ફિલ્મો, સિરિયલો અને નાટકોમાં કામ કરી ચૂકેલાં રોહિણીતાઈ અત્યારે ૭૩ વર્ષની ઉંમરે ‘ઐશ્વર્યા બ્યુટી પાર્લર’ નામના નાટક દ્વારા ગુજરાતી રંગભૂમિ ગજાવી રહ્યાં છે
રોહિણી હટ્ટંગડી
‘ગાંધી’ ફિલ્મમાં કસ્તુરબાના પાત્રથી વિશ્વવિખ્યાત બની ગયેલાં રોહિણી હટ્ટંગડી નાનપણથી અતિ હોશિયાર હોવાને કારણે ડૉક્ટર બનવાનું સપનું સેવતાં હતાં પરંતુ જીવન તેમને નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા તરફ લઈ ગયું. જુદી-જુદી ભાષામાં અનેક ફિલ્મો, સિરિયલો અને નાટકોમાં કામ કરી ચૂકેલાં રોહિણીતાઈ અત્યારે ૭૩ વર્ષની ઉંમરે ‘ઐશ્વર્યા બ્યુટી પાર્લર’ નામના નાટક દ્વારા ગુજરાતી રંગભૂમિ ગજાવી રહ્યાં છે ત્યારે તેમની જીવનસફર માણીએ
‘જીવને તમને શું નથી આપ્યું એના પર વિચારવા કરતાં એણે તમને શું-શું આપ્યું છે એ વિશેનો વિચાર મને વધુ સંતોષ આપે છે. લોકો એમ વિચારે છે કે મર્સિડીઝ જોઈએ છે, પણ ખુદ પાસે જે મારુતિ છે એ પણ કેટલી મોટી બાબત છે. કેટલાક લોકો પાસે એ પણ નથી. અફસોસ કરવો એ માનવસહજ વસ્તુ છે પણ કદાચ ઉંમર તમને શીખવે છે કે એ અફસોસનો કોઈ અર્થ નથી. જે છે એના પ્રત્યે કૃતજ્ઞતા રાખો.’
ADVERTISEMENT
આ શબ્દો છે ૭૩ વર્ષની ઉંમરે પણ સ્ટેજ પર પગ મૂકે તો અલગ જ પ્રભાવ પડે એવાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર પ્રતિભાવાન કલાકાર રોહિણી હટ્ટંગડીના, જેમને એક પેઢી કસ્તુરબા તરીકે અને એક પેઢી મુન્નાભાઈને જાદુ કી જપ્પી આપનારી તેમની મા તરીકે ઓળખે છે. ૧૯૮૨માં રિચર્ડ ઍટનબરોની વિખ્યાત ફિલ્મ ‘ગાંધી’માં કસ્તુરબા ગાંધીનો રોલ કરીને જગવિખ્યાત બનેલાં રોહિણી હટ્ટંગડીને આ જ ફિલ્મ માટે ૧૯૮૩માં બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA)નો બેસ્ટ ઍક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલનો અવૉર્ડ મળ્યો હતો. પોતાની ફિલ્મી કારકિર્દીમાં ‘પાર્ટી’, ‘મોહન જોશી હાઝિર હો’, ‘અર્થ’, ‘સારાંશ’, ‘અગ્નિપથ’, ‘ચાલબાઝ’, ‘દામિની’, ‘ઘાતક’, ‘પુકાર’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયના દમ પર તેમણે લોકોની વાહવાહીની સાથે અઢળક અવૉર્ડ્સ પણ જીત્યા. મરાઠી નાટકોથી પોતાની કરીઅરની શરૂઆત કરનાર રોહિણી હટ્ટંગડીએ ગુજરાતી નાટકો પણ અઢળક કર્યાં છે. ‘મા હું તને ક્યાં રાખું?’, ‘મમ્મી મારી માઇન્ડબ્લોઇંગ’, ‘નોકરાણી’, ‘અમે જીવીએ બેફામ’ અને ‘ઓળખાણ’ જેવાં તેમનાં ગુજરાતી નાટકો ઘણાં જાણીતાં ગુજરાતી નાટકોમાંનાં ગણાય છે. હાલમાં ‘ઐશ્વર્યા બ્યુટીપાર્લર’ નામે તેમનું ગુજરાતી નાટક ચાલી રહ્યું છે. ભારતીય રંગભૂમિમાં તેમના યોગદાન માટે તેમને ૨૦૦૪માં સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
પુણેમાં જન્મ-ઉછેર
મહારાષ્ટ્રના પુણેમાં ૧૯૫૧માં તેઓ જન્મ્યાં અને આ જ શહેરમાં ઊછર્યાં. નાનપણથી ભણવામાં ખૂબ હોશિયાર હતાં અને ડૉક્ટર બનવાનું તેમનું સપનું હતું. એ વિશે વાત કરતાં રોહિણી હટ્ટંગડી કહે છે, ‘હું નાનપણમાં નૃત્ય શીખી છું પણ બનવું તો મારે ડૉક્ટર જ હતું. એટલે જ્યારે મેડિસિનમાં ઍડ્મિશન ન મળ્યું ત્યારે હું પડી ભાંગેલી. મેં BScમાં ઍડ્મિશન લઈ લીધું. કૉલેજમાં મેં નાટકો કરવાનું શરૂ કર્યું અને મને લાગ્યું કે બસ, આ શીખવું છે મારે. એ સમયે ખબર પડી કે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ભણી શકાય છે તો હું પુણેથી દિલ્હી ગઈ, એ પણ સ્કૉલરશિપ પર. ત્યાં ગઈ ત્યાં સુધીમાં હું નાટકો માટે એકદમ ગંભીર થઈ ગઈ હતી અને નક્કી કર્યું હતું કે આ કામ જ કરવું છે. બાકી નાનપણમાં મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું નાટકો કરીશ.’
ઓક બન્યાં હટ્ટંગડી
મરાઠીમાં મોટી બહેનને તાઈ કહેવાય છે અને આટલાં વર્ષો ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી રોહિણી હટ્ટંગડીને બધા પ્રેમથી રોહિણીતાઈ કહી બોલાવે છે. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં રોહિણીતાઈને મળ્યા જયદેવ હટ્ટંગડી. બન્નેએ સાથે ડ્રામા શીખ્યું. લગ્ન પહેલાં ઓક અટક ધરાવતાં રોહિણીતાઈ એ સમયને યાદ કરતાં કહે છે, ‘મારા ઘરેથી નાટકો કરવામાં કોઈ તકલીફ નહોતી પરંતુ મારાં માતા-પિતા ઇચ્છતાં હતાં કે મારાં લગ્ન થઈ જાય અને લગ્ન પછી મારા સાસરાવાળાની જે ઇચ્છા હોય એ મુજબ જ હું કરું. જો તેઓ પરમિશન આપશે તો હું નાટકો કરીશ એવું તેમણે મને કહેલું. એ સમયે મેં
માતા-પિતાને ચોખ્ખું કહેલું કે તમે શોધો તો પણ એવો જ છોકરો શોધજો જે મને નાટકો કરતાં રોકે નહીં, હું ઘરનું પૂરું ધ્યાન રાખીશ પણ નાટકો નહીં છોડું. મારાં માતા-પિતાને એ સમયે લાગ્યું કે મારી સાથે કોણ લગ્ન કરશે? મેં તેમને જયદેવ વિશે જણાવ્યું. મારાં માતા-પિતાને એક જ પ્રૉબ્લેમ હતો કે બન્ને નાટકો કરશો તો ઘર કેવી રીતે ચાલશે? મેં તેમને કહ્યું કે અમને એક વર્ષ આપો; જો કંઈ ન થયું તો મેં ગ્રૅજ્યુએશન તો કર્યું છે, હું નોકરી કરી લઈશ. પણ ભગવાનનો પાડ કે એ પછી મને બે નાટકો મળી ગયાં અને માતા-પિતાને લાગ્યું કે વાંધો નહીં આવે. આમ એક મહારાષ્ટ્રિયન છોકરીનાં એક કોંકણી સાથે લગ્ન થયાં. લગ્ન પછી મારાં સાસરિયાં સાથે જ હું રહી. તેઓ ખૂબ જ સપોર્ટિવ હતા. ક્યારેય મારાં સાસુએ મને એમ ન કહ્યું કે નાટકો છોડ અને ઘર પર ધ્યાન આપ.’
ફિલ્મોનાં મમ્મી
નાટકો કરતાં-કરતાં રોહિણી હટ્ટગંડીને ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થયું. ૧૯૭૮માં ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’ ફિલ્મથી તેમણે ફિલ્મો કરવાનું શરૂ કર્યું. ૧૯૮૨માં આવેલી ‘ગાંધી’ ફિલ્મથી લોકો તેમને ઓળખતા થયા પરંતુ એ ફિલ્મ પછીથી રોહિણીતાઈ, જે પોતે એ સમયે યુવાન હતાં, તેમને વૃદ્ધ માના રોલ ઑફર થવા લાગ્યા. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ગાંધી ફિલ્મમાં પહેલા અડધા ભાગમાં કસ્તુરબા યુવાન હતાં અને પછીના અડધા ભાગમાં વૃદ્ધાનો રોલ મેં કર્યો હતો. પરંતુ કસ્તુરબા એટલે આખા દેશ માટે બા. એ સમયે મને કામ મળતું હતું એટલે મેં લઈ લીધું. હું એટલી ભોળી હતી કે મને સમજાયું નહીં કે આ રીતે હું ટાઇપકાસ્ટ થઈ જઈશ. આજનો સમય સારો છે, ઍક્ટ્રેસ ટાઇપકાસ્ટ થતી નથી. એ સમય જુદો હતો. જિતેન્દ્ર, મિથુન, અમિતાભ જેવા ઍક્ટર્સ, જે મારાથી ૧૦ વર્ષ મોટા હતા, તેમની મમ્મીનો રોલ મને મળવા લાગ્યો હતો. એક ઍક્ટર તરીકે તમને એમ હોય કે તમે જુદાં-જુદાં પાત્રો ભજવો. સંતોષ મને થિયેટરે આપ્યો અને પૈસા મને ફિલ્મોએ આપ્યા. આમ બૅલૅન્સ થઈ જતું હતું.’
બીજી ભાષાઓમાં કામ
રોહિણીતાઈએ અત્યાર સુધીમાં ૬૩ જેટલી ફિલ્મો કરી છે જેમાં મરાઠી, હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડા, મલયાલમ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે ‘ઑક્સિજન’ નામની ગુજરાતી ફિલ્મ પણ કરી છે. બારેક હિન્દી, મરાઠી, ગુજરાતી ટીવી-સિરિયલોમાં તેઓ કામ કરી ચૂક્યાં છે. અલગ-અલગ ભાષાઓમાં કામ કરવાના અનુભવ વિશે તેઓ કહે છે, ‘મને એક કન્નડા ફિલ્મ ઑફર થઈ ત્યારે મેં તેમને કહ્યું કે મને આ ભાષા બિલકુલ નથી આવડતી. તેમણે કહ્યું, ચિંતા નહીં કરો, થઈ જશે. મને લાગ્યું કે તેમને આટલો આત્મવિશ્વાસ છે તો હું પણ કોશિશ કરી જોઉં. આખી સ્ક્રિપ્ટને મેં મરાઠી લિપિમાં ફેરવી. એનો અર્થ સમજ્યો અને ૩-૪ વાક્યો હું એક સમયે ગોખીને બોલી શકતી હતી. હાવભાવ માટે અર્થ મગજમાં રાખું અને બાકી ગોખેલા ડાયલૉગ બોલું, આમ મેં આ બધી ફિલ્મો કરી. ફિલ્મ થઈ શકે, નાટક હોય તો અઘરું પડે. જોકે ગુજરાતીમાં એટલી તકલીફ નથી પડતી, કારણ કે મુંબઈમાં રહેવાને કારણે ગુજરાતી મારી ઘણી સાંભળેલી ભાષા છે. અઢી-ત્રણ કલાકનાં નાટકો પણ સહેલાઈથી થાય છે કારણ કે એટલી વાર રિહર્સલ કર્યાં હોય કે વાંધો નથી આવતો.’
ફરવાનો, કુકિંગનો શોખ
રોહિણીતાઈનો એક પુત્ર છે અસીમ હટ્ટંગડી, જેણે થિયેટર અભિનેતા તરીકે શરૂઆત કરી હતી. આજે વેબ-સિરીઝ કરી રહ્યા છે. જયદેવ હટ્ટંગડીનું ૨૦૦૮માં કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું. લગ્ન પછી રોહિણીતાઈ વડાલા રહેતાં હતાં અને અત્યારે તેઓ છેલ્લાં ૩૦-૩૫ વર્ષથી બાંદરા રહે છે. તેમનાં દીકરા અને વહુ તેમની સાથે રહે છે. નાટકો અને ઍક્ટિંગ સિવાય તમને કયા પ્રકારના શોખ છે એ પ્રશ્નનો જવાબ આપતાં રોહિણીતાઈ કહે છે, ‘મને ફરવાનો ઘણો શોખ છે. પણ હવે ઉંમર થઈ એટલે જે જગ્યાએ સરળતાથી જઈ શકાય ત્યાં જાઉં છું. શરીર સાથ આપે કે નહીં, પણ મન ઘણું થાય. મને માસ્ટરશેફ જેવા કુકરી શોઝ પણ ખૂબ ગમે. નવી-નવી વાનગીઓ ટ્રાય કરવાનું ગમે. મને કુકિંગનો શોખ ખરો. પણ કોઈ કહે કે દરરોજ બનાવવાનું છે તો હું ખાલી સૅલડ બનાવી દઉં. કશું નવું, અતરંગી બનાવવાનું કોઈ કહે તો મજા પડે. ગુજરાતી પાતરાં હું સારાં બનાવું છું. આ સિવાય કારેલાનું શાક મારું સારું બને છે. કોંકણી વાનગીઓ પણ મને ખૂબ ગમે બનાવવી.’
યાદગાર પ્રસંગ
તમારા જીવનનો અત્યંત યાદગાર પ્રસંગ કયો છે? આ પ્રશ્નનો જવાબ આપતાં રોહિણીતાઈ કહે છે, ‘ગાંધી વખતે એનું પહેલું પ્રીમિયર દિલ્હીમાં થયું હતું અને બીજાં ચાર પ્રીમિયર ઇંગ્લૅન્ડ, ન્યુ યૉર્ક, લૉસ ઍન્જલસ, ટૉરોન્ટોમાં થયાં હતાં. જ્યારે લંડનમાં પ્રીમિયર થયું ત્યારે પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયના એ ફિલ્મ જોવા આવેલાં. ફિલ્મ પતી એટલે અમને એ બન્નેને મળવાનો મોકો આપવામાં આવ્યો ત્યારે પ્રિન્સ ચાર્લ્સે મારા અભિનયનાં વખાણ કર્યાં હતાં. એ અનુભવ ખરેખર યાદગાર હતો.’

