકદમ શાંતચિત્તે એનો વિકલ્પ શોધવાનો. તમને રસ્તો મળે જ મળે, પણ એના માટે તમારે મનમાંથી ઉચાટ કાઢી નાખવો પડે. મેં પણ એ જ કર્યું.
આ પણ વાંચો: સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’નાં રિહર્સલ દરમ્યાન જ નવા નાટકનું કામ ચાલુ
શક્ય હોય તો નમ્રતા પાઠક સાથે ભવિષ્યમાં ક્યારેય કામ ન કરવું એવું મનોમન નક્કી કરીને હું તરત જ ઍક્ટ્રેસની શોધમાં લાગ્યો અને મારા મનમાં પહેલું નામ આવ્યું લીના શાહ. લીના બહુ સારી ઍક્ટ્રેસ. મારી બહુ સારી મિત્ર. અગાઉ લીના મારાં બે નાટક ‘આ કોકિલાનું કંઈક કરો’ અને ‘બાને ઘેર બાબો આવ્યો’ કરી ચૂકી હતી. જો તે ફ્રી હોય તો નાટક સચવાઈ જાય અને એવું જ બન્યું. લીનાને અમે પૂછ્યું અને તે તરત જ તૈયાર થઈ ગઈ અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. ઊલટું હું તો કહીશ કે લીનાના આવ્યા પછી નાટક વધારે ભાગ્યું અને તમને કહ્યું એમ નાટકના અમે ૧૮૯ શો કર્યા.
આ એ સમયની વાત છે જે સમયે અમે ગુજરાતી રંગભૂમિ પર રીતસર વરસતા હતા. અમારાં એક પછી એક નાટકો આવ્યા જ કરે અને એક સમયે અમારાં ત્રણ-ચાર નાટકો ચાલતાં જ હોય, પણ આ પિરિયડમાં તો અમારાં પાંચ-પાંચ નાટકો ચાલતાં હતાં. આ દિવસોમાં અમારી ઍડ કેવી આવતી હતી એ તમને આ આર્ટિકલની સાથે આપવામાં આવેલા ફોટો પરથી ખબર પડશે. એક તરફ ‘એક સાંવરિયો બીજો બાવરિયો’ ચાલતું હતું તો ‘સંસારની સેમી ફાઇનલ’, ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’, ‘આ ફૅમિલી ફૅન્ટૅસ્ટિક છે’ અને ‘ઝીરો બની ગયો હીરો’નો ૨૦૦મો શો ભાઈદાસમાં હતો. એક જ ટીમ તરફથી આટલાં નાટકો એક જ સમયે ચાલતાં હોય એવું અગાઉ રંગભૂમિ પર ક્યારેય બન્યું નહોતું અને કદાચ ભવિષ્યમાં પણ ક્યારેય બનશે પણ નહીં. અલબત્ત, આવા જાજરમાન દિવસો વચ્ચે પણ મારા મનમાં એક અજંપો સતત રહ્યા કરતો હતો. એ અજંપો કઈ વાતને લઈને હતો એની વાત કરતાં પહેલાં લઈએ એક નાનકડો વિરામ અને મળીએ આવતા સોમવારે... અહીં જ...
જોક સમ્રાટ
સાયન્સ એવું કહે છે કે માદા મચ્છર જ લોહી પીએ છે!
નર મચ્છર ખાલી અવાજ કરી શકે છે.
ધન્ય છો પ્રભુ તમે.
તમે સિસ્ટમ બધી જગ્યાએ એક જ રાખી છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)