Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મૈં તુમ્હે કભી ડાંટ નહીં સકતા, પૂછ ક્યૂં?

મૈં તુમ્હે કભી ડાંટ નહીં સકતા, પૂછ ક્યૂં?

Published : 19 May, 2023 05:28 PM | IST | Mumbai
RJ Dhvanit Thaker

 ફિલ્મ ‘બાલિકા બધૂ’ માટે આર. ડી. બર્મને ઍક્ટર સચિનને મળવા બોલાવ્યો ત્યારે તે એટલો ડરતો હતો કે જવાબ આપવામાં પણ તતપપ થતું હતું,

 ફિલ્મ ‘બાલિકા બધૂનો સીન

કાનસેન કનેક્શન

 ફિલ્મ ‘બાલિકા બધૂનો સીન


 ફિલ્મ ‘બાલિકા બધૂ’ માટે આર. ડી. બર્મને ઍક્ટર સચિનને મળવા બોલાવ્યો ત્યારે તે એટલો ડરતો હતો કે જવાબ આપવામાં પણ તતપપ થતું હતું, પણ આર. ડી. બર્મને તેને શાંત કર્યો અને આજના હેડિંગમાં છે એ વાત કહ્યા પછી જે શબ્દો તેમણે કહ્યા એ સચિન પિળગાંવકર જીવનભર ભૂલવાનો નથી


`બર્મનદાને મળવાનું એટલે ભગવાનને મળવાનું. પંચમદાને મળવાનું છે એ સાંભળ્યા પછી મને બે દિવસ તો ઊંઘ જ ન આવી. કોઈને એવું લાગે કે આમ થોડું હોય, પણ હા, હોય. જો તમે કોઈને ભગવાનના સ્થાન પર જોતા હો. મારે મન બર્મનદા ભગવાન હતા અને છે. મને હંમેશાં લાગ્યું છે કે સરસ્વતી મા જ તેમની પાસે સંગીતનું સર્જન કરાવતાં હશે.’ 



આજની જનરેશન ભલે ઓટીટી પ્લૅટફૉર્મને કારણે શ્રિયા પિળગાંવકરને ઓળખે, પણ ખરેખર તો તે તેના પપ્પા સચિનના નામે જ ઓળખાવી જોઈએ. હા, સચિન પિળગાંવકર આજે ભલે આપણને ઓછો જોવા મળતો હોય, પણ તેણે જે કામ કર્યું છે એ અદ્ભુત રહ્યું છે. અઢળક ફિલ્મો અને એ તમામેતમામ ફિલ્મો એવી કે લોકો સહકુટુંબ જોવા જાય. બહેનોને સચિનમાં ભાઈ દેખાય તો મમ્મીઓને સચિનમાં દીકરાનાં દર્શન થાય. પપ્પા તો સચિનના દાખલા આપી-આપી દીકરાને એવો થકવી મારે કે દીકરાને સચિન પર કાળ ચડે.


સચિનની જે વાત આજે તમને કહેવી છે એ વાત શરૂ કરતાં પહેલાં બે અગત્યની વાત કહી દઉં. સચિનની ઉંમર આજે ૬પ વર્ષની છે, પણ આટલાં વર્ષોમાંથી તેણે ૫૦થી વધારે વર્ષ કૅમેરા સામે પસાર કર્યાં હશે. હા, ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરીઅર શરૂ કરનાર સચિન બાળકલાકાર તરીકે પણ જબરદસ્ત નામ કમાયો હતો. બીજી વાત, સચિનને કોઈ હીરો તરીકે સ્વીકારવા તૈયાર નહોતું. સચિને ટીનેજ ક્રૉસ કરી લીધી એ પછી પણ તેના ઘરે ચાઇલ્ડ આર્ટિસ્ટની જ ઑફર આવતી એટલે સચિને અમુક સમયે તો એક પણ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એકાદ-બે ફિલ્મ હીરો તરીકે મળી, પણ સાઇડ હીરો તરીકે સચિને એ રોલ પણ કરી લીધા.

થોડો વધારે સંઘર્ષ અને એ પછી સચિનની લાઇફમાં આવી ‘ગીત ગાતા ચલ’ અને ફિલ્મે દેકારો મચાવી દીધો. બહેનોનાં ટોળેટોળાં ઊમટે અને સચિનની વાહવાહી ચારે બાજુએ થવા માંડી. ફૅમિલી ડ્રામા એવી આ ફિલ્મે સચિનને એવો તો એસ્ટૅબ્લિશ કરી દીધો કે કોઈએ ધારણા પણ નહોતી રાખી. રાજશ્રી પિક્ચર્સને પણ નહોતી ખબર કે સીધીસાદી અને સરળ એવી આ લવસ્ટોરી આટલી હિટ જશે. બડજાત્યા ફૅમિલી આ ફિલ્મમાંથી અઢળક પૈસા કમાઈ અને સાથોસાથ રાજશ્રી પ્રોડક્શન નવેસરથી લાઇમલાઇટમાં પણ આવી ગયું. રાજશ્રીની આ ફિલ્મથી સચિનની પણ અચાનક ડિમાન્ડ નીકળી અને એ ડિમાન્ડને જોઈને જ પ્રોડ્યુસર શક્તિ સામંતે પોતાની નવી ફિલ્મ ‘બાલિકા બધૂ’ માટે સચિનને કાસ્ટ કર્યો.


આમ તો આ આખો કિસ્સો સચિને જ કહ્યો છે, પણ હવેની વાત સચિનની સાઇડ છે એટલે આ સ્પષ્ટતા અત્યારે જ જરૂરી બની જાય છે.

સચિન મ્યુઝિક-ડિરેક્ટર આર. ડી. બર્મનનો જબરદસ્ત ફૅન. તેના મનમાં હતું કે એકાદ એવી ફિલ્મ કરવા મળે જેમાં તે હીરો હોય અને મ્યુઝિક બર્મનદાનું હોય. શક્તિ સામંતે સચિનને ફોન કરીને ફિલ્મ ઑફર કરી અને પછી કહ્યું કે ‘મ્યુઝિક હમ આર. ડી. બર્મન સે કરવા રહે હૈં ઔર આપ જબ ચાહો તબ મૈં ડિરેક્ટર કો સ્ક્રિપ્ટ સુનાને ભેજ દૂં...’

‘અરે ઉસકી કોઈ ઝરુરત નહીં...’ સચિને તરત જ જવાબ આપી દીધો, ‘મૈં કર રહા હૂં ફિલ્મ...’

હા, માત્ર એટલી જ વાત સચિન માટે મહત્ત્વની હતી કે આ ફિલ્મનું મ્યુઝિક આર. ડી. બર્મન આપવાના છે. 

શૂટિંગને હજી વાર હતી એટલે સચિન તો ફરીથી કામે લાગી ગયો અને બીજી તરફ શક્તિ સામંત ફિલ્મની તૈયારીમાં ડિરેક્ટર તરુણ મઝુમદાર સાથે લાગી ગયા. મ્યુઝિકનું કામ ચાલતું હતું એ દરમ્યાન શક્તિ સામંતે બર્મનદાને કહ્યું કે એક સૉન્ગ આપણને એવું જોઈએ છે જે સચિનનું સોલો સૉન્ગ હોય. બર્મનદા તો સચિનને ઓળખે નહીં એટલે તેમણે પૂછ્યું કે કોણ સચિન?
શક્તિ સામંતે સચિનની ઓળખાણ આપી એટલે બર્મનદાએ નેણ ભેગાં કર્યાં.

‘અરે, વો બડા હો ગયા...’ પછી તરત જ બર્મનદાએ પ્રોડ્યુસર-ડિરેક્ટરને કહ્યું, ‘આપ એક કામ કરો, ઉસે મેરે પાસે ભેજો... મૈં ઉસે મિલના ચાહતા હૂં...’

સચિનને કહેવામાં આવ્યું અને તેના હાર્ટ બીટ્સ વધી ગયા.

‘બર્મનદાને મળવાનું, ભગવાનને મળવાનું...’ સચિન આજે પણ આ વાત કરતાં એક્સાઇટ થઈ જાય છે, ‘મને બે દિવસ તો ઊંઘ જ ન આવી. કોઈને એવું લાગે કે આમ થોડું હોય, પણ હા, હોય. જો તમે કોઈને ભગવાનના સ્થાન પર જોતા હો. મારે મન બર્મનદા ભગવાન હતા અને છે. મને હંમેશાં એવું લાગ્યું છે કે સરસ્વતી મા જ તેમની પાસે સંગીતનું સર્જન કરાવતાં હશે.’ 
નિશ્ચિત દિવસે સચિન પંચમને મળવા માટે તેમના સ્ટુડિયો પર ગયો. મોટી મ્યુઝિક-રૂમ અને એની વચ્ચે એકલા પંચમ, બાજુમાં હાર્મોનિયમ. પંચમદાએ તરત જ સચિનને બોલાવ્યો અને તેની સાથે વાતો શરૂ કરી. થોડી વાર પછી તે સચિનને લઈને સોસાયટીમાં રાઉન્ડ મારવા માટે ઊતર્યા અને પંદરેક મિનિટ તેમણે સચિન સાથે રાઉન્ડ માર્યાં. સચિનને એમ કે આ બધું શું ચાલે છે, પણ તેને ખબર નહોતી કે બર્મનદા તેમની બૉડી-લૅન્ગ્વેજથી માંડીને વાત કરવાની સ્ટાઇલ અને બોલતી વખતે તેમના ચહેરા પર કેવાં એક્સપ્રેશન આવે છે એ બધું ઑબ્ઝર્વ કરે છે. સચિન બહુ ડિસ્ટન્સ રાખીને વર્તતો હતો એટલે એક તબક્કે તો બર્મનદાએ તેને પૂછી પણ લીધું કે તું મારાથી ડરે છે.
‘હા પંચમદા...’

‘અરે, ડર મત...’ પંચમદાએ તરત જ કહ્યું, ‘મૈં તુઝે કભી ડાંટ નહીં સકતા, કભી ગાલી નહીં દે સકતા, પૂછ ક્યૂં?’
સચિને બહુ સંકોચ સાથે પંચમદા સામે જોયું.
‘ક્યૂં?’
‘ક્યૂંકિ તુમ્હારા નામ મેરે પિતાજી કા નામ હૈ...’

પંચમદા એકદમ પ્રામાણિકતાથી હસી પડ્યા અને સચિનને પણ એ જ સમયે યાદ આવ્યું કે હા રે, સાચી વાત. પોતાનું અને સચિન બર્મનનું નામ એક છે! એ દિવસે સચિનને રિયલાઇઝ થયું કે તેના પપ્પા સચિન દેવ બર્મનના બહુ મોટા ફૅન હતા એટલે તેમણે દીકરાનું નામ સચિન રાખ્યું હતું. 
એ દિવસે વાતો કરતાં-કરતાં જ પંચમદાએ હાર્મોનિયમ ખોલ્યું અને એમાં કોઈ સૂર લેવાનું ચાલુ કર્યું એટલે સચિન બોલતો અટકી ગયો, પણ પંચમદાએ તેને કહ્યું કે તું વાતો કરતો રહે. સચિને કહ્યું કે ‘સર, તમે મ્યુઝિક કરો છો ત્યારે હું...’

‘મૈં અપના કામ કર રહા હૂં... તૂ તેરા કામ ચાલુ રખ...’ સામે જોયા વિના જ પંચમદાએ કહ્યું, ‘તું વાત કરતો રહે...’
કોઈ આમ જ કહે કે તું બોલતો રહે તો તમે શું વાત કરો, પણ સચિને સરસ દિમાગ વાપર્યું. તેણે તરત જ આર. ડી. બર્મનના મ્યુઝિકની વાતો કરવા માંડી અને વચ્ચે-વચ્ચે જ્યાં એવું લાગે કે તે ગીત ગાઈ શકે છે તો તેણે બર્મનદાએ કમ્પોઝ કરેલાં ગીતો પણ ગાયાં. ‘મૉનિકા ઓ માય ડાર્લિંગ...’ સૉન્ગ સચિન ગાતો હતો એ વખતે ચાલુ વાતે જ બર્મનદાએ તેને અટકાવી દીધો અને કહ્યુંઃ ‘રુક...’

પછી તરત જ તેમણે પાસે પડેલા ટેપરેકૉર્ડરમાં પોતે બનાવેલી ટ્યુન રેકૉર્ડ કરી. એ જે ટ્યુન બની હતી એ સૉન્ગ હતું, 

બડે અચ્છે લગતે હૈં,
યે ધરતી, યે નદિયાં
યે રૈના, ઔર તુમ...

સચિન પાસે વાતો કરાવીને બર્મનદા એ ઑબ્ઝર્વ કરતા હતા કે સચિન સરગમની કઈ રિધમ પર વધારે ફોકસ કરી બેસે છે!

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2023 05:28 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK