Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અસ્પટમ્ પષ્ટમ્ વ્યસનમ્ નષ્ટમ્

અસ્પટમ્ પષ્ટમ્ વ્યસનમ્ નષ્ટમ્

Published : 13 August, 2023 03:44 PM | Modified : 13 August, 2023 04:01 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

પાન, બીડી, સિગારટ અને ગુટકાનાં પડીકાં મોઢામાં ઓરતા જતા લોકો એ વાત કેમ ભૂલી જાય છે કે તેમના પર અનેક જવાબદારી છે અને જો વ્યસન નહીં છોડે તો ભવિષ્યમાં તેઓ પોતાના વહાલસોયાની જવાબદારી બની જશે

પ્રતીકાત્મક તસવીર

લાફ લાઈન

પ્રતીકાત્મક તસવીર


મારા ઘરની સામે કૂતરું મરી ગયું. જોકે એ કૂતરાના મોત પાછળ આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસના ગુજરાતમાં લોકસભાની ઇલેક્શન માટેના ગઠબંધનનો પ્રભાવ 
સહેજ પણ નહોતો. આવા સગવડિયા ધર્મોથી હવે તો વાંદા અને માંકડ પણ નથી મરતા. પણ હશે, આપણે આપણી વાત પર આવીએ.
મરેલા કૂતરાને જોઈને મેં તરત નગરપાલિકાને ફોન કર્યો. જેવો સામેથી ફોન ઊંચકાયો કે તરત મેં કહ્યું...
‘ભાઈ, ઘરની સામે કૂતરું મર્યું છે. જરા ઉપાડી જાવને.’ 
હેલ્પલાઇન પર જે બેઠા હોય એ લોકોને તમે ગમે એવા સમાચાર આપો, પણ તેમનામાં કોઈ જાતનો ઉત્સાહ જાગે નહીં. તેમનો અવાજ મરેલો જ રહે અને રાબેતા મુજબના સવાલ જ તેમના કંઠમાં આવે.
મારી વાત સાંભળીને નગરપાલિકાવાળાએ રાબેતા મુજબ સામો સવાલ કર્યો...
‘કોણ બોલો છો!’ 
‘સાંઈરામ દવે.’ 
મારું નામ સાંભળતાંની સાથે જાણે કે એ ભાઈ એરુ દેખી ગ્યા હોય એમ ઊછળી પડ્યા. અવાજમાં રંગ ભરીને એ ભાઈએ મારી મસ્તી કરી લીધી... 
‘સાહેબ, તમે તો હાસ્યકલાકાર ને માથેથી એમાંય પાછા બ્રાહ્મણ તો અગ્નિસંસ્કાર કરી નાખો. તમારે નગરપાલિકાની શું જરૂર?’ 
મારી ચોટલી ખડી થઈ ગઈ, પણ હું ગમ ખાઈ ગયો અને ગંભીરતા સાથે જ મેં એ મહાશયને જવાબ આપ્યો...
‘ભઈલા, તમારી વાત સાચી. અગ્નિસંસ્કાર તો કરી જ નાખીશું, પણ આ તો સગાંવહાલાંને જાણ કરવાનો અમારી ન્યાં રિવાજ છે એટલે ફોન કર્યો, આભાર.’
આવી રીતે ઘણી જગ્યાએ અમારા ચાહકો અમારો સેલ ખેંચી લ્યે છે. રાજકોટની જ વાત કરું તો રાજકોટમાં એક જણ આવીને મને કહે... 
‘સાંઈરામ, તમે ભૂદેવ છો તો તમાકુનો મંત્ર સંભળાવો લ્યો!’ 
મેં ઘડીક વિચાર્યું કે અમારા કોઈ વડવાઓએ તમાકુના મંત્ર બનાવ્યા નથી, પણ ચાહકનો ચા પર હક હોય છે એમ તેને રાજી રાખવા મેં તેને તાત્કાલિકપણે તમાકુનો મંત્ર સંભળાવી દીધો...
તમાલપત્રમ્, હસ્તમ્, ગ્રહીત્વા, ચુનાર્પણમ્ અસ્તુ
અંગુષ્ઠયામ ઘુષ્ટમ્ વ્રુષ્ટમ્ ઓષ્ઠમ્ સમર્પયામી 
અર્થાત્, તમાકુને હાથમાં મધ્ય ભાગમાં ધારણ કરવી. ‘મમ’ કહીને નખ વડે ચૂનો લેવો, અંગૂઠા વડે ઘુષ્ટી કરીને એકાદ તાલી પાડી વાતાવરણને થોડી તમાકુ અર્પણ કરી ડાબી બાજુના હોઠની વચ્ચે દબાવીને ચપટી ભરીને મૂકી દેવી જેથી સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે.
મારા મોઢે તમાકુનો મંત્ર સાંભળીને બીજો ચાહક નજીક આવી ગ્યો.
‘સાંઈ, આમ થોડું હાલે... બીડીને તમે બાકી રાખી દયો તો મારી ગટીડી નારાજ થઈ જાય...’ પહેલાં બીડી અને પછી મારી સામે જોઈને મને કહે, ‘થઈ જાય બીડીનો મંત્ર...’
બીડીપત્રમ્ મુખમ્ ગૃહીત્વા, 
અગ્નિ પ્રગટાભ્યામ્ અસ્તુ
ધુમાડસ્ય ગોટે ગોટેમ્ કૅન્સરસ્ય સમર્પયામિ સમર્પયામિ 
પછી તો મને શ્લોકની આખી લાઇન ઊગી. મેં તરત જ આજુબાજુમાં ઊભા હતા એ બધાને પાંહે બોલાવી લીધા અને કહ્યું કે હવે આમાંથી સિગારેટનો મંત્ર જેણે સાંભળવો હોય તે આંગળી ઊંચી કરે. મારા ગટીડા સંધેસંધાના હાથ હવામાં અધ્ધર. મને થ્યું કે આટલા બધાને ઉપર જાવાની ઉતાવળ છે. પણ હું તો હાસ્યકલાકાર, હસાવું તો હસી લ્યે પણ સમજવાનું તો સમજે નઈ.
મેં તરત જ ઉપર જવાની ઉતાવળવાળા એ બધાયને સિગારેટનો મંત્ર સંભળાવ્યો...
લંબમ્ લંબમ્ ગોલાકારમ્, 
શ્વેતવર્ણમ્ દ્વિમુખમ્ 
ફેફસાં બાળમ્ હાડ ગાળમ્, 
ચૂંકમ શરણમ્ પ્રપદ્યે!
હજી તો હું શ્વાસ લઉં ત્યાં પાનની દુકાનવાળાના ખોળિયામાં જીવ આવ્યો...
‘સાંઈ, ઘરનો ખર્ચો ગુટકા કાઢે છે હોં... અમારા પાનવાળાની કુળદેવી કે’વાય. એને બાકી રાખી દયો તો એનો જીવ દુભાય...’
મારી અંદર રહેલા શ્લોકાસ્વામીએ પાછી આળસ મરડી અને મેં આંખો બંધ કરી કે તરત જ ખોળિયામાંથી ગુટકાનો શ્લોક બહાર આવ્યો...
ગુટકા મુખમ ગરિષ્યામી, 
ગલોફાસ્ય ફૂલસ્યામી 
મોઢું એનું ન ખૂલસ્યામી, 
સંભવ કૅન્સર ગળમ્ જીભમ્
જ્યારે કોઈ ગુટકા ખાય ત્યારે ગુટકા તોડી પછી ઊંચું મોં કરીને ગુટકાની ધાર મોંમાં કરતા હોય છે. આવું હું જ્યારે-જ્યારે જોઉં ત્યારે-ત્યારે મને એમ થાય કે આ ગુટકા ખાવાવાળા અટાણથી ઈશ્વર તરફ મોં ઊંચું કરીને પ્રભુને કહેતા હશે કે હે પ્રભુ, અમારું ઝટ ઍડ્વાન્સ બુકિંગ રાખજે. 
હું ગુરુકુળમાં ભણ્યો છું એટલે મને ધાણાદાળનું આજે પણ વ્યસન નથી અને એટલે જ હું અત્યારે તમને સૌને કહી શકું છું કે હે દોસ્તો, તમારે જે વ્યસન કરવું હોય એની તમને છૂટ છે; પણ મારી એક વાત યાદ રાખજો કે તમારા ઘરનાં મા, પત્ની, બહેન ને દીકરી આ ચારેયને તમે એક રાઈભાર પણ ચાહતા હો તો પહેલાં જઈને આ ચારેયને પૂછજો કે કયું વ્યસન રાખું અને તેઓ જે વ્યસનની હા પાડે ઈ વ્યસન કરજો. દારૂની પ્યાલી હાથમાં લેતી વખતે તમને તમારી દીકરી કેમ દેખાતી નથી? બસ્સો રૂપિયાનું સિગારેટનું પાકીટ ખરીદતી વખતે એ બસ્સો કમાવા માટે બાપુજીએ પાડેલો પરસેવો કેમ યાદ નથી આવતો? ગુટકાનું મોઢું ખોલતી વખતે ઘરના જુલમો સહન કરી મોઢું સીવીને બેઠેલી પત્ની કેમ ભુલાઈ જાય છે? માવાની ફાકી ચોળતી વખતે તમને કેમ યાદ નથી આવતું કે તમે તમારાં સંતાનોના છત્રને ઘસી રહ્યા છો. પરિવારનાં પાત્રોનો વિચાર કર્યા પછી પણ તમે જો સંકોચ વિના તમારા વ્યસનને આગળ વધારી શકતા હો તો ખરેખર તમે ધન્ય છો. તમને તો મારો વાલીડો પણ સમજાવી ન શકે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2023 04:01 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK