‘કુછ કુછ હોતા હૈ’નું એક સૉન્ગ સમીરે નહીં, જાવેદ અખ્તરે લખ્યું હતું અને એ પછી તેમણે ફિલ્મ છોડી દીધી હતી.
કુછ કુછ હોતા હૈ ફિલ્મ
ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના લિરિક્સ કોણે લખ્યા?
જો આવો સવાલ તમને પૂછવામાં આવે તો તરત જ તમે જવાબ આપો, ‘સમીર’. પણ હું કહીશ, તમે ૮૦ ટકા સાચા છો, તમારો જવાબ ૨૦ ટકા ખોટો છે, તો તમારું રીઍક્શન શું હોય? સિમ્પલ છે, તમે તરત ખાંખાખોળા કરો અને ધારો કે તમે મારા જેવા મ્યુઝિક-લવર હો અને તમે ફિલ્મની ઑડિયો સીડી સાચવી રાખી હોય તો તરત એના રૅપર પર ચેક કરો અને પછી દેખાડી દો કે જુઓ, ક્રેડિટ પણ સમીરને જ આપવામાં આવી છે, છતાં કહેવાનું કે તમે ૮૦ ટકા સાચા છો. ૨૦ ટકા તમારો જવાબ ખોટો છે, કારણ કે ‘કુછ કુછ હોતા હૈ’નું એક સૉન્ગ સમીરે નહીં, જાવેદ અખ્તરે લખ્યું હતું અને એ પછી તેમણે ફિલ્મ છોડી દીધી હતી.
ફિલ્મનું સૉન્ગ ‘કોઈ મિલ ગયા...’ જાવેદ અખ્તરે લખ્યું અને એ સૉન્ગ તેમણે કોઈ જાતની ક્રેડિટ લીધા વિના એમ જ ફિલ્મમાં આપી દીધું હતું. બન્યું એમાં એવું કે કરણ જોહરની ઇચ્છા હતી કે આ ફિલ્મનાં બધાં સૉન્ગ જાવેદ અખ્તર જ લખે અને કરણે આદિત્ય ચોપડાની સાથે જાવેદ અખ્તરનો કૉન્ટૅક્ટ કર્યો. નૅચરલી પપ્પા યશ જોહરને કારણે પણ જાવેદ અખ્તર કરણને ઓળખતા, પરંતુ યશરાજ સાથે ઘનિષ્ઠ નાતો હોવાને કારણે અને દોસ્તી પણ બન્ને વચ્ચે ખૂબ સારી હોવાને લીધે આદિત્ય જ કરણ જોહર સાથે જાવેદ અખ્તરને મળવા ગયો. કરણે આખી ફિલ્મ નૅરેટ કરી. પહેલા નૅરેશન સમયે જ જાવેદજીએ કરણને કહી દીધું કે ફિલ્મ સારી છે, મજા આવે છે, પણ પ્રામાણિકતાથી કહું તો મને ફિલ્મના ટાઇટલમાં મજા નથી આવતી.
ADVERTISEMENT
કરણ જોહરે પણ અનેક ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે કે જાવેદ અખ્તરે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે આ ફિલ્મ સારી છે, પણ તારી ફિલ્મના ટાઇટલમાં પૉર્નોગ્રાફી જેવી બદબૂ આવે છે. એ પછી પણ કરણે જાવેદ અખ્તરને ગીતો લખવા માટે મનાવી લીધા અને જાવેદસાહેબ લિરિક્સ લખવા માટે તૈયાર થઈ ગયા.
ફિલ્મમાં ક્રમની દૃષ્ટિએ પણ પહેલું સૉન્ગ જે આવતું હતું એ હતું ‘કોઈ મિલ ગયા...’
સૉન્ગ વેસ્ટર્ન કલ્ચર પર આધારિત હતું અને સિચુએશન પણ તમને ખબર છે એમ કૉલેજ-સૉન્ગ હતું. રાહુલ અને અંજલિ બન્ને કૉલેજમાં એક ફંક્શનમાં પર્ફોર્મ કરે છે અને એ પર્ફોર્મન્સ એટલું ખરાબ છે કે સ્ટુડન્ટ્સ સડેલાં ટમેટાં અને ઈંડાં ફેંકે છે. બન્ને બહુ ખરાબ રીતે હુટ-આઉટ થાય છે અને એ હુટ-આઉટમાં બચાવવા માટે રાની મુખરજી એટલે કે ટીના આવે છે, જે વેસ્ટર્ન મ્યુઝિક સાથે આ સૉન્ગની શરૂઆત કરે અને શાહરુખ-કાજોલ પણ તેની સાથે આ સૉન્ગમાં જોડાઈ જાય છે.
જાવેદ અખ્તરે સૉન્ગ તૈયાર કરી લીધું, સૉન્ગ છે એ જતિન-લલિત પાસે પહોંચી ગયું અને એ લોકોએ એના પર કામ શરૂ કરી દીધું, પણ એ દરમ્યાન જાવેદ અખ્તરે કરણ જોહર સાથે ફરીથી એની ખારની ઑફિસમાં મીટિંગ કરીને કહ્યું કે મને નથી લાગતું કે હું ‘કુછ કુછ હોતા હૈ’ જેવા ટાઇટલવાળી ફિલ્મ માટે ગીતો લખી શકું.
આ જે મીટિંગ હતી એ મીટિંગમાં શાહરુખ ખાન પણ હતો. જાવેદ અખ્તરને સમજાવવામાં તે પણ કરણ જોહર સાથે જોડાયો, પરંતુ જાવેદજી નક્કી કરીને આવ્યા હતા કે ‘મારે આ ફિલ્મ નથી જ કરવી...’ અને હવે વારો આવ્યો હતો ટાઇટલ-સૉન્ગ લખવાનો. તેમણે ગુસ્સામાં કહ્યું કે તમે લોકો મારી પાસેથી શું ઇચ્છો છો, એ કે હું તમને લખીને આપું... ‘અબ તો મેરા દિલ જાગે ના સોતા હૈ, ક્યા કરું હાયે કુછ કુછ હોતા હૈ...’
શાહરુખ કે કરણ કંઈ સમજે કે તેમને કહે એ પહેલાં જ જાવેદ અખ્તર મીટિંગમાંથી ઊભા થઈ ગયા અને કહી દીધું કે ‘કરણ તારી સાથે કામ કરવાની બહુ ઇચ્છા હતી, પણ આ વખતે નહીં, આ તારી ગેરવાજબી કહેવાય એવા ટાઇટલવાળી ફિલ્મ તું પૂરી કરી લે, આપણે નેક્સ્ટ ટાઇમ સાથે કામ કરીશું. બાય.’
જાવેદ અખ્તર તો નીકળી ગયા. કરણ અને શાહરુખ હેબતાયેલી અવસ્થામાં બેસી રહ્યા. નૅચરલી મનોરંજનની દુનિયાનો પહેલો નિયમ છે, શો મસ્ટ ગો ઑન. તેમણે તરત જ ગીતકાર અન્જાનના દીકરા સમીરનો કૉન્ટૅક્ટ કર્યો. સમીર એ સમયે ઇન્ડસ્ટ્રીમાં બહુ સારી રીતે એસ્ટૅબ્લિશ્ડ હતા, પણ તેમણે નિયમ રાખ્યો હતો કે અમુક લોકો સાથે જ કામ કરવું. સમીર અને ‘કુછ કુછ હોતા હૈ’ની પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો છે, પણ એ વાતોને અત્યારે સાઇડ પર રાખીને આપણે જાવેદ અખ્તરના વિષય પર જ ચર્ચા કરીએ.
જાવેદ અખ્તર તો કોઈ કાળે ફિલ્મ કરવા રાજી નહોતા. સમીરે હા પાડી દીધી એ પછી પણ કરણ જોહર અખ્તરસાહેબ સાથે જ કામ કરવા માગતો હતો. તેણે ફરીથી જાવેદ અખ્તરનો કૉન્ટૅક્ટ કર્યો અને જાવેદ અખ્તરે સીધી શરત મૂકી દીધી, ‘તું ફિલ્મનું ટાઇટલ બદલી નાખ, હું તારી ફિલ્મ કરવા તૈયાર છું.’ કરણ ચૂપ થઈ ગયો એટલે જાવેદ અખ્તરે કહ્યું કે ‘ચાલ, બીજી એક ઑફર. હું તારી પાસેથી ફી પણ નહીં લઉં જા, ટાઇટલ ચેન્જ કરી નાખ.’ પણ કરણ જોહર એ ચેન્જ કરવા રાજી નહીં એટલે તેણે ફાઇનલી સમીર સાથે આગળ વધવાનું નક્કી કર્યું. સમીરસાહેબ બોર્ડ પર આવી ગયા અને તેમણે કામ શરૂ કરી દીધું.
એક, બે, ત્રણ ગીત.
કામ આગળ વધતું રહ્યું અને જતિન-લલિત એના પર કામ પણ કરવા માંડ્યા, પણ હજી એક મોટો પ્રશ્ન ઊભો હતો. જતિન-લલિતે ફોન કરીને કરણને કહ્યું કે આપણે સૉન્ગ ‘કોઈ મિલ ગયા...’નું શું કરીશું, એ સૉન્ગ ઑલમોસ્ટ તૈયાર છે, પણ જાવેદસાહેબ હવે આપણી સાથે નથી. જાવેદસાહેબની જો ઇચ્છા ન હોય તો આપણે એ વાપરી ન શકીએ.કરણે ફરીથી જાવેદસાહેબનો કૉન્ટૅક્ટ કર્યો અને સૉન્ગ માટે પૂછ્યું.
‘અરે કોઈ બાત નહીં... તું સૉન્ગ રાખ, પણ જો, સમીર હવે ગીતો લખે છે તો પછી એમાં મારી ક્રેડિટ સારી નહીં લાગે. બહેતર છે કે તું મને આ સૉન્ગમાં ક્રેડિટ ન આપે.’કરણે વાત જતિન-લલિતને કરી એટલે એ લોકોએ પણ જાવેદ અખ્તર સાથે વાત કરી લીધી. જાવેદસાહેબે પણ કહ્યું કે ‘સિનિયૉરિટીની દૃષ્ટિએ ક્રેડિટમાં પહેલું નામ મારું આવશે અને ક્વૉન્ટિટીની દૃષ્ટિએ મેં સૌથી ઓછું કામ કર્યું હોય ત્યારે હું મારું નામ પહેલું રાખું એ મને લાગે છે કે સમીર સાથે અન્યાય જેવું છે. બહેતર છે કે તમે ફિલ્મમાં એક સમીરની જ ક્રેડિટ રાખો અને સમીરને સૉન્ગ દેખાડી દો. જો તે રાજી હોય તો મારો કોઈ વિરોધ નથી. તમે વિનાસંકોચ મારું સૉન્ગ વાપરો.’
આમ ફિલ્મમાં સૉન્ગનો સમાવેશ થયો અને જાવેદ અખ્તરે લિરિક્સમાં મળનારી ક્રેડિટ મોટું મન રાખીને છોડી દીધી. હવે આવીએ આપણે પેલી ગુસ્સામાં ફેંકાયેલી લાઇન પર. સમીર જ્યારે ટાઇટલ-સૉન્ગ લખવા માટે બેઠા ત્યારે કરણ જોહરે જ સમીરને પેલી લાઇન આપી, જે જાવેદસાહેબ ઑફિસમાં બોલીને ગયા હતા, ‘શું તમે લોકો મારી પાસેથી ઇચ્છો છો, એ કે હું તમને લખીને આપું... ‘અબ તો મેરા દિલ જાગે ના સોતા હૈ, ક્યા કરું હાયે કુછ કુછ હોતા હૈ...’ ‘અબ તો મેરા દિલ જાગે ના સોતા હૈ, ક્યા કરું હાયે કુછ કુછ હોતા હૈ...’
સમીરે આ લાઇનને બેઝ બનાવી લીધો અને ફિલ્મનું ટાઇટલ-સૉન્ગ લખ્યું. આ વખતે સમીરે જાવેદસાહેબનો કૉન્ટૅક્ટ કર્યો અને કહ્યું કે તમારી લાઇન મેં વાપરી છે, જો તમે ના પાડશો તો હું એ કાઢી નાખીશ, પણ જાવેદ અખ્તરે તેને કહ્યું, ‘લાઇન તું તારે વાપર, પણ જો તું મારી સલાહ માનવાનો હોય તો હું તને કહીશ, તું આવા ટાઇટલની ફિલ્મ નહીં કર. બહુ વલ્ગર ટાઇટલ છે.’
‘કુછ કુછ હોતા હૈ’ અને સમીરની કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે હવે આપણે મળીશું આવતા સોમવારે. ત્યાં સુધી સ્ટે ટ્યુન...

