સોશ્યલ મીડિયા પર એક-બે નહીં પણ ઢગલાબંધ વિડિયો પર લાખો વ્યુઝ ધરાવતા સ્ટૅન્ડઅપ કૉમેડિયન અને લેખક રોહિત શાહે જ્યારે ઘરમાં આ વાત કરી ત્યારે નૅચરલી જ ઘરમાં ઍટમ બૉમ્બ ફૂટ્યો હોય એવો માહોલ હતો
રોહિત શાહ
સોશ્યલ મીડિયા પર એક-બે નહીં પણ ઢગલાબંધ વિડિયો પર લાખો વ્યુઝ ધરાવતા સ્ટૅન્ડઅપ કૉમેડિયન અને લેખક રોહિત શાહે જ્યારે ઘરમાં આ વાત કરી ત્યારે નૅચરલી જ ઘરમાં ઍટમ બૉમ્બ ફૂટ્યો હોય એવો માહોલ હતો. બૅન્કિંગ ઍન્ડ અકાઉન્ટિંગમાં ગ્રૅજ્યુએશન કર્યા પછી રોહિતે સોળ મહિનામાં સારા પગારની ફાઇનૅન્શિયલ ઍનલિસ્ટની જૉબ છોડી દીધી. પૅશન માટે કરીઅરને દાવ પર લગાવનારા રોહિતની જર્ની લેખક અને કૉમેડી આર્ટિસ્ટ તરીકે કેવી અને કેટલી પાટે ચડી એની રોચક વાતો કરીએ
મુંબઈની ટૉપની યુનિવર્સિટીમાંથી બૅચલર્સ ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન કરનારા રોહિત શાહના પરિવારને સહજ રીતે એમ જ હતું કે તે પિતાનો બિઝનેસ સંભાળવાની દિશામાં આગળ વધી રહ્યો છે. રોહિતનો પણ કંઈક આવો જ પ્લાન હતો પણ તેની કિસ્મતમાં કંઈ જુદું લખેલું હતું. નાનપણથી ખાસ મિત્રો સાથે તેની કૉમેડી અને વનલાઇનર પંચલાઇન માટે જાણીતા રોહિતના પરિવારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે કૉમેડી આર્ટિસ્ટ બનશે અને એ બનવા માટે તે પોતાની ઝળહળતી કરીઅર પડતી મૂકી દેશે. અત્યારે ઇન્સ્ટાગ્રામ પર લગભગ સવાલાખ ફૉલોઅર્સ ધરાવતા રોહિતની ઢગલાબંધ રીલ્સને લાખોમાં નહીં, કરોડોમાં વ્યુઝ મળ્યા છે. યુટ્યુબ પર કેટલાક કૉમેડી શો લખી ચૂકેલા આ યુવાનની જર્નીમાં પણ અનલિમિટેડ ફન છે.
ADVERTISEMENT
પપ્પા પાસેથી શીખ્યો
‘હું ફૂડ બચાઓ ઇન્વેસ્ટિગેશન (FBI) ચાલુ કરી રહ્યો છું.’ આના જેવા વનલાઇનર રોહિતના ભરપૂર પૉપ્યુલર થયા છે. બિઝનેસ ફૅમિલીનો આ નબીરો કૉમેડીની દુનિયામાં કેવી રીતે આવ્યો એની વાતો કરતાં તે કહે છે, ‘પિતાની સેન્સ ઑફ હ્યુમરને કારણે જ કદાચ મારામાં કૉમેડીનાં બીજ રોપાયાં હશે. પપ્પા પણ મજાકિયા છે પણ કૉમેડી ઘડી-બે ઘડી હોય, એના પર ઘર ન ચાલે એવું પણ તેઓ માને છે અને એટલે જ મેં ભણવાનું પત્યા પછી સોળ મહિના જૉબ કરી અને થોડાક મહિના પપ્પાના બિઝનેસમાં કામ કરીને નક્કી કર્યું કે હવે આ બધું કામ મને નથી ફાવતું અને હું ફુલ ટાઇમ કૉમેડી આર્ટિસ્ટ તરીકે કામ કરીશ તો ઘરમાં તોફાન મચી ગયું હતું.’
જોકે એમાં ભાઈનો સપોર્ટ મળ્યો એની વાત કરતાં રોહિત કહે છે, ‘ભલે પરિવારને સ્વીકાર્ય નહોતું પણ મને ખબર હતી કે હું આમાં જ આગળ આવી શકીશ કારણ કે નાનપણમાં બધી જ વસ્તુમાં મને કંઈક ને કંઈક ફન દેખાય. હું વાત કરું અને લોકોને કારણ વગર હસવું આવે. જેમ કે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર સ્ટ્રીટ ફૂડ પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા અખતરાને લગતી મારી કમેન્ટવાળા વિડિયો જે વાઇરલ થયા છે એની પાછળ પણ મને પોતાને જ આ અખતરા કેટલા વાહિયાત છે એવું લાગ્યું હોય અને મેં એના પર કૉમિક કમેન્ટ કરી હોય. મેં હંમેશાં રિયલ લાઇફ અનુભવોને જુદી રીતે જોયા છે. એનું એક કારણ મારો નાનો ભાઈ જિનેશ પણ હતો. જિનેશ નાની ઉંમરમાં આ દુનિયા છોડીને ચાલ્યો ગયો, પણ મારા જીવનની ગાડી પાટે ચડાવવામાં પરિવારને મનાવવાથી લઈને કૉમેડી માટે મને ઇન્સ્પિરેશન પૂરી પાડવામાં તેનો બહુ જ મોટો રોલ રહ્યો છે.’
આઠ વર્ષમાં કર્યું શું?
૨૦૧૭થી ઑફિશ્યલી સ્ટૅન્ડઅપ કૉમેડીના શો કરનારા રોહિતે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૩, IPL ૨૦૨૧ અને ૨૦૨૩ની સ્ક્રિપ્ટ લખી છે. સ્પૉટિફાય, યુટ્યુબ, હૉટસ્ટાર, જિયો સિનેમા જેવા ઘણાંબધાં OTT પ્લૅટફૉર્મ પર રોહિતનું કામ આવી ચૂક્યું છે. રોહિત કહે છે, ‘સોળ કલાકની બોરિંગ જૉબ કરતાં કૉમેડી કરવું ઈઝી હશે એવું મને લાગતું હતું, પણ લખવા બેઠો તો સમજાયું કે એ પણ અઘરું છે. જોકે મારી પાસે કોઈ પ્લાન નહોતો એટલે રૂટીનમાં જે જોઉં એના પર મારો નજરિયો નાખું અને સહજ જ કૉમેડી આવે. મને યાદ છે કે હું દિલ્હીથી રિટર્ન થઈ રહ્યો હતો અને મેં કરુણેશ તલવાનો સ્ટૅન્ડઅપ કૉમેડીનો વિડિયો જોયો અને મેં નક્કી કરી લીધું કે હવે આ જ કરવું છે. પણ કંઈ એમ તમને કોઈ શો માટે બોલાવે નહીં. ઘરે તો મોટા ઉપાડે જાહેરાત કરી દીધી, પણ આમાં ગોઠવાવું કેમ એની ચિંતા હતી. બધા કૉમેડી આર્ટિસ્ટનું ઓપન માઇકના એક પ્લૅટફૉર્મ પર ગેધરિંગ થાય. હું એમાં બૅકસ્ટેજ કામ કરતો હતો પણ એમાં મને ઘણા આર્ટિસ્ટ મળ્યા જેમની પાસેથી રાઇટિંગનું કામ મળતું. અમિત ટંડન, અદિતિ મિત્તલ, આકાશ મહેતા જેવા સ્ટૅન્ડ કૉમેડી આર્ટિસ્ટ પાસેથી કામના મામલામાં મને ઘણી હેલ્પ મળી છે.’
બહોત પાપડ બેલે
રાઇટિંગનું કામ તો મળ્યું પણ ગોલ તો સ્ટૅન્ડઅપ કૉમેડીનો હતો. રોહિત કહે છે, ‘૨૦૧૭માં શરૂ કર્યું પણ મારો પહેલો સોલો શો હતો ૨૦૨૪ની ૨૯ સપ્ટેમ્બરે. એ પછી હવે તો ઘણા શો કરી શક્યો છું. કમ્બાઇન્ડ અને સોલો મળીને અત્યાર સુધીમાં હજાર જેટલા શોમાં પર્ફોર્મ કરી ચૂક્યો છું. સ્ટૅન્ડઅપ કૉમેડીની ખાસ વાત એ છે કે અહીં કોઈની લાગવગ કે નેપોટિઝમ ચાલતું નથી. અહીં માત્ર તમને તમારી મેરિટ પર કામ મળે છે. તમે લોકોને હસાવી નહીં શકો અને તમારી કન્ટેન્ટમાં રિયલ લાઇફ સાથેના અનુભવો મિશ્રિત લાફ્ટર નહીં હોય તો ફેંકાઈ જશો. મારી કૉમેડી મને ઘણી વાર પર્સનલ લાઇફમાં આડે પણ આવી છે. જેમ કે એક વાર છોકરી જોવા આવ્યા તો મને કહે કે પહેલાં અમને હસાવીને દેખાડો. કોઈ કહે લેખક છો તો લખીને દેખાડો, આવું થોડું હોય યાર? ઘણા લોકો એવું માને છે કે કૉમેડી કરનારી વ્યક્તિ રિલાયેબલ ન હોય વગેરે-વગેરે. જોકે એ બધાથી ધીમે-ધીમે પર થઈ રહ્યો છું. ઇન્સ્ટા પર પણ મારો ગ્રોથ સારો થયો છે. મારા પેરન્ટ્સ હવે મારા કામથી સંતુષ્ટ છે અને એની મને સૌથી વધુ ખુશી છે.’
નાના ભાઈ જિનેશ સાથે રોહિત શાહ.
રોહિત શાહની સોશ્યલ મીડિયા પર વાઇરલ રીલની કન્ટેન્ટને માણીએ
લગભગ ૫૬ લાખ વ્યુઝ ધરાવતી બ્લુ ઢોસાની એક રીલમાં રોહિતના કેટલાક રમુજી સ્ટેટમેન્ટ પર નજર ફેરવો. ‘આ ઢોસા બનાવવાનું સીક્રેટ ઇન્ગ્રીડિઅન્ટ છે જાદુ (‘કોઈ... મિલ ગયા’ ફિલ્મનો એલિયન) કા ખૂન’, ‘હું પણ એવું વિચારતો હતો કે જાદુની જેમ હું પણ આ પ્લૅનેટ છોડીને જતો રહું’, ‘ચીઝ ઔર મેયોનીઝ કા નશા જો હૈ ઇસ દેશ મેં કોકેન સે ભી ઝ્યાદા ખતરનાક હો રહા હૈ’, ‘હું લૉન્ચ કરું છું ઢોસા રક્ષા યોજના.’
મોમોઝનાં ભજિયાંની રીલમાં ‘ભજિયા સુલતાન’, ‘આપણે ખાવામાં જેટલું તેલ વાપરીએ છીએ એટલું તો સાઉદી અથવા બીજા મિડલ ઈસ્ટ દેશો પ્રોડ્યુસ નથી કરી શકતા’ જેવાં સ્ટેટમેન્ટ રોહિતે વાપર્યાં હતાં અને આ રીલને પણ લાખો લોકોએ જોઈ છે.
લગભગ પચીસ લાખ વ્યુઝ ધરાવતી બ્લૅક કોબ્રા મોમોઝની રીલમાં રોહિત કહે છે, ‘આ બ્લૅક કોબ્રા મોમોઝ ખાવા કરતાં સાચેમાં બ્લૅક કોબ્રા જ તમને કરડીને જતો રહે કારણ કે આ ડિશ એ કોબ્રા કરતાં પણ વધારે ઝેરીલી છે’, ‘આ ડિશમાં જેટલાં રસાયણ અને કેમિકલ નાખ્યાં છે એટલાં તો મારી સ્કૂલની સાયન્સ લૅબમાં પણ નહોતાં’, ‘આ બની પણ રહ્યું છે મારા દેશ રાજસ્થાનમાં એટલે તમારા પેટમાં જે આગ લાગશે એને બુઝાવવા માટે પણ ટ્રેન પકડવી પડશે’, ‘આ જોઈને ચાઇનીઝ લોકો પણ હિન્દી શીખીને આપણને ગાળો આપવા માટે નીકળી ગયા છે.’
જેનઝીમાં ચાલેલા ‘ડેલુલુ’ નામના ટ્રેન્ડની તેની રીલને ૭૮ લાખ વ્યુઝ મળ્યા છે, લગભગ ૪૯ હજાર લાઇક્સ અને સાડાસાત હજાર કમેન્ટ્સ છે. આવી જ ડેલુલુ ટ્રેન્ડની એક રીલને એક કરોડ એંસી લાખ લોકોએ જોઈ છે. બાર લાખ લોકોએ લાઇક કરી છે અને સાડાદસ હજાર લોકોએ એના પર કમેન્ટ કરી છે.
‘બ્લૅક ઇડલી’ની એક રીલમાં રોહિત કહે છે કે આ ઇડલીનો સૌથી ડેડલી અવતાર છે અને એને હું ડામર ઇડલી કહેવાનું પસંદ કરીશ. ઇડલી કે સાથ દિન દહાડે અત્યાચાર બંધ કરો. સરકારે ૩૦૦ ટકા GST મેયોનીઝ પર લગાવવો જોઈએ.’ રોહિતની આ રીલને લગભગ સવાસાત લાખ લોકોએ જોઈ છે.
‘કાઠિયાવાડી જલેબીની સબ્જી’ની કમેન્ટમાં વિડિયોમાં રોહિત કહે છે, ‘દોસ્તો, જનરલી લોકો ફાફડા જલેબી ખાય છે પણ આ તો લફડા જલેબી છે, કારણ કે એ ખાઈને તમારા પેટમાં તરત જ લફડું શરૂ થવાનું છે. મને આશ્ચર્ય છે કે મારા ગુજરાતી દોસ્તોએ અવાજ કેમ નથી ઉઠાવ્યો, કારણ કે ગુજ્જુના એક ‘જે’નો મતલબ જ જલેબી છે. ગુજરાતીઓની બહુ મજાક ઉડાવતા હતાને કે તેમનું ખાવાનું મીઠું છે, પણ અહીં તો મીઠાને જ ખાવાનું બનાવવું જોઈએ. આ ડિશને જોઈને કન્ફ્યુઝન તો નિર્મલા સીતારમણને છે કે આમાં પાંચ ટકા GST લગાવે, બાર ટકા લગાવે કે અઢાર ટકા લગાવે. હું કહીશ કે આના પર ૧૮ હજાર ટકા GST લગાવવો જોઈએ. આપણે આ ડિશને નેસ્તનાબૂદ કરવી જોઈએ આ ધરતી પરથી. આ ડિશ ખાવા માટે તમારે રોટલી નહીં, પણ જેલુસિલ અને ભાંગની જરૂર પડશે.’
રોહિતની આ રીલને બાવીસ લાખ લોકો જોઈ ચૂક્યા છે.

