ક્યારેય ભૂલવું ન જોઈએ કે તમે જે ડાન્સ કરો છો એ ડાન્સને મૅચ થતાં કૉસ્ચ્યુમ્સ આપણા કલ્ચરમાં બન્યાં છે તો એવું જ જ્વેલરીની બાબતમાં છે. તમે કાઠિયાવાડી રાસમાં બેંગોલી ક્લોથ્સ પહેરીને જાઓ તો ગમે એટલું સારું રમતા હો તો પણ જોનારાને એ વરવું જ લાગે
ધીના ધીન ધા
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિ આવી રહી છે ત્યારે દાંડિયામાં જનારા અઢળક લોકો એવું પૂછતા હોય છે કે અમારે શું ધ્યાન રાખવું જોઈએ અને અમારે શું ન કરવું જોઈએ? આ વિશે વર્ષોથી પુછાતું રહ્યું છું અને એટલે જ અમને થયું કે આ વખતે એવા જે કોઈ સવાલો અમને પુછાતા રહ્યા છે એના વિશે અહીં વાત કરીએ.
દાંડિયા રમવા જનારાઓમાં મોટામાં મોટી જો કોઈ મૂંઝવણ હોય તો એ કે અમારે કેવી જ્વેલરી પહેરવી જોઈએ? અમારા આટલાં વર્ષોના અનુભવ પછી અમે તમને કહીશું કે સૌથી પહેલાં તો જો કંઈ મહત્ત્વનું હોય તો એ છે કે તમે કેવા દાંડિયા લો છો, તમારા સ્ટેપ્સમાં નાવીન્ય કેવું છે અને એ સ્ટેપ્સ લેતી વખતે દાંડિયા કરનારાના એક્સપ્રેશન કેવા છે? હા, એક્સપ્રેશન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણી વાર એવું બને કે દાંડિયા લેતાં-લેતાં એવા તે થાકી ગયા હોઈએ કે ચહેરાનો એકેએક ભાવ એ થાકની ગવાહી આપતો હોય. આવું બને ત્યારે દાંડિયામાં જે જજ કરવા આવ્યું હોય તે સામાન્ય રીતે એવું જ વિચારે કે આમને દસ મિનિટ પછી ફરીથી જોઈએ, જો ગ્રાઉન્ડ પર ટકશે તો આપણે તેમને સિલેક્ટ કરીશું. કહેવાનો અર્થ એ કે તમે થાક્યા હો તો પણ તમારો એ થાક તમારા એક્સપ્રેશનમાં ક્યારેય દેખાવો ન જોઈએ. આ વાત માત્ર દાંડિયામાં જ લાગુ નથી પડતી, આ વાત તમામ પ્રકારનાં ફંક્શન્સમાં પણ લાગુ પડે છે. ધારો કે તમે પ્રોફેશનલ ડાન્સર હો તો પણ આ જ વાત તમને કહેવાની કે જેટલા મહત્ત્વનાં સ્ટેપ્સ છે એટલા જ મહત્ત્વના એક્સપ્રેશન્સ છે. જો તમે એક્સપ્રેશન પર કામ ન કરતા હો તો તમારે એ દિશામાં અચૂક કામ કરવું જ રહ્યું.
ડાન્સ અને એક્સપ્રેશન પછી જે વાત આવે છે એ વાત છે કૉસ્ચ્યુમ્સની. તમે સમજી શકો કે બહુ સારા દાંડિયા લેનારી વ્યક્તિએ જો દાંડિયાને અનુરૂપ કહેવાય એવાં કૉસ્ચ્યુમ્સ ન પહેર્યાં હોય તો નૅચરલી એ દાંડિયા પણ તમારા મનને તૃપ્ત ન કરે. ભાંગડા થતા હોય, બેસ્ટ રીતે ભાંગડા કરવામાં આવતા હોય; પણ ભાંગડા કરનારાઓએ સાઉથ ઇન્ડિયન ડ્રેસ પહેર્યો હોય તો કેવું લાગે?
આપણે ત્યાં દરેક કલ્ચર મુજબના ડાન્સ છે અને એવી જ રીતે એ ડાન્સને અનુરૂપ કૉસ્ચ્યુમ્સ છે એટલે કૉસ્ચ્યુમ્સ પણ મહત્ત્વનાં છે, પણ ક્રમમાં એ ત્રીજા નંબરે આવે છે અને એ પછી ચોથા નંબર પર આવે છે જ્વેલરી. તમે કાઠિયાવાડી પોશાકની સાથે બેંગોલી જ્વેલરી પહેરશો તો એ નહીં શોભે. ચણિયાચોળી સાથે મહારાષ્ટ્રની ટિપિકલ જ્વેલરી પહેરો તો પણ ન શોભે. એટલે વાત જ્યારે જ્વેલરીની આવે ત્યારે પહેલું ધ્યાન એ રાખવું કે એ કાઠિયાવાડી કે ગુજરાતી જ્વેલરી જેવી ઇમેજ બિલ્ટ-અપ કરતી હોય. ઘણી વખત અમુક કાઠિયાવાડી પોશાકમાં રાજસ્થાની જ્વેલરી શોભતી હોય છે, પણ બધી જ જ્વેલરી નથી શોભતી જે તમારી જાણ ખાતર.
ADVERTISEMENT
બીજી અને અગત્યની વાત.
દાંડિયા વખતે જ્વેલરી એવી જ પહેરવી જોઈએ જે ક્યાંય દાંડિયા દરમ્યાન ખેલૈયાઓને નડતરરૂપ ન બને. બહુ મહત્ત્વનું છે આ, કારણ કે દાંડિયા રમતી વખતે જો તમને જ્વેલરી નડ્યા કરે તો એનાથી તમારાં સ્ટેપ્સ પર સીધી જ અસર પડી શકે તો સાથોસાથ તમારા એક્સપ્રેશન્સ પણ એકધારા એને લીધે ચેન્જ થાય અને એવું બને તો નૅચરલી ફોકસ પણ ડાઇવર્ટ થાય. એટલે જ્વેલરી સિલેક્ટ કરતી વખતે એને સીધી જ દાંડિયામાં પહેરવાનું પ્રિફર કરવાને બદલે જો શક્ય હોય તો એ પહેલાં થોડો સમય પહેરીને જોઈ લેવી જોઈએ અને ધારો કે ટ્રેડિશનલ જ્વેલરી લીધી હોય અને એ પહેરવાનો કોઈ મોકો ન મળે તો કાં તો ઘરમાં પહેરીને ચેક કરી લેવી જોઈએ અને નહીં તો પહેલેથી જ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્વેલરી રમતી વખતે ક્યાંય નડે નહીં. માત્ર જ્વેલરીને લીધે ઘણા એવા ખેલૈયાઓનું ફાઇનલમાં સિલેક્શન ન થયું હોય એવું અનેક વખત બન્યું છે. આ જે અફસોસ છે એ બહુ મોટો અફસોસ છે એટલે પહેલેથી જ આ બાબતમાં સાવચેતી રાખવી એ રમનારા સૌકોઈ માટે બહુ મહત્ત્વનું છે.