આજેય મોટા ભાગનાં ઘરોમાં મહિલા વર્કિંગ હોય તો પણ કિચનની જવાબદારી તો તેની જ ગણવામાં આવે છે અને વર્કિંગ ન હોય પણ પોતાના શોખ ખાતર કંઈક કરવાની ઇચ્છા હોય
ફિલ્મ ‘મિસિસ’ના દૃશ્યમાં સાન્યા મલ્હોત્રા.
‘મિસિસ’ ફિલ્મ જોઈ હશે તો આ વાત વધુ સારી રીતે સમજાશે. થોડાક જ દિવસ પહેલાં એક શિક્ષિકાએ સાસુ કરતાંય ચડિયાતા ડૉક્ટર હસબન્ડના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું અને અંતિમ શબ્દોમાં સમાજની નરી વાસ્તવિકતા પણ કહેતી ગઈ. માનો યા ન માનો, પરંતુ આજેય મોટા ભાગનાં ઘરોમાં મહિલા વર્કિંગ હોય તો પણ કિચનની જવાબદારી તો તેની જ ગણવામાં આવે છે અને વર્કિંગ ન હોય પણ પોતાના શોખ ખાતર કંઈક કરવાની ઇચ્છા હોય ત્યારે પણ રસોડાની જિમ્મેદારી યાદ દેવડાવવામાં આવે છે
ગાઝિયાબાદમાં કેન્દ્રીય વિદ્યાલયની ફાઇન આર્ટ્સની ૨૯ વર્ષની ટીચર અન્વિતા શર્માએ સાસરિયાં દ્વારા દહેજ અને ઘરેલુ હિંસાના ત્રાસથી કંટાળીને થોડા સમય પહેલાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અન્વિતા અને ગૌરવનાં લગ્ન ૨૦૧૯માં ડિસેમ્બર મહિનામાં થયાં હતાં. ગૌરવ ડૉક્ટર છે. તેમને એક પુત્ર છે જે ચાર વર્ષનો છે. દહેજની મૅટર છે અને પોલીસે સાસરિયાં સામે ઍક્શન પણ લઈ લીધી છે. જોકે આખી ઘટનામાં અન્વિતાએ પોતાના અંતિમ શબ્દોના રૂપમાં લખેલી સુસાઇડ-નોટ હચમચાવી દેનારી છે. વાતને આગળ વધારતાં પહેલાં એ સુસાઇડ-નોટ વાંચવી જોઈએ...
ADVERTISEMENT
અભિનેત્રી અમી ત્રિવેદી
મારા પતિને એક સુંદર અને મહેનતુ પત્ની જોઈતી હતી જેની પાસે નોકરી પણ હોય. મેં મારાથી બનતું બધું જ કર્યું, પણ એ ક્યારેય પૂરતું નહોતું. તેઓ એવી વહુ ઇચ્છતા હતા જે માત્ર તેનાં સાસરિયાં પર ધ્યાન આપે, પરંતુ મારા માટે મારાં માતા-પિતા અને ભાઈ પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ હતાં. છેલ્લાં પાંચ વર્ષમાં મારા પતિએ મને જેટલાં મહેણાં માર્યાં છે એટલાં તો કોઈ સાસુ પણ મારતી નથી. તેણે મારા દરેક કામમાં ભૂલ જ શોધી હતી. તેણે મારી નોકરી સાથે લગ્ન કર્યાં હતાં, મારી સાથે નહીં. કોઈ વ્યક્તિ બે ચહેરા લઈને કેવી રીતે રહી શકે? સમાજમાં જે વાતોને લઈને સારા બને એ વાતે ઘરે આવીને મને મહેણાં મારતો હતો કે તારું ખાનદાન જેટલું કમાય છે એટલું તો હું એકલો કમાઉં છું. તે સતત મારા પરિવારની આર્થિક સ્થિતિ પર મજાક ઉડાવતો હતો અને મારા શિક્ષણ પર પણ મજાક ઉડાવવામાં આવતી હતી. હું ખુશ હોવાનો ડોળ કરીને કંટાળી ગઈ હતી, કારણ કે મારાં સાસરિયાં ફક્ત એક કામ કરતી નોકરાણી ઇચ્છતાં હતાં. મારા પતિને મારા બૅન્ક-ખાતાં અને ચેકબુકનો સંપૂર્ણ ઍક્સેસ હતો. (પછી પોતાનાં મમ્મી-પપ્પાને ઉદ્દેશીને લખે છે). પ્લીઝ, મારા બાળકની સંભાળ રાખજો. હું મારા દીકરાને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરું છું અને ઇચ્છું છે કે તમે તેને તમારી સાથે જ રાખજો. હું નથી ઇચ્છતી કે તે તેના પપ્પા જેવો બને.
ખાવાનું બનાવી દીધું છે ગૌરવ કૌશિક, ખાઈ લેજે.
અન્વિતાની સુસાઇડ-નોટનું છેલ્લું વાક્ય હાર્ડ-હિટિંગ છે. તેના પિતાએ લગ્ન દરમ્યાન ૨૬ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, એક ગાડી દહેજમાં આપી હતી અને છતાં સતત તેનાં સાસરિયાં તરફથી વસ્તુઓ માટે માગણી ચાલુ જ હતી એવી ફરિયાદ તેના પિયર પક્ષે પોલીસમાં કરી છે. આવી ઘટના પહેલાં પણ બની છે. સ્ત્રીસ્વાતંય અને સ્ત્રીસશક્તીકરણની જે વાતો આપણને હવે બોર કરવા માંડી છે એ સ્ત્રીસશક્તીકરણ રિયલ લાઇફમાં ક્યાં છે એનું વાસ્તવિક ચિત્રણ થોડાક સમય પહેલાં આવેલી ‘મિસિસ’ નામની ફિલ્મમાં પણ જોવા મળ્યું. લગ્ન પછી ઘરની જવાબદારીઓમાં સ્ત્રીઓ પર થોપી દેવાતી જવાબદારીઓના બોજ વચ્ચે જાતને શોધતી, પોતાની ઓળખ માટે ટળવળતી સ્ત્રીઓ સમાજની વાસ્તવિકતા છે કે પછી આ ફિલ્મ એ ખરેખર કાલ્પનિક કથા છે એનો જવાબ આપણી આસપાસની સ્ત્રીઓની સ્થિતિમાંથી જ મળી શકે એમ છે.
પરિસ્થિતિ બદલાઈ નથી
સ્ત્રીસશક્તીકરણની જે વાતો આપણે કરીએ છીએ એ મોટા ભાગે શહેરી વિસ્તારોમાં રહેતી અમુક ટકા સ્ત્રીઓ સુધી જ પહોંચી છે, આજે ગામડાંમાં વસતી ૭૦ ટકા મહિલાઓ પાસે જઈને તેમની સ્થિતિ જુઓ તો જ સાચી પરિસ્થિતિનો અંદાજ આવે. શિક્ષણક્ષેત્રે દાયકાઓથી સક્રિય જાણીતાં અભિનેત્રી અમી ત્રિવેદી આવો મત વ્યક્ત કરીને કહે છે, ‘તમે મને કહો કે તમે એવાં કેટલાં ઘરો જોયાં જ્યાં પુરુષ રસોડામાં કામ કરતો હોય? તમે મને કહો કે તમે એવાં કેટલાં ઘરો જોયાં જ્યાં વર્કિંગ વુમન રસોડામાં પગ પણ ન મૂકતી હોય અને સામે વર્કિંગ પુરુષ કિચનના કામથી દૂર-સુદૂર હોય એવાં ઘરોની સંખ્યા કેટલી હશે? સ્વાભાવિક છે કે મહિલાઓ કમાવા લાગી પણ ઘરની જવાબદારીઓ તેમના માથે અકબંધ રહી અને એટલે જ આજે પણ મધ્યમવર્ગીય પરિવારોમાં લગ્ન પછી પોતાની કરીઅરને બાજુ પર મૂકી દેતી યુવતીઓની સંખ્યા બહુ જ મોટી છે. ‘મિસિસ’ ફિલ્મમાં જે દેખાડાયું છે એ કદાચ અમુક જગ્યાએ તમને અતિરેક જેવું લાગી શકે પરંતુ એ આપણા સમાજની નરી વાસ્તવિકતા છે એ વાત કોઈ નહીં નકારી શકે. યસ, આજે પણ એવા પરિવારો છે જ્યાં સ્ત્રીઓના સ્વાતંત્ર્યની વાતો થાય છે પરંતુ એનું વાસ્તવિક અનુસરણ નથી થતું, જે વાત આપણે ‘મિસિસ’માં જોઈ છે. દુનિયા સામે દેખાડવાના જુદા અને અંદરખાને ચાવવાના જુદા એવું આપણા સમાજમાં ઘણાં ઘરોમાં ખૂબ સામાન્ય છે.’
સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શરિતા શાહ
કોવિડ પછી આવા કિસ્સાઓ વધુ પ્રમાણમાં બહાર આવ્યા અને ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીનો શિકાર બનેલી મહિલાઓ સાઇકિયાટ્રિસ્ટ સુધી પણ પહોંચી. સાઉથ મુંબઈની બૉમ્બે હૉસ્પિટલમાં વિમેન ઍન્ડ ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શરિતા શાહ કહે છે, ‘કોવિડમાં ઑનલાઇન કન્સલ્ટેશનનો ટ્રેન્ડ વધ્યો અને એમાં મારી પાસે ઘણી મહિલાઓ હતી જેઓ ડિપ્રેશન સાથે; મરી જવાના વિચારો આવે છે, ધબકારા વધી જાય છે જેવી ફરિયાદો સાથે આવી. કદાચ ઘણાને નહીં પણ ગમે, પરંતુ હું મારા અનુભવો પરથી કહીશ કે ગુજરાતી અને મારવાડી પરિવારોમાં મહિલાઓ જવાબદારીઓના બોજ વચ્ચે પોતાને સતત દબાવતી હોય એવું મેં જોયું છે. મહારાષ્ટ્રિયન પરિવારમાં સાસુ, હસબન્ડનો ઘરકામમાં સપોર્ટ હોય છે પરંતુ આપણે ત્યાં બહુ જ ઓછો હોય છે. વહુ આવી એટલે ઘરનાં બધાં કામની જવાબદારી વહુની અને સાસુ માત્ર પોતાના જમાનાની વાતો કરીને મહેણાં મારે. કોવિડમાં આ સ્થિતિ વધુ વિકટ એટલા માટે બની કારણ કે હાઉસહેલ્પ દ્વારા મહિલાઓને થોડીક પણ મદદ મળતી હતી એ કોવિડમાં બંધ થઈ ગઈ અને કામનો બધો જ લોડ તેના માથે આવ્યો અને બીજી બાજુ ઘરના બધા જ સભ્યો સતત માથા પર રહીને મદદનું નામોનિશાન ભૂલીને માત્ર ઑર્ડર આપતા. કોવિડમાં આવી મહિલાઓ ખૂબ આગળ આવી અને મરી જવાનું મન થાય છે એ મેન્ટલ સ્ટેટ સાથે તેઓ અંતિમ સહાયની આશા સાથે મારી સાથે ઑનલાઇન જોડાઈ અને હું તેમને સપોર્ટ પણ કરી શકી. આજે પણ ઘણી મહિલાઓ ઑનલાઇન કન્સલ્ટેશન જ પ્રિફર કરે છે જેથી તેમનો સમય બચે, ટ્રાવેલિંગનો ખર્ચ બચે અને ઘરમાં પણ કોઈની નજરે ન ચડે કે તે ક્યાં ગઈ હતી. પોતાની કમ્ફર્ટ અને નવરાશના સમયે તે પોતાનું મન હલકું કરી શકે. સાસુએ પોતે પણ પોતાના જમાનામાં વહુ તરીકે જોહુકમી સહન કરી હોય અને એ જ તે પોતાની વહુ પર કન્ટિન્યુ કરવા ઇચ્છે તો એ આજના સમયે સંભવ નથી. ક્યાંક વહુઓ પણ દાદાગીરી સાથે જ સાસરિયાં સાથે વ્યવહાર કરતી હોય. આવા સમયે અમે પરિવારની જરૂરિયાત અને મહત્ત્વ વિશે સમજાવીને બન્ને એક્સ્ટ્રીમ વચ્ચે સંતુલન લાવવાના પ્રયાસ કરતાં હોઈએ છીએ.’
ભૂલ ક્યાં થાય છે?
સાસુ ઘરમાં હોમમેકર હોય અથવા વર્કિંગ હોય અને તેણે જે પ્રકારની આદત પરિવારના પુરુષ સભ્યોમાં પાડી હોય એ જ મેથડ સાથે વહુ આગળ વધે એવી અપેક્ષા રખાતી હોય છે. અમીબહેન કહે છે, ‘જો વહુ કંઈક બદલવા જાય તો એમાં ઘણી વાર સાસુને પોતાને ઓવરપાવર કર્યાની લાગણી થઈ આવતી હોય છે.’
એક કિસ્સો વર્ણવતાં ડૉ. શરિતા કહે છે, ‘એક મારવાડી પરિવારમાં હસબન્ડ-વાઇફ બેડરૂમની અંદર એકબીજાનો ફુલ સપોર્ટ કરે છે. વાઇફની તકલીફોને હસબન્ડ સ્વીકારે પણ છે અને એને બદલવા પણ ઇચ્છે છે, પરંતુ વર્ષોથી મમ્મીનું રાજ ચાલ્યું છે અને હવે જો પોતે વહુના પક્ષમાં મમ્મીને કંઈક કહેશે અથવા તો વાઇફની હામાં હા મિલાવશે તો મમ્મીને નહીં ગમે એમ વિચારીને તે મૌન રહે છે એટલે મરો થાય છે વાઇફનો. હસબન્ડનો સાઇલન્ટ સપોર્ટ તેને મૉરલ હૂંફ આપે, પણ તેના પર પડતો કામનો મારો અથવા તો અવારનવાર તેના કામમાંથી સાસુ દ્વારા કઢાતી ખોડખાંપણને કારણે તેનામાં જે ફ્રસ્ટ્રેશન આવે છે એ હસબન્ડ પર નીકળે. પરિણામે હવે તેમના રિલેશનમાં પણ અંટસ ઊભી થઈ છે. આવા અઢળક કિસ્સાઓ છે.’
અમીબહેન પરિવારોમાં જોવા મળતી આ સ્થિતિ સાથે ૧૦૦ ટકા સહમત થાય છે અને પુરુષોની સ્થિતિ વિશે ટકોર કરતાં કહે છે, ‘ભલે મારી વાઇફ CEO હોય, કોઈ કંપનીમાં પ્રેસિડન્ટ હોય કે બૅન્કમાં મૅનેજર હોય; પરંતુ પત્ની અને વહુ તરીકે તેણે પોતાની મમ્મીને અનુરૂપ ચાલવું પડે અને તો જ તે આદર્શ વાઇફ કહેવાય આ માનસિકતા પુરુષના મગજમાં પણ ફિક્સ કરી દેવાઈ છે. આ રીતે ઘણા પરિવારોમાં માતાપિતાનું બહુ જ મોટો ઇન્ફ્લુઅન્સ છે અને એટલે જ આજની ઘણી છોકરીઓ પોતાની સ્વતંત્રતા અને સ્પેસ માટે પહેલેથી જ ન્યુક્લિયર ફૅમિલીમાં રહેવાની ડિમાન્ડ રહેતી હોય છે. આજે ઘટી રહેલા સંયુક્ત પરિવારમાં ઘરના વડીલોની સંકુચિતતા પણ ક્યાંક નિમિત્ત છે. અફકોર્સ, બીજી બાજુ આજની કેટલીક છોકરીઓનું એકપક્ષી સ્વાર્થી વલણ પણ છે. ક્યાંક સંકુચિત માનસિકતાના વડીલો ઑફિસથી ઘરે આવીને રસોઈ કરવાને બદલે ઝોમાટો કે સ્વિગી પરથી ઑર્ડર કરતી વહુને નથી સ્વીકારી શકતા તો ક્યાંક વડીલોના વડપણની વાતોને પોતાની સ્વતંત્રતાનું હનન ગણતી આજની છોકરીઓ તેમના માટેનો આદર નથી સાચવી શકતી અને પહેલેથી જ જુદા રહેવાની જીદ રાખતી હોય છે.’
આનો ઉકેલ શું?
‘ડાયલૉગ.’ એક જ શબ્દમાં જવાબ આપીને અમીબહેન આગળ કહે છે, ‘પરસ્પર પ્રેમ અને સન્માન અકબંધ રાખીને એકબીજા સાથે વાતચીત કરતાં રહેવાનો માહોલ હોય અને સંવાદ થતો રહે એ આનું સૌથી મોટું સમાધાન છે. વહુ આવ્યા પછી પોતાને થોડોક આરામ મળશે એવું વિચારતી સાસુ ખોટી નથી તો સામે આખો દિવસ ઑફિસનું કામ કર્યા પછી પોતાના હસબન્ડની જેમ પોતાના કામને પણ પરિવારમાં પ્રાધાન્ય મળશે એવું માનતી વહુ પણ ખોટી નથી. તો આનો ઇલાજ એ જ થઈ શકે કે ઘરના કામમાં સંવાદપૂર્ણ વહેંચણી હોય. ઍડ્જસ્ટ કરવું જ પડે પરંતુ એ એક વ્યક્તિએ નહીં, બધાએ જ. ક્યારેય રસોડામાં પગ નહીં મૂકનારા પતિએ પણ નાનાં-મોટાં કામમાં મદદનો હાથ આપવો પડે અને એમાં હવે મારો દીકરો વહુઘેલો થઈ ગયો એવી સંકુચિતતા સાસુએ છોડવી પડે. લગ્ન પછી સહન કરો, સહન કરો, સહન કરોવાળી નીતિ રાખો અને શરૂઆતમાં આદર્શ વહુ બનવા માટે જાતને નિચોવી નાખો અને પછી એક દિવસ બળવો કરીને બધા જ સંબંધોને વેરવિખેર કરી નાખો અથવા તો જીવનભર જાતને સપ્રેસ કરતા રહો એ બન્ને સ્થિતિ યોગ્ય નથી અને એટલે જ કહીશ કે આદર્શ છે સંવાદ, ડાયલૉગ. તમારા પ્રૉબ્લેમ્સ કહો, તેમના પ્રૉબ્લેમ્સ સાંભળો અને હેલ્ધી સોલ્યુશન કાઢો. મેં આવું જોયું છે. મારી કૉલેજમાં જ એક મરાઠી પરિવારમાં વહુ સવારે પોતાના હસબન્ડ અને પોતાના ટિફિનની બે વસ્તુ બનાવીને નીકળે અને બાકીનું તેની સાસુ મૅનેજ કરી લે. સાંજની રસોઈ સાસુ બનાવી લે. તેમની વચ્ચે એવી અન્ડરસ્ટૅન્ડિંગ પણ છે કે જ્યારે સાસુની ઇચ્છા નહીં હોય ત્યારે તેઓ રાજીખુશી કુક રાખી લેશે અને સાથે હસબન્ડ-સસરાનો લેવા-મૂકવાના કામમાં સપોર્ટ છે જ.’
‘મિસિસ’ ફિલ્મની વાર્તામાં શું છે?
મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ની હિન્દી રીમેક ‘મિસિસ’ OTT પ્લૅટફૉર્મ ZEE5 પર ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ છે. સાન્યા મલ્હોત્રા એમાં લીડ ઍક્ટ્રેસ છે. ફિલ્મની રિલીઝ પછી મહિલાસંગઠનો દ્વારા કહેવામાં આવ્યું કે આજે પણ મહિલાઓની સ્થિતિ જરાય નથી બદલાઈ તો બીજી તરફ ઘણાં પુરુષસંગઠનોએ એકતરફી અને અતિરેકનું પ્રદર્શન ફિલ્મમાં થયું છે એવો વિરોધ પણ કર્યો છે.
ફિલ્મની વાર્તા પર એક નજર કરીએ. ડાન્સર રિચા (સાન્યા મલ્હોત્રા)નાં એક ડૉક્ટર સાથે અરેન્જ્ડ મૅરેજ થાય છે. બન્ને રાજીખુશીથી એકબીજાને પસંદ કરીને લગ્ન માટે હા પાડે છે અને બન્નેના પરિવારની પણ સહર્ષ સહમતી છે. લગ્ન પછી નવા ઘરમાં સેટલ થવા માટે રિચા પૂરા પ્રયાસો કરે છે. તે જુએ છે કે ભણેલું-ગણેલું કુટુંબ છે છતાં ઘરની અને ઘરના પુરુષની તમામ જવાબદારી તેનાં સાસુ એકલા હાથે નિભાવે છે. ઘરના પુરુષને ગરમાગરમ ભોજન કરાવ્યા પછી સ્ત્રીઓએ વધ્યુઘટ્યું જમવાનું. સવારે ઊઠ્યા પછી મોડી રાત સુધી કામ કર્યા પછી પણ અપ્રીશિએશનના નામે એક શબ્દ સાંભળવા ન મળે. મોટા ભાગનાં કામ સાસુને કરતી જોઈને રિચા પણ તેમને પૂરેપૂરો સપોર્ટ કરવાના પ્રયાસ કરે છે. જોકે સાસુ તેમની દીકરીની ડિલિવરી માટે વિદેશ જાય છે ત્યારે ઘરની તમામ જવાબદારી રિચાના માથે આવી પડે છે. પતિ અને સસરાને ગરમાગરમ ભાવતાં ભોજન કરાવે છે. પોતે અઢળક તકલીફો વેઠીને પણ ઘરને સંભાળવાની કોશિશ કરે છે. ઘરની જવાબદારીઓ નિભાવતાં પોતાના થોડાક વધારાના સમયમાં ડાન્સ-ક્લાસ જૉઇન કરવાનું પૂછે છે તો આપણા ઘરને આવું ન શોભે કહીને તેની વાતને નજરઅંદાજ કરવામાં આવે છે. એક તરફ દુનિયા સામે તેને ઘરની લક્ષ્મી કહીને માથે ચડાવવાનો ઢોંગ કરાય છે પણ બીજી બાજુ સતત તેના કામમાંથી ખોડખાંપણો કાઢવા સિવાયનું કોઈ કામ બાપ-દીકરો નથી કરતા. પતિ સાથેના અંગત સંબંધોમાં પણ માત્ર પતિ પોતાની જરૂરિયાત મુજબ વર્તતો હોવાથી એક વાર રિચા તેને સમજાવવાના પ્રયાસ કરે છે કે સેક્સ પહેલાં ફોરપ્લે જેવું કંઈક કરીને તેને સહેજ પ્રેમ દર્શાવે તો સામે તેનો હસબન્ડ તેને ફોરપ્લે કરવાનું મન થાય એવું કંઈ જ રહ્યું નથી એમ કહીને રિચાને તે મસાલા અને તેલના વઘારથી ગંધાય છે એમ કહીને ઇન્સલ્ટ કરે છે. એક વાર ઘરમાં ખૂબ બધા મહેમાન છે અને રિચા પાસે શિકંજીનો ઑર્ડર તેનો પતિ કરે છે અને એમાં સહેજ વાર લાગે છે કારણ કે વૉશ-બેસિન ગંદા પાણીથી ભરાઈ ગયું છે અને ઘણા વખતથી એને રિપેર કરાવવા માટે કહ્યું હોવા છતાં તેના પતિએ એ વાતને કાન પર ધરી નથી. ખૂબ અપમાન સહન કર્યા પછી એક દિવસ રિચાની ધીરજ ખૂટે છે અને રસોડામાં તેને વઢવા આવેલા પતિ પર તે વૉશ-બેસિનમાં ભેગું થયેલું ગંદું પાણી ફેંકે છે અને એ જ સમયે ત્યાંથી ગાડીની ચાવી લઈને નીકળી પડે છે.
ફિલ્મના અંતમાં રિચા એક ડાન્સ-પ્રોગ્રામ માટે તૈયાર થયેલી જોવા મળે છે અને બીજા સીનમાં તેના એક્સ-હસબન્ડ અને સસરા જમી રહ્યા છે અને બાજુમાં તેની નવી વાઇફ તેમને ગરમાગરમ ફુલકા પીરસી રહી હોય એવું જોવા મળે છે.
આટલું ધ્યાન રાખી શકાય?
લગ્ન પછી ઘરની જવાબદારીઓ વચ્ચે પોતાની જાતને ખોઈ બેસેલી અને સતત સપ્રેસ થઈ રહ્યાનો ભાવ અનુભવતી મહિલાઓ માટે સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શરિતા શાહ કેટલીક મૂલ્યવાન સલાહ આપે છે એ વાંચો.
આખા દિવસમાં અડધો કલાક તમારે તમારી જાત માટે કાઢો. એ સમયે તમે એક્સરસાઇઝ કરો, મ્યુઝિક સાંભળો, ટીવી જુઓ, ગમતી કોઈ પણ ઍક્ટિવિટી કરો પણ એ સમય જરૂરી છે.
દિવસમાં એક વાર ઘરની બહાર નીકળવું જરૂરી છે. તમે જો વર્કિંગ નથી અથવા તો વર્ક ફ્રૉમ હોમ કરો છો તો પણ દિવસમાં એક વાર થોડાં સરખાં કપડાં પહેરીને પ્રેઝન્ટેબલ બનીને બહાર નીકળવાથી તમે સેલ્ફ-કૅર શીખો છો, નવા લોકો સાથે મળો છો. કરિયાણાની દુકાન કે શાકવાળા સાથે તમારું સામાન્ય કમ્યુનિકેશન પણ તમારા માટે મેન્ટલ બ્રેકનું કારણ બને છે.
તમારા ઘરમાં તમને સમજતી હોય એવી એક વ્યક્તિને પહેલાં આઇડેન્ટિફાય કરો. એ તમારી નણંદ, તમારી દીકરી, દીકરો, હસબન્ડ, જેઠાણી, દેરાણી, સાસુ કોઈ પણ હોઈ શકે. તમારા મનની વાત તમે કરી શકતાં હો અને સામેવાળી વ્યક્તિ એમાં તમારી સાથે ઊભી હોય એવી એક વ્યક્તિને ઓળખીને એક બૅકઅપ બનાવીને તમે તમારા પ્રૉબ્લેમ્સ વિશે ઘરમાં વાત કરો. કામના મામલામાં તમારાથી ન પહોંચાતું હોય અથવા તો તમને કોઈનો અમુક વ્યવહાર ન ગમતો હોય તો હેલ્ધી નોડ પર એની વાત કરો. અકળાઈને નહીં, પણ હેલ્ધી નોડ પર. ફરિયાદના સૂરમાં નહીં, પણ સોલ્યુશન માટે.
તમારા દીકરાને બધાં જ કામમાં ઇન્ડિપેન્ડન્ટ બનાવો. જે ભૂલ તમારાં સાસુએ કરી છે એ તમે નહીં કરતાં. દીકરાને દીકરીની જેમ જ ઉછેરો. તેને રસોડાનાં કામનો છોછ ન રહેવો જોઈએ. રસોઈમાં પણ તે માહેર હોય એમાં કંઈ જ ખોટું નથી. ભલે તમારા સસરા, હસબન્ડ કે ઘરના અન્ય પુરુષ રસોડાને લગતાં કામ ન કરતા હોય પણ તમારા દીકરાને કહી-કહીને એ ટ્રેઇનિંગ તમારે જ આપવી રહી. ઘરના પુરુષોનો એ દિશામાં માઇન્ડસેટ બદલવો ખૂબ જરૂરી છે.

