Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઉમર મેં કચ્ચે યે છોટે બચ્ચે, હૈં ભોલેભાલે હૈં સીધે સચ્ચે

ઉમર મેં કચ્ચે યે છોટે બચ્ચે, હૈં ભોલેભાલે હૈં સીધે સચ્ચે

Published : 15 July, 2022 01:18 PM | IST | Mumbai
RJ Dhvanit Thaker

હાથમાં ગાડીનું સ્ટિયરિંગ છે, પણ એની મજા કરતાં મજા તો પેલી સાઇકલમાં હતી, જે ભાડે લેવા માટે હોંશે-હોંશે મમ્મીનાં બધાં કામ કરતા

ઉમર મેં કચ્ચે યે છોટે બચ્ચે, હૈં ભોલેભાલે હૈં સીધે સચ્ચે

કાનસેન કનેક્શન

ઉમર મેં કચ્ચે યે છોટે બચ્ચે, હૈં ભોલેભાલે હૈં સીધે સચ્ચે


આપણી પાસે જે નથી એ મેળવવા માટે આપણે ભાગતા રહીએ છીએ. નાના હતા ત્યારે મોટા થવાની ઉતાવળ હતી અને મોટા થયા એટલે નાના હોવાના લાભ સમજાયા. હાથમાં ગાડીનું સ્ટિયરિંગ છે, પણ એની મજા કરતાં મજા તો પેલી સાઇકલમાં હતી, જે ભાડે લેવા માટે હોંશે-હોંશે મમ્મીનાં બધાં કામ કરતા


આપણે વાત કરીએ છીએ જગન્નાથજીની રથયાત્રા અને એ વાતો સાથે જ આપણે કૃષ્ણભક્તિનાં ગીતોની વાતોએ ચડી ગયા. એ ગીતો છે પણ એવાં જ કે તમને એ જુદી જ દિશામાં ખેંચી જાય. એ જ કૃષ્ણભક્તિની શક્તિ છે અને એ જ કૃષ્ણશક્તિની ભક્તિ છે. 


કૃષ્ણ, જેને આપણે જીવનરથના સારથિ માનીએ છીએ. તેમનો રથ ખેંચવાનો મોકો આપણને રથયાત્રામાં મળે છે. બહુ મોટી વાત છે આ. જે જગતનો નાથ આપણને જીવનનો રાહ દેખાડે એ જ ઈશ્વરને આ એક દિવસ પૂરતા આપણે દિશા બતાવીએ. બહુ રોચક ટ્રેડિશન છે આ. મને મોટું આશ્ચર્ય તો એ છે કે પૂર્વ ભારતનો આ તહેવાર કેવો છેક આખા દેશભરમાં સેલિબ્રેટ થાય છે. સરસમજાનો ઉત્સાહ હોય, ઉમંગ હોય. લોકો રથનાં દર્શન કરવા માટે પહોંચી ગયા હોય. યાત્રા જ્યાંથી પણ પસાર થવાની હોય ત્યાં રસ્તા પર, બિલ્ડિંગોની ટેરેસ પર, બાલ્કનીમાં, જ્યાં જુઓ ત્યાં માણસ જ માણસ. દરેકની આંખો એક જ દિશામાં, જે દિશામાંથી જગન્નાથજીની રથયાત્રા આવતી હોય.

જગન્નાથજીની રથયાત્રામાં સિમ્બૉલિઝમ છે અને એ સિમ્બૉલિઝમમાં ચક્રનું મહત્ત્વ અદકેરું છે. જો તમે આ વાત ઑબ્ઝર્વ ન કરી હોય તો હજી પણ ઑનલાઇન વિડિયોમાં કે પછી ફોટોમાં જોઈ લો. તમને દેખાશે રથનાં પૈડાં મોટાં-મોટાં અને આ રથયાત્રામાં રથની સાથે ૧૦૦થી વધારે ટ્રક પણ હોય. દસ-પંદર હાથી પણ હોય અને એ બધાની સાથે અઢળક ગાડીઓ અને બીજાં વાહનોનો કાફલો પણ રથયાત્રામાં જોડાયેલો હોય. 
રથમાં બેઠેલા જગન્નાથજીનું સ્વરૂપ બાળસ્વરૂપ છે, જે આપણને સૌને આપણા બાળપણમાં લઈ જાય છે. યાદ કરો, પહેલી વાર તમે ગાડીમાં બેઠા ત્યારે કેવી ફીલિંગ્સ હતી? કાર અંદરથી કેવી દેખાતી, અંદરથી બહારની દુનિયા કેવી દેખાતી, એ જે એક્સાઇટમેન્ટ હતું એ કેવું હતું? 

એ વિન્ડો પાસે બેસવાની મજા, એ ગ્લાસ ઉતારવાનો આનંદ અને પાછળ છૂટતી જતી બહારની દુનિયા. અત્યારે લૉન્ગ ડ્રાઇવ પર જતાં બાળકોને તમે જોશો તો સનરૂફમાંથી બહાર નીકળીને એ દુનિયાને જોવાની, હવા સાથે વાત કરવાની અને હવાને મુઠ્ઠીમાં ભરવાની કોશિશ કરે છે. સ્કૂલ-વૅનમાં જતાં બાળકો જોજો તમે, અંદર તો એટલી ધમાલ-મસ્તી કરતાં હોય કે તેમની ધમાલ-મસ્તી જોઈને તમારા ચહેરા પર પણ મુસ્કાન આવી જાય. એ સવારની સ્ફૂર્તિ અને એ બચ્ચાંઓની સવારની મસ્તી અને બાળકોનું એ મૉર્નિંગ સમયનું સૉન્ગ.
‘ચક્કે મેં ચક્કા... ચક્કે પે ગાડી, 
ગાડી પે નિકલી અપની સવારી...’
આ ચક્કા એટલે ટાયર એની અંદર રિમ છે, ટ્યુબ છે એ.
ફિલ્મ ‘બ્રહ્મચારી’, સિંગર મોહમ્મદ રફી, ગીતકાર શૈલેન્દ્ર. શૈલેન્દ્રનું સાચું નામ શું હતું એ ખબર છે તમને?
શંકરદાસ કેસરીલાલ. હા, આ જ સાચું નામ હતું તેમનું, પણ તેમણે જે ગીતો લખ્યાં એ બધાં શૈલેન્દ્રના નામે લખ્યાં. બહુ ઓછા લોકોને ખબર હશે કે શૈલેન્દ્રના ઘરેથી ગીતો લખવાની અને કવિતાઓ કરવાની મનાઈ હતી એટલે શરૂઆતના સમયથી જ શૈલેન્દ્રના નામે તેઓ લખતા અને પછી એ જ શૈલેન્દ્ર આગળ વધ્યા અને આપણી ઇન્ડસ્ટ્રીને બહુ સરસ ગીતો આપ્યાં. આ ગીત મસ્તી સાથેનું છે, ફાસ્ટ પેસમાં છે અને એવા વાતાવરણમાં છે એટલે કદાચ આ ગીતની ફિલોસૉફી આપણે સહજ રીતે સમજવા તૈયાર ન થઈએ, પણ આ ગીતમાં શૈલેન્દ્રએ જે મેસેજ આપ્યો છે એ અદ્ભુત છે. 
શૈલેન્દ્ર કહે છે, ‘લાંબો રસ્તો છે, મંજિલ પણ મુશ્કેલીથી ભરેલી છે અને એટલે જ અમને પડી જવાનો ડર છે, પણ એનો અર્થ એવો ન કરતા કે અમે રોકાઈશું, અટકીશું. ના, અમે રોકાવાના નથી, અમે આગળ વધતા જ જઈશું. જરૂર પડશે તો બે ડગલાં આગળ જઈશું અને જરૂર પડશે ત્યારે એક ડગલું પાછળ પણ આવીશું, પણ અમારો હેતુ એક જ છે. બસ, આગળ વધતા રહેવું અને સતત આગળ વધતા જવું.
‘લમ્બા સફર હૈ ટેઢી ડગર હૈ
મંઝિલ હૈ મુશ્કિલ ગિરને કા ડર હૈ
લમ્બા સફર હૈ ટેઢી ડગર હૈ
મંઝિલ હૈ મુશ્કિલ ગિરને કા ડર હૈ
પર ન રુકેંગે ચલતે ચલેંગે
યહ સારી દુનિયા અબ અપના ઘર હૈ
હાર ન માનેંગે યે ખિલાડી
ચક્કે મેં ચક્કા... ચક્કે પે ગાડી, 
ગાડી પે નિકલી અપની સવારી...’
શૈલેન્દ્રના આ સૉન્ગને જો કોઈ બેસ્ટ રીતે ન્યાય આપી શકે તો એ મોહમ્મદ રફી સિવાય કોઈ નહીં અને રફીસાહેબ આ ગીત ગાવા માટે શરૂઆતમાં રાજી નહોતા. આજે આ સૉન્ગ સાંભળતાં આપણને લાગે કે કિશોરકુમાર પણ બહુ સરસ રીતે એ ગાઈ શકે, પણ તમને યાદ કરાવવાનું કે એ સમયે હજી કિશોરદાની રેન્જ વિશે દુનિયાને ખબર પડી નહોતી.
મોહમ્મદ રફી ડબલ માઇન્ડ હતા કે તેમણે આ સૉન્ગ ગાવું કે નહીં, પણ તેમની પાસે આ ગીત ગવડાવવાનું કામ શમ્મી કપૂરે કર્યું. શમ્મીજીએ જ રફીસાહેબને કહ્યું કે તેમણે જ આ ગીત ગાવાનું છે અને જ્યારે એનું રેકૉર્ડિંગ થશે ત્યારે પોતે પણ હાજર રહેશે. જો તેમને પોતાને એવું લાગશે કે આ સૉન્ગ આગળ ન વધવું જોઈએ તો પોતે જ એ ગીત કૅન્સલ કરાવશે. રફીસાહેબને આપવામાં આવેલા એ પ્રૉમિસને કારણે તેઓ ગાવા માટે તૈયાર થયા અને સાહેબ, એવું બન્યું કે સૉન્ગે એ સમયે દેકારો બોલાવી દીધો.
૧૯૬૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માચારી’ના આ સૉન્ગમાં સ્ક્રીન પર જે બચ્ચાંઓ દેખાય છે એ બચ્ચાંઓ આજે કદાચ ૬૦ વર્ષનાં થઈ ગયાં હશે. કદાચ, તેમનાં સંતાનોના ઘરે સંતાનો આવી ગયાં હશે. શું આજે પણ તેમને વિન્ડો-સીટ પર બેસવાનું મન થતું હશે? વિન્ડો-સીટ માટે તેઓ આજે પણ ઝઘડતાં હશે? હવે તેમને મન થતું હશે કે તેમને મમ્મી જમાડે? મમ્મી તેમની હયાત હશે અને હયાત હશે તો શું આજે એ દીકરાને જમાડવા બેસે ખરી? આ વડીલો અત્યારે બચ્ચાંઓને ક્રિકેટ રમતા જુએ તો તેમને ફરી પાછું પેલું ટપ્પી કૅચ - એક હાથે રમવાનું મન થતું હશે? ફરી એ જ લૉલીપૉપ અને પારલેની ૧૦ પૈસામાં મળતી પેલી કિસ-મી ચૉકલેટ ખાવાનું મન થાય? 
હા, થાય. ચોક્કસ થાય અને અચૂક થાય. માણસનો આ જ તો સ્વભાવ છે. જે નથી એ તેને જોઈતું હોય છે અને જે પાસે છે એની કિંમત કરવામાં તે ઊણો ઊતરે છે. આજે જ્યારે વાળ સફેદ છે ત્યારે તેમને એ ટકો જોઈએ છે જે પપ્પા-મમ્મી ઉનાળામાં કરાવી નાખતાં હતાં. આજે જ્યારે હાથમાં લાકડી છે ત્યારે તેમને હાથમાં એ ભમરડો જોઈએ છે, જેની ધાર કાઢવા માટે તેઓ પથ્થર લઈને બેસી જતા. આજે જ્યારે ઘરે કાર છે ત્યારે એ સાઇકલ યાદ આવે છે, જે અડધો કલાક ભાડે લેવા મળે એને માટે મમ્મીનાં બધાં કામ હોંશે હોંશે કરતાં.
‘ઉંમર મેં કચ્ચે યે છોટે બચ્ચે
હૈ ભોલેભાલે હૈ સીધે સચ્ચે
થાનેંગે જો ભી કરકે રહેંગે
યહ અપની ધૂન કે હૈ પૂરે પક્કે...’

વાત સાચી જ છેને, પૂછો તમારી જાતને.

આ ગીત ગાવા માટે મોહમ્મદ રફી તૈયાર નહોતા એટલે તેમને વિશ્વાસ અપાવવાનું કામ શમ્મી કપૂરે કર્યું અને ગીતના રેકૉર્ડિંગ સમયે શમ્મી કપૂર પોતે હાજર પણ રહ્યા. તેમણે રફીસાહેબને પ્રૉમિસ કર્યું હતું કે જો ગીત સારું નહીં લાગે તો એ ફિલ્મમાં નહીં લેવા દે.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2022 01:18 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK