ફિલ્મ ‘આદિપુરુષ’નો વિવાદ વાંચીને હિમાદાદાને ત્રણ દસકા પહેલાં તેમણે પોતાના ગામમાં ભજવી હતી એ રામાયણ યાદ આવી ગઈ. દાદાની રામાયણે ઊભી કરેલી મહાભારત વાંચવા જેવી છે
આદિપુરુષ
આપણા હિમાદાદા જે પહેલાં મૌન ૫૨ હાલતા’તા ઈ હવે લોન પર હાલે છે. દાદાએ સવાર-સવારમાં ઘરે આવીને મને કીધું, ‘સાંઈ, આ ઓ’લી ‘આદિપુરુષ’ની વાતું બોવ હાલે છે, પણ આ તો કાંય નથી. અમે જે ‘આદિપુરુષ’ કરી’તી એના જેવું તો કાંય નો થાય.’
‘દાદા, તમે ક્યારે પિક્ચર કરી?’ હું હિમાદાદાને નાનપણથી ઓળખું એટલે મને થયું કે દાદાને જરાક બ્રેક મારીને ફેંકમફેંકી કરતાં રોકું, ‘તમે પાંચ વરહે એક વાર પિક્ચર જોવા જાવ છો ને મોટી-મોટી કરો છો એવી કે જાણે તમે ફિલ્મુ બનાવતા હો...’
‘સાંઈ, તું સયમજો નઈ...’ હિમાદાદા ઝાલ્યા જાય એવા નહોતા, ‘ત્રીસ વરહ જૂની વાત છે ને પિક્ચરની નથી, નાટકની છે...’
હું કંઈ કહું કે રોકું એ પહેલાં તો હિમાદાદાએ પોતાના ભૂતકાળનો પટારો ખોલી નાખ્યો અને વાત માંડી દીધી.
‘સાંઈ, ઈ વખતે ટીવી ને ફિલ્મના જમાના નહીં. અમારા ગામમાં પણ પ્રાચીન ગરબીઓ જ રમાતી. એ બધાય વચ્ચે ગામના બધાય જુવાનિયાએ દશેરાને દી ‘રામાયણ’નું નાટક ભજવવાનું નક્કી કર્યું. રામાયણ ભજવતાં જે મહાભારત થયું એની તો શું વાત કરું તને... થાય છે કે રે’વા દઉં...’
‘હા, વાંધો નઈ દાદા, રે’વા દયો તો...’
‘અરે, એમ થોડું કાંય રે’વા દઉં... તને મારા અનુભવોનો લાભ તો મળવો જોઈને...’
કહ્યુંને, દાદા ગાંજ્યા જાય એમ નહોતા. તેમણે મને પકડીને બેસાડી દીધો.
‘રામ-સીતાનો વેશ ભજવનારા રેડી, પણ છેલ્લી ઘડીએ રાવણે રોન કાઢી એટલે રાવણ બનવાનું ગામે મને કહ્યું અને તને તો ખબર કે આપણા તો લોહીમાં કલાકાર ખદબદે... પાડી દીધી આપણે હા ને પછી તો ભાઈ મૂછની અણીઓને તેલ પાઈને ખૂંખાર રાવણ બન્યો. તેલના કટાઈ ગયેલા જૂના નવ ડબ્બાને કપડામાં વીંટીને મારા અન્ય નવ મસ્તક સાંજે સાત વાગ્યે તૈયાર કરી દેવામાં આવ્યાં. હવે ડખ્ખો ઈ થયો કે જેવાં મને બીજાં મસ્તકો બંધાયાં કે મારી દૈનિક ક્રિયાઓ બંધ થઈ ગઈ. બીજું સસ્પેન્સ ઈ હતું કે હનુમાન બનેલા ગામના જ એક હટ્ટાકટ્ટા માલધારી મિત્રે તેની ગદામાં કપડાના ડૂચાની જગ્યાએ ચટણી ખાંડવાનો ખાંડણિયો મૂક્યો હતો જેની માત્ર મને જ જાણ હતી, જેથી મેં આખી રામાયણમાં હનુમાનજી સાથે ક્યાંય જીભાજોડી ન થાવા દીધી. કોઈ પણ જાતની માથાકૂટ વગર લંકા સળગાવવા દીધી, કારણ તને કીધું એમ મને રામ કરતાં ગદામાં રહેલા ખાંડણિયાની બીક વધારે હતી.’
મને કથામાં ઇન્ટ્રેસ પડ્યો એટલે એની દાદાને ખબર પડી ગઈ હતી. મેં દાદાને ધીમેકથી કહ્યું, ‘હિમાદાદા, બીજા પ્રસંગો પણ કયો...’
દાદા ખોંખારો ખાઈને મને ક્યે, ‘પ્રસંગની ક્યાં દયે છે, રાવણ તરીકે મેં એવું ફેરવીને પાટુ માર્યું’તું કે ઈ વિભીષણને ત્રણ મહિના કઈડનું ફ્રૅક્ચર થઈ ગ્યું’તું ને એ હૉસ્પિટલના રૂપિયા મેં ભોગવેલા. રાવણ થાવું કંઈ નાની માના ખેલ છે, સાંઈ! ઓલ્યા વાલીને મેં બગલમાં દબાવ્યો ઈ ભેગો વાલી મારી બીકથી નહીં પણ બગલની સુવાસથી ઢળી પડ્યો’તો ઈ ગામને ખબર નહોતી, પણ ખરો ખેલ તો હવે શરૂ થયો. મારાં બાંધેલાં દસ માથાંનો મને ભાર એવો લાગતો કે રાતના જેવા દસ વાગ્યા ને રામાયણ બરોબર જામી ત્યારે જ મને જોરદાર બાથરૂમ લાગી, પણ જાવું ક્યાં? નાટકમંડળીનું બાથરૂમ વાંહે જ, પણ ઈ સિમેન્ટનું ચણેલું ને દસ માથાં સમેત ઈ બાથરૂમમાં એન્ટર થઈ શકું એમ નહોતો. વળી સ્ટેજ છોડીને વાડીમાં જાઉં તો ઑડિયન્સમાંથી ટીખળી છોકરા વાહે આવે એવી બીક હતી. પરિણામે મારું તો આવી બન્યું. ખૂંખાર ચહેરામાંથી હું ધીમે-ધીમે સાવ દયાજનક અને ટેન્શનવાળો રાવણ થા’તો ગ્યો. બે મિનિટ તો થયું કે રામને કહી દઉં કે યુદ્ધ કૅન્સલ રાખો અને તમે સીતામાતાને લઈ જાઓ, હવે આપણે નથી રમતા. પણ સાંઈ; રામ બનવું સહેલું હો ભાઈ, રાવણ તો ભાયડા જ બની શકે.’
મેં કહ્યું, ‘દાદા, વખાણ પછી કરજો. પે’લા વાત પૂરી કરો.’
હિમાદાદાએ નાટકનો ગ્રૅન્ડ ફિનાલે (ઉત્તરાર્ધ) ચાલુ કર્યો.
‘ભાઈ, આખી દુનિયા ઉ૫૨ જેમ અમેરિકાવાળા પ્રેશર કરે એમ પેટમાં ભયંકર પ્રેશરની સુનામી આવી. મારી કાનની બૂટ લાલઘૂમ થઈ ગઈ. દાંતે હોઠ કરડી ખાધા. આંખે અંધારાં આવી જતાં હું બેભાન થઈને દસ ડબ્બા હારે ઊંધે માથાં સમેત ધબાંગ કરતો સ્ટેજ પર જ ઢળી પડ્યો. દર્શકોને થ્યું કે રામને જોઈને જ રાવણ ઢળી પડ્યો છે, પણ મારા કારણની તો મને જ ખબર. અધૂરામાં પૂરું, યુદ્ધ માટે મારી પાછળ ઊભેલા કુંભકર્ણે મારા છેલ્લેથી પેલ્લા તેલના ડબ્બાવાળા મસ્તકમાં જીવતી બીડી નાખી અને સૌ જોવે એમ ભડ-ભડ કરતાં મારાં એક પછી એક મસ્તકો સળગવા લાગ્યાં. વેરઝેર ભૂલીને રામ-સીતા અને તમામ વાનરો-રાક્ષસોએ મળીને ડોલુની ડોલુ પાણી છાંટીને મારા ઓરિજિનલ મસ્તકને બચાવ્યું. તંઈ તારા હિમાદાદા જીવ્યા. નહીંતર ઈ રામાયણ લાક્ષાગૃહની જેમ અમને સંધાયને સાગમટે રાખ કરી નાખત.’
‘દાદા પછી?’
‘પછી શું, કોઈ જાતની ભાંજગડ કર્યા વગર જ મેં ત્રણ મિનિટમાં રામજીને મા જાનકી સોંપી દીધાં ને રામાયણ સંકેલી લીધી, પણ મારો ભાઈબંધ જે હનુમાન બન્યો’તો તેના કાળજાની માલિપા ખાંડણિયાવાળી વજનદાર ગદાથી યુદ્ધનું કૌવત ગામને દેખાડવાના ઓરતા રહી ગયા એટલે તેણે મારું મસ્તક વિના કારણ સળગાવવાના ગુના સબબ કુંભકર્ણને ફેરવીને ગદા ફટકારી. ‘ઓય માડી’ કરતો કુંભકર્ણ સ્ટેજ પરથી સીધો ઑડિયન્સની ગોદમાં જઈ પડ્યો. લોકો તો હસી-હસીને લોટપોટ થઈ ગયા, પણ કુંભકર્ણ એમ હાર માને એવો નહોતો. તેણે ઑડિયન્સમાંથી છુટ્ટી ખુરશીનો ઘા હનુમાનના માથે કર્યો. મેં પરિસ્થિતિનો તાગ લઈને ઈ માલધારી ભાઈબંધને છનનન થાવા કહ્યું ને પછી આગળ હનુમાન, વાંહે કુંભકર્ણ, તેની વાંહે હું એટલે કે રાવણ, અમને મનાવવા અમારી વાંહે રામ અને સીતા અને તેની વાંહે આ રામાયણનું મહાભારત જોવા આવેલા લોકો. બસ સાંઈરામ, તે દી ને આજનો દી. પછીથી અમારા ગામમાં મહાભારત ઘણાં થયાં, પણ રામાયણ કોઈ દી નો ભજવાણી હોં...’
મને થયું કે જો આ હિમાદાદાની ‘આદિપુરુષ’ અત્યારે આવી હોત તો ખરેખર અત્યારે દાદાની શોકસભામાં હું એકલો બેઠો હોત.
પરિસ્થિતિનો તાગ લઈને મેં ઈ માલધારી ભાઈબંધને છનનન થાવા કહ્યું ને પછી આગળ હનુમાન, વાંહે કુંભકર્ણ, તેની વાંહે હું એટલે કે રાવણ, અમને મનાવવા અમારી વાંહે રામ અને સીતા અને તેની વાંહે આ રામાયણનું મહાભારત જોવા આવેલા લોકો.

