હાસ્યકલાકાર, લોકકલાકાર, કેળવણીકાર અને લેખક સાંઈરામ દવેની એવી વાતો જાણીએ જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હશે
સાંઈરામ દવે
હું મારા કાર્યક્રમમાં પણ કહેતો હોઉં છું કે માબાપનું નહીં માનવાથી શું થાય એની તો કદાચ સમય આવ્યે જ ખબર પડે, પણ માબાપનું કહ્યું માનીને આગળ વધો તો જીવન કેવો આકાર લે એનું જીવતજાગતું દૃષ્ટાંત હું છું. આ શબ્દો છે જાણીતા હાસ્યકલાકાર, લોકસાહિત્યકાર, કેળવણીકાર સાંઈરામ દવેના. તેઓ કહે છે, ‘મારી ઇચ્છા હતી એટલે હું એન્જિનિયર બન્યો, પણ પછી મને ખબર પડી કે મમ્મીની ઇચ્છા હતી કે હું શિક્ષક બનું એટલે મેં એન્જિનિયરિંગ પૂરું કરીને ફરીથી ભણવાનું શરૂ કર્યું અને શિક્ષક બન્યો. એ પછી એક ઘટના એવી બની કે પપ્પાનું મન રાખવા મેં બીજું બધું પડતું મૂકી દીધું અને હું કલાકાર બનવા નીકળ્યો અને માતા અને પિતા બન્નેના આશીર્વાદે મારું આજનું ઘડતર કર્યું.’
સાંઈરામ દવે અને તેમના પપ્પા અને જાણીતા ભજનિક વિષ્ણુપ્રસાદ દવેની જોડીને જુઓ તો તમે આફરીન થઈ જાઓ. ૪પ વર્ષના સાંઈ આજે પણ પપ્પાને નાના બાળકની જેમ ભેટે અને ગાલ પર પપ્પીઓ કરે. પપ્પા પણ તેમને એવાં જ લાડ કરે જાણે સાંઈરામ હજી પણ પાંચ-સાત વર્ષનું બાળક હોય. સાંઈરામ કહે છે, ‘જો મમ્મીની આંખમાં મેં અવસાદ ન જોયો હોત તો હું અત્યારે ગુજરાત વિદ્યુત બોર્ડમાં ક્યાંક જૉબ કરતો હોત. જો પપ્પાની આંખમાં મેં પીડા ન જોઈ હોત તો કદાચ હું હજી પણ સરકારી સ્કૂલમાં શિક્ષક બની બાળકોને ભણાવતો હોત, પણ મમ્મી-પપ્પાનાં સપનાંઓ પૂરાં કરવાની મારી ભાવનાએ મને આજનું આ નામ આપ્યું છે એટલે હું કહીશ કે આજીવન હું મારાં માબાપનો ઋણી રહીશ.’
ADVERTISEMENT
દવે પરિવાર
પપ્પા શું બોલ્યા હતા?
જામનગરમાં જન્મીને અને અમરેલીમાં ઊછરીને ગોંડલ અને પછી અત્યારે રાજકોટ સ્થાયી થયેલા સાંઈરામ દવેએ ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરિંગ પૂરું કર્યું અને એક દિવસ તેમણે મમ્મી સરોજબહેનના મોઢે સાંભળ્યું કે મારી તો ઇચ્છા હતી કે તું શિક્ષક બન. સાંઈરામ કહે છે, ‘નાનપણથી મનમાં આ સપનું રાખીને જીવતી મારી માની જો હું આટલી ઇચ્છા પૂરી ન કરું તો હું નગુણો કહેવાઉં. નોકરી-બોકરીની લપ પડતી મૂકીને મેં પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ (PTC) માટેનો કોર્સ જૉઇન કર્યો અને હું શિક્ષક બન્યો. મને સરકારી નોકરી પણ મળી ગઈ અને એક રાતે પપ્પાએ મારી સામે તેમનું હાર્મોનિયમ મૂક્યું અને બોલ્યા કે હવે તો તું સરકારી નોકરીએ લાગી ગયો, તને આ હાર્મોનિયમમાં રસ પડશે નહીં, બસ એટલું કરજે કે મને અગ્નિદાહ દે ત્યારે આ હાર્મોનિયમને પણ અગ્નિદાહ દઈ દેજે. મને મારા ફાધરના શબ્દો હાડોહાડ લાગી આવ્યા અને મેં એ જ રાતથી હાર્મોનિયમ પર બેસવાનું શરૂ કર્યું.’
તમે ભણાવીને કોઈને કલેક્ટર બનાવી શકો પણ કલાકાર નહીં. સાંઈરામ માટે આ વાત જરા જુદી હતી. કળાનું કૌવત તેમનામાં હતું, જેને હવે માત્ર માંજવાની હતી. બહુ જૂજ લોકોને ખબર છે કે સાંઈરામ દવેએ કરીઅરની શરૂઆત પપ્પા સાથે ભજનિક બનીને કરી. વાંચનના શોખના કારણે સાહિત્યનું જબરદસ્ત જ્ઞાન, જેનો ફાયદો લોકડાયરામાં થયો અને સાંઈરામને સિનિયર કલાકારોની સાથે જવા મળવા માંડ્યું. બે દસકા પહેલાંની એ વાતો યાદ કરતાં સાંઈરામ કહે છે, ‘પપ્પા ખુશ, કારણ કે હવે તેમનો હાર્મોનિયમનો વારસો અકબંધ રહેવાનો હતો. મમ્મી ખુશ, કારણ કે તેમનો દીકરો સરકારી સ્કૂલમાં શિક્ષક બનીને બાળકોને ભણાવતો થઈ ગયો હતો. એ બન્ને ખુશ એટલે હું ખુશ...’
સાંઈરામ દવે પત્ની દીપાલી તથા દીકરાઓ ધ્રુવ અને ધર્મરાજ સાથે.
પ્રશાંત બન્યો સાંઈરામ
અહીં સુધીની આખી જર્ની પ્રશાંત દવેની હતી. હા, સાંઈરામનું સાચું નામ પ્રશાંત છે, પણ પપ્પાની સતત ઇચ્છા હતી કે કલાકાર બનેલા દીકરાનું કોઈ ઉપનામ હોય. સાંઈબાબામાં અખૂટ શ્રદ્ધા ધરાવતા પપ્પા અને સનાતન વિચારધારાને વરેલો પરિવાર. આમ બન્નેનો સમન્વય કરીને પપ્પા વિષ્ણુપ્રસાદ દવેએ દીકરાને નામ આપ્યું ‘સાંઈરામ’ અને એ નામ દીકરાને એવું તે ફળ્યું કે આજે તેમને કોઈ રિયલ નામે બોલાવે તો પણ તેમનું ધ્યાન નથી જતું. સાંઈરામ કહે છે, ‘વર્ષો પહેલાંની વાત છે. એ સમયે આટલું ડિજિટાઇઝેશન નહીં અને હું ઈસ્ટ આફ્રિકાના વીઝા-ઇન્ટરવ્યુ માટે ગયો. એ સમયે તમારું નામ લઈને તમને અંદર બોલાવે. પેલો માણસ બહાર આવીને બોલ્યા કરે ‘પ્રશાંત’, ‘પ્રશાંત’ ને લાઇનમાં બેઠો હું પ્રશાંતને ગાળો આપું કે સાલા, તું જા એટલે મારો વારો આવે. પછી બધા એકબીજાની સામે જોવા માંડ્યા અને મને અચાનક સ્ટ્રાઇક થયું કે હાયલા પ્રશાંત તો હું જ છું. હું ભાગ્યો અને બીજા બધાએ પ્રશાંતને (એટલે કે મને) ગાળો આપવાનું શરૂ કર્યું.’
સાંઈરામે ક્યાંય માબાપની ઇચ્છા વળોટી નથી. તેમણે મૅરેજ પણ અરેન્જ્ડ કર્યાં. સાંઈરામ કહે છે, ‘એમાં પણ મને માબાપના આશીર્વાદ ફળ્યા છે. હું એટલો અલગારી છું કે દીપાલી સિવાય મને કોઈ સાચવી ન શકે.’
સાંઈરામ-દીપાલી દવેને ધ્રુવ અને ધર્મરાજ બે દીકરા છે, ધ્રુવ માર્કેટિંગ મૅનેજમેન્ટ ભણે છે તો ધર્મરાજ પોરબંદરમાં આવેલી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની સાંદિપની ગુરુકુળમાં સંસ્કૃતિ અને શાસ્ત્રો ભણે છે. દીપાલીના હાથની પૂરણપોળી જો સાંઈને મળી જાય તો સાંઈના સાતેય કોઠે દીવા થઈ જાય અને એવું જ ઢોકળીનું શાક મળે ત્યારે બને. જો બન્ને ભેગા મળી ગયા હોય તો સાંઈરામને દિવાળી જેવું લાગે. પ્રોગ્રામ પહેલાં હળવો નાસ્તો કરવાનો અને એમાં પણ સાદો ઢોસો હોય તો ઉત્તમ અને ન હોય તો કોઈ ફરિયાદ નહીં કરવાની. એક સમય હતો જ્યારે સાંઈરામ મહિનામાં ઍવરેજ ત્રીસ પ્રોગ્રામ કરતા, પણ નચિકેતા સ્કૂલ શરૂ કર્યા પછી હવે નક્કી થયું છે કે તેમણે પંદર જ પ્રોગ્રામ કરવા. સાંઈરામ કહે છે, ‘આ મેં નક્કી નથી કર્યું, મારા ભાઈ અમિતે નક્કી કર્યું છે અને અમિતનું કહ્યું મારે માનવું જ પડે.’
લીલીયા તાલુકાના કણકોટ ગામે યુવાવસ્થામાં એક કાર્યક્રમમાં
ત્રણ ભાઈ, ત્રણ ફ્રન્ટ
સાંઈરામ સહેજ પણ ખોટું નથી કહેતા, કારણ કે આજે પણ ૧૨ જણના સંયુક્ત પરિવારમાં રહેતા દવે પરિવારના તમામ સભ્યોએ ચોક્કસ જવાબદારી સંભાળી લીધી છે. સાંઈરામ કહે છે, ‘મારાથી નાના બે ભાઈઓ, જેમાં બીજા નંબરે કિશન. ઘરની તમામ જવાબદારી કિશનની. સૌથી નાના ભાઈ અમિતની જવાબદારી તમામ પ્રકારના ફાઇનૅન્સ ફ્રન્ટની અને મારી જવાબદારી એ બે કહે એ કરવાની. ધ્રુવને ઑસ્ટ્રેલિયા ભણવા જવું હતું તો તેણે મારી પહેલાં તેના કિશનકાકાની પરમિશન લેવાની. ત્યાંથી ગ્રાન્ટ મળે પછી જ તેણે મારી પાસે વાત મૂકવાની. એવું જ મારા માટે પણ. મારે પૈસા જોઈતા હોય તો મારે અમિત પાસે માગવાના અને અમિત મને ના પણ પાડી દે કે હમણાં પૈસા નથી. પણ ભાઈ, એ જ તો સાથે રહેવાની-સાથે જીવવાની મજા છે.’
સાંઈરામની કરીઅરમાં અનેક રોલ છે, પણ એ તમામ રોલમાં જો તેમની ફેવરિટ કોઈ ભૂમિકા હોય તો એ કેળવણીકારની છે. સાંઈરામ કહે છે, ‘જો બાળકોને ભણાવવામાં નહીં, શીખવાડવામાં આવે તો બાળક આનંદ સાથે એ પ્રક્રિયા કરે. સરકારી સ્કૂલનો ડ્રૉપિંગ રેશિયો સામાન્ય રીતે મોટો હોય, પણ ગોંડલમાં હું જે સ્કૂલમાં પ્રિન્સિપાલ હતો એ સ્કૂલનો છેલ્લાં વર્ષોમાં તો ડ્રૉપિંગ રેશિયો ઝીરો થઈ ગયો હતો. એ સમયથી મારા મનમાં હતું કે મારે મારી કલ્પનાની એક એવી સ્કૂલ શરૂ કરવી જ્યાં એજ્યુકેશન આનંદ હોય, યજ્ઞ કરવાની અને રોજ ગાયને જમાડવાની બાળકોમાં આદત કેળવાતી હોય અને એવું ઘણુંબધું. મેં મારા ભાઈઓને વાત કરી અને કહ્યું કે સ્કૂલ તો જ શરૂ કરી શકાય જો આપણે એની સાથે ડે-ટુ-ડેમાં જોડાયેલા રહી શકતા હોઈએ. મારા બન્ને ભાઈઓ બહુ સેટલ્ડ પોઝિશન પર અને એ પછી પણ બન્ને નાના ભાઈઓ લક્ષ્મણ અને ભરત બનીને મારા પડખે ઊભા રહી ગયા, તેમણે જૉબ છોડી દીધી અને સ્કૂલના કામમાં લાગી ગયા. મારી એ સ્કૂલ એટલે ‘નચિકેતા’. નિયમ છે કે મહિનામાં ૧૫ દિવસ મારે પણ સ્કૂલના સ્ટાફની જેમ હાજરી આપવાની.’
નાનપણમાં ભજનિક પપ્પા વિષ્ણુપ્રસાદ દવે સાથે.
પ્રકૃતિ એકદમ શાંતિની
લોકોને સતત હસાવતા રહેતા સાંઈરામ દવે અંગત જીવનમાં એકદમ શાંત પ્રકૃતિના છે. સાંઈનું માનવું છે કે ગયા જન્મમાં તે ચોક્કસપણે ક્રાન્તિકારી રહ્યા હશે. આવું માનવા પાછળ કારણ પણ છે. સાંઈરામ કહે છે, ‘મને ક્રાન્તિવીરો જબરદસ્ત આકર્ષે. આ જ તો કારણ છે કે હું છેલ્લાં ૧૫ વર્ષથી દર ૨૩ માર્ચે ગુજરાતમાં ‘વીરાંજલિ’ પ્રોગ્રામ કરું છું જે સંપૂર્ણ નિઃશુલ્ક હોય. આ વખતે ‘વીરાંજલિ’ સાણંદમાં થયો, જે ૩૦ હજારથી વધુ લોકોએ માણ્યો.’
પોતાના ફીલ્ડના અને ઑર્ગેનાઇઝર સિવાય ભાગ્યે જ કોઈ જાણે છે કે સાંઈરામ છેલ્લાં ૧૮ વર્ષથી દર આસો નવરાત્રિએ માતાજીનું અનુષ્ઠાન કરે. અનુષ્ઠાન દરમ્યાન એક જ રૂમમાં રહેવાનું, સંપૂર્ણ મૌન રહેવાનું અને ઉપવાસ કરવાના. ઉપવાસ પરથી કહેવાનું કે જમવા બેસતાંની સાથે જ સાંઈનું મૌન શરૂ થઈ જાય. જમતાં-જમતાં એક શબ્દ પણ બોલવાનો નહીં. દાળમાં મીઠું ન હોય તો પણ એ ખાઈ લેવાની અને શાકમાં મરચું સેથકનું પડી ગયું હોય તો પણ જમી લેવાનું. સાંઈ કહે છે, ‘માણસ જેના માટે સતત દોડધામ કરે છે એ બે ટંકના અન્નને માન આપવું એ માનવ ધર્મ છે.’
નથી વાપરવો આ ફોન
કોવિડ પછી સાંઈરામે વિપશ્યના શિબિર અટેન્ડ કરી અને એ શિબિરે સાંઈના જીવનમાં વધુ એકાંત આપવાનું કામ કર્યું. સાંઈરામ કહે છે, ‘હું તો કહીશ કે દરેકે એક વાર તો વિપશ્યના શિબિર અટેન્ડ કરવી જ જોઈએ. બોર-બોર જેવાં પીલુડાં આંખમાંથી જાય ને મન હળવું ફૂલ થઈ જાય.’
શિબિર પૂરી કર્યા પછી સાંઈરામે પહેલો નિર્ણય લીધો કે તે ફોન નહીં વાપરે. બધાને એમ કે બેચાર દિવસ પૂરતો ઊભરો હશે, પણ સમય પસાર થતો જાય અને સાંઈ ફોન સામે પણ ન જુએ. ફોન સાથે ન હોય તો નૅચરલી કૉન્ટૅક્ટ કેમ કરવો પણ સાંઈને કોઈ ફરક નહોતો પડતો. બધાએ બહુ સમજાવ્યા પણ સાંઈ એકના બે થયા નહીં એટલે ફાઇનલી તેમને બેસાડી, હાથેપગે લાગીને વિનંતી કરી કે બીજા કોઈ માટે નહીં, અમને ટેન્શન થાય નહીં એ માટે પ્લીઝ તમે ફોન રાખો. સાંઈએ ફોન તો રાખ્યો, પણ સાથોસાથ નવું ફરમાન કરી દીધું કે હું આ ફોનમાં એકેય જાતના સોશ્યલ મીડિયા કે મેસેન્જર નહીં રાખું. આ નિયમ તેમણે આજ સુધી પાળ્યો છે. આજે સાંઈ પાસે અલ્ટ્રામૉડર્ન ફોન છે પણ એ ફોનનો ઉપયોગ તો સામાન્ય કીપૅડવાળા ફોનની જેમ જ સાંઈ કરે છે. સાંઈરામ કહે છે, ‘એક સમય હતો કે મને એમ થતું કે મારી પાસે સમય નથી અને ફોન વાપરવાનું મૂક્યા પછી મને એવું લાગવા માંડ્યું કે બાપ રે, ભગવાને દિવસમાં કેટલાબધા કલાકો આપ્યા છે. આપણે એટલું જ કરવાની જરૂર છે કે ફોન આપણને વાપરે એને બદલે આપણે ફોનનો ઉપયોગ કરતાં શીખીએ.’
બનવું હતું ક્રિકેટર...
સાંઈરામ દવેને ‘ક’ શબ્દ સાથે બહુ લગાવ હોય એવું લાગે છે. સાંઈરામ કહે છે, ‘બન્યો કલાકાર, એમાં આવ્યો ‘ક’ એની પહેલાં કવિતા કરતો, ફરી ‘ક;’ નાનો હતો ત્યારે મન હતું કે હું ‘ક્રિકેટર’ બનું અને દર IPL સમયે મને મારું એ સપનું યાદ આવી જાય. સ્કૂલ ટાઇમે હું મસ્ત ક્રિકેટ રમતો. ફટકાબાજી એવી કરું કે દડો દેખાય નહીં. ભાઈબંધ-દોસ્તાર બધાય મારા ક્રિકેટનાં બહુ વખાણ કરે. આપણે તો હવામાં, રાતે ઊંઘમાં પણ ક્રિકેટર બની ગયા એવાં સપનાં આવે. પણ સમય જતાં ખબર પડી કે આ ક્રિકેટવાળા કંઈ ગલીમાં આવીને ક્રિકેટર શોધે નહીં, એની માટે વિધિવત્ પ્રૅક્ટિસ કરવી પડે. સાલ્લું આપણે તો એવું કંઈ કર્યું નહોતું. સપનું પડી ભાંગ્યું. એ રાતે બહુ દુઃખ થયું, પણ બીજી સવારે નવા સપના સાથે જાગી ગયો : આપણે હવે ગાયક બનીશું. મેં એ જ સવારથી પ્રૅક્ટિસ ચાલુ પણ કરી દીધી, પણ એ પ્રૅક્ટિસ આડોશી-પાડોશી ને ઘરનાએ બંધ કરાવી.’
થૅન્ક યુ મિડ-ડે
વીસથી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયા પછી આજે પણ જો કોઈ સાંઈરામને પૂછે કે કલાકારમાંથી તમે લેખક કેવી રીતે બન્યા તો સાંઈ હસતાં-હસતાં કહે છે, ‘જશ ગણો તો જશ ને અપજશ ગણો તો અપજશ, પણ બધો ‘મિડ-ડે’ને જાય છે. દસેક વર્ષ પહેલાં મને તમારા એડિટર રાજેશ થાવાણીએ લખવાનું આમંત્રણ આપ્યું ને હું તો ધ્રૂજી ગયો. બોલવાનું આપણું કામ, પણ લખવું... ના ભાઈ ના. મેં તેમને કહ્યું કે મારું લખેલું વાંચે કોણ? તો મને કહે, એ હું નક્કી કરીશ, તમે કૉલમ ચાલુ કરો. બેચાર અઠવાડિયાં પછી તમને કે વાચકને મજા નહીં આવે તો કૉલમ બંધ કરશું એવી બાંયધરી તેમણે આપી એટલે મેં હિંમત કરી અને બસ, હું લેખક બની ગયો.’
સાંઈરામ દવે ગુજરાતી ભાષાનાં તમામ માતબર અખબારમાં કૉલમ-રાઇટર રહી ચૂક્યા છે.

