પચાસ જણના કોરસ વચ્ચે આવીને કિશોરકુમાર ઊભા રહી ગયા અને કહી દીધું કે હું પણ આ લોકો સાથે ઊભો રહીને ગાઈશ. કિશોરદાની ડિમાન્ડ સાથે મ્યુઝિક-ડિરેક્ટર રાજેશ રોશન અને સાઉન્ડ-ટેક્નિશ્યન મૂંઝવણમાં મુકાઈ ગયા
કાનસેન કનેક્શન
અમિતાભ બચ્ચન ઇન યારના ફિલ્મ સોંગ સારા ઝમના
કિશોરકુમારે સહેજ વિચાર કર્યો અને પછી સિંગરરૂમમાંથી બહાર નીકળીને સીધા પહોંચી ગયા કોરસની વચ્ચે. રાજેશ રોશનને નવાઈ લાગી. તેઓ કિશોરકુમાર ગાંગુલી પાસે આવ્યા કે તરત જ કિશોરકુમારે કહી દીધું કે આ કોરસને આમ જ થોડું ઊભું રહેવા દેવાનું હોય, હું અહીં ઊભો રહીને તેમની સાથે જ ગાઈશ.
આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘યારાના’ અને એની સાથે જોડાયેલી ઇન્ટરેસ્ટિંગ વાતોની. તમને ગયા શુક્રવારે કહ્યું એમ, ફિલ્મમાં કુલ ૬ સૉન્ગ, જેમાંથી પાંચ ગીત કિશોરકુમારે ગાયાં અને એક ગીત મોહમ્મદ રફીએ ગાયું. ફિલ્મનાં બધાં જ સૉન્ગ સુપરહિટ થયાં અને ગીત આવે ત્યારે રીતસર પૈસા ઊડતા હતા. એક તબક્કે તો અમદાવાદની એક ટૉકીઝમાં તો સ્ક્રીન પર રિક્વેસ્ટ લખીને મૂકવી પડી, ‘પૈસા ફેંકતી વખતે એ સ્ક્રીન પર લાગે નહીં એનું ધ્યાન રાખજો, સ્ક્રીનને નુકસાન થશે તો તમારે ફિલ્મ મિસ કરવી પડશે!’
ADVERTISEMENT
ફિલ્મના જે સૉન્ગના શૂટિંગની વાત આપણે કરી એ સૉન્ગના રેકૉર્ડિંગ સમયની વાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ‘સારા ઝમાના હસીનોં કા દીવાના...’ ગીત કિશોરકુમારના અવાજમાં છે એની તમને બધાને ખબર છે. ગીતો જ્યારે ફાઇનલ થયાં ત્યારે મ્યુઝિક-ડિરેક્ટર રાજેશ રોશનને પણ નાનકડું ટેન્શન હતું કે મોહમ્મદ રફીને ખરાબ ન લાગે કે તેમની પાસે એક જ સૉન્ગ ગવડાવવાનું નક્કી થયું છે. તેમણે તૈયારી રાખી હતી કે જો રફીસાહેબ ના પાડશે તો નાછૂટકે શૈલેન્દ્ર પાસે એ ગીત ગવડાવી લેવાશે. અલબત્ત, એવું થયું નહીં અને રફીસાહેબે પોતાના સૉન્ગની સિચુએશન બરાબર સમજી લીધી અને ‘કિશનચાચા કુછ ગાઓ...’ ગીતની તૈયારી કરીને સૌથી પહેલાં પોતાનું રેકૉર્ડિંગ પણ પૂરું કરી લીધું.
હવે વાત આવી કિશોરકુમારની અને ડિરેક્ટરે ડિમાન્ડ કરી કે તેમને પહેલાં આ સૉન્ગ એટલે કે ‘સારા ઝમાના...’ જોઈએ છે. આ ડિમાન્ડનું કારણ એ હતું કે એ સૉન્ગમાં પહેલી વાર અમિતાભ બચ્ચનને રૉકસ્ટાર તરીકે રજૂ કરવાના હતા. બચ્ચનસાહેબને પણ એ સૉન્ગ સાંભળવું હતું તો કોરિયોગ્રાફરથી લઈને કૉસ્ચ્યુમ ડિઝાઇનરને પણ એ સૉન્ગ પહેલાં જોઈતું હતું. કૉસ્ચ્યુમ ડિઝાઇનરને શું કામ વળી સૉન્ગ જોઈતું હોય એવું તમારા મનમાં આવે તો તમને એટલું જ કહેવાનું કે એક વખત એ સૉન્ગ જોઈ લો. ૮૦ના દસકામાં લાઇટવાળો ડ્રેસ બનાવવો એ ખરેખર બહુ મોટી વાત હતી અને એ પણ મેગાસ્ટાર એવા અમિતાભ બચ્ચન માટે તૈયાર કરવાનો હતો.
આ સૉન્ગ એટલા માટે પણ સાંભળવું જરૂરી છે જેથી એ સૉન્ગની એનર્જી પણ સમજાય અને એ સૉન્ગમાં કેવી મહેનત થઈ હશે એની પણ ખબર પડે. આ સૉન્ગના રેકૉર્ડિંગ સમયે સોનું ઑરકેસ્ટ્રા હતું અને કોરસ ગાયકી માટે ૫૦ જણને બોલાવવામાં આવ્યા હતા! આ આંકડાઓ જ તમને એ સૉન્ગનું જાજરમાનપણું સમજાવી દેશે.
સૉન્ગનું રિહર્સલ સૌથી પહેલાં તો કિશોરકુમાર સાથે થયું, જે એક જ દિવસમાં પૂરું થયું અને એ પછી ત્રણ દિવસ કોરસ સાથે રિહર્સલ્સ કરવામાં આવ્યું. નૅચરલી એમાં કિશોરદાને બોલાવવામાં નહોતા આવ્યા. ત્રણ દિવસના કોરસ સાથેનાં રિહર્સલ્સ પછી બે દિવસ ઑર્કેસ્ટ્રા સાથે પણ રાજેશ રોશને રિહર્સલ કરી લીધું અને એ પછી રેકૉર્ડિંગનો દિવસ અને સમય નક્કી થયો.
સવારથી બધા કામે લાગી ગયા અને બપોરે લંચ પછી કિશોરદા જૉઇન થવા માટે આવી ગયા. એકદમ હાઈ-વૉલ્ટેજ સૉન્ગ હતું એટલે કિશોરદાએ લંચ પછીનો સમય આપ્યો હતો. કિશોરદા આવ્યા તેમના ટિપિકલ પહેરવેશમાં, લુંગી અને કુર્તો. આવ્યા અને સીધા જ રાજેશ રોશન સાથે મીટિંગ કરી. મૂડ ફરી એક વાર સમજી લીધો અને રેકૉર્ડિંગ શરૂ કરવાની પરમિશન આપી દીધી.
બધી તૈયારીઓ થઈ ગઈ અને તરત કિશોરદાને બોલાવવામાં આવ્યા. કિશોરદા રૂમમાંથી બહાર આવ્યા અને તેમણે જોયું કે કોરસનો એક લાંબો કાફલો ઊભો છે. તેમણે ફરીથી રાજેશ રોશનને પૂછ્યું કે આ બધા કોરસનો એમાં સમાવેશ કરવાનો છે?
‘હા, દાદા.’
કિશોરકુમારે સહેજ વિચાર કર્યો અને પછી સિંગરરૂમમાંથી બહાર નીકળીને સીધા પહોંચી ગયા કોરસની વચ્ચે. રાજેશ રોશનને નવાઈ લાગી. તેઓ કિશોરકુમાર ગાંગુલી પાસે આવ્યા કે તરત જ કિશોરકુમારે કહી દીધું કે આ કોરસને આમ જ થોડું ઊભું રહેવા દેવાનું હોય, હું અહીં ઊભો રહીને તેમની સાથે જ ગાઈશ.
રાજેશ રોશનનું બ્લડ-પ્રેશર વધી ગયું. સાઉન્ડ-ટેક્નિશ્યન ડરી ગયો.
એ શક્ય જ નથી. ૫૦ જણના કોરસ વચ્ચે કેવી રીતે કિશોરદાનો અવાજ પકડવો, કેવી રીતે એ ક્લૅરિટીને જાળવી રાખવી?
‘સર, ઇમ્પૉસિબલ... ઐસે નહીં હો પાયેગા...’
‘કેમ, શું પ્રૉબ્લેમ થશે?’
સાઉન્ડ-ટેક્નિશ્યને રાજેશ રોશનની પરમિશન લઈને કિશોરદાને સમજાવવાની કોશિશ કરી કે આપણે અનેક જગ્યાએ તમારા અવાજના બૅકગ્રાઉન્ડમાં કોરસને લેવાના છે. જો તમે અહીં ઊભા રહેશો તો એ શક્ય નહીં બને. સાઉન્ડના અપર લેયરમાં તમારો વૉઇસ જોઈએ છે. આ રીતે તમે ગાશો તો તો બન્ને લેયર એક થઈ જશે.
કિશોરકુમારે હસીને પેલાને રવાના કરતાં કહ્યું કે ‘જો એવું બને તો તું તારે મને કહેજે, પણ એવું નહીં બને તો તારે મને જતાં પહેલાં ચા પિવડાવવી પડશે.’
કિશોરકુમાર જેવા લેજન્ડ સિંગર, દલીલ પણ કેવી રીતે થાય? હા, એક વાતનું આશ્વાસન રાજેશ રોશન અને સાઉન્ડ-ટેક્નિશ્યન પાસે હતું કે કિશોરદાએ સામેથી કહ્યું હતું કે જો ફર્સ્ટ લેયરમાં તેમનો અને સેકન્ડ લેયરમાં કોરસનો અવાજ ન મળે તો એ ફરીથી ગાશે. અલબત્ત, આ પ્રોસેસમાં સમય પણ બરબાદ થવાનો હતો અને પ્રોડ્યુસરના પૈસા પણ. સામે કિશોરદા, એટલે કોઈ જાતની આર્ગ્યુમેન્ટ થઈ શકે નહીં અને ફિલ્મ અમિતાભ બચ્ચનની એટલે બજેટમાં ચીંદીચોરી પણ ચાલી ન શકે.
રેકૉર્ડિંગની શરૂઆત થઈ અને કિશોરકુમાર કોરસ વચ્ચે જ ઊભા રહ્યા.
મુખડું અને પછી આવ્યો અંતરો.
‘યે કૌન કહ રહા હૈ
તૂ આજ પ્યાર કર લે
જો કભી ભી ખત્મ ના હો
વો એતબાર કર લે
માન લે, માન લે મારી બાત
સારા ઝમાના, હસીનોં કા દીવાના...’
એકસાથે ૫૦નું કોરસ ગાય છે અને એની સાથે કિશોરકુમાર પણ ગાય છે અને એ પછી પણ તેમનો અવાજ સીધો જ, પહેલા લેયરમાં જ રાજેશ રોશન અને સાઉન્ડ-ટેક્નિશ્યન સુધી પહોંચે છે. એ જ રીતે જાણે કિશોરકુમાર થોડા દૂર આવેલા કાચની બંધ રૂમમાંથી ગાઈ રહ્યા હોય.
રાજેશ રોશનની આંખો ફાટી ગઈ, સાઉન્ડ-ટેક્નિશ્યન અને રેકૉર્ડિસ્ટનું મોઢું ખુલ્લું રહી ગયું. કિશોરદાના અવાજનો થ્રો જ એવો હતો જેમાં બીજા બધા અવાજો નીચે રહી જતા હતા.
કહેવાની જરૂર ખરી કે રેકૉર્ડિંગ પહેલા જ ઝાટકે ઓકે થયું અને સાઉન્ડ ટેક્નિશ્યને કિશોરકુમારને ચા પિવડાવવા લઈ જવા પડ્યા?
હા, ખરેખર એવું કરવું પડ્યું હતું અને કિશોરકુમારે જ રેકૉર્ડિંગ પછી પેલા પાસે ચાની ડિમાન્ડ કરી હતી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)