Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવનને અજવાળવા માટે યોગથી શ્રેષ્ઠ શું હોઈ શકે!

જીવનને અજવાળવા માટે યોગથી શ્રેષ્ઠ શું હોઈ શકે!

Published : 26 October, 2022 04:30 PM | Modified : 26 October, 2022 04:46 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યોગ તમારા વ્યક્તિત્વને જ નહીં, પણ સંપૂર્ણ અસ્તિત્વને પ્રભાવિત કરે છે. દીપાવલી બાદ ફરી એક વાર નૂતન વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે યોગને સહજ રીતે જીવનમાં શું કામ અને કેવી રીતે પ્રવેશ આપવો એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

રોજેરોજ યોગ

પ્રતીકાત્મક તસવીર


આસનને હોલ્ડ કરશો એટલે પીડા થશે અને એના પર ધ્યાન લગાવશો એટલે ધ્યાન અંદરની તરફ જશે. દરેક રૂપમાં યોગ તમને અંદરની તરફ ગતિ કરાવશે


અને જોતજોતામાં દિવાળી પૂરી થઈ ગઈ. આજે બેસતું વર્ષ. બે વર્ષના કોવિડ પછી નિયંત્રણરહિત ખુલ્લા મને દિવાળી મનાવવાનો અવસર આજે મળ્યો એના આનંદમાં હશો જ તમે. જોકે આજે ફરી પંચાંગ બદલવાનો સમય છે. ગયા વર્ષે નવા હિન્દુ પંચાંગ સાથે મનમાં કોઈ નવો બદલાવ લાવવાનો નિર્ણય લીધેલો તમે? દર નવા વર્ષે કંઈક સારો બદલાવ જીવનમાં લાવીશું એ સંકલ્પ કરવાની પરંપરા આપણે ત્યાં પૉપ્લુયર છે. મોટા ભાગના લોકો એ સંકલ્પ પૂરા નથી કરી શકતા અને એ પૂરા કરવા હોય તો શું કરવું એની વૈજ્ઞાનિક પદ્ધતિઓની પણ ભરપૂર ચર્ચાઓ ભૂતકાળમાં થઈ છે. આજે એ ચર્ચા નથી કરવી. સંકલ્પ લેવો, ન લેવો, લઈને કેટલા દિવસ પાળવો, મન નબળું પડે ત્યારે કઈ રીતે છટકબારી શોધવી એ બધા મનના તરંગો પર એકસામટી તલવાર ઝીંકીને જમીનદોસ્ત કરી શકે એવી ક્ષમતા છે યોગમાં. આપણે યોગની વાત કરીશું અને જાણીશું કે યોગ કઈ રીતે વ્યક્તિને ટ્રાન્સફૉર્મ કરવા માટે પાવરફુલ છે. આપણે યોગની વાત કરીશું અને જાણીશું કે આવનારા દિવસોને ખરેખર અનુશાસિત કરવા હશે તો કઈ રીતે આ પ્રાચીન વિદ્યા આપણને કામ લાગી શકે છે. ધારો કે આ વખતે તમને પરિણામ ન મળ્યું તોય આપણી પાસે નવાં વર્ષોની ક્યાં કમી છે? ધારો કે આ વખતે સંકલ્પને વળગી રહેવાનું ન બન્યું તો ૩૧ ડિસેમ્બર ક્યાં દૂર છે? એ પછી અષાઢી બીજ, ગૂડી પડવો, નવું ફાઇનૅન્શિયલ યર એમ તારીખો તો આવતી રહેશે તમને નવા વર્ષમાં કંઈક નવું કરવાની પ્રેરણાને કિક આપવા માટે. 



ગેમ-ચેન્જર


જો તમે યોગ કરતા હો તો જીવનમાં ઘણી ખોટી આદતો તો એમ ને એમ છૂટી જવાની. જાણીતી એન્ટરટેઇનમેન્ટ ચૅનલમાં એચઆરની જૉબ છોડીને યોગમાં ઊંડા ઊતરનારા યોગ-શિક્ષક મિતેશ જોશી કહે છે, ‘યોગ એક એવો સૂર્ય છે જે વ્યક્તિના જીવનના અંધકારને દૂર ન કરે તો જ નવાઈ. અત્યારે તમે કોઈ પણ વ્યક્તિ જે યોગ તરફ જોડાય છે તેને મળશો તો તેનું યોગ પ્રત્યેના આકર્ષણનું કારણ હશે તેની હેલ્થ. કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, હાર્ટ પેશન્ટ હશે કે એના જેવી કોઈ બીમારીથી ત્રાસીને, હારીને, કંટાળીને યોગનો માર્ગ પસંદ કર્યો હોય એવા લોકો સર્વાધિક છે અત્યારે. એમાં સૌથી સારી બાબત એ છે કે યોગ કોઈને નિરાશ નથી કરતા. તમે તમારા સ્વાર્થથી યોગનું શરણું લો તો પણ એ પહેલાં તમારા સ્વાર્થને સાધશે અને એ કરતાં-કરતાં જ તમને ખબર નહીં પડે એમ તમારા અસ્તિત્વના ઘણા પહેલુ પર યોગે કામ કરવાનું શરૂ કરી દીધું હશે. આ એની બ્યુટી છે અથવા તો કહો આ એનું મૅજિક છે. તમને અકલ્પનીય રીતે યોગ લાભ કરતા હોય અને તમને ખબર પણ ન પડે. ભલે તમે યોગ સાથે એક એક્સરસાઇઝ તરીકે જોડાયા હતા પરંતુ ધીમે-ધીમે ધારણા, ધ્યાનની અવસ્થાને પહોંચી ગયા હશો અને મનથી પ્રફુલ્લિત હશો; જેની તમને ખબર પણ નહીં પડી હોય. તમે આસનને હોલ્ડ કરશો એટલે ધીમે-ધીમે પીડા થશે અને એના પર ધ્યાન લગાવશો એટલે ધ્યાન અંદરની તરફ જશે. દરેક રૂપમાં યોગ તમને અંદરની તરફ ગતિ કરાવશે, કરાવશે ને કરાવશે જ.’

ધ્યાન સહજ બને


ઘણા લોકો એવા હોય જેમને મેડિટેશન વગેરેમાં રસ ન હોય, પરંતુ યોગ તમને નૅચરલી મેડિટેટર બનાવી દે અને તમને ખબર પણ ન પડે અને ઘણીયે ખોટી આદતો તમારામાંથી છૂટતી જાય. મિતેશભાઈ કહે છે, ‘તમે આસન કરતા હો અને સાથે શ્વાસ પર ધ્યાન પણ આપી રહ્યા હો ત્યારે તમારી આંખો અાપોઆપ બંધ થઈ જતી હોય એવું અનુભવ્યું હશે. જ્યારે સ્થિરતાપૂર્ણ આસન થાય ત્યારે મનની સ્થિરતા સહજ બને. ત્યારે મેડિટેશન કરવું નથી પડતું, પણ થઈ જાય છે. ગમે તેટલો વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત સ્ટુડન્ટ હશે, પણ જો એ યોગમાં આવશે તો ધીમે-ધીમે અધ્યાત્મ તેનામાં પ્રગટતું જશે. આ ઊંડાણ યોગની દેન છે, જેનું વર્ણન ન કરી શકાય શબ્દોમાં. મેં લોકોમાં આવાં ટ્રાન્સફૉર્મેશન જોયાં છે. આખો પરિવાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોય અને એકલાં બહેને યોગને કારણે પોતાના માનસિક અને ભાવનાત્મક સંતુલનને પાછું મેળવ્યું હોય. એક ત્રીસ વર્ષનો યંગ છોકરો થાઇલૅન્ડથી ભારત આવ્યો યોગ શીખવા. ચેઇન સ્મોકર. યોગની ટ્રેઇનિંગ શરૂ થઈ અને તેણે સ્મોકિંગ છોડી દીધું એકઝાટકે. અમારે ત્યાં કૈવલ્યધામ ઇન્સ્ટિટ્યૂટમાં યોગ શીખવા આવ્યા હોય અને પછી નૉનવેજ કાયમ માટે છૂટી ગયું હોય એવા લોકોને હું ઓળખું છું. યોગ તમને ક્લિષ્ટ એટલે કે જે આચરવા યોગ્ય નથી એવી બાબતોથી દૂર કરી દે છે સહજ રીતે. તમારી અંદર સંતુલન અને ઠહેરાવ લાવવાનું કામ યોગાભ્યાસ થકી થઈ શકે છે.’

કેમ ન અપનાવો?

યોગ આપણો સાંસ્કૃતિક વારસો છે, અઢળક વૈજ્ઞાનિક અભ્યાસોની કસોટી પર ખરું ઊતરેલું પ્રાચીન વિજ્ઞાન છે અને યોગ આપણી ગળથૂથીમાં મળેલી વિદ્યા છે અને છતાં હજી આપણે એ દિશામાં આગળ ન વધ્યા હોઈએ એ આપણી કમનસીબી ન કહેવાય તો બીજું શું ગણાય? મિતેશભાઈ કહે છે, ‘બીજા બધા અભ્યાસ માટે તમારે મોટી રકમ ખર્ચ કરવી પડે, પછી જ તમે એમાં પ્રારંભ કરી શકો. યોગમાં એવું નથી. બહુ જ કિફાયતી અને હાથવગું છે. તમને ટીવીમાં ફ્રી પ્રોગ્રામ મળી જશે. તમારે માત્ર શરૂઆત કરવાની છે. રોજની વધુ નહીં પણ માત્ર પંદર-વીસ મિનિટ યોગ માટે ફાળવશો તો ગૅરન્ટી સાથે કહું છું કે જીવન જીવવાનો તમારો ઉત્સાહ બેવડાઈ જશે. પ્રયત્ન તો કરી જુઓ આજથી. નહીં ફાવ્યું તો બીજા નવા વર્ષે નવો સંકલ્પ ક્યાં નથી લેવાતો.’

તમારી અંદરના સૂરજને જગાડો

મેડિટેશનના મૂળ ગ્રંથ વિજ્ઞાન ભૈરવમાં ધ્યાનની કુલ ૧૧૨ પદ્ધતિ છે. એમાંની જ એક પદ્ધતિ એટલે તમારા ન‌ાભિચક્ર પર ઊગતા સૂરજને વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. સૌથી પહેલાં તમારે મેડિટેશન પૉશ્ચરમાં પૂર્વ દિશામાં સૂર્યોદય પહેલાં બેસવાનું છે અને નાભિ પર સૂર્યની સ્થાપના કરવાની છે અને જેમ-જેમ બહારના સૂર્યનો ઉદય થઈ રહ્યો છે અને એ ઉપર-ઉપર ગતિ કરી રહ્યો છે એમ તમારે પણ તમારા નાભિચક્રનો સૂર્ય ઉપરની દિશામાં ગતિમાન કરી રહ્યો હોય એવી અનુભૂતિ કરવાની છે. આ સૂર્ય છેલ્લે આજ્ઞાચક્ર પર પહોંચે એટલે ફરી સ્થિર બેસવાનું છે અને મનમાં નવા વર્ષથી નવા દિવસનો ઉત્સાહ અને નવા સંકલ્પોને દૃઢ કરવાના છે. બહુ જ પાવરફુલ પ્રૅક્ટિસ છે આ. ટ્રાય કરી જોજો.

‘હૅપી ન્યુ યર’ની આ રીત તમારું વજન ઘટાડશે!

દિવાળીમાં ખૂબ મીઠાઈઓ અને તળેલા નાસ્તા ખાઈ લીધા અને હવે જો વજન ઘટાડવું પડશે એવું મનમાં ચાલતું હોય તો એક સરસ મજાની ટેક્નિક શૅર કરતાં યોગ-નિષ્ણાત મિતેશ જોશી કહે છે, ‘દીવાલ તરફ પગ નેવું ડ‌િગ્રી પર રહે એ રીતે સૂઈ જાઓ. હવે તમારા બન્ને પગ બે કલમ હોય એ રીતે પગનો ઉપયોગ કરીને તમારે અંગ્રેજીના એક-એક લેટર દીવાલ પર પગથી લખતા હો એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. આ લખવા માટે પગની જબરી કસરત થશે અને મોટા ભાગે આખું હૅપી ન્યુ યર લખવામાં તમારો દમ નીકળી જશે. પણ વેઇટલૉસમાં આ ઉપયોગી પ્રૅક્ટિસ છે.’

મિતેશ જોશી, યોગ નિષ્ણાત

યોગ કોઈને નિરાશ નથી કરતા. તમે તમારા સ્વાર્થથી યોગનું શરણું લો તો પણ એ પહેલાં તમારા સ્વાર્થને સાધશે. પછી તમને ખબર નહીં પડે એમ તમારા અસ્તિત્વના ઘણા પહેલુ પર યોગે એનું કામ શરૂ કરી દીધું હશે. આ એનું મૅજિક છે : મિતેશ જોશી, યોગ નિષ્ણાત

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2022 04:46 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK