અત્યારથી તૈયારીમાં લાગી ગયેલા જુવાનિયાઓને એટલું સમજાવું જોઈએ કે પ્રેમ કર્યે કશું નથી વળવાનું, પણ એ પ્રેમ નિભાવ્યે એનો રંગ ઘટ્ટ થાવાનો છે
લાફ લાઇન
પ્રતીકાત્મક તસવીર
પ્રેમ એક એવો વિષય છે કે એના વિશે જ્યારે લખીએ ત્યારે નવુંનક્કોર જ લાગે. ફેબ્રુઆરીને પ્રેમ કરવાની અને પ્રેમમાં પડવાની મોસમ માનવામાં આવે છે. હું તો એમ કહું છું કે ફેબ્રુઆરી શું કામ? દરેક માણસે બારે માસ પ્રેમમાં પડવું જ જોઈએ, પણ બન્નેને ૫૨વડવું જોઈએ!
કોઈ તમને ઇમ્પ્રેસ કરવાની મહેનત શરૂ કરે ત્યારે સમજી લેવું કે ઈ તમારાથી પહેલેથી ઇમ્પ્રેસ છે. એક છોકરાએ છોકરીને કહ્યું કે હું તને પ્રેમ કરુ છું. છોકરીએ તરત પૂછ્યું, કેટલો? છોકરો બોલ્યો, તારા જેટલો! ઈ ભેગી તો છોકરીએ થપ્પડ મારી.
ADVERTISEMENT
‘ગધેડા નાલાયક, મને તો એમ કે તું સાચો પ્રેમ કરતો હોઈશ!’
આવો ટુચકો આમ તો દસ રૂપિયાની જોક્સની ચોપડીમાં વાંચવા મળે, પણ મારે તમને એક સવાલ પૂછવો છે કે પ્રેમ કદી સાચો કે ખોટો હોઈ શકે? ના યાર, પ્રેમ એ માત્ર પ્રેમ હોય છે. મારા મતે પ્રેમને બુદ્ધિ કરતાં હૃદયની સાથે વધારે લાગેવળગે છે અને આ પ્રેમનો અહેસાસ શહેરોના સૉફેસ્ટિકેટેડ લોકો કરતાં ગામડાંના સૉફ્ટ લોકોએ વધુ મેળવ્યો અને આત્મસાત્ કર્યો છે.
વૅલેન્ટાઇન્સ ડે ઢૂંકડો છે ત્યારે તમને મારે કાઠિયાવાડની એક જૂની પ્રેમકથા નવા રંગરૂપમાં મૂલવીને યાદ કરાવવી છે.
શેત્રુંજી નદીના કાંઠે આહિર સમાજમાં જન્મેલા ભવોભવના બે પ્રેમી આણલ અને દેવરો. નાનપણથી બે’ય સાથે રમીને મોટાં થયાં. રૂપરૂપના અંબાર જેવી આણલ શ્રીમંત અને દેવરો ગરીબ પણ ખાનદાન ખોરડાનું સંતાન. અત્યારે તો છોકરાઓ ધૂમ બાઇક લઈને બે ચક્કર મારે એટલે છોકરીયું પ્રેમમાં પડી જાય છે. છોડીયુંને લગન પછી ખબર પડે છે કે છોકરો હલાવતો’તો ઈ બાઇક તો ઉછીની માગેલી હતી.
દેવરો અને આણલ એકબીજાને નિર્દોષતા અને દિલથી પ્રેમ કરે છે અને સાથે જીવન જીવવાના કૉલ આપી દયે છે, પણ આણલદેના પિતા દેવાની ગરીબાઈને લીધે આણલનાં લગન ઢોલરા નામના આહિર સાથે કરી નાખે છે. તોય દેવરો-આણલદેનો પ્રેમ પરિપક્વ હતો એટલે ઈ બન્ને કુટુંબની મર્યાદા માટે આ નિર્ણયને સહર્ષ સ્વીકારી લે છે.
આ પણ વાંચો: ધારો કે કાઠિયાવાડ ઍરલાઇન્સ ચાલુ થાય તો?
અત્યારે તો અધૂરિયા આશિકો સૅડ સૉન્ગ વગાડવાનું ચાલુ કરી દયે ને વૉટ્સઍપું પર શાયરીયું મોકલવાનું ચાલુ કરી દયે. માશૂકા પોતાની ન થાય તો કોઈનીયે નહીં એવી માનસિકતાથી સગાયું તોડવાના પ્રયત્નો પણ કરી લે. ક્યારેક ન્યુઝમાં આવે છે કે આશિકે માશૂકા પર ઍસિડ છાંટી દીધો! થોડાક વખત પહેલાં સુરતમાં આવી જ ઘટના ઘટી હતી. છોકરીએ ભાવ નો’ દીધો એટલે તેને મારી નાયખી.
એક પળ માટે પણ જેને પ્રેમ કર્યો હોય તેનું ક્ષણવાર પણ બૂરું કેમ વિચારી શકાય? કેટલાંક ઘેલાં પ્રેમી પંખીડાં તો લગનની આગલી રાતે છૂમંતર થઈ જાય છે. પણ દોસ્તો, ભાગી જવું તો એ દી’ દેવરા-આણલદે માટે પણ અઘરું નહોતું, પરંતુ પરિવારની શાખ એ બન્ને માટે એટલી જ મહત્ત્વની હતી જેટલો જીવ અને શ્વાસ.
વાતનો પ્રાણ હવે આવે છે. આણલદે તેના પતિ ઢોલરા સાથે મન વગર જીવન તો જીવવા લાગે છે, પણ એક દી’ ઢોલરા આણલદેને રાજી કરવા તેના માથામાં તેલ નાખી દે છે. બરોબર ઈ ટાણે આણલદેથી દુહો બોલાઈ જાય છે...
ચોટલો ચાર હાથ, ગૂંથ્યો ગોરા માણી,
એના ગુણની વાળેલ ગાંઠ, દોરી છે કે દેવરો...
અર્થાત્ મારા દિલમાં દેવરાના ગુણની ગાંઠ બંધાયેલી છે. આઇ રિપીટ, ગુણની ગાંઠ હતી, રૂપની નહીં. અટાણે તો ઘરવાળીને મોટા ઉપાડે મોબાઈલ સૌ લઈ દે અને પછી અડધી રાતે પત્નીનો મોબાઇલ ચેક કરે. ઘરવાળી હસીને ફોનમાં વાત કરતી હોય તો પતિદેવના પેટમાં તરત જ ઊકળતું તેલ રેડાય.
પ્રેમનું બીજું નામ ભરોસો છે. કાં ટેક્નૉલૉજીનો ઉપયોગ બંધ કરો ને કાં પ્રિયપાત્રનાં તળિયાં તપાસવાનું બંધ કરો (આ વાત પત્નીઓને પણ એટલી જ લાગુ પડે છે).
એક પત્નીએ પતિને પૂછ્યું કે આ જુલી કોણ છે? પતિએ જવાબ ઉડાડ્યો કે મારી ઑફિસમાં અમે એક કૂતરી પાળી છે એનું નામ છે. પત્નીએ મસ્ત જવાબ આપ્યો કે ઈ કૂતરીના ત્રણ-ચાર મિસ્ડ-કૉલ હતા! પતિ શું બોલે?
એક વાત યાદ રાખજો કે લંકાના રાવણ કરતાં પણ શંકાનો રાવણ વધુ ખતરનાક હોય છે. એ તમારા તમામ સંબંધોમાં સમજણ, સંસ્કાર અને શાંતિની સીતાનું હરણ કરી લે છે.
લેખ વાંચનારા તમામ વાલીઓને પ્રાર્થના કે દીકરીને નવો મોબાઇલ આપો તો કો’ક દી’ ચેક પણ કરજો કે કોના મેસેજ આવે છે? દીકરાને લૅપટૉપ ભેટ ધરજો, પણ કો’ક દી’ અડધી રાતે જાગીને જોજો કે ગગો ગૂગલમાં શું ગોતે છે?
મૂળ વાત પર આવું તો પતિ ઢોલરો જાણી જાય છે કે પત્ની આણલદેના દિલમાં હું નથી, દેવરો છે. તરત જ આણલને સોળે શણગાર સજાવી, વેલમાં બેસાડી, ઢોલરો આહિર પોતે દેવરા પાસે જઈને કહે છે કે દેવરા, આ તારી અમાનત હતી અને ભૂલથી મારી પાસે આવી ગઈ’તી; લ્યો, હવે આણલદેને પ્રેમથી અને આદરથી સંભાળી લ્યો!
એ સમયે દેવરાની આંખો ભીની થાય છે અને ઢોલરાની ખાનદાની પર ઓવારણાં લઈને દેવરો પોતાની બે બહેનો ઢોલરાની સાથે પરણાવે છે જેનો સાક્ષી આ દુહો છે...
દીકરીયું દેવાય પણ, વહુઆરુ દેવાય નહીં,
એકસાથે બે જાય, તોય ઢાલ માગે ઢોલરો!
અર્થ જાણવા જેવો છે આ દુહાનો. દેવરા કહે છે કે ‘હે ઢોલરા, તારી સમજદારી અને ત્યાગને સલામ છે. બાકી પોતાની વહુ કે પત્નીનું દાન પ્રેમીને કરવું એ નાનીસૂની વાત નથી. એટલે મારી એક નહીં પણ બે બહેન તને પરણાવું છું, તોય ઢાલ માગે ત્યારે હું તારી આડશમાં ઊભો રહીને તારો જીવ બચાવવા માટે હું તૈયાર છું.’
વૅલેન્ટાઇન્સ ડેની ડાન્સ-પાર્ટીયું ચાલુ થઈ ગઈ છે ત્યારે આ લોકકથાનાં ત્રણેય પાત્રોની વાત ટાંકી છે. આ ત્રણેત્રણ પાત્રો અભણ હોવા છતાં સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે અને અટાણે તો પત્ની જ તેના પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢે છે.
જમાના પ્રમાણે એજ્યુકેશન વધ્યું, પણ સમજણ અને સહનશક્તિ ઘટ્યાં છે. બાકી પ્રેમમાં અને જીવનમાં પતિ-પત્નીએ એકબીજાને માફ કરી દેવાં. પતિદેવો, તમને’ય કોકે માફ કર્યા છે એટલે જ તમારાં લગ્ન થયાં. યાદ કરો. બાકી દરેક છોકરાનું કૉલેજ લાઇફનું એક ’દીનું વિડિયો શૂટિંગ જો સગાઈ ટાણે સાસરાવાળાને બતાવવામાં આવે તો નિસાસા નીકળે કે જો આ જમાઈ, જે કૉલેજની રેલિંગું પર સીટીયું મારે છે! જોવો, જોવો આ જમાઈ, જે ઉછીના રૂપિયે ગર્લફ્રેન્ડને સૅન્ડવિચ ખવડાવતો! આ ઈ જ, જે બાપાએ આપેલા જીઈબીના બિલના રૂપિયામાંથી વૅલેન્ટાઇન ગિફ્ટ લઈ આવતો... આ ઈ જ છે.
મહોબ્બતમાં જે માફ ન કરી શકે એ શું ખાક મહોબ્બત કરી શકે. પણ સાચું કહો કે દેવરા, આણલદે અને ઢોલરાની જેમ ખરા હૃદયથી લાગણી અને પ્રેમને પુરવાર કરવાની વાતને કેટલા લોકો સાચી રીતે અને પૂરા મનથી પાળવાની કોશિશ કરે છે?!
(મૂળ વાર્તા સોરઠી પ્રેમકથાઓ : ઝવેરચંદ મેઘાણી)
જમાના પ્રમાણે એજ્યુકેશન વધ્યું, પણ સમજણ અને સહનશક્તિ ઘટ્યાં છે. બાકી પ્રેમમાં અને જીવનમાં પતિ-પત્નીએ એકબીજાને માફ કરી દેવાં.