Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વિશ્વનો પ્રથમ પ્રેમપત્ર અને એ પણ આટલો મૅચ્યોર

વિશ્વનો પ્રથમ પ્રેમપત્ર અને એ પણ આટલો મૅચ્યોર

Published : 10 September, 2023 03:30 PM | IST | Mumbai
Kana Bantwa

જે પુરુષસિંહને મનથી પતિ તરીકે સ્વીકારી લીધો હોય તેના બદલે કોઈ અન્ય સાથે લગ્ન થવાના સંજોગો ઊભા થાય ત્યારે થતી વ્યથા પણ એમાં છે અને કૃષ્ણની પ્રશંસા પણ. જોકે કૃષ્ણે કરેલા રુક્મિણી હરણના પ્રસંગને બંને અંતિમોથી જોવાયો છે

પ્રતીકાત્મક તસવીર

કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


આખા ભારતવર્ષને પ્રેમ કરતાં શિખવાડનાર કૃષ્ણ પ્રથમ પ્રેમપત્ર પામનાર પણ છે. રુક્મિણીએ પોતે શિશુપાલને પરણવું ન પડે એ માટે પોતાના મનના માણીગર માધવને પ્રેમપત્ર લખ્યો હતો. કૃષ્ણને માણસ સાબિત કરવાના પ્રયત્નો કરનાર કેટલાક આધુનિક વિદ્વાનોએ એને રુક્મિણીની મરજી વિરુદ્ધ કરવામાં આવેલું અપહરણ ગણાવ્યું છે. પણ એ લોકો બુદ્ધિહીન સાબિત થાય છે. ભાગવત એને રુક્મિણીના પ્રેમનો પરિપાક ગણાવે છે. હરિવંશે કૃષ્ણ અને રુક્મિણી એકબીજાને જોયા વગર જ એકબીજા પ્રત્યે આકર્ષાયાં હોવાનો સંકેત આપ્યો છે અને એ આકર્ષણના ફળરૂપે રુક્મિણી હરણ થયું હોવાનું નોંધે છે. હરિવંશમાં કૃષ્ણ જ્યારે રુક્મિણીના પિતા ભીષ્મકને કહે છે કે લક્ષ્મીપતિ, તમારી કન્યાને જોવા માટે હું અહીં આવ્યો છું ત્યારે તેમનું આકર્ષણ જણાઈ આવે છે. વિદર્ભ પહોંચ્યા પછી સ્વાભાવિક રીતે જ કૃષ્ણએ જેનો સ્વયંવર યોજાવાનો છે એ રુક્મિણીની પ્રશંસા વારંવાર સાંભળી જ હોય. સામા પક્ષે, પોતાની પુત્રી કૃષ્ણને જ વરમાળા પહેરાવી દેશે એવી ખાતરી થઈ જવાથી ભીષ્મકે સ્વયંવર રદ કરી નાખ્યો. ભીષ્મકે રુક્મિણી શિશુપાલ સાથે વરવવાનું વચન જરાસંધને આપી જ દીધું હતું પણ દેખાડા પૂરતો સ્વયંવર યોજ્યો હતો. કૃષ્ણ આવ્યા એટલે એ આયોજન રદ કરવું પડ્યું. ત્યાં સુધીમાં કૃષ્ણની પ્રશંસા ભીષ્મકની કન્યાએ એટલી બધી સાંભળી હતી કે તેણે પોતાની સહેલીઓને કહ્યું કે ‘કમળ જેવાં નેત્રોવાળા કૃષ્ણ સિવાય કોઈને હું પરણવાની નથી. જે કૃષ્ણ સ્વયંવરમાં આવીને છવાઈ જાય, ભારતભરના રાજાઓની સામે કૃષ્ણને કારણે સ્વયંવર રદ કરવો પડે, સ્વયંવરમાં જેને જોયા પછી કન્યા અન્ય કોઈ રાજાને વરમાળા નહીં જ પહેરાવે એવી ખાતરી માત્ર ભીષ્મકને જ ન થાય, રુક્મી અને શિશુપાલથી માંડીને જરાસંધ સુધીના રાજાઓને થઈ જાય એ કૃષ્ણનું ભુવનમોહન રૂપ જોયા વગર જ રુક્મિણી એના પ્રેમમાં પડી જાય એમાં કોઈ નવાઈ નથી. હરિવંશે રુક્મિણી આકર્ષાઈ ત્યાં સુધીની વાત કહી છે, ભાગવતે રુક્મિણીનો પ્રેમપત્ર રજૂ કર્યો છે. જગતનો પ્રથમ પ્રેમપત્ર રુક્મિણીના નામે છે. સ્વયંવર વખતે જ, કૃષ્ણ સિવાય અન્ય સાથે નહીં પરણું એવી પ્રતિજ્ઞા કરનાર રુક્મિણીને જ્યારે જાણ થઈ કે જરાસંધે શિશુપાલ માટે ભીષ્મક પાસે પોતાનું માગું નાખ્યું છે અને ભીષ્મકે એ માટે હા પાડી દીધી છે, વિવાહ નક્કી થઈ ગયો છે અને બે-ત્રણ દિવસ જ શેષ છે ત્યારે તેમણે પોતાના એક વિશ્વાસુ બ્રાહ્મણને બોલાવીને એક સંદેશો કૃષ્ણ માટે કહેવડાવ્યો. બ્રાહ્મણ શક્ય એટલા વેગથી વિદર્ભથી આનર્ત-દ્વારકા પહોંચ્યો. રુક્મિણીનો સંદેશો બ્રાહ્મણે કૃષ્ણને સંભળાવ્યો એમાં શરૂઆત રુક્મિણી ‘શ્રુત્વા ગુણાન’ કહીને કરે છે. અર્થાત્ તમારા ગુણો સાંભળીને. સંદેશો માત્ર વિનંતી નથી, પ્રેમપત્ર પણ છે. જે પુરુષસિંહને મનથી પતિ તરીકે સ્વીકારી લીધો હોય એના બદલે કોઈ અન્ય સાથે લગ્ન થવાના સંજોગો ઊભા થાય ત્યારે થતી વ્યથા પણ એમાં છે અને કૃષ્ણની પ્રશંસા પણ. શિશુપાલનો ઉલ્લેખ કરતી વખતે વિદર્ભકન્યાની ભાષા કઠોર બની જાય છે. ભાગવત રસનો ગ્રંથ છે એટલે દરેક પ્રસંગમાં રસ નિરૂપણ અપેક્ષિત હોય જ. તો કૃષ્ણનાં પ્રથમ લગ્નને


ભાગવત સાવ શુષ્કપણે, હરિવંશની જેમ કેમ રજૂ કરી શકે? એટલે રુક્મિણીનું પ્રેમનિવેદન ભાગવતકારે ઉમેર્યું છે. સંદેશો સાદ્યાંત મનનીય છે.



‘હે ત્રિભુવન સુંદર, તમારા ગુણો મેં સાંભળ્યા એ કાનમાંથી પ્રવેશ કરીને અંગોના તાપને હરી લેનારા છે. જેને ખરેખર આંખો છે એવા લોકો માટે આપનું રૂપ જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્ત કરનાર છે. હે મુકુંદ, આપણે બન્ને કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય, ઘર બધામાં સમાન છીએ. (રુક્મિણી અહીં દ્વારકેશ કૃષ્ણને વિદર્ભ રાજ્યની સમકક્ષ ગણે છે અને બન્નેના ગુણોમાં કેટલું સામ્ય છે એ દશર્વિીને બન્ને એકબીજા માટે યોગ્ય, અનુરૂપ છે એવું ઇંગિત કરે છે) મનુષ્યલોકમાં બધાના મનને આનંદ પહોંચાડનાર હે પુરુષસિંહ એવી કઈ કુળવાન, ધૈર્યવાન, ગુણવાન કન્યા લગ્ન યોગ્ય ઉંમરમાં આપને પતિ તરીકે પસંદ ન કરે? તેથી હે પ્રિયતમ, મેં આપને જ પતિ તરીકે સ્વીકારી લીધા છે. મેં મારા અસ્તિત્વને આપને સમર્પિત કરી દીધું છે. આપ તો અંતર્યામી છો, આપથી મારા હૃદયની વાત છાની ન જ હોય. હું આપ જેવા વીર પુરુષને સમર્પિત થઈ ચૂકી છે, હવે સિંહના ભાગને જેમ શિયાળ ન સ્પર્શી શકે એમ તમારી થઈ ગયેલી મને શિશુપાલ ન સ્પર્શી જાય. જો મેં ગયા ભવમાં કૂવા, વાવ, તળાવ વગેરે બનાવડાવ્યાં હોય, યજ્ઞ-યાગ કર્યા હોય, દાન, નિયમ, વ્રત અને દેવતા-બ્રાહ્મણો તથા ગુરુજનોની પૂજા કરી હોય, પરમેશ્વરની આરાધના કરી હોય તો આપ અહીં આવીને મારો હાથ ગ્રહણ કરો; શિશુપાલ કે અન્ય કોઈ નહીં. તો આપ અજિત એવા ભગવાન મારાં લગ્ન થવાનાં હોય એના એક દિવસ પહેલાં સેનાપતિઓ સાથે અમારા નગર કુંડિનપુરમાં આવી જજો અને જરાસંધ તથા શિશુપાલ વગેરેની સેનાઓનું મંથન કરીને બળપૂર્વક રાક્ષસવિધિથી, વીરતાનું મૂલ્ય ચૂકવીને મને પરણજો (રુક્મિણી કૃષ્ણને સેના સાથે આવવાનું સૂચન કરે છે. કૃષ્ણને તે માહિતગાર કરે છે કે અહીં જરાસંધ-શિશુપાલ વગેરેની વિશાળ સેનાઓ પડી છે. પોતાની સાથે રાક્ષસવિધિથી લગ્ન કરવાનું તે કહે છે. બન્ને પાત્રોની સહમતીથી થતાં લગ્ન ગાંધર્વલગ્ન છે. સ્ત્રીની મરજી ન હોય તો પણ કરાતાં લગ્ન-રાક્ષસલગ્ન કહેવાય છે. કૃષ્ણ રુક્મિણીને એની મરજી વિરુદ્ધ ઉપાડી ગયા હતા એવું કહેનારાઓ આ રાક્ષસવિધિ શબ્દને પકડીને આવું કહે છે. પણ અહીં રાક્ષસવિધિથી એટલે બળપૂર્વક હરણ કરવાનું કહેવાયું છે, લગ્ન તો પછીથી વિધિવત્ થવાનાં જ હોય. જે છોકરી આટલી વિનંતીથી હરણ કરવા બોલાવે તેની મરજી ન હોય એવું વિચારનારા ગજબ છે). જો આપ એવું વિચારતા હો કે તમે અંત:પુરમાં પહેરા હેઠળ રહેનારા છો તો તમારા ભાઈઓ વગેરેને માર્યા વગર હું તમને કઈ રીતે લઈ જઈ શકું તો એનો પણ ઉપાય બતાવું છું. અમારા કુળમાં એવો નિયમ છે કે લગ્નના એક દિવસ પહેલાં નગરની બહારના કુળદેવીના મંદિરમાં દર્શન કરવા માટે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે. હું જ્યારે ગિરીજાદેવીના આ મંદિરે દર્શન કરવા જાઉં ત્યારે મારું હરણ કરી લેશો.


હે અમ્બુજાક્ષ, શંકર જેવા મહાપુરુષો પણ આત્મશુદ્ધિ માટે આપની ચરણરજમાં સ્નાન કરવા ઇચ્છે છે. જો આપની ચરણરજ હું પ્રાપ્ત નહીં કરી શકું તો તપ કરીને આ શરીર ક્ષીણ કરીને પ્રાણોનો ત્યાગ કરવા દઈશ. ભલે આપની કૃપાનો પ્રસાદ મેળવવા માટે સેંકડો જન્મ લેવા પડે.’

પ્રેમપત્રમાં પ્રિયતમાના મનોભાવો છે અને સાથે જ બહુ જ વિચારપૂર્વક થયેલું નિરૂપણ પણ છે. કૃષ્ણ પ્રત્યેનું પોતાનું આકર્ષણ તેણે છુપાવ્યું નથી અને શિશુપાલને શિયાળ તથા કૃષ્ણને સિંહ સાથે સરખાવીને પડકાર પણ ફેંક્યો છે. લડવું પડશે એ પણ કહી દીધું છે. શિશુપાલને પરણવાને બદલે પોતે મરવાનું પસંદ કરશે એવું કહીને કૃષ્ણએ આવવું જ પડે એવા સંજોગો પણ પેદા કરી દીધા. જગતનો પ્રથમ પ્રેમપત્ર પણ કેવો પરિપક્વ!


કૃષ્ણએ બ્રાહ્મણને જે જવાબ કહ્યો એ રુક્મિણી પ્રત્યેના કૃષ્ણના આકર્ષણને સાબિત કરે છે. બન્ને બે-ત્રણ વર્ષથી, સ્વયંવર રદ થયો ત્યારથી જ એકબીજાને દિલ દઈ બેઠાં હતાં, મનથી જોડાઈ ચૂક્યાં હતાં એ કૃષ્ણના શબ્દોમાં અનુભવાઈ શકે. ‘વિદર્ભકુમારીની જેમ જ મારું ચિત્ત પણ તેમનામાં જ લાગેલું છે. મને રાત્રે નિદ્રા પણ નથી આવતી. રુક્મીએ દ્વેષબુદ્ધિથી અમારો વિવાહ અટકાવ્યો છે, પણ યુદ્ધમાં એ રાજાઓનું મંથન કરીને આપને હું લઈ જઈશ.’

કૃષ્ણ તરત જ રથ લઈને નીકળી પડ્યા એવું ભાગવતમાં કહેવાયું છે. હરિવંશમાં કૃષ્ણ અને બલરામ અન્ય વૃષ્ણિ યોદ્ધાઓને લઈને, લાવ-લશ્કર સાથે દ્વારકાથી કુંડિનપુર પહોંચ્યા એવું કહેવાયું છે. ભાગવતમાં આ યોદ્ધાઓ પછીથી ગયા એવું વર્ણન છે. હરિવંશ પ્રમાણે નગરની બહાર ઇન્દ્રના મંદિરમાં ઇન્દ્રાણીની પૂજા કરવા માટે અને ભાગવત મુજબ ગિરીજાદેવીની પૂજા કરવા માટે રુક્મિણી પહોંચી ત્યારે તેને જોતાં જ કૃષ્ણ કામાસક્ત થઈ ગયા. તેમણે રુક્મિણીને બળપૂર્વક રથમાં બેસાડી દીધી, હરણ કરી લીધું. શિશુપાલ તો હતપ્રભ થઈને બેસી પડ્યો. જરાસંધે તેને સાંત્વના આપવી પડી. કૃષ્ણ-બલરામ અને યાદવ વીરોની સેના સાથેનાં જરાસંધ, શિશુપાલ વગેરેનાં યુદ્ધનાં વિસ્તૃત વર્ણન પુરાણોમાં છે. બહેનના અપહરણથી ક્રોધિત રુક્મી કૃષ્ણની પાછળ પડ્યો અને નર્મદા કાંઠે કૃષ્ણના રથની નજીક પહોંચી ગયો. જિંદગીભર રુક્મીએ કૃષ્ણની સ્પર્ધા કરી હતી અને તેના દ્વેષને કારણે જ પોતાની બહેનને કૃષ્ણને પરણાવવા નહોતો માગતો. પણ કૃષ્ણની સાથેના યુદ્ધમાં તે નબળો સાબિત થયો. ક્રૃષ્ણએ થોડી વારમાં જ તેને પછાડી દીધો અને તલવારથી તેનું માથું વાઢી જ લેવાના હતા ત્યાં જ રુક્મિણીએ કૃષ્ણના પગે પડીને પોતાના ભાઈને નહીં મારવા માટેની વિનવણી કરી. કૃષ્ણએ રુક્મીને જવા દીધો. ભાગવતમાં કૃષ્ણએ રુક્મીને દુપટ્ટાથી રથની સાથે બાંધી દીધાનો તથા દાઢી-મૂછ તથા માથાના વાળ ઉતારીને વિરૂપ કરી દીધાનો ઉલ્લેખ છે. કૃષ્ણ જેવા સમર્થ પુરુષ આવું કાર્ય કરે નહીં. કૃષ્ણની શ્રેષ્ઠતા સાબિત કરવાના ઉત્સાહમાં પુરાણકારોએ ઘણી વાર તેમને નુકસાન કર્યું છે. ભાગવત મુજબ બલરામે આવીને રુક્મીને વિરૂપ કરવા બદલ ઠપકો આપ્યો અને રુક્મિણીની માફી માગી.

કૃષ્ણ રુક્મિણીને લઈને દ્વારકા આવ્યા અને દ્વારકામાં બન્નેનાં લગ્ન થયાં એવું હરિવંશ, ભાગવત, વિષ્ણુપુરાણમાં કહેવાયું છે પરંતુ લોક પરંપરા મુજબ, દ્વારકા નજીકના માધવપુર ગામે કૃષ્ણએ રુક્મિણી સાથે લગ્ન કર્યાં હતાં. આજે પણ કૃષ્ણનાં લગ્ન માધવપુરમાં યોજાય છે.

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2023 03:30 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK