ડિપ્રેશન, વર્ટિગોમાં આરામ આપવામાં, કમરનો દુખાવો દૂર કરવામાં, હાથ-પગના નબળા સ્નાયુઓમાં સ્ટ્રેંગ્થ લાવવા, હાડકાંને મજબૂતી આપવામાં, શરીરનું બળ વધારવામાં જબરું પરિણામ આપે છે
રોજેરોજ યોગ
આ એક આસન કરશો તો શરીરના પ્રત્યેક અવયવો તમને થૅન્ક યુ કહેશે
અધો મુખ શ્વાનાસન અથવા તો પર્વતાસન અથવા તો ડાઉનવર્ડ ડૉગ પોઝ વગેરે નામોથી જાણીતું આ આસન ઉત્સાહ અને એનર્જી વધારવાથી માંડીને ડિપ્રેશન, વર્ટિગોમાં આરામ આપવામાં, કમરનો દુખાવો દૂર કરવામાં, હાથ-પગના નબળા સ્નાયુઓમાં સ્ટ્રેંગ્થ લાવવા, હાડકાંને મજબૂતી આપવામાં, શરીરનું બળ વધારવામાં જબરું પરિણામ આપે છે. આજે એ કરવાની સાચી રીત જાણી લો
પહેલાં અને પછી કરજો આ આસન : માર્જરાસન, તાડાસન, કુંભકાસન (પ્લૅન્ક પોઝ) તેમ જ પછી કરજો બાલાસન અથવા તો શશાંકાસન.
ADVERTISEMENT
યોગના નિષ્ણાતો માને છે કે માત્ર એક સિમ્પલ આસન પણ જો તમે શીખી જાઓ અને એમાં હાથોટી મેળવી લો તો બીજા એકેય આસન કર્યા વિના પણ તમામ પ્રકારના બેનિફિટ્સ તમને મળતા હોય છે. સાવ સિમ્પલ પલાંઠી વાળીને સુખાસનમાં પણ લાંબો સમય સ્થિરતાપૂર્વક બેસવાનો તમારો મહાવરો જો તમને સમાધિના સ્ટેજ સુધી લઈ જતો હોય તો વિચાર કરો કે કેટલાંક ખરેખર શરીરની ક્ષમતાને વધારનારાં આસનોના કેવા લાભ થઈ શકે? કહેવાય છે કે કુલ ૮૪,૦૦૦ યોનિના જીવો પ્રમાણેનાં આસનો હતાં, જેમાં ૮૪ મુખ્ય ગણાયાં. એમાંય પાછાં વિવિધ પુસ્તકોમાં આપવામાં આવેલાં આસનોની સંખ્યા જુદી છે. આટલાં બધાં આસનોમાં શું કરવું શું નહીં જેવી મૂંઝવણ તમને થઈ હોય તો આજે એક બહુ મહત્ત્વપૂર્ણ કૅટેગરીમાં આવતા એક આસન વિશે આજે ડિસ્કસ કરવાના છીએ. મેડિકલી પણ આ આસનથી શરીરને ખૂબ લાભ થતો હોવાનું નિષ્ણાતો કહે છે. શરીર અને મન સીધાં જ સંકળાયેલાં છે એટલે જો ફિઝિકલી આ આસન તમને સ્ટ્રૉન્ગ બનાવતું હોય એમાં જો યોગની અવેરનેસ ભળે તો ડેફિનેટલી એનો લાભ બેવડાઈ જવાનો. આસનનું નામ છે અધો મુખ શ્વાનાસન. એ સિવાય પણ એનાં ઘણાં નામ છે. અંગ્રેજીમાં ડાઉનવર્ડ ડૉગ પોઝિશન તરીકે ઓળખાય છે, કારણ કે ડૉગીઓ દ્વારા થતું આ મોસ્ટ કૉમન આસન છે. તેમને તમે ઑબ્ઝર્વ કરતા હશો તો બહુ જ ફ્રીક્વન્ટલી તેઓ આ પ્રકારના સ્ટ્રેચ સાથે તમને દેખાશે. આજે આસનો અને અલાઇનમેન્ટમાં પ્રોમિનન્ટ યોગ સ્કૂલ ગણાતી ઐયંગર યોગ સ્કૂલના સિનિયર ટીચર નજીબ સૈયદ પાસેથી જાણીએ કે શું ખાસ છે આ પોશ્ચરમાં, શું કામ એ કરવું જોઈએ નિયમિત અને આ પોશ્ચર કરતી વખતે કઈ ભૂલો અવૉઇડ કરવી જોઈએ.
ક્યારેય નહીં થાકો
અધો મુખ શ્વાનાસન એવું આસન છે જેને કરવામાં એક વાર સાચી રીત સમજાઈ જાય એ પછી તમે ક્યારેય એ કરવામાં થાકશો નહીં. નજીબ સૈયદ કહે છે, ‘આને તમે ફાઉન્ડેશન આસન કહી શકો. કરો એટલે તાજગી આવ્યા વિના ન રહે. એટલે જ લાઇફના કોઈ પણ પૉઇન્ટ પર તમને તમારી પ્રૅક્ટિસ આ જ આસનથી શરૂ કરવાનું મન થશે. બૅલૅન્સ અને સ્ટ્રેંગ્થ વધારે. તો સાથે ફ્લેક્સિબિલિટી પણ વધારે એ એના ડબલ બેનિફિટ્સ છે અને તમારા શરીરના એકોએક અંગને એ પ્રભાવિત કરે છે એ તેની બ્યુટી છે. બેશક, આ આસન માટે શરીર થોડુંક કેળવાયેલું હોય અને તમે પ્રૉપર ટેક્નિકનું ધ્યાન રાખીને કરો તો એ વધુ ફાયદાકારક નીવડશે અને ખોટી રીતે કરશો તો નુકસાન થવાના ચાન્સિસ પણ છે જ. ધારો કે તમારા ખભા અને સાથળના સ્નાયુઓ સ્ટીફ એટલે કે જકડાયેલા છે તો તમને આ આસન કરવામાં તકલીફ પડી શકે છે.’
કેવી રીતે થાય?
અધો મુખ શ્વાનાસનને વૉલ સપોર્ટ અને ચૅરના માધ્યમથી શરૂઆતમાં આ રીતે પણ કરી શકાય.
તમારા બન્ને હાથ અને બન્ને પગ જમીન પર હોય અને નિતંબનો ભાગ ઉપરની તરફ ખેંચાયેલો હોય. ઉપર અને નીચેના શરીરમાં અને સાથે કરોડરજ્જુમાં જબરું ખેંચાણ હોય. હથેળી જમીન પર હોય અને હાથની આંગળીઓ બરાબર ખૂલેલી અને પાંચેપાંચ આંગળીઓ પર વજન બરાબર રીતે વહેંચાયેલું હોય. પગની એડીઓ જમીનને સ્પર્શતી હોય. આ સામન્ય રીતે થતું આસન છે, પરંતુ વ્યક્તિની જરૂરિયાત મુજબ એમાં વેરિયેશન પણ લાવી શકાય. જ્યારે પણ તમે ટ્રેડિશનલ સ્ટાઇલનું અધો મુખ શ્વાનાસન કરતા હો ત્યારે હાથની આંગળીઓ બરાબર પાંચેપાંચ દિશામાં ખેંચાયેલી હોય અને હાથથી જમીન પર એ રીતે દબાણ આપો જાણે તમે હાથને જમીનથી દૂર ધકેલી રહ્યા છો અને પગની એડીથી પણ જમીન પર એક પ્રકારનું દબાણ આપો છો.
કેવા ફાયદા છે?
સ્પોર્ટ્સમાં જે લોકો ઍક્ટિવ છે અને સતત ઊભા રહેવાનું અથવા બેઠાડુ જેમનું રૂટીન છે તેમને માટે અધો મુખ શ્વાનાસન આશીર્વાદ સમાન છે. જનરલ લાભમાં તમારું બૉડી પોશ્ચર સુધારવાથી લઈને બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદરૂપ થાય છે. જેમનું જીવન બેઠાડુ છે તેમને પણ આ આસનથી લાભ થશે. કેટલાક મહત્ત્વના લાભ જોઈએ. તમારા હાથ, પગ, ખભા, કાંડા અને છાતીના ભાગના સ્નાયુઓને મજબૂતી પ્રદાન કરે છે. નજીબ સૈયદ કહે છે, ‘તમારી કરોડરજ્જુમાં ખેંચાણ આવે એટલે નૅચરલી જ તમે બહુ સારું ફીલ કરશો. તમારા મણકા વચ્ચે ખેંચાણને કારણે સ્પેસ ક્રીએટ થશે. લોઅરબૅકને લગતા પેઇનમાં પણ આ આસનથી ફાયદો થઈ શકે છે. આ આસનથી તમારી વેઇટ બેરિંગ કૅપેસિટી વધે છે. હાડકાં મજબૂત બને છે. સાંધાને લગતા દુખાવાની સંભાવનાઓ ઘટી જાય છે. આ આસનમાં તમારા ખભાનું સંતુલન છે, માથાનો ભાગ નીચે તરફ હોવાથી ઇન્વર્ઝન આસનોના લાભ પણ મળે. રક્તપ્રવાહ મસ્તિષ્ક તરફ વધવાથી અને રિલૅક્સિંગ પોઝના લાભ પણ આપે છે આ આસન. વ્યક્તિમાં ફર્મનેસ આવે. માથા તરફ બ્લડ સર્ક્યુલેશન વધે, હાર્ટના હિસ્સામાં કોઈ પણ જાતનો લોડ આવ્યા વિના. એટલે બ્રેઇનને શાર્પ કરે. આ પોઝમાં હોય એ સમયે ટીચર વ્યક્તિના કાનને સહેજ ખોલવાની કોશિશ કરે એનાથી વર્ટિગોમાં લાભ થયો હોવાના કેટલાક કેસ સ્ટડીઝ અમારી પાસે છે. તમારી પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ ઍક્ટિવ થવાથી રિલૅક્સેશન લેવલ વધે. મેન્ટલ ડલનેસ, ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશનને દૂર કરવા, મૂડ અને પૉઝિટિવિટી વધારવા જેવા સાઇકોલૉજિકલ લાભ પણ છે. આખા શરીરને સ્ટ્રેચ મળે છે એથી બોન ડેન્સિટી વધે. આજકાલ ઘણા લોકોને એડીમાં દુખાવો થતો હોય છે. સ્પરની તકલીફ હોય એમાં પણ સાચી રીતે અને અમુક પ્રોપ્સની મદદથી આસન કરાય તો લાભ થાય છે. આ પોઝ એવો છે જેનાથી તમે પ્રૅક્ટિસની શરૂઆત કરો છો, પરંતુ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે એકદમ બિગિનર માટે આ પોઝ નથી. તેઓ વેરિએશન સાથે આ અભ્યાસ કરી શકે.’