Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તો ‘આખરી ખત’માં રાજેશ ખન્નાની જગ્યાએ લીડ ઍક્ટર ભૂપિન્દર સિંહ હોત

તો ‘આખરી ખત’માં રાજેશ ખન્નાની જગ્યાએ લીડ ઍક્ટર ભૂપિન્દર સિંહ હોત

Published : 23 June, 2023 05:28 PM | IST | Mumbai
RJ Dhvanit Thaker

‘હકીકત’ પછી ચેતન આનંદે નવી ફિલ્મનું કામ શરૂ કર્યું અને જેવી સ્ક્રિપ્ટ તૈયાર થઈ કે તરત તેમણે મદન મોહનને કહીને ભૂપિન્દર સિંહને મળવા બોલાવ્યા

‘આખરી ખત’માં ભૂપિન્દરે એક નાનકડો રોલ તો કરવો જ પડ્યો.

કાનસેન કનેક્શન

‘આખરી ખત’માં ભૂપિન્દરે એક નાનકડો રોલ તો કરવો જ પડ્યો.


 ગઝલક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન પ્રદાન કર્યા પછી પણ ભૂપિન્દર સિંહે સ્વીકાર્યું કે તેમણે ચેતન આનંદ જેવા સિનિયર ડિરેક્ટરની વાતને અવગણવાની જરૂર નહોતી, તેમની વાત માનવાની જરૂર હતી અને સ્વીકારવાની જરૂર હતી કે વધુમાં વધુ હું ફેલ થઈશ, પણ હું જડ થઈને બેસી રહ્યો.


આપણે વાત કરીએ છીએ ગઝલ-શહેનશાહ ભૂપિન્દર સિંહ અને તેમને મળેલી પહેલી ફિલ્મ ‘હકીકત’ની. કહ્યું એમ, ફિલ્મના ડિરેક્ટર ભૂપિન્દરના એવા પ્રેમમાં પડ્યા હતા કે તેઓ તેમની પાસે રોલ કરાવવા જ માગતા હતા, પણ ભૂપિન્દરને ઍક્ટિંગમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં એટલે તેઓ હા પાડે નહીં અને ફાઇનલી, એક નાનકડા કેમિયો માટે તેઓ તૈયાર થયા. હા, એક વાત કહેવાની. આ કેમિયોનું ફૉર્મ તો હવે આવ્યું છે, સાઠના દસકામાં એવી કોઈ પ્રથા હતી નહીં, પણ ભૂપિન્દર સિંહ એક નાનકડા રોલ માટે માની ગયા અને એની પાછળ પણ તેમનો પ્રામાણિક સ્વાર્થ હતો કે તેમને સૉન્ગ ગાવા મળે અને ચેતન આનંદે બોલેલું પાળ્યું પણ ખરું.
સૉન્ગ ‘હોકે મજબૂર મુઝે ઉસને ભુલાયા હોગા...’ ભૂપિન્દરને મોહમ્મદ રફી, મન્ના ડે અને તલત મેહમૂદ જેવા દિગ્ગજો સાથે ગાવા મળ્યું અને મદન મોહનનું સંગીતબદ્ધ સૉન્ગ જબરદસ્ત હિટ પણ રહ્યું. જોકે વાત અહીં પૂરી નથી થતી. વાત તો હજી પણ આગળ છે અને એ આગળની વાતને લીધે જ ભૂપિન્દર સિંહને જીવનભર આ આખી ઘટના માટે અફસોસ રહ્યો, જે તેમણે પોતે જ કહ્યો. 
બન્યું એવું કે ‘હકીકત’ રિલીઝ થઈ અને સુપરહિટ પણ થઈ. ‘હકીકત’માં રોલ કરવાથી બચવા માટે ભૂપિન્દર સિંહે એવો જવાબ આપી દીધો હતો કે ભવિષ્યમાં એવું હશે તો હું ચેતન આનંદની ફિલ્મમાં મોટો રોલ કરીશ. ભૂપિન્દર પણ એ ભૂલી ગયા અને મદન મોહન પણ ભૂલી ગયા. સમય પસાર થતો ગયો અને મોહમ્મદ રફીને કારણે ભૂપિન્દરને નાનું-મોટું કામ પણ મળવા માંડ્યું. સમય પસાર થતો ગયો અને ભૂપિન્દર પોતાની રીતે કામ શોધતા રહ્યા, કરતા રહ્યા.
વર્ષ આવ્યું ૧૯૬પનું. ‘હકીકત’ રિલીઝ થયાને એક વર્ષ થઈ ગયું હતું અને ચેતન આનંદે નવી ફિલ્મ લખી લીધી હતી, જેને તેઓ એક નવા હીરો સાથે ફ્લોર પર લઈ જવા માગતા હતા. ચેતન આનંદના મનમાં હીરો તો તૈયાર જ હતો એટલે તેમણે તરત જ મદન મોહનને ફોન કરીને કહ્યું કે ભૂપિન્દરને કૉન્ટૅક્ટ કરીને કહો કે મને મળે. બીજા દિવસે ચેતન આનંદની ઑફિસે ભૂપિન્દર પહોંચી ગયા અને ચેતન આનંદે તો કોઈ પૂર્વભૂમિકા બાંધ્યા વિના તેમને સ્ટોરી સંભળાવવાનું શરૂ કર્યું. થોડી જ ક્ષણોમાં ભૂપિન્દર સમજી ગયા કે વાત ફરી ઍક્ટિંગની જ છે. તેમણે ચેતન આનંદને અધવચ્ચે અટકાવ્યા અને કહ્યું, ‘પ્લીઝ, મારે ઍક્ટિંગ નથી કરવી. તમે મને ગાયકી માટે કંઈ કામ હોય તો સોંપો...’ પણ ચેતન આનંદ માને નહીં અને આ ઘટનાક્રમ ચાલ્યો ઑલમોસ્ટ ૬ મહિના. હા, ૬ મહિના સુધી ચેતન આનંદ ભૂપિન્દરની પાછળ પડેલા રહ્યા અને ભૂપિન્દર એવા કંટાળી ગયા કે તેઓ કોઈને કહ્યા વિના ફરી પાછા દિલ્હી ચાલ્યા ગયા, ચાલ્યા ગયા ન કહેવાય, રીતસર ભાગી ગયા!
થોડા સમય પછી ચેતન આનંદને ખબર પડી કે ભૂપિન્દરે મુંબઈ છોડી દીધું અને પ્રોડક્શન કંપની ફિલ્મ ચાલુ કરવાની ઉતાવળમાં હતી એટલે નાછૂટકે ડિરેક્ટરે ફિલ્મમાં એક નવો હીરો કાસ્ટ કર્યો, જે થિયેટર આર્ટિસ્ટ હતો. એ હીરો એટલે રાજેશ ખન્ના અને ફિલ્મ હતી, ‘આખરી ખત.’ 
ફિલ્મનું કામ શરૂ થઈ ગયું અને ચેતન આનંદે મદન મોહનને કહ્યું કે ‘તારા પેલા સિંગરને જો મારી આ ફિલ્મમાં ગાવું હોય તો તેને કહે કે મને રૂબરૂ મળવા આવે.’ એક આડવાત કહેવાની. ‘આખરી ખત’નું મ્યુઝિક ખૈયામસાહેબનું હતું, પણ એ સમયની સ્પર્ધા એટલી હેલ્ધી હતી કે એકબીજાને હેલ્પ કરવામાં કોઈને સહેજ પણ ઇનસિક્યૉરિટી નહોતી લાગતી અને એનું કારણ પણ છે. એ સમયના એકેએક કલાકાર-ટેક્નિશ્યન ભારોભાર ટૅલન્ટથી ભરેલા હતા. તેમને કામ માટે ક્યાંય હાથ ફેલાવવા નહોતા પડતા કે બટર-પૉલિશ પણ નહોતું કરવું પડતું.
મદન મોહને ભૂપિન્દરને દિલ્હી કૉન્ટૅક્ટ કરીને રાહતના સમાચાર આપ્યા કે ‘ચેતનજીએ નવા ઍક્ટર સાથે ફિલ્મ ફાઇનલ કરી નાખી છે એટલે હવે એ રોલ માટે પ્રેશર નહીં કરે, પણ જો તારે ગીત ગાવું હોય તો તેમને એક વાર રૂબરૂ મળવું પડશે.’ ભૂપિન્દરને એમાં કોઈ ફરક નહોતો પડતો. બીજા જ વીકે તેઓ મુંબઈ આવી ગયા અને ચેતન આનંદની સામે બેસી ગયા. ચેતન આનંદે નવો ગૂગલી ફેંક્યો. કહ્યું કે ‘ફિલ્મમાં એક સૉન્ગ છે, પણ એ સૉન્ગ હોટેલમાં છે, જ્યાં સિંગર વાયોલિન વગાડતાં ગીત ગાય છે. મારી પાસે એ સિંગર દેખાડવા માટે કોઈ ઍક્ટર નથી, જો તું એ રોલ કરી લેતો હોય તો તને આ સૉન્ગ આપી દઉં.’
ભૂપિન્દર સિંહ પાસે ‘હા’ પાડ્યા સિવાય કોઈ રસ્તો નહોતો અને તેમણે હા પાડી દીધી. ચેતન આનંદ ખુશ. તેમણે એક જ વીકમાં ખૈયામસાહેબ પાસે સૉન્ગ પણ રેકૉર્ડ કરાવી લીધું અને નેક્સ્ટ વીક આ જ સૉન્ગથી શૂટ પણ શરૂ કર્યું. સમય પસાર થતો ગયો અને ધીમે-ધીમે ભૂપિન્દરને સમજાવાનું શરૂ થયું કે તેમને મળેલી તક, ગોલ્ડન ઑપોર્ચ્યુનિટી તેઓ ગુમાવી ચૂક્યા છે. ભૂપિન્દર સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ ખરું કે ‘એ સમયે હું ઍક્ટિંગને એટલું ઇમ્પોર્ટન્સ નહોતો આપતો. યંગ હતો, અનુભવોનો અભાવ હતો, સમજણ પણ ઓછી હતી. મારા પિતાજી મ્યુઝિશ્યન હતા એટલે હું મ્યુઝિક જ શીખ્યો હતો અને એને જ સર્વસ્વ માનતો હતો, પણ એ મારી ભૂલ હતી અને કાં તો મારી અણસમજ હતી કે મેં મારા કામને જ પ્રાધાન્ય આપવાની કોશિશ કરી અને હું એને જ વળગી રહ્યો. હું સારો ઍક્ટર બની શકું એવું મેં ક્યારેય મનોમન પણ મારી જાતને સમજાવ્યું નહીં અને એટલે ચેતન આનંદ જેવા ગ્રેટ ડિરેક્ટરના આટલા આગ્રહ પછી પણ હું તેમની વાતને જડોની જેમ અવગણતો રહ્યો.’
ગઝલક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન પ્રદાન કર્યા પછી પણ ભૂપિન્દર સિંહે સ્વીકાર્યું કે તેમણે ચેતન આનંદ જેવા સિનિયર ડિરેક્ટરની વાતને સાવ જ અવગણવાની જરૂર નહોતી, તેમની વાત માનવાની જરૂર હતી અને એ સ્વીકારવાની જરૂર હતી કે વધુમાં વધુ હું ફેલ થઈશ અને ફેલ થઈશ તો પણ મારી ગાયકી તો મારી પાસે જ રહેવાની છે, પણ હું જડ થઈને બેસી રહ્યો. સામેથી ઑફર આવે, એક નહીં, અનેક વાર અને એ પછી પણ હું કશું સમજી ન શક્યો. આ મારા જીવનની મહત્ત્વની કેટલીક ભૂલો પૈકીની એક ભૂલ હતી. મને આ ભૂલ માટે આજે પણ અફસોસ છે.
અફસોસ.
શબ્દ માત્ર ચાર અક્ષરનો છે, પણ એનું વજન બહુ વધારે છે અને જેમ-જેમ સમય પસાર થતો જાય એમ આ શબ્દનું વજન વધતું જાય છે. ભૂપિન્દર જેવા દિગ્ગજ સ્તરના કલાકાર, જેમણે જીવનમાં જબરદસ્ત સફળતા પણ જોઈ અને એ પછી પણ જો તેમને આ વાતનો અફસોસ રહેતો હોય તો હું કહીશ કે આપણે બધા તો ઘણા તુચ્છ છીએ. અફસોસ કરવા કરતાં ભૂલ કરવી સારી અને જો જીવનમાં ક્યાંય પણ એવું લાગે તો ભૂલ કરજો, પણ જીવનના અંતિમ ચરણમાં અફસોસ કરવો પડે એવી નોબત આવવા ન દેતા.
ભૂપિન્દર સિંહ પહેલાં સિંગર મુકેશને પણ ઍક્ટિંગની ઑફર આવી હતી, પણ તેઓ સફળ રહ્યા નહીં તો તેની સામે કિશોરકુમાર પણ હતા, જેમણે ગાયકી અને ઍક્ટિંગ એમ બન્ને ફીલ્ડમાં ગજબનાક સક્સેસ મેળવી. બને કે તમે પણ બબ્બે ક્ષેત્રમાં એવી જ ચમક મેળવવાની લાયકાત ધરાવતા હો...
ફરી એક વાર કહીશ, ભવિષ્યના અફસોસ કરતાં વર્તમાનની ભૂલ સારી.



(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2023 05:28 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK