૭૫ વર્ષની ઉંમરે પણ કોઈ જુવાનને શરમાવે એવા જોશથી કામ કરતા જયંતીલાલ શાહે ૨૩ વર્ષ પહેલાં શરૂ કરેલા હીરાબજારના ‘પારસમણિ’ મૅગેઝિનની આવતી કાલે ઍનિવર્સરી છે ત્યારે જાણીએ કે સતત સક્રિય રહેવાની ફિઝિકલ અને મેન્ટલ ઊર્જા તેઓ લાવે છે ક્યાંથી?
પૅશનપંતી
જયંતીલાલ શાહ
પૅશન હોય ત્યારે કોઈ પણ કામ અઘરું નથી હોતું અને કોઈ પણ કામ અશક્ય પણ નથી હોતું. અલબત્ત, એ માટેની મહેનત કરવાની તમારી તૈયારી મહત્ત્વની છે. કુદરત તમને સાથ આપે, આપે અને આપે જ જો તમે મહેનત, નિષ્ઠા અને સચ્ચાઈ સાથે કામ કરવા તૈયાર હો. આ અનુભવ છે ૭૫ વર્ષના જયંતીલાલ શાહનો. આમ તો તેઓ હીરાના વેપારી તરીકે કામ કરતા હતા, પણ નાનપણનો લેખનનો શોખ તેમને પત્રકારત્વમાં લઈ આવ્યો અને તેમણે ૨૦૦૦ની સાલમાં એક મૅગેઝિન શરૂ કર્યું જેનું નામ છે ‘પારસમણિ’. ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ મનાતી ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીને લગતી હિલચાલોને વેપારીઓ સુધી પહોંચાડવાના ધ્યેય સાથે કામ કરતું ‘પારસમણિ’ આવતી કાલે ચોવીસમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે એ કેવી રીતે શરૂ થયુંથી લઈને ઉંમરના આ પડાવ પર પણ જયંતીભાઈ કેવી રીતે સક્રિય છે એની વાતો જાણીએ.
શોખમાંથી સર્જન | મૂળ પાલનપુર પાસેના ગઢ ગામમાંથી મુંબઈ આવ્યા એ સમયની વાતો જણાવીને જયંતીભાઈ કહે છે, ‘નાનપણથી જ લખવાનો બહુ શોખ હતો. એ સમયે સ્કૂલમાં મારા એક ટીચર હતા કનૈયાલાલ જોશી. આજે પણ છે તેઓ. પછી તો સ્કૂલના પ્રિન્સિપાલ પણ બન્યા હતા. તેમની પાસેથી લખવાનો વારસો મળ્યો એવું કહું તો ચાલે. અગિયારમામાં એસએસસી પૂરી થતી ત્યારે. તો બસ ભણવાનું પૂરું કરીને હું મુંબઈ આવ્યો અને અહીં આવીને પહેલાં તો હીરાના કારખાનામાં નોકરી શરૂ કરી. પછી ધીમેથી દલાલી શરૂ કરી અને આગળ જતાં પોતાનું કારખાનું પણ કર્યું. કામ બરાબર ચાલતું હતું એ દરમ્યાન અહીંનાં કેટલાંક અખબારોમાં નિ:શુલ્ક કૉલમો લખતો. એ સમયે ગૂગલ નહીં એટલે જાતે જ રિસર્ચ કરીને લખાતી કૉલમની નોંધ લેવાવા લાગી. એમાં એક અખબારે કહ્યું કે મહેનતાણું આપીશું, પણ તમે અમારે ત્યાં કૉલમ લખો. ખાસ્સા લાંબા સમય સુધી ત્યાં કૉલમ લખી, પણ હીરાબજારમાં અમુક કંપનીઓ દ્વારા ચાલતી ગેરરીતિઓ લખી તો તે કંપનીએ અખબારોના માલિકો સામે વાંધો ઉઠાવ્યો. તેમના તરફથી અખબારને આવતી જાહેરખબરોને કારણે મને કહેવામાં આવ્યું કે તમારે આ કંપની વિશે નહીં લખવાનું. સાચું લખવા ન મળતું હોય તો કામ નથી કરવું એમ કહીને મેં ત્યાં લખવાનું છોડી દીધું અને એમાંથી જ પોતાનું જ અખબાર શરૂ કરીએ એવો વિચાર આવ્યો અને ‘પારસમણિ’ શરૂ થયું.’
ADVERTISEMENT
આ પણ વાંચો : કોઈ એમ કહે કે અદાણી અને અંબાણી કરતાં તમે છગણો વધુ ટૅક્સ ભરો છો તો?
વ્યાપક બનવાના પ્રયાસ | હીરાબજાર બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે અને ઘણી બાબતો લોકોને ન ખબર હોય ત્યારે અખબાર એમાં સેતુનું કામ કરી શકે એ નિયમ જયંતીભાઈએ જાળવી રાખ્યો. તેઓ કહે છે, ‘૨૦૦૦ની સાલમાં ૨૬ જાન્યુઆરીના રોજ જ્યારે ‘પારસમણિ’ના પહેલા અંકનું વિમોચન કરવાનું હતું ત્યારે મારા મિત્ર અરુણ ગુજરાતીને મેં પૂછ્યું. તો તેમણે માત્ર વિમોચન જ ન કર્યું, પણ તેમના બંગલામાં આખું આયોજન રાખેલું. અલ્પાહારની વ્યવસ્થા તેમણે કરી અને એ સમયે હીરાના મોટા-મોટા દોઢસો જેટલા વેપારીઓ વિમોચન પ્રસંગે તેમના બંગલામાં હાજર રહ્યા હતા. ગુજરાતનાં નાનાં-નાનાં ગામડાંમાં કામ કરતા હીરાઘસુ કારીગરોની સમસ્યાઓ અને સિદ્ધિઓ, માર્કેટમાં આવતી નવી પૉલિસી, માર્કેટના વેપારીઓના મનની વાતો જેવી બાબતોને આ મૅગેઝિનમાં સમાવવાના પ્રયાસો હું કરું છું અને આખા દેશભરમાં એની કૉપી પહોંચે એવા પ્રયાસો કરું છું.’
અહીં ઉલ્લેખનીય છે કે કોવિડ પછી ડિજિટલ કૉપી હવે ઑસ્ટ્રેલિયા, અમેરિકા, હૉન્ગકૉન્ગ, ચીન, ઇન્ડોનેશિયા, જપાન, ઍન્ટવર્પ જેવા ઘણા દેશોમાં જઈ રહી છે.
થાક નથી લાગતો? | એક ઑપરેટર અને પોતે બસ આ બે લોકોની ટીમ પર અત્યારે આ મૅગેઝિનનું પ્રકાશન થાય છે. થાક ન લાગે? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, ‘સાચું કહું તો થાક્યો નથી, પરંતુ એ પછીયે એમ જરૂર થાય છે કે આ છેલ્લું વર્ષ. આવતા વર્ષે પચ્ચીસમી સાલગરેહ પહેલાં એને આટોપી લેવું. જોઈએ જેવી પ્રભુની મરજી. હા, બાકી શારીરિક અને માનસિક રીતે આજે પણ મજબૂત છું. નિયમિત ત્રણ કિલોમીટર ચાલું છું. આજે પણ દરરોજ માર્કેટમાં જાઉં છું. માર્કેટના બધા પ્રસંગોમાં હાજરી આપું છું. પૂર્ણપણે ઍક્ટિવ છું અને ઍક્ટિવ છું એટલે જ સ્વસ્થ છું.’