પત્નીના અવસાન બાદ ૯૫ વર્ષના જયંતીભાઈ જીવરાજ શાહે એકલતાને ધર્મના મલમથી જીરવી જવાનો અનોખો માર્ગ અપનાવ્યો અને નવકાર મંત્ર લખીને જપવાનું મિશન હાથમાં લઈ લીધું છે
પૅશનપંતી
૯૫ વર્ષના જયંતીભાઈ જીવરાજ શાહ
૯૫ વર્ષની ઉંમરે મોતીના દાણા જેવા મરોડદાર અક્ષરે જયંતીભાઈ લખી શકે છે.
જીવનના ૯ દાયકા પસાર કરી દીધા પછી શરીર પણ ક્ષીણ થવા લાગ્યું હોય અને હરવા-ફરવાનું પણ રિસ્ટ્રિક્ટેડ થઈ ગયું હોય ત્યારે માણસના જીવનમાં શું મિશન હોય? બસ, સવારે ઊઠવું, છાપું વાંચવું, મંદિર જવું, જમવું-સૂવું અને મિત્રો સાથે ટોળટપ્પામાં સાંજ વિતાવવી. જોકે સાંતાક્રુઝમાં રહેતા ૯૫ વર્ષના જયંતીભાઈ જીવરાજ શાહ ખૂબ મોજથી એક મિશનને જીવી રહ્યા છે. એમાં એક કાંકરે બે નિશાન સધાય છે. મન ધર્મમાં પરોવાયેલું રહે છે અને આખો દિવસ શું કરવું એ સવાલનો ઉકેલ મળી જાય છે.
ADVERTISEMENT
મૂળ ધ્રાંગધ્રાના ઝાલાવાડી મૂર્તિપૂજક જૈન એવા જયંતીભાઈનાં પત્નીનું અઢી વર્ષ પહેલાં અવસાન થયું. પાછલી વયે જીવનસંગિનીનો સાથ છૂટી જાય એટલે એકલવાયું ફીલ થાય એ સ્વાભાવિક છે. જયંતીભાઈ મનથી ઢીલા પડી રહ્યા છે એ જાણીને તેમના દીકરા ગિરીશભાઈનાં પત્નીને કોઈકે કહ્યું કે દાદાને ધરમમાં રસ પડતો હોય તો નવકાર મંત્ર લખવાની ચોપડી લઈ આપો. તેમનું મન ક્યાંક પરોવાયેલું રહેશે. જયંતીભાઈ કહે છે, ‘દીકરાવહુને સ્થાનકવાસી જૈન દેરાસરમાંથી એક ચોપડી મારા માટે આપેલી, જેમાં પાંચ પદનો નવકાર મંત્ર લખવાનો હતો. નવરાશના સમયે હું ધર્મમાં મન પરોવતો જ હતો ને એમાં આ લખવાનું આવ્યું એટલે મજા પડી ગઈ. એક ચોપડી પૂરી થઈ એટલે બીજી આવી અને બીજી પૂરી થઈ એટલે ત્રીજી આવી. શરૂઆતમાં મન પરોવવા માટે શરૂ થયેલી આ લેખનયાત્રા પછી તો આદત બની ગઈ અને હવે મિશન છે.’
નિત્યક્રમ | રોજ આશરે ૧૦૧ નવકાર મંત્ર લખવાના જ એવો નિયમ જયંતીભાઈએ રાખ્યો છે. તેમના દીકરા ગિરીશભાઈ કહે છે, ‘પપ્પા રોજ સવારે નાહી-ધોઈને પૂજા પતાવીને ટેબલ-ખુરસી પર ગોઠવાઈ જાય. ધીમે-ધીમે નવકાર મંત્ર લખ્યા કરે. એકદોઢ વાગ્યા સુધી લખે. પછી જમીને થોડો આરામ કરે અને પાછું સાંજે ૬ વાગ્યા સુધી ફરી નવકાર મંત્રનું લેખન ચાલે. પહેલાં સ્થાનકવાસી દેરાસરમાંથી પાંચ ચોપડીઓમાં નવકાર લખ્યા. એ પછીથી મૂર્તિપૂજક દેરાસરમાંથી બીજી ચોપડીઓ લાવ્યા જેમાં નવ પદનો નવકાર મંત્ર આવ્યો. તેમનો મૂળ હેતુ હતો મનને નવકાર મંત્રમાં પરોવાયેલું રાખવાનો, જે તેમણે છેલ્લાં અઢી વર્ષમાં એટલું સરસ રીતે કર્યું છે કે હવે તો તેમની આ સાધના જોઈને મહારાજસાહેબો પણ તેમની અનુમોદના કરે છે.’
લગભગ દોઢ લાખ મંત્ર | કદાચ ૧૦૧ નવકાર મંત્ર લખવાનું કામ કોઈ જુવાનિયા માટે સહેલું હોઈ શકે, પણ ૯૫ વર્ષની ઉંમરે પાંચ-છ કલાક ટેબલ-ખુરસી પર બેસીને લખવાનું આપણે માનીએ એટલું સહેલું નથી. ત્રીસેક વર્ષ પહેલાં બાયપાસ સર્જરી થઈ ચૂકી છે અને પ્રોસ્ટેટ, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવી બીમારીઓની દવા પણ અત્યારે ચાલે છે અને એ બધાની વચ્ચે જયંતીદાદાને નવકાર મંત્રનું લેખન સતત બિઝી અને ધર્મમય રાખવાનું કામ કરે છે. જયંતીદાદા કહે છે, ‘અત્યાર સુધી કુલ ૧.૪૫ લાખ વખત નવકાર મંત્ર લખાઈ ચૂક્યા છે અને હમણાં જ મને બીજા એક દેરાસરમાંથી પાંચ ચોપડીઓ નવી મળી છે. એક પાના પર ૯ નવકાર લેખે લગભગ બીજા ૩૬,૦૦૦ નવકાર લખી શકાશે. રોજ મારાથી બેસી શકાય એટલો સમય નવકાર મંત્ર લખવામાં જ ગાળું છું અને બાકીનો સમય એક ટેપરેકૉર્ડરમાં લગભગ ૧૦૦૦થી વધુ જૈન ભક્તિગીતો સાંભળું છું.’
મરોડદાર અક્ષર | જયંતીભાઈની ઉંમર ૯૫ વર્ષની હોવા છતાં એની અસર તેમના અક્ષર પર જરાય પડી નથી. અક્ષર બાબતે જયંતીભાઈ કહે છે, ‘પહેલાં પણ મારા અક્ષર ખૂબ મરોડદાર હતા અને આજે પણ મોતીના દાણા જેવા સ્પષ્ટ, સુવાચ્ય અને સુંદર અક્ષરો સાથે નવકાર લખું છું. કોઈ પણ કામ કરવું એને સુંદરતમ રીતે કરવું એ મારો નિયમ છે. ભગવાનની કૃપાથી હજીયે હાથ જરાય ધ્રૂજતો નથી એટલે લેખનમાં સ્થિરતા રહી છે. પ્રભુકૃપા રહેશે તો હાલમાં આવેલી ચોપડીઓના ૩૬,૦૦૦ નવકાર પણ પૂરા કરીશ.’