મારો દીકરો લંડનથી એક જ વર્ષમાં પાછો આવી ગયો. તે લંડન જતો હતો એ જ સમયે મેં તાકીદ કરી હતી કે બે વર્ષ પહેલાં હું તને ઇન્ડિયા નહીં આવવા દઉં, પણ તેણે પહેલા જ વર્ષે આકરી જીદ કરી એટલે મારે ટિકિટ મોકલવી પડી
જે જીવ્યું એ લખ્યું
અમાત્ય લંડનથી પાછો આવી ગયો અને મારા દીકરાને ફૉરેન ભણાવવાનું મારું સપનું તૂટી ગયું. જોકે મને બહુ મોડે-મોડે સમજાયું કે એ સપનું મારું હતું, અમાત્યનું નહીં.
મેં કૉલેજ સુધ્ધાં નહોતી જોઈ અને એટલે જ હું તનતોડ મહેનત કરીને મારા દીકરાને ફૉરેનની કૉલેજમાં ભણાવવાનું સપનું જોતો હતો. અમાત્ય લંડન ગયો એ વાતની ખુશી તેને જેટલી હતી એનાથી પણ દસગણી ખુશી મને હતી. હું મારાં સગાંસંબંધીઓ અને મિત્રો વચ્ચે પ્રાઉડથી કહેતો કે લાલુ તો લંડનમાં ભણે છે.
આપણી વાત ચાલતી હતી અમારા પ્રોડક્શનમાં બનેલા પંચાવનમા નાટક ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ની. નાટકની વનલાઇન પણ મેં તમને ગયા સોમવારે કહી. એ વનલાઇન પ્રવીણ સોલંકીને ગમી અને પ્રવીણભાઈએ નાટક લખવાની હા પાડી. આ નાટકથી અમે ભક્તિ રાઠોડને ઇન્ટ્રોડ્યુસ કરી. ભક્તિએ ત્યાર પછી તો અનેક નાટકો અને ટીવી-સિરિયલો કર્યાં. અત્યારે તે જે. ડી. મજીઠિયાની સિરિયલ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં પણ રોલ કરે છે. હવે વાત કરીએ બીજા કાસ્ટિંગની.
ADVERTISEMENT
ભક્તિ પછી તેના બૉયફ્રેન્ડના રોલમાં કાસ્ટ કર્યો વિપુલ વિઠલાણીને. વિપુલ સાથેનું મારું આ પહેલું અને અત્યાર સુધીનું આ છેલ્લું નાટક. આ નાટક પહેલાં પણ કોઈ યોગ આવ્યો નથી અને આ નાટક પછી પણ અમને કોઈ યોગ થયો નથી. જે માણસના ઘરમાં નર્સ તરીકે ભક્તિ જાય છે તે ધનાઢ્ય માણસના રોલમાં અમે કાસ્ટ કર્યા મુકેશ રાવલને. મુકેશભાઈનો થોડા સમય પહેલાં જ દેહાંત થયો છે. વર્ષો પહેલાં આવેલી ‘રામાયણ’ સિરિયલમાં મુકેશ રાવલે વિભીષણનો રોલ કર્યો હતો એ તમારી જાણ ખાતર. ધનાઢ્ય માણસની માના રોલમાં અમે અમિતા રાજડાને કાસ્ટ કરી તો મુકેશ રાવલના અકાઉન્ટન્ટના રોલમાં મારા ખાસ મિત્ર અને મારા ફેવરિટ ઍક્ટર જગેશ મુકાતીને કાસ્ટ કર્યો.
પ્રવીણભાઈ લેખક હતા એટલે અમને બીજી કોઈ ચિંતા હતી નહીં. અમે રિહર્સલ્સમાં જઈએ એટલે પ્રવીણભાઈનો સીન આવી જ ગયો હોય. તેમનો નાટકનો કસબ ખૂબ જ જોરદાર છે. તેમણે મર્ડર-મિસ્ટરી અને સસ્પેન્સ-થ્રિલર નાટકો તો ઘણાં લખ્યાં છે એટલે તેમના માટે આ નાટક લખવું એ રમતવાત હતી. અમને સીન્સ પણ પ્રૉપર મળી જાય અને એ પણ સમયસર. આ જે કસબ છે એ નાટકની લાઇનમાં બહુ મહત્ત્વનો છે. સમય સચવાય એટલે અડધો જંગ જીતી ગયા સમજો. ટૂંકમાં કહું તો નાટકનાં રિહર્સલ્સમાં અમને કોઈ જાતની અડચણ આવી નહીં અને અમારો સંઘ વાજતેગાજતે કાશીએ, સૉરી, ઓપનિંગ ડેટ પર પહોંચી ગયો.
છઠ્ઠી મે ૨૦૧૦ અને રવિવાર. અમે અમારું પંચાવનમું નાટક ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ ઓપન કર્યું. ૨૦૧૦ના વર્ષમાં આ અમારું ત્રીજું નાટક હતું. ૧૦ જાન્યુઆરીએ ‘હરખપદૂડી હંસા’, એ પછી ૭ માર્ચે ‘સખણાં રે’તો સાસુ નહીં’ અને છઠ્ઠી મેએ ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ અને હજી વર્ષના છ મહિના બાકી હતા.
‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ નાટક બૉક્સ-ઑફિસ પર ઍવરેજ રહ્યું અને એનું કારણ પણ કહું. નાટક સસ્પેન્સ-થ્રિલર હતું. કૉમેડી નાટકોની બોલબાલા ચાલતી હતી એવા સમયે અમે નવા પ્રકારના નાટકનો પ્રયોગ કર્યો હતો જેને લીધે ચૅરિટી શોની સંસ્થામાં અમુક લોકોને નાટક ગમ્યું તો અમુક લોકોને નાટક જામ્યું નહીં. આમ પણ તમારું નાટક જો મર્ડર-મિસ્ટરી હોય તો એમાં સંસ્થાના શો મળવાના ચાન્સિસ પચાસ ટકા ઘટી જતા હોય છે. એમ છતાં અમે આ નાટકના ૯૨ શો કર્યા અને એ પછી, ગયા સોમવારે તમને કહ્યું એમ, થ્રી-કૅમેરા સેટઅપ સાથે અમે નાટક શૂટ કર્યું, જે અત્યારે શેમારુમી ઍપ પર છે. અહીં આપણે જરા ઑફ-ટ્રૅક થવાનું છે, કારણ કે ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ નાટક ઓપન થયું ત્યારે મારા જીવનમાં બીજી એક મહત્ત્વની ઘટના બની.
મારો દીકરો અમાત્ય જે એક વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૯માં લંડન ભણવા ગયો હતો તે લંડનથી પાછો આવી ગયો. તે ગયો ત્યારે જ મેં તેને કહ્યું હતું કે મિનિમમ બે વર્ષ તારે ત્યાં રહેવું પડશે, એ પછી જ તને વેકેશન માટે ઇન્ડિયા આવવા મળશે; પણ તેણે બહુ જીદ કરી અને મારે તેને નાછૂટકે ટિકિટ મોકલવી પડી. અમાત્ય પાછો આવ્યો એના થોડા જ દિવસોમાં તેની લંડનની કૉલેજનું રિઝલ્ટ આવ્યું અને ખબર પડી કે તે ફેલ થયો છે. રિઝલ્ટથી હું ખૂબ જ દુઃખી થયો અને તેના પર ખૂબ જ ગુસ્સે થયો. મારું તેના પ્રત્યેનું વર્તન ખૂબ જ રુડ હતું જે અત્યારે હું જાહેરમાં સ્વીકારીશ.
હકીકત એ હતી કે અમાત્યને લંડનમાં ફાવતું નહોતું. તેને ત્યાં બહુ એકલતા સાલતી હતી. રૂમમાં એકલા રહેવાનું, ત્યાંનું સતત વરસાદી વાતાવરણ, ખૂબ જ ખરાબ વેધર અને એને કારણે મનમાં જન્મતા મૉન્સૂન બ્લુ ડિપ્રેશનને લીધે પણ તેની એકલતામાં ઉમેરો થયો હતો. આ ઉપરાંત સતત ગુજરાતી-હિન્દી વિચારધારા ધરાવતી વ્યક્તિ એકાએક જ અંગ્રેજી માનસિકતા ધરાવતા લોકોની વચ્ચે પહોંચી ગઈ એટલે એ રીતે પણ માણસ એકલો પડે એ સ્વાભાવિક છે. સાથોસાથ ત્યાંના ગોરિયાઓ અમાત્ય સાથે વાતો સુધ્ધાં કરતા નહોતા. અમાત્ય જ નહીં, એ ગોરિયાઓ કોઈ પણ એશિયનને ભાઈબંધ બનાવતા નહોતા. એ અંગ્રેજો પોતાના સર્કલમાં જ રહે અને એ સર્કલમાં કોઈને આવવા ન દે. એને લીધે અમાત્યના જે થોડાઘણા મિત્રો થયા એ બધા એશિયન હતા. આવ ભાઈ હરખા, આપણે બધા સરખા - આ જે કહેવત છે એ કહેવત જેવો ઘાટ એ બધા એશિયનો વચ્ચે સર્જાયો હતો અને એમાં પણ સાવ નવું વાતાવરણ એટલે અમાત્ય વધારે ને વધારે ઇન્ટ્રોવર્ડ થઈ ગયો હતો.
આ ઉપરાંત મારો એવો આગ્રહ તો કે તેણે ભણવા સિવાય ત્યાં પાર્ટટાઇમ જૉબ કરીને તેનો મહિનાનો ખાવા-પીવાનો ખર્ચો કાઢવો પડશે. લંડનમાં ખૂબ જ બેકારી વધી ગઈ હતી અને ક્યાંય જૉબ મળતી નહોતી. મારા લંડનના ખૂબબધા મિત્રો હતા. એમાંના કોઈ કામ આવ્યા નહીં. એકમાત્ર જિતુ ભટ્ટી કામ આવ્યો. મારા માટે તે લંડનમાં ફક્ત ભણે એ જરૂરી નહોતું, પણ સાથે-સાથે નોકરી કરીને તે જીવનના પાઠ ભણે એ પણ જરૂરી હતું. એક બાજુ મારું જૉબ કરવા માટેનું પ્રેશર અને બીજી બાજુ ત્યાંનું વાતાવરણ. આ બધાને લીધે એકલતા વધી અને તેનું મન ત્યાં ભણવામાં લાગ્યું નહીં, જેને લીધે તે પહેલા જ વર્ષે પાછો આવી ગયો અને હવે પાછો જવા તૈયાર નહોતો. મારા લાખો રૂપિયાનું નુકસાન થયું અને એ આર્થિક નુકસાનની સાથોસાથ મને એ વાતનું દુઃખ હતું કે મારા દીકરાને ફૉરેન ભણાવવાનું જે સપનું મેં સેવ્યું હતું એ તૂટી ગયું. મેં કૉલેજ સુધ્ધાં નહોતી જોઈ અને એટલે જ હું તનતોડ મહેનત કરીને મારા દીકરાને ફૉરેનની કૉલેજમાં ભણાવવાનું સપનું જોતો હતો. અમાત્ય લંડન ગયો એ વાતની ખુશી તેને જેટલી હતી એનાથી પણ દસગણી ખુશી મને હતી. હું મારાં સગાંસંબંધીઓ અને મિત્રો વચ્ચે પ્રાઉડથી કહેતો કે લાલુ તો લંડનમાં ભણે છે. મારું એ પ્રાઉડ, વર્ષોથી મેં જોયેલું એ સપનું ધરાશાયી થઈ ગયું. જોકે મિત્રો, અહીં મારે તમને કહેવું છે કે એ સપનું મેં સેવ્યું હતું, મારા દીકરાએ નહોતું સેવ્યું. મારા દીકરાનું એવું કોઈ ડ્રીમ નહોતું અને આ બહુ સિમ્પલ કહેવાય એવી વાતની જાણ મને બહુ વખત પછી થઈ.
આ વાતની જાણ મને કેવી રીતે થઈ એની વાતો પણ આપણે આવનારા દિવસોમાં કરીશું. લાલુ સાથે જે પણ ઘટનાઓ ઘટી એનાથી મારા દીકરાની લાઇફમાં કેવું પરિવર્તન આવ્યું અને એક પિતા તરીકે હું ક્યાં અને કેવી રીતે નિષ્ફળ ગયો એ વાતો પણ લાઇફના જે તબક્કામાં બની એ તબક્કો આવશે ત્યારે તમને કરીશ. અત્યારે આપણે વાત કરીએ મારી કરીઅર-કથાની અને તમને કહ્યું એમ મારી કરીઅરનું પંચાવનમું નાટક ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ નાટક ઍવરેજ રહ્યું. જોકે મેં તમને કહ્યું છે એમ હું પ્રોડક્ટ ઊભી કરવામાં માનું છું. એની સફળતાથી મારામાં રાઈ નથી ભરાતી કે એની નિષ્ફળતા મને પછડાટ નથી આપતી. હું મારું કામ કરતો રહું છું. ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ પછી હું કયા નવા નાટક પર લાગી ગયો અને એ નાટક કયું હતું એની વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે.
જોક સમ્રાટ
ભગવાને તમને આ પૃથ્વી પર કોઈ ને કોઈ ખાસ હેતુથી મોકલ્યા છે. જો તમને આ ખાસ હેતુ ન મળે તો તમારે માનવું કે તમને આરામ કરવા મોકલ્યા છે. ખોટું ટેન્શન ન લેવું.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)