Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દર મહિને પીડા સહન કરવી એના કરતાં તો મરી જવું સારું

દર મહિને પીડા સહન કરવી એના કરતાં તો મરી જવું સારું

Published : 10 May, 2024 10:15 AM | IST | Mumbai
Pallavi Acharya

થોડા સમય પહેલાં મલાડની ૧૪ વર્ષની કન્યાએ આત્મહત્યા કરી એનું કારણ હતું

પ્રતીકાત્મક તસવીર

યે જો હૈ ઝિંદગી

પ્રતીકાત્મક તસવીર


આવું વિચારીને આજના સમયમાં કોઈ કિશોરી પહેલા માસિક વખતે આત્મઘાતી પગલું લઈ લે એ ચિંતાજનક નથી? આજના ઇન્ફર્મેશન યુગમાં સોશ્યલ મીડિયા પર અને સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશનની આટઆટલી વાતો થતી હોવા છતાં પણ કોઈ કિશોરી પિરિયડ્સના પેઇનથી પરેશાન થઈને આવું પગલું ભરે? આવા આત્યંતિક પગલાને રોકવા માટે શું થઈ શકે એ  વિશે જાણીએ નિષ્ણાતો પાસેથી

તાજેતરમાં મુંબઈના માલવણી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની એક છોકરીએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી. કારણ હતું, પહેલી વાર આવેલા માસિક ધર્મની પીડા. પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી મુજબ આ છોકરીને તેના પ્રથમ માસિક ચક્ર વિશે કોઈ જાણકારી નહોતી એના કારણે તે ખૂબ સ્ટ્રેસમાં હતી. કારણ જે કોઈ હોય, પણ આ સાથે સેક્સ-એજ્યુકેશનનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે. જોકે આજના સમયમાં દસ-અગિયાર વર્ષની છોકરીઓને તેમના મેન્સ્ટ્રુઅલ પિરિયડ્સ વિશે માહિતી ન હોય એ વાત હજમ નથી થઈ રહી; કારણ કે સ્કૂલો, સામાજિક સંસ્થાઓ અને પેરન્ટ્સ વગેરે સેક્સ-એજ્યુકેશન આપી રહ્યાં છે એટલું જ નહીં, આ ઉંમરે છોકરીઓ પણ અંદરોઅંદર એકબીજીને વાત કરતી જ હોય છે. પહેલી વાર શરીરમાં આવેલો ફેરફાર છોકરીઓને ડરાવે અને દ્વિધામાં ચોક્કસ મૂકે છે, પણ આ સમયે થતા પેઇનના કારણે કોઈ કન્યા આત્મહત્યા કરે ત્યારે સમાજ માટે આ કિસ્સો ખતરાની ઘંટડી કહી શકાય અને સમાજે એના પર ચોક્કસ ચર્ચા કરવી પડે.

કમ્યુનિકેશનના અભાવના કારણે ઘણી વાર દસ-બાર વર્ષે બાળકોમાં એનો ડર પેસી ન જાય એ જોવું  ઃ ડૉ. પવન સોનાર, સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ

કિશોરાવસ્થામાં સંતાનોના શરીરમાં થતા ફેરફારોને સમજાવવા માટે સંતાનો અને તેમના પેરન્ટ્સ વચ્ચે આત્મીય કમ્યુનિકેશન હોવું જરૂરી છે. આજના સમયમાં સ્કૂલમાં સેક્સ-એજ્યુકેશન આપવામાં આવે જ છે અને એ આપવું જ જોઈએ. તો જ આ ઉંમરે તેઓ પોતાના શરીરમાં થતા ફેરફારોની જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકે. શરીરના પાર્ટ્સ, એનાં ફંક્શન તેમ જ ૧૦થી ૧૨ વર્ષે એમાં આવતા બદલાવ, એને કેવી રીતે સમજવા, કોઈ પ્રૉબ્લેમ આવે તો એને કેવી રીતે ફેસ કરવો એની સાચી સમજ બાળકોને સ્કૂલમાં ઉપરાંત પેરન્ટ્સ દ્વારા આપવામાં આવે એ અત્યંત જરૂરી છે. જોકે આજના સમયમાં સેક્સ-એજ્યુકેશન વિશે સારીએવી અવેરનેસ છે. એ આપવામાં આવે જ છે, પણ સૌથી વધારે અગત્યનું છે બાળકો સાથેનું કમ્યુનિકેશન. બાળક જો ગુસ્સો કરે, નાની-નાની વાતમાં રડે, ખાવાપીવાનું વધારે કે ઓછું કરે, એકલું રહેવા લાગે, વાતો ન કરે, મિત્રો સાથે ન જાય એ હેલ્ધી સાઇન નથી. બાળકના આ વર્તન પર માતા-પિતાએ ધ્યાન આપવું જરૂરી છે. બાળકને તેની આ ઉંમરમાં કઈ સમસ્યા છે, કેવી તકલીફ છે, કઈ વાતથી રડે છે, ક્યાંય ડર તો નથીને એનું ધ્યાન રાખવું માતા-પિતા માટે જરૂરી છે. પેરન્ટ્સ જો સંતાનોને તેના બૉડી-પાર્ટની સમજ ન આપી શકે તો કોઈ કાઉન્સેલર પાસેથી જ્ઞાન આપવું જરૂરી છે.


આજકાલનાં માતા-પિતા ઓપન-માઇન્ડેડ છે. તેઓ તેમનાં સંતાનો સાથે શરીરના ફેરફાર વિશે ડિસ્કશન કરે છે, પરંતુ સંતાનો સાથે તેમની એટલી આત્મીયતા હોવી જોઈએ કે સંતાન તેની વાતો શૅર કરી શકે. મારી પાસે ઘણાં બાળકો આવે છે. હું તેમને પૂછું છું કે મમ્મીએ તેને ઇન્ફર્મેશન આપી છે? આટલું પૂરતું નથી. તેને પિરિયડ્સમાં પેઇન થતું હોય, ગંદું લાગતું હોય તો તેની સાથે વાતચીત કરી લેવી જરૂરી છે. સેક્સ-એજ્યુકેશન અવેરનેસ જ નહીં, મેન્ટલ હેલ્થ અવેરનેસ પણ જરૂરી છે. આજકાલ પેરન્ટ્સ વર્કિંગ છે, તેમને સમય જ નથી.  કમ્યુનિકેશનના અભાવના કારણે ઘણી વાર દસ-બાર વર્ષે બાળકોમાં આ બાબતથી ડર બેસી જાય છે. પેરન્ટ્સે આ સમયમાં છોકરીને સધિયારો આપવાની જરૂર છે કે અહીં તેણે ડરવાની જરૂર નથી; આ કુદરતી વસ્તુ છે, એને પૉઝિટિવલી લો, એને ગંદકી ન માનો. 



લોહી જોઈને ગભરાઈ જાય એવું બને, પણ ફર્સ્ટ પિરિયડમાં ભાગ્યે જ કોઈને પેઇન થાય : ડૉ. રન્ના દોશી, ગાયનેકોલૉજિસ્ટ

મેન્સ્ટ્રુએશન વિશે આજે મોટા ભાગની મમમીઓએ તેમની દીકરીઓને સમજાવ્યું જ હોય છે કે ૧૦-૧૧ વર્ષ પછી હૉર્મોનના કારણે તેના શરીરમાં બદલાવ આવે, તેના થિન્કિંગમાં બદલાવ આવે વગેરે એટલું જ નહીં, આજકાલ સ્કૂલમાં પણ આ બાબતે શીખવાય છે. કેટલીક સ્કૂલમાં સૅનિટરી નૅપ્કિન વેન્ડિંગ મશીન અને એને ડિસ્ટ્રોય કરવા માટેનાં મશીનો હોય છે. આ ઉપરાંત સૅનિટરી નૅપ્કિન્સની જાહેરાતોના કારણે પણ છોકરીઓને ખબર હોય છે કે આ શા માટે વાપરવું જોઈએ અને આ સમયમાં હાઇજીનિક કેવી રીતે રહેવું. છોકરીઓ પણ અંદર-અંદર આ વિશે વાત કરતી હોય છે. મમ્મીને પૂછે પણ છે કે મારી બહેનપણીને પિરિયડ્સ આવ્યા, મને કેમ નથી આવ્યા? તેથી ફર્સ્ટ મેન્સ્ટ્રુએશન વિશે તેમને ખબર હોય છે જ.


એક ડૉક્ટર તરીકે હું આ કેસમાં ફર્સ્ટ મેન્સ્ટ્રુએશનને અને સુસાઇડને રિલેટ નથી કરી શકતી. બ્લડ જોઈને તે ગભરાઈ ગઈ હોય. ઘણાને ચક્કર આવે ને પડી જાય એવું થાય છે. અથવા તેને પેઇન કોઈ બીજું હોઈ શકે. પહેલા પિરિયડમાં ભાગ્યે જ પેઇન થતું હોય છે એનું કારણ એ છે કે ૧૭થી ૧૮ વર્ષ પછી છોકરીમાં એગ એટલે કે સ્ત્રીબીજ ઉત્પન્ન થાય છે. એને લીધે ઘણાને માસિક વખતે પેઢુ એટલે કે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય, ઊલટી જેવું લાગે. બાકી પિરિયડની શરૂઆતમાં પેઇન નથી થતું. છોકરી હોવું એ પ્રાઇમરી સેક્સ્યુઅલ કૅરૅક્ટર પછી અંડકોષ એટલે કે ઓવરીનાં હૉર્મોન્સને લીધે શરીરમાં ફેરફાર થાય છે જેમ કે બ્રેસ્ટ અને બટકનું ડેવલપમેન્ટ, પ્યુબિક હેર આવે જેને સેકન્ડરી સેક્સ્યુઅલ કૅરૅક્ટર કહેવાય. એ પછી હૉર્મોન્સનું પ્રોડક્શન વધતાં મેન્સિસની શરૂઆત થાય છે. શરૂઆતમાં હૉર્મોન ઇમ્બૅલૅન્સ થાય અને પિરિયડ્સ પણ રેગ્યુલર ન આવે, પરંતુ એગ પ્રોડક્શન પછી એટલે કે ૧૭-૧૮ વર્ષ પછી જ માસિક રેગ્યુલર થાય છે, માસિક સાઇકલ ૨૫ દિવસ, ૩૦ દિવસ કે ૩૫ દિવસની બને છે. આ પહેલાં એ ઘણું અનિયમિત હોય છે. 

પિરિયડ્સમાં દર્દ એક દિવસ રહે : ડૉ. અમિતા સૂચક, ગાયનેકોલૉજિસ્ટ

પહેલા પિરિયડ વિશે છોકરીઓ અવેર ન હોય એવું આજે નથી. દસ વર્ષની છોકરીઓને પણ બધી ખબર હોય છે જ. તેમને શરીરના પાર્ટ અને એના ફંક્શન વિશે મમ્મીએ માહિતી આપવી જોઈએ. તેને એ કહેવું જોઈએ કે આ ઉંમરે પિરિયડ્સ આવે એ નૉર્મલ છે, એમાં ગભરાવાની જરૂર નથી. પહેલું બાળક ન થાય ત્યાં સુધી કેટલીક છોકરીઓને પિરિયડ સમયે પેઇન રહે છે ત્યારે જરૂરી નથી કે પેઇન સહન કરતા રહેવું. દુખાવો હોય ત્યારે બીજો કોઈ ઉપાય કરવાને બદલે પેઇનકિલર લઈ શકાય છે. આ પેઇન વધારેમાં વધારે એક જ દિવસ રહે છે. યુટરસનું મુખ ખૂલ્યું ન હોય અને એ કૉન્ટ્રૅક્ટ થવાના કારણે બ્લડને બહાર ફેંકવાની કોશિશ કરે તેથી આ સમયે કેટલીક છોકરીઓને પેઇન થાય છે અને એ નૉર્મલ બાબત છે.


આજની લાઇફસ્ટાઇલ પિરિયડ્સ સમયે થતા પેઇન માટે જવાબદાર : નિર્મલા સાવંત પ્રભાવળકર, એક્સ-મેયર, પ્રિન્સિપલ ઍડ્વાઇઝર - સેન્ટર ફૉર સ્ટડી ઑફ સોશ્યલ ચેન્જ

સેક્સ-એજ્યુકેશન આપવું અત્યંત જરૂરી છે. શાળામાં કે અન્યત્ર પણ બાળકોને આ એજ્યુકેશન અત્યંત નૉર્મલ રીતે આપવામાં આવે છે જેમાં શરીરના પ્રોડક્ટિવ પાર્ટ અને એ કેવી રીતે ફંક્શન કરે છે એની સમજ આપવામાં આવે છે એટલું જ નહીં, આ પાર્ટની સ્વચ્છતા કેવી રીતે જાળવવી એની પણ સમજ આપવામાં આવે છે. આ એજ્યુકેશનથી એક ફાયદો એ પણ થાય છે કે અહીં-ત્યાંથી સાંભળીને છોકરીઓમાં જે ખોટી માન્યતા ઊભી થઈ હોય એ દૂર થાય છે અને તેઓ પોતાના શરીરને અને તેમના પ્રોડક્ટિવ પાર્ટને સાયન્ટિફિકલી અને મેડિકલી જોવા લાગે છે. છોકરીઓને ૧૦-૧૧ વર્ષની થાય ત્યારે જ સેક્સ-એજ્યુકેશન એટલે કે શરીરમાં આવતા બદલાવ વિશેની સાચી સમજ આપવાની જવાબદારી મમ્મીઓની છે. મમ્મીઓએ તેમને સમજાવવું જોઈએ કે પિરિયડ્સ આવે એ સારું લક્ષણ છે, એ અત્યંત ખુશીની વાત છે. ન આવે તો શું તકલીફ પડે એ પણ જણાવવું જોઈએ.

કેટલીક છોકરીઓને પિરિયડ સમયે દુખાવો થતો હોય છે, પણ એના માટે જવાબદાર મને આજની  લાઇફ-સ્ટાઇલ અને ખાવાપીવાની રીતભાત લાગે છે. બહારનું ખાવાનું હવે વધારે પડતું થઈ ગયું છે. બીજું આજે છોકરીઓને એક્સરસાઇઝ ક્યાંય મળતી નથી. મેદાની ખેલ એટલે કે ગ્રાઉન્ડ પર જઈને રમાતી રમતો હવે તેઓ રમતી નથી. સ્પોર્ટ્સમાં તેમને પ્રોત્સાહિત પણ કરવામાં નથી આવતી. આમ ફિઝિકલ ઍક્ટિવિટી કમ હોવાના કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શનની સમસ્યા પણ વધુ થાય છે. પહેલી વાર પિરિયડ્સ આવે ત્યારે તેને ડર પેસી જાય છે કે અચાનક આ બધું શું થઈ ગયું? કારણ કે બાલિકામાંથી તે ઍડલ્ટ બની જાય છે. શરીરના ફેરફારો જ્યારે તે સમજી નથી શકતી ત્યારે તેને ડર બેસી જાય છે. આમ આ ડર ઉપરાંત જ્યાં-ત્યાંથી સાંભળેલી ખોટી માન્યતાઓમાંથી પણ તેને બહાર કાઢવાની જરૂર છે.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 10:15 AM IST | Mumbai | Pallavi Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK