ઇર્શાદ કામિલને નાનપણમાં પોતાનું નામ અધૂરું લાગ્યું એટલે તે અમ્મી પાસે જીદ લઈને બેઠા કે મારું નામ પૂરું કરી દે, પણ અમ્મીએ ધ્યાન આપ્યું નહીં એટલે ઉર્દૂ ડિક્શનરી લઈને તેમણે પોતે એક શબ્દ શોધ્યો, કામિલ.
લવ આજ કલ
જીતી રહે સલ્તનત તેરી
જીતી રહે આશિકી મેરી
દે દે મુઝે ઝિંદગી મેરી
તેનુ દિલ દા વાસ્તા
લવ આજકાલ’ના ‘આજ દિન ચઢેયા...’ ગીતની કમાલ જુઓ સાહેબ, બંદો કોઈની પણ સાડાબારી રાખ્યા વિના, એકદમ નિર્ભય થઈને ખુદાને ફોસલાવે, ઉતારી પાડે, આક્રોશ વ્યક્ત કરે અને ખુદાને ચૅલેન્જ ફેંકે. આફરીન! ઓવારી જ જવાય આમાં. લિરિસિસ્ટ પર પણ અને સાથોસાથ એ શબ્દોને અવાજ આપનારા પર અને ધૂનની રચના કરનારા પર પણ. ખુદા સાથે ખુલ્લા દિલે વાત કરવાની બંદાની આ નિર્ભયતા પાછળનું કારણ તેનો પ્રેમ છે. પ્રેમની એક તાકાત છે, એ જો સાચો હોય તો એ પ્રેમ ભયનો નાશ કરનારો બની જાય.
ગીતના પ્રારંભના શબ્દોમાં વિનંતી છે.
ADVERTISEMENT
બંદો પ્રસ્તાવના બાંધીને કહે છે કે ‘જો ખુદા, ભૂલ થયા પછી કોઈ એને માટે માફી માગે તો તું એ ભૂલને ક્ષમ્ય ગણે છે. તેં અમારી પ્રાર્થનાઓને સદૈવ કાને ધરી છે. જીવસૃષ્ટિમાં બધા જ જીવોના હૃદયમાં જીવનનો મૂળ ભાવ – પ્રેમભાવ, તેં જ પ્રસ્થાપિત કર્યો છે. પ્રેમ જ આ સૃષ્ટિને ટકાવી રાખે છે. તેં જે બધાને આપ્યું છે એ મને પણ આપ. મારી આશા, મારી તરસ, મારો જીવ જેમાં અટક્યો છે એ નામને તું મારા નામે કરી દે. ગમે તેમ કરીને અમારો મેળાપ કરાવી દે પ્રભુ.’ આ ગીતનો ખરો ચમકારો એના બીજા અંતરામાં છે.
માંગા જો મેરા હૈ, જાતા ક્યા તેરા હૈ
મૈંને કૌનસી તુઝસે જન્નત માંગલી
કૈસા ખુદા હૈ તૂ, બસ, નામ કા હૈ તૂ
રબ્બા જો તેરી ઇતની સી ભી ના ચલી
ચાહિયે જો મુઝે
કર દે તૂ મુઝકો અતા...
બીજા અંતરામાં કહેવામાં આવ્યું છે કે મારે વણહકનું નથી જોઈતું અને હું માગતો પણ નથી. જે મારું છે એ જ માગું છું. જે મારું છે એ મને સોંપવામાં તારું શું જાય છે? મેં ક્યાં તારું સ્વર્ગ માગ્યું છે, તારું સ્વર્ગ તારી પાસે રાખ, મને મારો પ્રેમ સોંપી દે એટલે મારે મન સઘળું જન્નત, સઘળું સ્વર્ગ.એ જ અંતરામાં એ ખુદાને લલકારે છે કે ‘તું આવો તે કેવો ખુદા છે. તારું વજૂદ ખરેખર છે કે પછી તું બસ ખાલી નામનો જ ભગવાન છે. તારું આટલું પણ ગજું નથી, તારું આટલું પણ ચાલતું નથી? મારા જેવા સામાન્ય માણસની એક ઇચ્છા તું પૂરી ન કરી શકે? જો તું ખરેખર ખુદા હો તો બતાવ તારી ખુદાઈ, સોંપી દે મને મારી મોહબ્બત.ભગવાનને ટોન્ટ માર્યા પછી, ભક્ત ભગવાનને આશીર્વાદ આપે એવી ઘટના ભારતીય કવિતાના વિશ્વમાં કદાચ પહેલી વાર બની હશે. ભગવાન તારું ભલું કરે એવું આપણે ઘણાના મોઢે સાંભળ્યું છે, પણ ‘ભગવાન, તારું ભલું થજો!’ જેવા શબ્દો પહેલી વાર સાંભળવા મળ્યા. ઇર્શાદ કામિલે લખ્યું છે કે ‘જો તું મારી પ્રિયતમા, મારા પ્રેમ સાથે મારું મિલન કરાવી આપે તો મારી દુઆઓ તને મળશે. તારી સલ્તનત એટલે પ્રેમનું સામ્રાજ્ય. જો મારો પ્રેમ મને મળશે તો એ તારા સામ્રાજ્યને હિતકર્તા રહેશે.
અદ્ભુત એક્સપ્રેશન અને અદ્ભુત સાદગી. ઇર્શાદ કામિલનું સાચું નામ મોહમ્મદ ઇર્શાદ. બાળપણમાં ઇર્શાદને પોતાનું નામ અધૂરું-અધૂરું લાગતું હતું. એક દિવસ તેમણે અમ્મી પાસે જીદ કરી કે મારું નામ ઇન્કમ્પ્લીટ છે, મારું નામ પૂરું કરવા માટે નવો શબ્દ શોધી આપો. ઉર્દૂ ડિક્શનરીમાંથી એક લફ્ઝ મળ્યો ‘કામિલ’, જેનો અર્થ થાય ‘સંપૂર્ણ’, ‘કમ્પ્લીટ’ અને એ શબ્દને લઈને તેણે પોતાનું નામ જાતે જ પાડ્યું – ઇર્શાદ કામિલ, જેનો અર્થ થાય સંપૂર્ણ રજામંદી.કામિલ. આ એક શબ્દએ ઇર્શાદના સમગ્ર પરિવારને સંપૂર્ણતા બક્ષી. તેમની પત્નીનું નામ છે તસવીર. તસવીર કામિલનો અર્થ થાય સંપૂર્ણ ચિત્ર. તેમના દીકરાનું નામ છે કામરાન. જેનો અર્થ થાય અડધો-પડધો નહીં, પણ પૂરેપૂરો અચીવર. શાયર ઇર્શાદ કામિલની લાઇફ-જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એ વિશે ફરી ક્યારેક, પણ હા, અત્યારે એટલું તો મેન્શન કરવાનું મન થાય જ કે દિલ, ધડકન, જિગર, પ્યાર, ઇકરાર અને ઇન્તેજાર. બસ, આટલા શબ્દો આવડે એટલે હિન્દી ફિલ્મોમાં ‘સમીર’ ટાઇપનું કોઈ પણ પ્રેમગીત સરળતાથી પ્રાસ બેસાડીને લખી શકાય, પણ ઇર્શાદ કામિલે આ બધા શબ્દો પર સ્વપ્રતિબંધ મૂક્યો છે. ચવાઈ ગયેલા વાસી શબ્દોને પસ્તીમાં વેચી આવેલા ઇર્શાદ કામિલની કવિતામાં કડક ચા જેવી તાજગી છે. ચા મીઠી બનાવવા માટે આ કવિ ગળચટ્ટા શબ્દો નથી વાપરતો કે નથી તેની કવિતાનો નાયક એમાં ખાંડ ઉમેરતો. ફિલ્મ ‘લવ આજકલ’માં ફ્લૅશબૅકમાં વીરસિંહની યુવાની સમયનું પંજાબી પાત્ર ભજવતા સૈફને દૂધ-ખાંડ વગરની ચા ભાવે છે. વીરસિંહને હરલીન કૌર સાથે પહેલી જ નજરમાં પ્રેમ થયો છે. શહેર છોડીને જતી રહેલી હરલીનને જોવા, તેની એક ઝલક મેળવવા અને પોતાના પ્રેમની ખરાઈ કરવા વીરસિંહ છેક દિલ્હીથી કલકત્તા જાય છે.
કલકત્તામાં વીરસિંહ હરલીનના ઘર પાસે રસ્તા પર ઊભો છે અને ઝરૂખામાં ઊભેલી હરલીન તેના ભીના વાળ સૂકવતી દેખાય છે. વીરસિંહની છેક અહીં સુધી આવી પહોંચવાની ચેષ્ટા હરલીનને હર્ષાન્વિત કરે છે અને હરલીન વીરસિંહ માટે દૂધ-ખાંડ વગરની ચા બનાવીને નીચે રસ્તા પર લાવે છે. રિટર્ન ગિફ્ટ તરીકે વીરસિંહ હરલીનને દિલ્હીથી સ્પેશ્યલ ખરીદેલી બુંદીનું બૉક્સ આપે છે. અહીં કડવી ચા અને મીઠી બુંદીનો એક્સચેન્જ પ્રતીકરૂપે વપરાયો છે. માત્ર બે-ચાર ઘડીની મુલાકાતમાં બન્ને વચ્ચે એક પણ સંવાદની આપ-લે થતી નથી, પણ પ્રેમની સ્વીકૃતિ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાય છે. ફિલ્મના બીજા સીન્સમાં હરલીન આજીવન બ્લૅક ચાની ચૂસકી લઈને વીરસિંહનો પ્રેમ મમળાવે છે એ પણ દર્શાવાયું છે.
ઘણાના જીવનમાં પ્રેમ એવો પણ હોય જેમાં મિલનની મીઠાશ બે-ચાર ઘડી પૂરતી જ હોય ને તોય એ બાકીનું જીવન ગાળવા માટે પૂરતી હોય. આજીવન પછી એ જ ગમતી મીઠાશને મમળાવીને દિવસો કાઢવાના રહેતા હોય તો પણ આકરું નથી લાગતું. પ્રેમ તત્ત્વના આંતરિક અનુભવની આ જ વિશેષતા છે. દરેકને આ ઝબકાર ક્યારેક તો અનુભવાતો જ હોય છે. એ ઝબકારે મોતી પરોવવાની ક્રિયા એટલે જ અસલી સાક્ષાત્કાર, જે આ ગીતમાં થાય છે.
ફૂલ સા હૈ ખિલા આજ દિન
રબ્બા મેરે દિન યહ ન ઢલે
વો જો મુઝે ખ્વાબ મેં મિલે
ઉસે તૂ લગા દે અબ ગલે, તેનુ દિલ દા વાસ્તા
સારા જહાં છોડછાડ કે
મેરે સપને સંવાર દે, તેનુ દિલ દા વાસ્તા...
આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

