ભજન અને ભજિયાંને સીધો સંબંધ છે એટલે તો ભજન પૂરાં થ્યા પછી ભજિયાં-પાર્ટી રાખવામાં આવે છે. કાને હરિનો આસ્વાદ કર્યા પછી પેટમાં પણ હરિનો સાદ પહોંચવો જોઈએને?!
પ્રતીકાત્મક તસવીર
‘ભજ’ નામની ધાતુ પરથી ‘ભજિયાં’ શબ્દ ભૂમંડળ ૫૨ ઊતરી આવ્યો છે. ભજિયાંના અસ્તિત્વને અનાદિકાળથી કોઈ વિદેશી શત્રુઓ અને આક્રમણો પણ નામશેષ કરી શક્યાં નથી. મુગલ, શક, હૂણ, પોર્ટુગીઝ, ફિરંગી કે અંગ્રેજ... ભજિયાં ખાધા વગ૨ કોઈએ આ ધરતી પર શાસન પૂરું નહીં જ કર્યું હોય એવું મારું દૃઢ માનવું છે.
મને એવું લાગે છે કે ‘ભજન’ શબ્દની પાછળ જ માતૃભાષામાં ‘જિયાં’ શબ્દ ઊતરી આવ્યો હશે એટલે જ તો અત્યારે પણ એ પરંપરાની રખેવાળી કરતા કલાકારો ‘ભજન’ના પ્રોગ્રામો પછી ભજિયાં આરોગે છે. આમ ભજન અને ભજિયાં બન્ને એકબીજાના પર્યાય થઈ ચૂક્યાં છે. આપણા અનેક સંત કવિઓએ ભજનમાં ‘હરિને ભજિયાં’, ‘સદ્ગુરુને ભજિયાં’, ‘પ્રભુને ભજિયાં’ નામોલ્લેખ કરીને ભજિયાંનો મહિમા ગાયો છે.
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં જેમ કોઈ વાંચી ન શકે એટલે એનું મૂલ્ય ઘટી નથી જાતું એમ સેમ-ટુ-સેમ ભજિયાંની ઉત્પત્તિની કથાઓ કોઈ શાસ્ત્રો કે પુરાણોમાં મળતી નથી એટલે ભજિયાંનું મૂલ્ય સહેજ પણ ઘટી નથી જાતું. મને લાગે છે કે ઈશ્વરે પહેલાં બટાટા બનાવ્યા, ટમેટાં બનાવ્યાં, મેથી બનાવી, મરચાં બનાવ્યાં અને પછી આ બધાનો અદ્વિતીય ઉપયોગ કેવો થઈ શકે એ વિચાર ઈશ્વરને આવ્યો હશે!
આ બધાને કપડાં પહેરાવું તો?
આ કલ્પનાએ ઈશ્વરે બટાટા ને મરચાં ને ચણાના લોટનું ટી-શર્ટ ડિઝાઇન કર્યું અને બસ, આવી જ રીતે આ ધરતી પર અનેક નિશાચર ક્ષુધાતુર જીવાત્માઓની ક્ષુધાને સંતોષવા પ્રગટ ભૂખભંજક સ્વરૂપ ‘ભજિયાં’નું અવતરણ થયું હશે.
ભજિયાં મહત્તમ વર્તુળાકારે જ અસ્તિત્વમાં આવે છે. ભજિયાં ગોળાકારે જ શા માટે હોય છે? આ પ્રશ્ન પૃથ્વી ગોળ છે કે લંબગોળ જેટલો જ પેચીદો છે. મારા મતે તો પૃથ્વી ગોળ છે, બંગડી ગોળ છે, તેલનો તાવડો ગોળ છે, બટાટા અને ટમેટાં ગોળ છે, લાડુ ગોળ છે. ચૂંટણી ટા’ણે પ્રજાની કોણીએ ગોળ આપવાનું કૉન્ગ્રેસ ને આમ આદમી પાર્ટીવાળા કરે છે અને એટલે જ ભજિયાં પણ ગોળ છે.
સમગ્ર સૃષ્ટિમાં ભજિયાંની થાળી મરચાં વગર ન શોભે. રસપાતરાં એ ભજિયાંના જિગરજાન મિત્રોમાંનો એક છે. છાશ, કોલ્ડ-ડ્રિન્ક્સ અને ચટણી ભાયડાછાપ ભજિયાંની ત્રણ ખટમીઠી ગર્લફ્રેન્ડ છે. ભજિયાં સંગઠનના સૂત્રધાર છે. ગામડાંમાં વાડીઓમાં થતી અનેક મજેદાર ભજિયાંની પાર્ટીઓએ કેટલીયે ચૂંટણીનાં પરિણામો ફેરવ્યાના પરચા છે. આમ સરપંચો, વિધાનસભ્યો, સંસદસભ્યોને જિતાડવા અનેક ભજિયાંઓએ શહાદત વહોરી છે. આ જ રીતે ઘડત૨માં પણ ભજિયાંનો ફાળો અનન્ય છે. ઘણાં શહેરોમાં ભજિયાં બનાવનારની આબરૂ એના ગામના પદાધિકારીઓ કરતાં વધુ હોય છે. આવું આ આધારભૂત વર્તુળમાંથી નહીં, પરંતુ ભૂખડીબારસ સર્કલોમાંથી જાણવા મળ્યું છે.
ભજિયાંની વિશેષતા એ છે કે એ સદાય એના ધારકને ભૂખ્યો જ રાખે છે. આજીવન અને અખંડ ભજિયાં-ભૂખ્યા ભેખધારીઓને પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન કે ઇટાલિયન ફૂડ ભજિયાં સામે કચરાના ડૂચા જેવું ભાસે છે. ભજિયાં વર્લ્ડ રોમિંગ ફૂડ છે. જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસ્યા છે ત્યાં-ત્યાં વગર વિઝા, વગ૨ ટિકિટ અને વગર ઇમિગ્રેશને ભજિયાંએ પણ વસવાટ કર્યો છે. ગુજરાતી ભાષાના સ્વાદપ્રેમી કવિ સાંઈરામે પોતાનો ભજિયાંપ્રેમ મંદાક્રાન્તા છંદમાં વર્ણવતાં લખ્યું છે...
લોટ ચણાનો પાણીમાં પલાળો
તાવડો મૂકો, તેલ ઉકાળો
બટાટાં ને મેથી-મરચાંનાં ભજિયાં
રાતે તો સારાં, સવારે દેકારો!
જેમ ભજિયાં ખાતાં કોઈનું મન ધરાતું નથી એમ આ સુજ્ઞ કવિનો જીવ પણ ભજિયાંની કવિતા લખતાં ધરાતો નથી. અન્ય ચાર છપ્પઈમાં કવિનો ભજિયાંપ્રેમ તેલની માફક નીતરતો સ્પષ્ટ દેખાય છે. વાંચો...
ભજિયાં તારી ભૂખ – અમોને રાત જગાડે,
ભજિયાં તારી ભૂખ – દલમાં લાય લગાડે,
ભજિયાં તારી ભૂખ – જાગતી હરેક રૂંવાડે,
ભજિયાં તારી ભૂખ – ભલેને પેટ બગાડે,
ગોટાં, કેળાં, ફૂલવડાં ને મેથી વાટીદાળ,
મરચાંનાં ખાવાથી આવે ન આંગણ કાળ
ભજિયાનંદ નામની આ બીજી એક કવિતા પણ તમારી સામે રજૂ કરું છું...
હું છું ભજિયાંનંદ - નિત્ય ભજિયાંનો ભોગી
હું છું ભજિયાંનંદ – સતત મરચાંનો યોગી
હું છું ભજિયાંનંદ - ભલે ચટણી વિયોગી
હું છું ભજિયાંનંદ - ખાઉધરો અણનમ જોગી
ભજિયાં મારાં ભજન, સમાધિ, ભજિયાં મારો નાથ
મેં ભજિયાંમાં દીઠા ‘સાંઈ’ જીવતા દીનાનાથ
છેલ્લું ભજિયું જેટલું સ્વાદપ્રેરક હોય એવું જ છેલ્લી રચનાનું હોય. વાંચો, ભજિયાંભ્રમણ નામની આ રચના...
અમરેલી ‘જયહિન્દ’ના ગોટા જે કોઈ ખાવે
સુરેન્દ્રગનર ‘ભાભી’નાં ભજિયાં મન લલચાવે
ગોધરિયે ‘પેટ્રોલ પંપ’નાં મન ડોલાવે
ડાકોરિયા ગોટા જીભડિયે સ્વાદ ચખાવે,
જેતપુરમાં ‘વજુગીરી’ ને જામનગરમાં ‘ઊમિયા’
ગોંડલમાં દરબાર-દયાળજીનાં ભજિયાં ઠારે કજિયા.

