ભક્તિમાં સમર્પણની ચરમસીમા પર રહેલા આવા ભક્તોની પાલિતાણામાં કોઈ કમી નથી. અત્યારે જૈનોના પાલિતાણા તીર્થને લગતી ચર્ચાઓ જોરમાં છે ત્યારે આપણે મળીએ આ પવિત્ર તીર્થ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા યુનિક ભક્તો સાથે
તસવીર/આઈસ્ટોક
હાર્ટમાં બ્લૉકેજ સાથે પણ શત્રુંજયની યાત્રા કર્યા વિના જાતને રોકી ન શકતા બારોટ જ્ઞાતિના સંગીતકાર હોય કે તીર્થના મૂળ નાયક આદિનાથ ભગવાન પ્રત્યેના પ્રેમથી તપસાધનાના રેકૉર્ડ બ્રેક કરી દેતાં સાધુ-સાધ્વીજી હોય અથવા શહેરનું જીવન છોડીને પાલિતાણાને જ પોતાનું સર્વસ્વ માનીને વર્ષો સુધી એક પણ દિવસનો ગૅપ લીધા વિના એકધારી યાત્રા કરનારાં શ્રાવક-શ્રાવિકા હોય. ભક્તિમાં સમર્પણની ચરમસીમા પર રહેલા આવા ભક્તોની પાલિતાણામાં કોઈ કમી નથી. અત્યારે જૈનોના પાલિતાણા તીર્થને લગતી ચર્ચાઓ જોરમાં છે ત્યારે આપણે મળીએ આ પવિત્ર તીર્થ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા યુનિક ભક્તો સાથે
જૈન તીર્થ પાલિતાણાને લગતો વિવાદ હજી શમ્યો નથી. આજે પણ શ્રી શત્રુંજય તીર્થ પર ગેરકાયદે એન્ક્રોચમેન્ટ કરવાની ગેરરીતિઓનો ઉકેલ નથી આવ્યો અને એટલે જ આ ગિરિરાજને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેનારાઓના હૃદયમાં ફડકો છે. લગભગ ૩૭૦૦ પગથિયાં અને ૨૦૦૦ ફુટની ઊંચાઈએ ૯૦૦ જેટલાં શિખરબંધી જિનાલયો અને ૭૦૦૦ જેટલી નાની-નાની દેરીઓ સાથે ૨૭,૦૦૦ જેટલી પ્રતિમાજીઓ આ પવિત્ર ગિરિરાજની શોભા વધારી રહ્યાં છે. જૈન શાસ્ત્રોમાં ઠેર-ઠેર આ પવિત્ર ભૂમિના મહિમાની વાતો છે. માત્ર અહીં આવેલાં મંદિરો કે ભગવાનની મૂર્તિઓને જ નહીં, પર્વતના કણેકણને જૈન ગ્રંથોમાં પવિત્રતાનો પુંજ ગણ્યો છે. શ્રી શત્રુંજય તીર્થ પ્રત્યે અનન્ય પ્રેમ અને શ્રદ્ધા ધરાવતા અધ્યાત્મ યોગી આત્મારામજીએ આ મહાન તીર્થની ગાથા ગાતાં અનેક પદોની રચના કરી છે. તેઓ પોતાના એક પદમાં કહે છે, ‘ઇસ ગિરિ કા એક એક કંકર, હીરે કે મોલ સે હૈ બઢકર, કોઈ ચતુર જોહરી અગર મિલે તો મોલ કરા લૂં.’ એટલે કે આ પર્વતનો એક-એક કણ પણ હીરાથી વધુ મૂલ્યવાન છે. કોઈ એવો ચતુર સોનાર મળે તો એની કિંમત ન કરી શકે. કદાચ આ જ કારણ છે કે આસ્થાના આ પરમપુંજ માટે સામાન્ય વ્યક્તિ પોતાના સામર્થ્યને લાંધીને પણ ગિરિરાજમય બની હોય, એવાં આકરાં તપ કર્યાં હોય જેમાં ભલભલાની વિચારવાની ક્ષમતા બુઠ્ઠી થઈ જાય અને આકરી યાત્રાઓ પછીય ચહેરા પર થાક નહીં, પણ અનેરી લાલિમા હોય; તેની આંખોમાંથી શત્રુંજયના મૂળ નાયક શ્રી આદિનાથ ભગવાન પ્રત્યે અનર્ગણ પ્રેમ નીતરતો હોય. શ્રી શત્રુંજય ગિરિરાજ માટે સ્વને સમર્પિત કરીને પોતાનું બધું જ દાદાનાં ચરણોમાં ધરીને બેઠા હોય એવા કેટલાક ભક્તો સાથે આજે ગુફ્તેગો કરીએ અને ગિરિરાજ પ્રત્યેનો તેમનો પ્રેમ કયા સ્તરે છે એ જાણીએ.
ADVERTISEMENT
શું કહું દાદાના પ્રભાવ વિશે?
એક સાધ્વીજી મહારાજ છે જેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી ચૌવિહાર છઠ્ઠ કરે (છઠ્ઠ એટલે આહાર અને પાણી વિનાના બે નકોરડા ઉપવાસ) અને ગિરિરાજની ૭ યાત્રા કરે છે. પછી આયંબિલથી એનું પારણું કરે (આયંબિલ એટલે માત્ર મીઠા અને પાણીમાં બાફેલું હોય એવું અનાજ અથવા અનાજના લોટમાંથી બનેલો આહાર ખાવાનો. એ પણ દિવસમાં એક જ વાર.) બીજા દિવસે ફરી છઠ્ઠ કરે અને ગિરિરાજની બે દિવસમાં ૭ યાત્રા કરે અને આયંબિલથી પારણું કરે. આવી રીતે નૉન-સ્ટૉપ તેમણે ૬૭ ચૌવિહાર છઠ્ઠના તપ સાથે ૭ યાત્રા કરી હતી. આવા જ કેટલાક કિસ્સા વિશે વાત કરતાં ભુવનભાનુસૂરિ સમુદાયના મુનિશ્રી કુલભાનુવિજયજી મહારાજસાહેબ કહે છે, ‘એવાં જ એક બીજાં સાધ્વી હતાં જેમણે એક જ દ્રવ્યવાળાં ૧૦૮ આયંબિલ કરીને ૧૦૮ દાદાની યાત્રા કરી હતી. અમને એક એવો રિક્ષાવાળો મળેલો જેનું વજન ૧૨૦ કિલોથી વધારે હતું અને તેણે જ્યારે નાનાં-નાનાં બાળકોને ચૌવિહાર છઠ્ઠ કરીને ૭ જાત્રા કરવાનું જાણ્યું તો તેને પણ ઇચ્છા થઈ અને તેણે આટલા બૉડીવેઇટ સાથે આટલી કઠિન યાત્રા કરી હતી. બીજા મહાન સંત આપણે ત્યાં થઈ ગયા. અરિહંત સિદ્ધસૂરિ. નીતિ સૂરિ સમુદાયના આ મહાત્મા જ્યારે સંસારી અવસ્થામાં હતા ત્યારે તેમને ટીબી ડિટેક્ટ થયેલું. એ સમયે ટીબી એ ચેપી અને જીવલેણ રોગ ગણાતો. રોગ ચેપી હોવાને કારણે ઘર છોડીને અંતિમ શ્વાસ ગિરિરાજ પર લેવાય એવા ભાવથી અહીં આવ્યા. મરતાં પહેલાં તળેટીનાં દર્શન કરી લઉં એવું નક્કી કર્યું. તળેટીએ પહોંચ્યા તો વિચાર્યું કે આમેય હવે મરવાનું જ છે તો શું કામ છેલ્લે-છેલ્લે યાત્રા ન કરી લઉં અને મૂળ નાયક દાદાનાં દર્શન જ કરી લઉં અને એ રીતે તેમણે યાત્રા કરી. એમાંથી જ ચૌવિહાર છઠ કરીને ૭ જાત્રા પણ થઈ ગઈ. યાત્રા પૂર્ણ કર્યા પછી તેમનું હેલ્થ ચેક-અપ થયું તો હેલ્થ એકદમ નૉર્મલ હતી અને એ પછી તેમણે દીક્ષા લઈને પોતાના જીવનકાળ દરમ્યાન ૪૫૦ વખત ચૌવિહાર છઠ કરીને ૭ યાત્રા કરવાનો રેકૉર્ડ બ્રેક કર્યો હતો. અમે જ્યારે પાલિતાણામાં હતાં ત્યારે શ્રીવલ્લભસૂરિ સમુદાયનાં સાધ્વી શ્રી કંચનાશ્રીજી મહારાજ નામનાં સાધ્વીજી મહારાજને મળેલાં જેમની ખૂંધ વળી ગયેલી. એ અવસ્થામાં તેઓ રોજની એક યાત્રા કરતાં અને તેમણે બાવન નવ્વાણું આ હેલ્થ કન્ડિશનમાં પણ કરેલા. અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમસૂરિ મહારાજસાહેબનો પણ દાખલો છે, જેમાં તેમણે અહીં કરેલો સંકલ્પ સાકાર થયેલો. આ તીર્થની પવિત્ર ઊર્જા વ્યક્તિના જીવનને તો શુદ્ધ કરે જ છે, પરંતુ મનના સંકલ્પોને સાકાર પણ કરે છે એવા ઘણા લોકોના અનુભવ છે.’
કર્મે નહીં, ધર્મે જૈન
પાલિતાણામાં જ પોતાનું આખું જીવન વિતાવનારા બારોટ જ્ઞાતિના રમેશભાઈ દલપતભાઈ પ્રભતાણી સંગીતકાર છે. તેમના દાદા અને પરદાદા પણ સંગીતકાર હતા અને દેરાસરમાં પૂજા ભણાવવાનું અને ભક્તિ કરાવવાનું કાર્ય તેમણે સતત ૨૦ વર્ષ સુધી ગિરિરાજ પર કરાવ્યું છે. હવે તેમના બન્ને દીકરા પિન્ટુભાઈ અને રાજેશભાઈ પણ જૈન પૂજાવિધિમાં સંગીતકાર તરીકે સક્રિય છે. આ આખો પરિવાર શ્રી શત્રુંજય તીર્થના આદેશ્વર ભગવાનને પોતાના સર્વેસર્વા માને છે. અમારું જીવન અમારા આ દાદા થકી જ છે અને તેમની કૃપાથી જ અમારું જીવન વિકસ્યું છે એવી કબૂલાત કરતાં રમેશભાઈ પોતાના જીવનની એક માનવામાં ન આવે એવી ઘટનાના ઉલ્લેખ સાથે પાલિતાણા માટેના પોતાના પ્રેમ પાછળનું કારણ જણાવતાં કહે છે, ‘જીવનમાં દરેક પ્રસંગોમાં મને ન સમજાય કે શું કરવું એ હું દાદાને સોંપી દેતો અને એનું સમાધાન નીકળી જતું. એક વાર હાર્ટની તકલીફ થઈ. ચેક-અપ કરાવ્યું તો નળી બ્લૉક છે એવી ખબર પડી. તાત્કાલિક અમદાવાદ જઈને બાયપાસ કરાવો અને સ્ટૅન્ડ બેસાડો એવું ડૉક્ટરોએ કહી દીધું. હવે ચાર-પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય અને પાછો દાદાની ભક્તિમાં બ્રેક પડે એ મને ન ચાલે. બહુ વિચાર કર્યો, શું કરવું. ડૉક્ટરે વધુ ચાલવું નહીં, સામાન્ય દાદરા પણ ચડવા નહીં એવું કહી દીધેલું. એમાં રોજ સાડાત્રણ હજાર પગથિયાં કેમ ચડવાં? એ સમયે મારે મારી નોકરીમાંથી નિવૃત્ત થવાને બે વર્ષ બાકી હતાં. મેં નક્કી કર્યું કે આ બે વર્ષ હું મારું કામ બંધ નહીં કરું. એ સમયે મારો પગાર ઓછો તોય મેં નક્કી કર્યું કે હું અઠવાડિયામાં એક દિવસ ડોલીમાં ઉપર જઈશ અને બાકીના દિવસ ઉપર રહીશ અને રજાના દિવસે પાછો નીચે આવીશ. ડોલીનો ખર્ચ મોંઘો પડતો હતો તો પણ લગભગ એક વર્ષ એમ ચલાવ્યું અને પછી એક વર્ષ હું પગે ચાલીને ઉપર જતો. મેં મનોમન નક્કી કરી લીધેલું કે આમેય જો મરવાનું છે તો દાદા આદિનાથના સાંનિધ્યમાં મોત કોને મળે? એ દિવસ અને આજનો દિવસ. આ વાતને ૧૫ વર્ષ થઈ ગયાં. એક પણ બાયપાસ નથી કરાવ્યું કે નથી સ્ટૅન્ડ બેસાડ્યું. રિટાયર્ડ થયા પછી પણ દરરોજ બાબુના દેરે જઈને દાદાની બે કલાક ભક્તિ કરું છું.’
૭૬ વર્ષના રમેશભાઈને જૈનોની મોટા ભાગની પૂજાવિધિઓ અને એના દુહાઓ, શ્લોકો અને એના વિવિધ રાગો કડકડાટ યાદ રહેતા. તેમને આદેશ્વર ભગવાન સાક્ષાત્ હોવાનો અઢળક વાર અનુભવ થયો છે.
૧૭૦૦ દિવસથી અવિરત
એકધારી યાત્રા કરવાની હોય તો તમે કેટલા દિવસ કરી શકો? કન્સિસ્ટન્સીના પણ તમામ રેકૉર્ડ બ્રેક કરીને આદેશ્વર દાદાનું નામ લેતાં જેની આંખો ભીની થઈ જતી હોય એવા ભરતકુમાર ડાહ્યાલાલ લગભગ ૧૭૦૦ દિવસથી દરરોજ દાદાની યાત્રા કરી રહ્યા છે. ઈવન, લૉકડાઉનમાં જ્યારે દેરાસર બંધ રહેતું ત્યારે એના દરવાજા સુધી જઈને તેઓ પાછા ફરતા. આ ગાળામાં તેમને સિંહ, દીપડા જેવાં જંગલી જાનવરોથી લઈને જાતજાતના સાપ અને અન્ય અઢળક પ્રકારના વન્ય જીવોનો પણ સામનો થયો છે. જિનાલય જ સાવ બંધ હતું છતાં તેઓ ૭૬ દિવસ દર્શનની ભાવના સાથે ઉપર ચડ્યા અને જ્યારે દાદાનાં દર્શન શરૂ થયાં ત્યારે તેમણે ડબલ અને ત્રિપલ યાત્રાઓ કરીને એ ૭૬ દિવસ કવરઅપ કરેલા. કેવી રીતે શરૂ થયો આ ક્રમ એના જવાબમાં ભરતભાઈ કહે છે, ‘પહેલાં પૂનમ ભરવા જતો. પછી ભરબપોરે પંખીઓ માટે ચણ લઈને જવાનું શરૂ કરેલું. પછી થયું કે રોજ દાણા પણ આપું અને દાદાને પણ રોજ મળું તો કેવું? બસ એ પછી આ ક્રમ ચાલુ થયો.’
દરરોજ નીચે ઊતરતી વખતે ભરતભાઈની આંખોમાં પોતાના પ્રિય ભગવાનથી છૂટા પડ્યાની વેદના હોય. દાદાનાં દર્શન ન થાય ત્યાં સુધી પાણી પણ નહીં પીવાનો નિયમ છે તેમનો. આજીવન પગમાં ચંપલ નહીં પહેરવાનું પણ તેમણે મનોમન ધાર્યું છે. દાદા ગ્રેટ છે અને મારા માટે સર્વસ્વ છે પ્રત્યેક ક્ષણે એ જ ભાવના તેમના હૃદયમાંથી વહેતી હોય છે.
પાર વિનાનાં તપ
આચાર્યશ્રી ભક્તિસૂરિ સમુદાયના પૂજ્ય કૈવલ્યરસાશ્રીજી મહારાજસાહેબ છે જેમણે કરેલા તપનું લિસ્ટ બનાવીએ તો પુસ્તક નાનું પડે. ૬૫ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનારાં તેમનાં મમ્મી મહારાજ જીતપુણ્યાશ્રીજીએ પણ દીક્ષા બાદ અઢળક તપ કર્યાં છે, પરંતુ દીકરી મહારાજનાં તપ રેકૉર્ડબ્રેકર છે. જેમ કે તેમણે ત્રણ દિવસ સુધી આહાર-પાણીનો સંપૂર્ણ ત્યાગ કરીને ૨૭ વખત ગિરિરાજની યાત્રા કરી હતી. એ વિશે વાત કરતાં સાધ્વીજી મહારાજ કહે છે, ‘સળંગ ૧૦૮ અઠ્ઠમ (ત્રણ પાણી સાથેના નકોરડા ઉપવાસ) કરવાની ભાવના થઈ હતી. એની આરાધના દરમ્યાન જ એક વાર મનમાં દાદા માટે અહોભાવ વચ્ચે એક દિવસમાં મેં ૮ જાત્રા કરી. પછી મને ગુરુમહારાજે ચૌવિહાર અઠ્ઠમનું પચ્ચક્ખાણ આપ્યું.’
બીજા દિવસે પણ તેઓ આઠ વાર ચડ્યા અને ઊતર્યા. આવું સળંગ ત્રણ દિવસ ચૌવિહાર ઉપવાસ કરીને તેમણે આઠ-આઠ વાર ચડ-ઊતર કરી એટલે ત્રણ દિવસમાં તેમની ૨૪ યાત્રા થઈ અને પછી ચોથા દિવસે તેમણે પારણાં પહેલાં બીજી ત્રણ યાત્રા કરીને ૨૭ યાત્રાનો રેકૉર્ડ બનાવ્યો હતો. આ આખી યાત્રા તેમણે મૌનપૂર્ણ કરી હતી. એવી જ રીતે તેમણે ચાલીસ અઠ્ઠાઈ, ૧૫ નવાણાં, સળંગ ૫૧ ઉપવાસ જેવાં આકરાં તપ કર્યાં છે. ચૌવિહાર અઠ્ઠમ કરીને તેમણે જેમ ૨૭ યાત્રા કરી એમ પછી ધીમે-ધીમે એ ક્રમ ઊતરીને ચૌવિહાર અઠ્ઠમ સાથે ૨૬ યાત્રા, ચૌવિહાર અઠ્ઠમ સાથે ૨૫ યાત્રા એમ કરતાં-કરતાં એક યાત્રા સુધી પહોંચ્યાં હતાં. મજાની વાત એ છે કે આટલાં કઠિન તપ સાથે શરીરનું બળ ભેગું કરીને આટલી બધી યાત્રા કરનારાં આ સાધ્વીજી મહારાજે ક્યારેય કોઈ ટેકાવાળી બાઈ રાખી નથી કે કોઈની પાસે પગ દબાવડાવ્યા નથી. આ બધું તો ભગવાનની કૃપાને કારણે થાય છે, આપણે કોણ કરવાવાળા એવું તેઓ સ્પષ્ટપણે માને છે.
શ્રદ્ધા-સબૂરી આનું નામ
પાંચ વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં બ્રેઇન હૅમરેજ થયું. અડધું શરીર સૂન પડી ગયું. સર્જરી પૂરી થયા પછી ડૉક્ટરે કહી દીધેલું કે બે વર્ષ સુધી ફિઝિયોથેરપી કરશો તો તમે થોડુંક હલનચલન કરી શકશો. એ જૈન સાધ્વીજી બહુ સહજ રીતે પાલિતાણાનાં સાડાત્રણ હજાર પગથિયાં ચડી જાય છે. કલાપૂર્ણસૂરિ સમુદાયના શ્રી દેવાનંદાશ્રીજીનાં શિષ્યા દિવ્યગિરાશ્રીજીની આ વાત છે. પાંચ વર્ષ પહેલાં અજમેરથી પાલિતાણા આવતાં થયેલા અકસ્માતમાં બ્રેઇન હૅમરેજ થયું અને બે મહિના તેઓ કોમામાં જતાં રહેલાં. ભાનમાં આવ્યા પછી આઠ દિવસ અમદાવાદમાં ટ્રીટમેન્ટ ચાલી અને પછી ગાડીની મદદથી પાલિતાણા પાછાં આવ્યાં. એ સમયે ફિઝિયોથેરપી કરશો તો તમે ૧૦ પગલાં પણ ચાલી શકો કદાચ એવી સંભાવના ડૉક્ટરે દેખાડેલી. સાધ્વીજી મહારાજ કહે છે, ‘એક સ્થિતિ એવી હતી કે બેસું તો પણ પડી જવાય, પરંતુ હિંમત હારવાનો તો પ્રશ્ન જ નહોતો. મારા ફિઝિયોથેરપીના ડૉક્ટરને મેં કહ્યું કે તું મને અહીં ચલાવે છે એના કરતાં તળેટી જ લઈ જાને. એમ કરીને તળેટી જવાનું શરૂ કર્યું, પછી ધીમે-ધીમે પગથિયાં ચડવાનું શરૂ કર્યું. દાદા માટેની એવી શ્રદ્ધા કે તેમને પ્રાર્થના કરતી કે મને બોલાવો તમને ભેટવા. એ પછી મેં નવ્વાણું (૧૦૮ વાર પાલિતાણાની યાત્રા) કર્યું. દોઢ વર્ષ પછી ડૉક્ટરને બતાવવા ગયાં ત્યારે પણ ડૉક્ટરને એમ જ હતું કે અમે વેહિકલનો ઉપયોગ કર્યો હશે, પણ હકીકતમાં પાલિતાણાથી અમદાવાદ અમે પગપાળા વિહાર કરીને પહોંચેલાં. દાદા તમારા મનને શક્તિ આપે અને તેમનો પ્રભાવ અપરંપાર છે.’
નૉન-વેજમાંથી ઉપવાસની હારમાળા
આંધ્ર પ્રદેશમાં નાયડુ કુટુંબમાં ઊછરેલા યુવાને કોઈ કલ્પના કરી ન શકે એ સ્તરની તપસાધના દીક્ષા લઈને કરી છે એવા શ્રીદેવસિદ્ધવિજયજી માટે તેમના ગુરુ આચાર્ય હીરચંદ્રસૂરિ મહારાજ કહે છે, ‘આંધ્ર પ્રદેશમાં જે કુટુંબમાં તેમનો જન્મ થયો છે એ પરિવારમાં માંસ, મચ્છી, ઈંડાં એ રોજબરોજનો આહાર હતો. નાની ઉંમરમાં દેવરાજ નામનો છોકરો તેનાં નાની સિદ્ધમ્મા સાથે દાવણગિરિમાં રહીને મજૂરી કરતો હતો. ત્યાં એક જૈન શેઠને ત્યાં દુકાન સંભાળતો અને ગોલ્ડનું કામ કરતો. એક દિવસ શેઠાણીનો ભુલાયેલો બટવો લેવા માટે અનાયાસ દેરાસર આવ્યો. ત્યાં તેણે માસક્ષમણનાં બોર્ડ જોયાં એટલે પોતાને મનમાં થયું કે આ શું છે, આ મારે કરવું છે. આ રીતે એક તપથી શરૂ થયેલી તેની યાત્રા દીક્ષાગ્રહણ સુધી પહોંચી અને એ પછી પણ અઢળક તપશ્ચર્યા તેણે કરી છે.’
૨૦૧૮માં દીક્ષા લેનારા દેવસિદ્ધવિજય મહારાજ પાલિતાણા આવ્યા એ સમયની વાત કરતાં તેમના ગુરુજી કહે છે, ‘૧૮૦ ઉપવાસ કરનારા શ્રી હંસરત્ન મહારાજથી તેઓ પ્રભાવિત હતા. તપ કરે ત્યારે પણ અતિ આકરું કરે અને આહાર લે તો પણ સરખો લઈ શકે એ તેમની ખૂબી હતી. પાલિતાણામાં આવ્યા ત્યારે અહીં નવ્વાણું ચાલી જ રહ્યું હતું. તેમણે નકકી કર્યું કે અહીં કંઈક કરવું. ૨૭ દિવસના તેમણે ઉપવાસ કર્યા અને ૧૦૮ યાત્રા કરી જે જૈન ઇતિહાસમાં રેકૉર્ડબ્રેક બાબત હતી. પ્લસ આ યાત્રા તેમણે વિધિ સહિત તમામ ચૈત્યવંદનો સાથે કરી હતી.’
૧૮ દિવસમાં ૧૦૮ યાત્રા
અઢળક રીતે ગિરિરાજની સાધના કરનારા શ્રીભુવનભાનુસૂરિ સમુદાયના ગણધરરત્ન વિજયજી મહારાજને આ શાશ્વતું તીર્થ તેમના મોક્ષનું કારણ પણ બનશે એવી અખૂટ શ્રદ્ધા સાથે જુદી-જુદી રીતે યાત્રા કરી ચૂક્યા છે. ૧૮ દિવસમાં ૧૦૮ યાત્રા કરવી હોય તો ડેઇલી ૬ યાત્રા કરવી પડે. આટલો સ્ટૅમિના ક્યાંથી આવે? આ પ્રશ્નના જવાબમાં પૂજ્ય ગણધર રત્નવિજયજી કહે છે, ‘સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬ યાત્રા પૂરી થઈ જતી. એક યાત્રા ચડવાની અને ઊતરવાની લગભગ દોઢ કલાકમાં થતી. આ કેવી રીતે થાય છે એનો જવાબ તમને આદેશ્વરદાદા સિવાય કોઈ નહીં આપી શકે. અમે તો ખાલી પગ મૂકીએ, ચડાવવાનું-ઉતારવાનું કામ દાદા જ કરતા હોય છે.’
આ મહાત્માએ અઢાર દિવસ એકાષણાનું તપ કરેલું એટલે કે એ પણ દરરોજ ઘેટી પાગે (પાલિતાણામાં નીચે ઊતરવા માટે મુખ્ય તળેટીની જેમ બીજી એક જગ્યા છે જ્યાં તળેટી છે અને એને વધુ પ્રાચીન માનવામાં આવે છે.) મળતા અલ્પાહારમાં એક કે બે વસ્તુઓ અવેલેબલ હોય એનાથી જ એકાષણું કરવાનું. આ મહાત્માએ એક વાર નવ્વાણું યાત્રા એવી રીતે કરી જેમાં ચૌવિહાર છઠ્ઠ હોય, પછી પારણું કરવાનું, ફરી ચૌવિહાર છઠ્ઠ કરવાનો, ૭ યાત્રા કરવાની, ત્રીજે દિવસે પારણું. આ રીતે તેમણે ચૌવિહાર છઠના પારણે છઠ સાથે કુલ ૧૦૮ યાત્રા કરી હતી. એવી જ રીતે પાલિતાણામાં નવ ટૂંક સાથે લગભગ ૨૭,૦૦૦ જિન પ્રતિમાઓ સમક્ષ લઘુ ચૈત્યવંદન તેઓ કરી ચૂક્યા છે. રોજની ૫૦૦થી વધુ પ્રતિમાજી સામે લઘુ ચૈત્યવંદન માટે અઢી હજારની આસપાસ ખમાસમણા તેઓ આપતા. આ કરતી વખતે અઠ્ઠમનું તપ એટલે કે ત્રણ નકોરડા ઉપવાસ કરવાના. પાછું પારણું કર્યા પછી ફરી અઠ્ઠમ ઉપાડીને લઘુ ચૈત્યવંદન માટે ગિરિરાજ પર જવાનું. ગિરનાર તીર્થ પર સતત ૯ દિવસ સુધી ૨૦ કિલો વજનની ગોચરી (આહાર-પાણી) પોતાના અન્ય ગુરુભગવંતોની સેવા માટે તેઓ એકલા હાથે ઉપાડીને ગિરનારનું ચડાણ ચડ્યા હતા.