‘ઢોલી તારો ઢોલ બાજે...’ સૉન્ગ પર પહેલાં અમે આખું ગીત તૈયાર કર્યું. અમારો એ પર્ફોર્મન્સ જોઈને સંજયભાઈ ખુશ થઈ ગયા, પણ સલમાન ખાનની આંખો ખુલ્લી રહી ગઈ અને તેણે તરત જ સંજયભાઈને કહ્યું કે આ તો બહુ અઘરું છે
ધીના ધીન ધા
અરે સંજય, યે મુઝસે કૈસે હોગા?
‘અરે સંજય, યે મુઝસે કૈસે હોગા?’
‘ઢોલી તારો ઢોલ બાજે...’ સૉન્ગ અમારા ગ્રુપે લાઇવ પર્ફોર્મ કરીને દેખાડ્યું, જે જોઈને સલમાનનું પહેલું રીઍક્શન આ હતું. તમને કહ્યુંને, ગરબાની આ જ મજા છે. એ તમે જોતા હો તો તમને એવું જ લાગે કે એ સાવ સહેલા છે, પણ એની રિધમ અને બીટમાં સેટ થવાનું કામ બહુ અઘરું છે. તમને એ પણ કહ્યું કે ગરબાના ફુટવર્કમાં જો જરાક અમસ્તી ભૂલ થઈ તો એ તમારા આગળનાં તમામ સ્ટેપ્સ ગોટે ચડાવી દે.
અમારો પર્ફોર્મન્સ જોઈને સલમાન ખાન ગભરાયો ભલે, પણ તેણે મહેનત કરવામાં જરા પણ કચાશ નહોતી રાખી. અમુક સ્ટેપ્સની તો તેણે સો-સો વખત પ્રૅક્ટિસ કરી અને અપ-ટુ-માર્ક લેવલ પર તેણે એ સ્ટેપ્સ કરી દેખાડ્યાં. ઍનીવે, ‘ઢોલી તારો ઢોલી બાજે...’ પર અમે જે કોરિયોગ્રાફી કરી હતી એ રફ સ્કેચ હતો અને અમે એ બે જ દિવસમાં તૈયાર કર્યો હતો. સંજયભાઈને એ ગમ્યો એટલે અમે ફાઇનલ કામ પર લાગ્યા. અમારા ફાઇનલ કામ દરમ્યાન સંજયભાઈ પણ રેગ્યુલર આવતા. સંજયભાઈ પોતે બહુ સરસ કોરિયોગ્રાફર છે. પ્રૅક્ટિસમાં તે જોવા આવે, પોતાનાં સજેશન્સ આપે અને કહે કે આપણે આવું કરીએ તો? અમને લાગે કે એવું કરવા જેવું છે એટલે અમે તરત જ એ લઈ લઈએ.
એક ખાસ વાત અત્યારે મને યાદ આવે છે. સંજયભાઈએ જ્યારે અમારો પર્ફોર્મન્સ પહેલી વાર જોયો ત્યારે હું અને અર્ષ બન્ને ફ્રેન્ડ્સ હતા અને સંજયભાઈએ અમને આ ફિલ્મ ઑફર કરી ત્યારે મેં અને અર્ષે મૅરેજે કરી લીધાં હતાં. આ સૉન્ગની કોરિયોગ્રાફી સેટ કરતા હતા ત્યારે અમારી દીકરી તમન્ના ત્રણેક વીકની હતી અને સૉન્ગ શૂટ કરવાનું શરૂ કર્યું ત્યારે તમન્નાને એક્ઝૅક્ટ ૪૪ દિવસ થયા હતા.
આ સૉન્ગનું શૂટ દરરોજ સાંજના છથી સવારના છ વાગ્યા સુધી ચાલતું. એ દરમ્યાન ૪૪ દિવસની તમન્ના અમારી સાથે સેટ પર રહેતી. આ સૉન્ગમાં સલમાનને ઢાળવાનું કામ સૌથી અઘરું હતું એવું કહું તો વધારે નહીં કહેવાય. આ કામ અમારા માટે ડિફિકલ્ટ હતું તો સલમાન માટે પણ ગરબા કરવાનું કામ એટલું જ ડિફિકલ્ટ હતું.
અમે સતત એવો પ્રયાસ કરતા જેથી સલમાનને ઓછામાં ઓછી તકલીફ પડે અને તેનો લુક કૅમેરામાં સારામાં સારો આવે. ઘણી વાર તો સંજયભાઈ પણ અમારી પાસે આવીને મને ઇશારો કરીને મસ્તી કરે કે ‘સમીર રહેવા દે, સલમાનથી નહીં થાય. તમે બીજું કંઈક કરાવી લો.’
આ સાંભળીને સલમાન પણ તરત જ ટશન આપતા કહે કે ના, મારાથી થશે. આવું કહીને પછી તરત જ તે પ્રૅક્ટિસ પર લાગી જાય.
આ સૉન્ગ તમે જોશો તો તમને પણ દેખાશે કે દરેકની મહેનત એટલી જ છે. સંજયભાઈ માનતા કે આ સૉન્ગ તેમની ફિલ્મનો સોલ છે અને એવું જ સૉન્ગ તૈયાર થયું હતું. બધાની મહેનત નિખાર લાવી અને આ સૉન્ગ માટે અમને નૅશનલ અવૉર્ડ મળ્યો. આ સૉન્ગ પછી જ આપણા ગુજરાતી ગરબા જબરદસ્ત ડિમાન્ડમાં આવ્યા. આજે પણ લોકો આવીને અમને ‘ઢોલી તારો ઢોલ બાજે...’નો રેફરન્સ આપીને કહે છે કે અમને આવું સૉન્ગ તૈયાર કરવું છે.
સોલ બની ગયેલા આ સૉન્ગનો જો કોઈ આત્મા હોય તો એ ઐશ્વર્યા રાય બચ્ચન છે અને એનું કારણ તેનું ક્લાસિકલ ડાન્સનું બૅકગ્રાઉન્ડ છે. ક્લાસિકલ ડાન્સનું
એજ્યુકેશન બહુ મહત્ત્વનું છે, પણ અફસોસની વાત છે કે હવે એ ઘટતું જાય છે જે ન થવું જોઈએ. ક્લાસિકલ ડાન્સ એ ડાન્સનું ફાઉન્ડેશન છે. એ ફાઉન્ડેશન કેવું કામ લાગે છે એની વાતો હવે આપણે કરીશું આવતા રવિવારે.