હા, આવા એક નહીં, અઢળક ગુજરાતીઓ તમને મળશે જેઓ સિટી લાઇફ છોડીને કાયમ માટે પહાડોમાં વસી ગયા. પોતાનો પ્રોફેશન છોડીને નવેસરથી પહાડોની આકરી લાઇફ શરૂ કરનારા આવા કેટલાક અતરંગી અને મનમોજીઓને મળીએ
માઉન્ટન ડે સ્પેશ્યલ
માઉન્ટન અમારું ઘર
સૌથી વધુ ફરતી પ્રજાનો કોઈ વર્લ્ડ રેકૉર્ડ બને તો એમાં ગુજરાતીઓનો ડંકો વાગે એમાં કોઈ શંકા નથી, પરંતુ ફરવું એ એક વાત થઈ અને જ્યાં લોકો ફરવા જાય એ જગ્યાએ જ કાયમ માટે વસી જવું એ બીજી વાત થઈ. એમાંય પહાડોમાં જઈને વસવું એ કંઈ ચણા-મમરા ખાવા જેવી સરળ વાત નથી. ‘ડુંગર દૂરથી જ રળિયામણા’ કહેવત બનાવનારા આપણા વડવાઓ પણ આ વાતથી સભાન હતા જ. દૂરથી જુઓ તો જેના પ્રેમમાં પડી જવાય એવી સુંદરતા ધરાવતા પહાડોની નજીક જાઓ ત્યારે ઊંચાઈ સાથે આવતી અગવડ અને અનિશ્ચિતતાઓનો અનુભવ ભલભલાનું પાણી ઉતારી દે એવા તીક્ષ્ણ અને કઠોર હોય છે, પરંતુ જો તમે એને જીરવી ગયા તો જીવનનાં અનેક રહસ્યો આ પહાડો તમારી સમક્ષ મૂકી શકે એમ છે, પણ એને માટે તૈયારી રાખવી પડે ભારોભાર સંઘર્ષની. આ સંઘર્ષ કુદરતની અનિશ્ચિતતાઓ સાથેનો છે. એને માટે તૈયારી રાખવી પડે કુદરતને સંપૂર્ણ સમર્પિત થઈને રહેવાની અને જાતને ભૂલવાની, કારણ કે આ પહાડો તમારા ઈગોને પળભરમાં કચડીને કુદરતની સક્ષમતાનો પરચો ડગલે ને પગલે કરાવતા રહેશે. આ રહસ્યોને જાણવા માટે તૈયારી રાખવી પડે અગવડને આદત બનાવવાની, કારણ કે આ પહાડો તમને વગર લાઇટે અઠવાડિયું રાખી શકે અને થીજી જતી ઠંડીમાં બરફને તપેલામાં નાખીને બરફને પીગળાવીને પાણી પીવું પડે એવી દશા પણ કરી શકે. આ પહાડ છે જે તમારા અસ્તિત્વનો વિરાટ સાથે સતત પરચો કરાવવા માટે આતુર છે જો તમે સમર્પિત થઈને રહી શકો તો, કારણ કે તમારા અહંકારને સાંખવાનો તો અહીં ઑપ્શન જ નહીં મળે. આવા પહાડોના પ્રેમમાં પડેલા કેટલાક ખાસ લોકોને આજના ‘માઉન્ટ ડે’ નિમિત્તે આપણે મળવાના છીએ, જેમણે માત્ર પહાડોને પ્રેમ નથી કર્યો, પણ એ પ્રેમને નિભાવવા માટે પહાડો પર જ રહી ગયા. પર્વતો દ્વારા મળતી તમામ અગવડને ખુલ્લા મને સ્વીકારીને કુદરતની લીલાઓને માણનારા આ ગુજરાતીઓની વાતો જાણીને તમે ગમે તેટલા નીરસ હશો તો પણ જીવનરસથી તરબતર થઈ જશો.
કૅન યુ ઇમૅજિન?
ADVERTISEMENT
કૌશલ દેસાઈ ફૅમિલી સાથે
જી હા, તમે કલ્પના કરી શકો કે આજથી ૩૦ વર્ષ પહેલાં કોઈ ગુજરાતી યુવક ૨૦ વર્ષની ઉંમરે ઘર પરિવાર છોડીને પહાડો પર નીકળી જાય અને ત્યાર પછી પહાડ જ તેનું ઘર બની જાય. મનાલીના ચિઢિયારી વિસ્તારમાં આવેલી વસિષ્ઠ ગુફા પાસે પોતાની ૭ વર્ષની દીકરી અને વાઇફ સાથે રહેતા કૌશલ દેસાઈને મળો તો તમને આશ્ચર્ય સિવાય કંઈ ન મળે. ૩૦ વર્ષની પહાડો સાથેની દોસ્તી પછી આજે પણ તેમને અહીંથી ખસવાનું મન નથી થતું. તેઓ કહે છે, ‘મૂળ અમે નવસારીના, પણ મારો ઉછેર બૅન્ગલોરમાં થયો છે. નાનપણથી જ એવાં પુસ્તકો વાંચ્યાં છે જેણે મારી પહાડો સાથે દોસ્તી કરાવી દીધી. આજે તો પહાડોની વાતો થાય એ ફૅશન પણ ગણાય છે. ૩૦ વર્ષ પહેલાં જ્યારે મેં મારી ફૅમિલીને કહ્યું કે મારે માઉન્ટન પર જઈને રહેવું છે ત્યારે તો એ જરાય સોશ્યલી એક્સેપ્ટેબલ નહોતું. કન્ઝર્વેટિવ ગુજરાતી ફૅમિલી જ્યાં જૉબ કરવાનું પણ કલ્ચર ન હોય ત્યાં એકલા પહાડો પર પહોંચવાની વાત જાણીને મને સાઇકિયાટ્રિક ટ્રીટમેન્ટ માટે લઈ જવાની વાત ચાલી હતી. જોકે હું મનોમન નિર્ધાર કરીને એક દિવસ ઘરમાં બધાને ઇન્ફૉર્મ કરીને નીકળી ગયો. હા, એ વખતે મેં પૂછ્યું પણ નહોતું. કારણ કે પૂછવા જાઉં તો જવાબની મને ખબર હતી. છેલ્લે તેમણે મારું રિબેલિયસપણું એક્સેપ્ટ કરી લીધેલું. ઘરેથી નીકળ્યો ત્યારે કોઈ પ્લાન નહોતો. દિલ્હી પહોંચ્યો અને દિલ્હીથી લદાખ પહોંચવામાં ૧૦ દિવસ લાગેલા. કારણ કે ૩૦ વર્ષ પહેલાં આજ જેટલું ડેવલપમેન્ટ નહોતું, રસ્તા નહોતા. અહીં આવ્યા પછી અહીંના લોકોને હું પાગલ છું એવું લાગતું. પહાડની એક્સ્ટ્રીમ સ્થિતિ અને જ્યાં ડેવલપમેન્ટ ન થતું હોય, લાઇફ બહુ જ સ્લો અને અનિશ્ચિત હોય ત્યારે જન્મેલા લોકોને અહીં ફસાઈ ગયા જેવું લાગે, પરંતુ મારા જેવા લોકો જે સામે ચાલીને અગવડ ભોગવવા આવે તો તેમને પણ આશ્ચર્ય થતું હતું. આવ્યા પછી એક લોકલ ક્લબ જૉઇન કરેલી, જેમાં મને થોડો પગાર મળતો, જે ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનું કામ હતું. થોડો સમય જૉબ કરી અને પછી એમાં પણ બંધન લાગ્યું. પાંચ વર્ષ એ પછી એકથી બીજી જગ્યાએ લદાખમાં ફરતો રહ્યો. એ પછી સ્ટેબિલિટી સાથે ક્યાં રહેવું એનો વિચાર કરતાં-કરતાં મનાલી આવ્યો. લાઇવલીહૂડની દૃષ્ટિએ અને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ માટે મને આ લોકેશન વધુ ગમી ગયું એટલે ત્યારથી અહીં છું. ૧૯૯૭માં જ્યારે ઘર છોડ્યું એનાં પાંચ વર્ષ પછી હું પાછો મારા ઘરે ગયેલો થોડા દિવસ માટે. પાંચ વર્ષમાં જુદી-જુદી જગ્યાએ કામ કરીને મારું ગુજરાન ચાલી ગયું.’
કૌશલ કમ્પ્યુટર એન્જિનિયર છે, પણ તેને લગતું કામ તેણે ક્યારેય કર્યું નથી. ભલભલા લોકો દંગ રહી જાય એ સ્તરનાં ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ કૌશલ કરાવે છે. રૉક ક્લાઇમ્બિંગ, પૅરાગ્લાઇડિંગ, સ્કી ટૂર, સાઇકલ ટૂર, લેપર્ડ ટૂર જેવી કંઈકેટલીયે ઍક્ટિવિટી કૌશલભાઈ કરે છે અને સાથે હવે રિયલ એસ્ટેટનું કામ પણ તેમણે શરૂ કરી દીધું છે. પહાડોનો સ્વીકાર કરો તો એ જ તમને ઘણું શીખવી દે છે એમ જણાવીને કૌશલભાઈ કહે છે, ‘હું જ્યારે બધું છોડીને અહીં આવ્યો ત્યારે મને ખબર જ નહોતી કે હું શું કરીશ. મારા મનમાં તો મારા અસ્તિત્વને લગતા પ્રશ્નો જાગતા હતા. એ સમયે પૈસા કે ગુજરાન જેવી બાબતો મહત્ત્વની હતી જ નહીં. અફકોર્સ, હવે ૫૦ વર્ષની ઉંમરે હું એ બધી બાબતો વિશે પણ વિચારું છું. ત્યારે લાઇફની પરવા નહોતી, પણ હવે મારે દીકરીને મોટી થતી જોવી છે એવું મનમાં લાગે છે. આજે મને કોઈ વાતનો અફસોસ થતો હોય તો એ મારી સાથે કામ કરનારા મારા ખાસ મિત્રો જેઓ ક્લાઇમ્બિંગ કરતાં કે પૅરાગ્લાઇડિંગ કરતાં ગુજરી ગયા એનો છે. જેમની સાથે પહાડોનાં આકરાં સત્યો હું સમજ્યો એમાંના ૯૦ ટકા મારા મિત્રો દુનિયા છોડીને ચાલી ગયા. હકીકતમાં આ હકીકતે મને વધુ હમ્બલ બનાવ્યો છે, પરંતુ પહાડ જ મારી દુનિયા છે અને અહીંથી હું છેલ્લાં ૩૦ વર્ષમાં ક્યારેય થાક્યો નથી.’
કૌશલભાઈ કદાચ પહેલા ગુજરાતીઓમાંના એક હશે જેમણે પહાડોને પોતાનું ઘર બનાવ્યું હોય. જોકે તેમની જીવનસંગિની પહાડોમાંથી નથી. એની વાત કરતાં તેઓ કહે છે, ‘હું ગુજરાતની રોડ-ટ્રિપ પર હતો ત્યારે ગુજરાતમાં રાજકોટ તરફ હતો ત્યારે મારો પરિચય મારી થનારી વાઇફ સાથે થયો. પરિચય પરિણયમાં પરિણમ્યો અને તેને પણ અહીંની જિંદગી ખૂબ ગમે છે. મારી દીકરી પણ પહાડોની જ લાઇફમાં સેટલ થઈ ગઈ છે. મારા જીવન પ્રત્યે મને અકલ્પનીય સંતુષ્ટિ થાય છે. હા, એક વાત કહીશ કે પહાડ તમારામાં ક્યારેય અહંકારને મોટો નથી થવા દેતો. જેમ કે હું છેલ્લાં ૩૦ વર્ષથી પૅરાગ્લાઇડિંગ કરું છું એ પછીયે ગયા મહિને અકસ્માત થયો મારી સાથે. અહીં એક્સ્પીરિયન્સ મહત્ત્વનો છે, પરંતુ અનુભવને તમે સર્વસ્વ ન ગણી શકો. નસીબ મારાં એટલાં સારાં કે અકસ્માતમાં માત્ર મારા પગના એક હાડકામાં ઈજા થઈ અને બે મહિનાનો ખાટલો આવ્યો, પણ એના કરતાં વધુ ઈજા પણ થઈ શકતી હતી અને મારો જીવ પણ જઈ શકતો હતો. આવા અનુભવોની માત્રા શહેરો કરતાં પહાડોમાં વધુ હોય અને એટલે જ તમે ક્યારેય ઈગોને લાંબો સમય પંપાળી શકો એવું શક્ય જ નથી બનતું. સમય સાથે હું પહાડો પ્રત્યે રોમૅન્ટિક રહેવાની સાથે રિયલિસ્ટિક પણ થઈ ગયો છું. હજીયે મારે વર્લ્ડ ટૂર કરવી છે. નવા કલ્ચરને એક્સપ્લોર કરવા છે. મારી દીકરીને મોટી થતી જોવી છે.’\
સીએનો મસૂરી-પ્રેમ
સંજીવ કામદાર પરિવાર સાથે અને (ઉપર) તેમનું મસૂરીનું ઘર જુઓ વિન્ટરમાં.
૨૦૧૪માં સંજીવ કામદારે મસૂરીમાં જગ્યા લીધી. એ પહેલાં જ્યારે-જ્યારે તેમણે પોતાની એક્સ્ટેન્ડેડ ફૅમિલી સામે ‘હવે મુંબઈને બદલે પહાડોમાં શિફ્ટ થઈ જવું છે’ એવું કહ્યું ત્યારે ‘કાં તો તારું ચસકી ગયું છે’ કાં તો ‘આવી મજાક થોડી હોય’ એવા વ્યવહાર સાથે વાતને ઉડાડી દેતા. જોકે ૨૦૧૪માં જગ્યા લઈને એને ડેવલપ કરીને મસૂરીનાં જંગલોમાં ત્રણ રૂમ, એક કૅફેટેરિયા અને પોતાના રહેવા માટે લાકડાનું મકાન તેમણે બનાવવાનું શરૂ કર્યું અને ૨૦૧૯માં તેઓ ત્યાં શિફ્ટ પણ થઈ ગયા છે. મુંબઈ હવે તેમનું હૉલિડે હોમ છે અને દર મહિને કામકાજના હેતુથી તેમણે મુંબઈ આવવું પડે છે. કોવિડનાં બે વર્ષ તો તેઓ સંપૂર્ણ મસૂરીમાં જ રહેતા હતા. મસૂરી શું કામ? એના જવાબ સાથે એ ફ્લૅશબૅકની વાતો કરતાં સંજીવભાઈ કહે છે, ‘હિમાલયન ક્વેલ નામનું એક પક્ષી છે જે છેલ્લે ૧૮૭૬માં મસૂરીના બિનોંગ બર્ડ સૅન્ક્ચ્યુઅરીમાં જોવા મળ્યું હતું. મસૂરીના હાથીપાંવ એરિયામાં છે એવું મેં લેજન્ડરી બર્ડ વૉચર અને બર્ડ મૅન ઑફ ઇન્ડિયા સલીમ અલીની બુકમાં વાંચેલું અને ત્યારથી આ જગ્યા માટે ગ્લૅમર હતું. આ જગ્યા જોયા પછી અહીં જ રહેવાનું મન થયું ત્યારે અહીં એક મૅગી પૉઇન્ટ હતો નાનકડો. અહીં જ હવે જીવવું છે એવું નક્કી કર્યું. મસૂરીમાં એક મિત્રની હોટેલ હતી. ૨૦૧૦થી ૨૦૧૩ એ હોટેલ જેનો કોઈ વપરાશ નહોતો થઈ રહ્યો એને ચલાવવાની જવાબદારી મેં લીધી. આ સમયગાળામાં આ સ્થળથી હું પરિચિત થઈ ગયો એટલે પોતાની પ્રૉપર્ટી લઈને ડેવલપ કરી. જ્યારે અમારું ઘર બની રહ્યું હતું ત્યારે હું અને મારી વાઇફ કન્સ્ટ્રક્શનની બાજુમાં ટેન્ટ લગાવીને રહેતાં. એ સમયે એક પછી એક ઈંટથી બની રહેલું ઘર જોતાં આંખમાં આંસુ આવી રહ્યાં હતાં, કારણ કે વર્ષોજૂનું મારું સપનું સાકાર થઈ રહ્યું હતું.’
‘See Green’ નામનું કૅફે સંજીવભાઈનો પરિવાર ત્યાંના લોકલ સ્ટાફ સાથે મળીને ચલાવે છે. સાથે બર્ડ વૉચિંગ માટે ત્રણ રૂમ ટૂરિસ્ટ માટે રાખી છે. આમાંથી જે આવક થાય એમાં પ્રૉપર્ટીના મેઇન્ટેનન્સનો ખર્ચો નીકળી જાય છે. સંજીવભાઈ કહે છે, ‘અહીં પ્રાઇવેટ ફૉરેસ્ટનો કન્સેપ્ટ છે જે અંતર્ગત તમને અહીંની નગરપાલિકા અમુક ફુટ જગ્યા ખરીદવાની પરમિશન આપે છે. અમારું કૅફે જંગલની વચ્ચે છે એમ કહો તો ચાલે. દીપડા અને રીંછની અવરજવર અહીં ઠંડીના દિવસોમાં વિશેષ હોય છે. એક વાર અમારા કૂતરાને દીપડો ઉપાડી ગયેલો. તમારે મીઠું પણ જોઈતું હોય તો અહીંથી પાંચ કિલોમીટર દૂર જવું પડે. બહુ બરફ પડે ત્યારે ચાર-ચાર કે પાંચ-પાંચ દિવસ સુધી ઇલેક્ટ્રિસિટી ન હોય. ઠંડીમાં પાણી થીજી જાય તો બરફ તપેલામાં લઈને ગૅસ પર ગરમ કરીને પાણી મેળવવું પડે. પહાડોમાં રહો તો લાકડા વિના ન ચાલે અને જંગલના નિયમ મુજબ તમે પહાડ પર રહેતા હો તો માથા પર ઉપાડી શકો એટલું લાકડું તમને જંગલમાંથી લેવાની છૂટ હોય છે એટલે જ્યારે અતિશય ઠંડી હોય ત્યારે અમારે ત્યાં બોનફાયરની એક ભઠ્ઠી જેવું છે એક મોટા હૉલમાં. તો ત્યારે અમારો કૅફેટેરિયાનો સ્ટાફ અને અમે બધા એક જ હૉલમાં પથારી પાથરીને સૂતા હોઈએ.’
સંજીવભાઈના કૅફેટેરિયામાં અહીંના લોકલ લોકોને સ્ટાફ તરીકે રાખવામાં આવ્યા છે અને તેમને વિશેષ રીતે મુંબઈની ટૉપ રેસ્ટોરાંમાં ટ્રેઇન પણ કરવામાં આવ્યા છે. પીત્ઝા, પાસ્તા અને નાચોઝ જેવાં ઇન્ટરનૅશનલ ક્વિઝીન ઉપરાંત અહીં તેઓ ગઢવાલી ફૂડ પણ સર્વ કરે છે. જોકે લોકલ લોકો સાથે કામ કરતા હોવા છતાં શરૂઆતમાં તેમણે રેઝિસ્ટન્સ સહેવું પડ્યું છે. એનો અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘બધી જ લિગાલિટી ક્લિયર હતી, બધાં લાઇસન્સ અને સર્ટિફિકેટ હતાં છતાં ગામના અમુક વિઘ્નસંતોષી લોકોનો વિરોધ અમારે સહેવો પડ્યો હતો. અમારાં બોર્ડ તોડી નાખતા, લાઇટ બંધ કરાવી દેતા, સ્ટાફને ધમકાવતા, પણ પછી ધીમે-ધીમે અમારા નજીક એક આઇએએસ ઇન્સ્ટિટ્યૂટના ઑફિસરો અમારા કૅફેમાં આવીને બેસતા તેમણે હેલ્પ કરી અને અમે પણ અમારી રીતે વધુ રીઍક્ટ કર્યા વિના કામ ચાલુ કર્યું એટલે હવે બધું સેટલ થઈ ગયું છે. લગભગ ત્રણેક વર્ષ અમને આ બધાં રેઝિસ્ટન્સ અને પ્રૉબ્લેમ સહન કરવાં પડ્યાં છે. હવે ધીમે-ધીમે બધું સેટલ થતું જાય છે. સાચું કહું તો જ્યારે કુદરતનું એ રમ્ય સ્વરૂપ જુઓ, નેચર સાથે કનેક્ટ થઈને એ નીરવ શાંતિભર્યા માહોલને માણતા હો, પક્ષીઓના કલરવ વચ્ચે વહેતી ઠંડી શુદ્ધ હવા અને હરિયાળીથી આચ્છાદિત પ્રકૃતિનાં અનેક રૂપને માણતા હો ત્યારે બાકી બધું ગૌણ થઈ જાય છે. આ પ્રકૃતિ નેમ, ફેમ, પૈસાની જરૂરિયાતો ગૌણ કરી દે છે.’
શિક્ષક કપલનો પહાડપ્રેમ
જુગલકિશોર કાકડિયા પત્ની કલ્પના સાથે
જનરલી પરિવાર બની જાય એ પછી મિડલ-એજ કપલ કોઈ પણ બોલ્ડ ડિસિઝન લેતાં પહેલાં ૧૦૦ વાર વિચારતાં હોય છે. ગુજરાતથી હિમાચલ વસી જવાનો નિર્ણય લઈને છેલ્લાં ૧૧ વર્ષથી ત્યાં જ રહેતાં જુગલ કિશોર કાકડિયા અને તેમનાં પત્ની કલ્પનાબહેન સુરતમાં શિક્ષક તરીકે સક્રિય હતાં. કેવી રીતે અહીં આવ્યાં એની વાત કરતાં જુગલભાઈ કહે છે, ‘મારી વાઇફને પહાડોનું ખૂબ ગ્લૅમર હતું. ઘણી વાર તે પહાડોમાં રહેવા જવું છે એવું કહેતી, પણ કોઈ મેળ નહોતો પડતો. એક રિલેટિવ શિમલા ફરવા ગયા હતા અને પાછા આવીને તેમણે શિમલાનું વર્ણન કર્યું એ દરમ્યાન ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ પણ આવી હતી. આ બન્ને સંજોગો ભેગા થયા અને અમે બન્નેએ નક્કી કર્યું કે આપણે હિમાચલ જઈએ. અમે કૅમ્પ માટે બાળકોને લઈને મનાલી જતાં હતાં એટલે અમુક લોકો અમને ઓળખતા હતા. બધી પૂછપરછ કરી રાખી હતી. ત્યાંના નિયમ પ્રમાણે આઉટસાઇડર માટે અલાઉડ હોય એટલી જગ્યાની અમે ખરીદી કરી અને પોતાનું મકાન બાંધ્યું અને સીધાં જ ત્યાં શિફ્ટ થઈ ગયાં. મારાં બાળકો નાનાં હતાં અને સ્કૂલમાં ભણતાં હતાં. આજે પણ નાનો દીકરો પાંચમા ધોરણમાં અને મોટો કૉલેજમાં છે. મારાં મમ્મી-પપ્પા અને ભાઈ-ભાભી સુરતમાં છે એટલે તેમની જ સાથે તેઆ બન્ને રહે છે. અમે વારતહેવારે સુરત જઈએ અને બાળકો પણ વેકેશનમાં અહીં આવે, પણ ૧૧ વર્ષમાં અમે એવાં સેટલ થઈ ગયાં છીએ અહીં કે પારકી જગ્યા જેવું લાગતું જ નથી. હવે ડિસેમ્બર-એન્ડથી લઈને જાન્યુઆરી-એન્ડ સુધી અહીં ચાર-ચાર ફુટ જેટલો બરફ પડશે, પણ અમે તો અહીં જ રહીશું.’
‘હેવન વ્યુ’ કૉટેજ નામે મનાલીમાં આ કપલે પોતાની બ્રૅન્ડ બનાવી છે. કલ્પનાબહેન કહે છે, ‘જીવનમાં કોઈ પણ બાબત હૃદયથી ઇચ્છતાં હો અને એને માટે મહેનત કરો તો તમને એ મળે જ છે. હું તો પૉઝિટિવ થિન્કિંગમાં ખૂબ માનું છું. અહીં આવવાના બધા રસ્તા જાણે કુદરતી રીતે અમારે માટે ખૂલતા ગયા. અમારું ગુજરાન ચાલી જાય એટલું અમે કમાઈ લઈએ છીએ. અમે અહીં આવ્યાં ત્યારે શું કરીશું એની ખબર નહોતી. પહેલાં અમે અસ્સલ ગુજરાતી ખાણું પીરસવાથી શરૂઆત કરેલી. ગુજરાતી કૉટેજ બનાવ્યાં છે જ્યાં અમે લોકોને રહેવાની જગ્યા આપીએ છીએ. આખા મનાલીમાં ગુજરાતી ઓરિજિનલ ગુજરાતી ખાવું હોય તો શોધતાં-શોધતાં લોકો અહીં આવે છે. ૧૧ વર્ષમાં અમારી બ્રૅન્ડ બની ગઈ છે એનો અમને ખૂબ સંતોષ છે. મારો પરિવાર પણ એવો સરસ છે કે મારા બન્ને દીકરાઓનું ભણતર સચવાઈ ગયું છે.’\
અમદાવાદથી મનાલી
વિવેક શેઠ ફૅમિલી સાથે.
ઍકૅડેમિશિયન તરીકે ઍક્ટિવ અને ક્રીએટિવ કન્સલ્ટન્ટ વિવેક શેઠ મૂળ અમદાવાદનો છે, પણ છેલ્લાં અઢી વર્ષથી હિમાચલ પ્રદેશમાં આવેલા જિભ્ભી નામના સ્થળે ઘર ભાડા પર લઈને રહે છે. મનાલીમાં એક ટ્રેકિંગ સમિટ માટે અહીં આવેલા વિવેકને આ જગ્યા એટલી ગમી ગઈ કે તેણે અહીં રહેવાનો નિર્ણય લઈ લીધો અને કોવિડમાં એ વધુ સરળ પણ થઈ ગયું. વિવેક કહે છે, ‘મારું કામ એવું છે કે હું રિમોટલી કોઈ પણ જગ્યાએ રહીને કરી શકું. હા, મહિનામાં એકાદ વાર ક્લાયન્ટ મીટિંગ માટે જુદી-જુદી જગ્યાએ ટ્રાવેલ કરવું પડે પણ એ સિવાય હું અહીં જ રહું છું. જ્યારે અહીં આવ્યો ત્યારે જે પ્રકારના સુકૂનનો અનુભવ થયો એનું વર્ણન નથી કરી શકતો. તમને અહીં સ્વિગી કે ઝોમૅટોમાંથી ઘેરબેઠાં ખાવાનું નહીં મળે, તમારે અહીં પોતાનાં શાકભાજી ઉગાડવાં પડે અને માર્કેટ સુધી લાંબા થવું પડે, પરંતુ માર્કેટમાં જવાનો સમય નક્કી હોય, આવવાનો સમય નહીં. કારણ કે એવા મિત્રો બની ગયા હોય જે તમને ચા પિવડાવ્યા વિના જવા ન દે પાછા. કુદરતની સાથે રહેવાની મજા શું હોય એ અહીં રહો પછી જ સમજાય.’
મુંબઈની બ્રેવ ગર્લ
મિત્તલ શાહ
ઍડ્વોકેટ અને કંપની સેક્રેટરી મિત્તલ અશ્વિન શાહના ઇરાદા અને આત્મવિશ્વાસને સૅલ્યુટ કરવાનું મન થશે તમને. મિત્તલ અત્યારે ધરમશાલા નજીક બીરમાં યોગ સેન્ટર ચલાવે છે અને હવે છેલ્લા શ્વાસ સુધી પહોડોનો સંગાથ છોડવો નથી એવું તેણે નક્કી કરી લીધું છે. મે ૨૦૧૫માં ટૂરિસ્ટ તરીકે બીરમાં પહેલી વાર આવેલી મિત્તલને કલ્પના પણ નહોતી કે આ જગ્યા હવે તેનું નિવાસસ્થાન બની જશે. પોતાની રોમાંચક જર્ની વિશે મિત્તલ કહે છે, ‘મારી પહેલી ટ્રિપ ત્રણ જ દિવસની હતી, પણ એ પછી મેં ઍડ્વોકેટ તરીકે એક કંપનીમાંથી જૉબ છોડી દીધી અને નક્કી કર્યું કે પાછી અહીં આવીશ. મે મહિનાની એ ટ્રિપ પછી સપ્ટેમ્બર મહિનામાં હું ફરી આવી અને ત્રણ મહિના અહીં રહી. એ સમયે મારા પેરન્ટ્સને કન્વિન્સ કર્યા. મારા પપ્પા માન્યા એટલે માર્ચ ૨૦૧૬માં હું પર્મનન્ટ અહીં જ શિફ્ટ થઈ ગઈ. એ વાતને હવે ૮ વર્ષ થઈ ગયાં. શરૂઆતમાં મને કોઈ રેન્ટેડ ઘર આપવા તૈયાર નહોતું. એ સમયે અહીં એક બુદ્ધિસ્ટ સાધુઓ દ્વારા કૅફે ચાલતું હતું, ત્યાં મને નોકરી મળી ગઈ અને હું ટેન્ટ બનાવીને રહેતી અહીં. અહીંની શુદ્ધ હવા, ચારેય બાજુ જાણે કુદરતનું સેલિબ્રેશન ચાલતું હોય એમ પક્ષીઓનો કલબલાટ અને એ જ અલાર્મ સાથે ઊઠવાનું, સનરાઇઝ અને સનસેટને ફૉલો કરવાનું એ એક્સપ્લેઇન કરી શકાય એવી બાબત નથી. આ પહાડો એટલા પાવરફુલ છે જે આપણને રિયલાઇઝ કરાવી દે બૉસ, યુ આર નથિંગ અને સાથે તમારી ક્ષમતાઓ સાથે પરિચિત કરીને તમે પહાડોની સામે એક કણ જેવા હોવા છતાં કેટલા ઉપયોગી છો એનું પણ ભાન કરાવે.’
૮ વર્ષના અહીંના વસવાટ દરમ્યાન મિત્તલે કૅફેમાં કામ કરવા સિવાય પણ જુદાં-જુદાં કામકાજ કર્યાં છે. એનજીઓ સાથે જોડાઈને સસ્ટેઇનેબિલિટી લિવિંગ માટે લોકોમાં અવેરનેસ લાવી છે, તો પોતાની રીતે પેઇન્ટિંગ અને વિવિધ ક્રાફ્ટ આઇટમો બનાવતાં શીખીને એનો પણ બિઝનેસ કર્યો છે. મિત્તલ કહે છે, ‘તમે તમારા પરિવાર અને સ્કૂલ-કૉલેજના મિત્રોથી દૂર હો એ એક બાબત તમને માઉન્ટન પર મિસ થાય, પણ એ સિવાય તમારા કેટલાયે મિત્રો અહીં બનતા હોય છે. પહાડના લોકો જ્યાં સુધી તેમને તમારા પર વિશ્વાસ ન બેસે ત્યાં સુધી કો-ઑપરેટ ન કરે, પણ એક વાર તમે તેમનો ભરોસો જીતી લો એ પછી તેઓ ખૂબ સપોર્ટિવ હોય છે. અહીં મેડિકલ ફૅસિલિટી શહેરો જેવી નથી, પરંતુ એ સિવાય આયુર્વેદિક, યોગ, તિબેટિયન દવા, કપિંગ થેરપી, ફિઝિયોથેરપીની સુવિધા હીલિંગ માટે ખૂબ ઉપયોગી નીવડે છે. હું જ્યારે અહીં આવી ત્યારે મારી પાસે પૈસા નહોતા, પણ આજે હું મારી જરૂરિયાત પૂરતું કમાઈ લઉં છું અને આનંદથી જીવું છું.’
મિત્તલે અહીં એક ભાડાનું ઘર લઈ લીધું છે અને આ નવા ઘરમાં કંઈક ફિટિંગ કે પ્લમ્બિંગનું કામ કરવું હોય તો તે જાતે જ કરી લે છે. તે કહે છે, ‘મેં એક બૉસની ટૂલ કિટ વસાવી લીધી છે એટલે કાર્પેન્ટર અને પ્લમ્બિંગનાં અને ક્યારેક ઇલેક્ટ્રિશ્યનનાં કામ જાતે કરી લઉં છું. મારું પોતાનુ ફૂડ હું જાતે ઉગાડું છું. આમ જ ફરતાં-ફરતાં એક ડૉગ મારી સાથે જોડાઈ ગયો. એનું નામ મેં ગંગા રાખ્યું છે. હવે હું ગંગા સાથે ફરવા જાઉં છું. ક્યારેક ટેન્ટ સાથે લઈ જાઉં અને કૅમ્પિંગ કરું, બોનફાયર પર ખાવાનું બનાવું. હવે તો પૅરાગ્લાઇડડિંગ પણ શીખી લીધું છે એટલે ઊડતાં પણ આવડી ગયું છે.’