Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વાઇફ વાત ન કરે તો પરવા ન હોય અને વાઇફાઇ કામ ન કરે તો મૂંઝવણ થતી હોય

વાઇફ વાત ન કરે તો પરવા ન હોય અને વાઇફાઇ કામ ન કરે તો મૂંઝવણ થતી હોય

Published : 16 December, 2022 05:53 PM | IST | Mumbai
RJ Dhvanit Thaker

આ તે કેવો સમય છે, ક્યારેક થાય કે આ સમય કરતાં તો ૫૦-૧૦૦ વર્ષ પહેલાં જન્મ્યા હોત તો વધારે સરળ અને સાદગીભરી જિંદગી જીવવા મળી હોત; એવી જિંદગી મળી હોત, જેમાં અસુવિધા અઢળક હોત, પણ અસ્તિત્વનો અર્થ શોધવાની તાલાવેલી પણ બેસુમાર હોત

પ્રતીકાત્મક તસવીર

કાનસેન કનેક્શન

પ્રતીકાત્મક તસવીર


બાળકોને વાર્તા કહેવામાં દાદા-દાદીની જીભ થાકતી નહીં, પણ હવે એ જ દાદા-દાદી માટે ઘરમાં સ્થાન નથી. બાળકો આયા પાસે રહે છે અને મેઇડ-આયા તેમને મોબાઇલ પર ઍનિમેશન ફિલ્મો દેખાડે છે. પેપાપિગ જોઈને આ બચ્ચાંઓ પપ્પાને પણ પિગ માને છે અને મમ્મીને પણ પિગ માને છે.


તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે ખોટા ટાઇમે જન્મ્યા છો? 



મને મારા એક ફ્રેન્ડે કહ્યું કે ‘ધ્વનિત, તારે સિક્સ્ટીઝમાં જન્મવાનું હતું, તેં ખોટા સમયે જન્મ લીધો છે’ અને સાચું કહું, મને તેની વાત સાચી પણ લાગી. 


સિક્સ્ટીઝ. ૬૦નો દસકો. કેવો હતો એ આખો સમયગાળો.

એ સમયે સાદગી હતી અને મને સાદગી બહુ ગમે. સાદગી પણ ગમે અને સુવિધાઓની ભરમારથી થોડો ત્રાસ પણ છૂટે. સુવિધા સારી, પણ સુવિધાની આડમાં આવતી કૃત્રિમતા મને કનડે. આડંબર પણ મને ત્રાસ આપે. ઓછી સગવડ હંમેશાં માણસને માણસ સાથે જોડી રાખવાનું કામ કરે. આ એ સમય હતો જ્યારે બધા પાસે પૂરતો સમય હતો. રેડિયોની દુનિયા હતી અને રેડિયો પણ આજ જેવો નહોતો કે આખો દિવસ વાગ્યા જ કરે. એનો પણ એક સમય હતો અને એ સમય પૂરો થાય એટલે રેડિયોએ ખામોશ થઈ જવાનું. ખામોશ પણ થવાનું અને બંધ પણ રહેવાનું. ટીવી તો હતાં જ નહીં અને આજ જેટલાં થિયેટરો પણ નહીં એટલે એ રીતે પણ તમારી પાસે કશું કરવાનું હોય નહીં અને જ્યારે કંઈ કરવાનું હોતું નથી ત્યારે જ ઘણું બધું કરવા જેવું થઈ શકતું હોય છે.


માણસ પોતાની જાત સાથે એકલો રહી શકે અને માણસ પોતાને માટે સમય ફાળવી શકે. પરિવાર સાથે રહી શકે અને પરિવારજનો સાથે વાતો કરી શકે. આજે ક્યાં છે એ દુનિયા. આજે તો દરેક પોતાનામાં બિઝી છે. હાથમાં મોબાઇલ આવી ગયો છે અને મોબાઇલે સૌકોઈને એકબીજાથી દૂર કરી દીધા છે. સમયનું હવે મહત્ત્વ નથી રહ્યું. મહત્ત્વ પણ નથી રહ્યું અને સમય પસાર કરવાની પહેલાં જે ભાવના હતી એ ભાવના પણ હવે રહી નથી. પહેલાં સાંજ પડ્યે નવરાશ મળતી તો લોકો એકબીજાને મળવા જતા, પણ હવે આ મોબાઇલને કારણે મળવાનું ઓછું થઈ ગયું છે. હું કહીશ કે મોબાઇલે દુનિયાને નજીક લાવવાનું કામ કર્યું, પણ આ જ મોબાઇલે તમારી દુનિયાને દૂર ધકેલી દેવાનું પાપ પણ કર્યું.

સાઠના દસકામાં એવું કશું નહોતું. માણસને જોઈને માણસ હરખાતો. એ સમયે કપડાં નહીં, માણસનો કલર જોવાતો. એ સમયે પૈસા નહીં, માણસનો પ્રેમ જોવાતો અને એ જ એ સમયની બ્યુટી હતી.

આ વાત કરતાં-કરતાં જ મને થાય છે કે ૬૦-૭૦ના દસકા પહેલાં, થોડી સદીઓ પહેલાંનું જીવન આપણને મળ્યું હોત તો? એ જીવન આપણે જીવ્યા હોત તો?

આધુનિકતા નહોતી એ સમયમાં, પણ એ સમયમાં સરળતા હતી. અજ્ઞાતતા અઢળક હતી, છતાં માણસમાં રહેલો અદ્ભુત ભાવ અકબંધ હતો. પૃથ્વી ગોળ છે એ પણ કદાચ એ સમયે ખબર નહોતી અને પૃથ્વીના આકારની વાત તો ઠીક, પૃથ્વી કેવડી મોટી છે એના વિશે પણ માહિતી નહોતી. આપણા સિવાય બીજા કોઈ દેશો છે કે નહીં એની પણ જાણકારી નહોતી અને એનો જવાબ આપનારું પણ કોઈ નહોતું. આજે ગૂગલ છે, જેની પાસે બધા જવાબ છે અને એટલે જ મનમાં જિજ્ઞાસા નથી પણ ત્યારે, સદીઓ પહેલાં, મનમાં જિજ્ઞાસા સતત ઝળકતી હતી.

જાણતા હતા કે આ દુનિયા મુઠ્ઠીમાં સમાય એવડી નથી, એ વિશાળ છે. સૃષ્ટિ અગાઢ અને અમાપ છે, પણ આપણે અજ્ઞાત છીએ. આટલીઅમસ્તી જાણકારી સાથે જીવનને પ્રકાશમય બનાવવાના પ્રયાસો દિલથી થતા હતા. કલાકમાં દિલ્હી ઉતારી દે એવાં પ્લેન નહોતાં અને ઘરની બહાર નીકળી કિક મારીને તરત જ રવાના થઈ જવાય એવી બાઇક પણ નહોતી. અરે, એવાં વાહનોનો વિચાર સુધ્ધાં નહોતો આવ્યો. પૈડું શોધાયું હતું અને એટલે જ એના આધારે ગાડાં બન્યાં હશે એવું માની શકાય. પાણી પર તરતા લાકડાને જોઈને હોડીનો વિચાર પણ આવી ગયો હતો, પણ મોટા ભાગે ઘોડા પર જવાનું કે પગપાળા માર્ગ કાપવામાં આવતો. સગવડનો અભાવ હતો અને સુવિધાઓ સપનામાં પણ વિચારી નહોતી શકાતી, પણ એમ છતાં જીવનનું રહસ્ય જાણવાની તાલાવેલી ગજબનાક હતી અને હવે, હવે સગવડોમાં જ એટલા રચ્યાપચ્યા રહીએ છીએ, સુખદુઃખમાં જ એટલા રચ્યાપચ્યા રહીએ છીએ કે જીવનનાં ખરાં રહસ્યો ઉકેલવાનો અવકાશ રહેતો નથી. આજે જીવન છે, પણ ધારા નથી. આજે વિચાર છે, પણ વૈવિધ્ય નથી. જીવવું છે, પણ જીવવા માટેનો ઉત્સાહ નથી. હવે અગવડનું નામ દુઃખ છે અને સગવડને સુખ માનવામાં આવે છે. હવે સુવિધા સુખ છે અને તકલીફો દુઃખ છે. વાઇફ સાથે પ્રૉબ્લેમ થાય તો હસબન્ડને હવે પરવા નથી, પણ વાઇફાઇ કામ બરાબર ન કરે તો એ આકુળવ્યાકુળ થઈ જાય છે. સંતાનો પ્રત્યે આંખો ખોલીને જોવાનો સમય નથી, પણ આઇપૅડ વિના તેને ચાલતું નથી. ભારોભાર કૃત્રિમતા હવે જીવન છે અને માણસનું જીવન હવે આર્ટિફિશ્યલ ફ્લાવર જેવું થઈ ગયું છે.
પહેલાં ઘરમાં ઊગતાં ફૂલોને હવે ઘરમાં સ્થાન નથી. દાદા-દાદી પાસે વાર્તા સાંભળતાં બાળકોને વાર્તા કહેવા માટે દાદા-દાદીની જીભ રીતસર ઉછાળા મારતી, પણ હવે, હવે જીભ એ જ છે, પણ દાદા-દાદી માટે ઘરમાં સ્થાન નથી. હવે બાળકો મેઇડ અને આયા પાસે રહે છે અને મેઇડ-આયા તેમને મોબાઇલ પર ઍનિમેશન ફિલ્મો દેખાડે છે. પેપાપિગ જોઈને આ બચ્ચાંઓ પપ્પાને પણ પિગ માને છે અને મમ્મીને પણ પિગ માને છે. તમે જુઓ તો ખરા, એક સમય હતો જ્યારે આપણને પિગની ઍલર્જી રહેતી. ઘરની આજુબાજુ પણ જો પિગ આવી ગયું હોય તો તરત જ આપણે મ્યુનિસિપાલિટીને જાણ કરી દેતા અને હવે એ જ પિગ, વાર્તા બનીને ઘરમાં ગોઠવાઈ ગયાં છે અને બચ્ચાંઓ પપ્પાને પેપાપિગ કહે છે ત્યારે પપ્પા રાજી થાય છે!

આ પણ વાંચો : યે કૌન કહ રહા હૈ, તૂ આજ પ્યાર કર લે જો કભી ભી ખત્મ ના હો, વો એતબાર કર લે

કાશ, આપણે થોડા મોડા જન્મ્યા હોત તો આ જોવાનો વારો ન આવ્યો હોત અને કાશ, આપણે થોડા મોડા જન્મ્યા હોત તો એ સમય માણવાનો પણ મોકો મળ્યો હોત. એ સમયે અસ્તિત્વનો અર્થ મેળવવાનો પ્રયાસ થતો અને આજે, આજે અસ્તિત્વને ટકાવી રાખવા માટે મળેલા માનવઅવતારને ગર્દભ બનાવીને દોડાવવામાં આવે છે. મૂકવામાં આવેલી આ જ દોટ ક્યાંક ને ક્યાંક એ તમામ સંશોધનોને ભાંડવાનું કામ કરે છે જે સંશોધનો એવા જ ભાવ સાથે થયાં હતાં, લોકોનું જીવન વધારે સરળ બનશે.

આજની વાત પૂરી કરતાં પહેલાં કહેવાનું મન થાય છે કે જ્યારે સુવિધાઓના કાયમી ઇલાજ પર સંશોધન થતાં હશે ત્યારે એ સંશોધનકર્તાઓએ પણ વિચાર્યું નહીં હોય કે માણસ પોતાનો પાછળનો સમય કાયમ માટે જીવનમાંથી કાઢી નાખશે. જો કદાચ તેણે એ વિચાર્યું હોત, એવી ધારણા માંડી હોત તો કદાચ, કદાચ, તેણે પણ એ સંશોધનો પર કામ ન કર્યું હોત, જેણે માણસના જીવનમાંથી અસ્તિત્વનો સાર જ ખેંચી લીધો હોય.

બહુ નસીબદાર હોય છે એ લોકો જેમને પોતાના કામ દ્વારા આ અસ્તિત્વનો અર્થ ઉકેલવાની તક મળે છે. લેખકો, કવિઓ બહુ ફૉર્ચ્યુનેટ છે આ બાબતે, તેઓ સતત ઇન્વૉલ્વ થયા જ કરે અને જો આર્ટિસ્ટ પોતાની શૈલી કે પછી એના મળતા પ્રતિસાદમાં રચ્યોપચ્યો ન રહે તો તો કલમ જ, કળા જ તેમને મોક્ષ અપાવે. અદ્ભુત સર્જન કરતા લેખક, કવિ કે કલાકારોથી મને સહેજ ઈર્ષ્યા થાય અને અફસોસ પણ થાય કે કુદરતે મારી પાસે કેમ આ સર્જન ન કરાવ્યું. જોકે એ ઘડી બે ઘડી જેવી વાત હોય અને એ પછી તો હું એ સર્જનને પેટ ભરીને માણું અને એ માણવા મળ્યું એને માટે કુદરતનો આભાર પણ માનું.

આ પણ વાંચો : આ જા મેરી સાંસોં મેં મહક રહા રે તેરા ગજરા આ જા મેરી રાતોં મેં લહક રહા હૈ તેરા કજરા

જો મને કોઈની ઈર્ષ્યા થાય, અત્યારે, આજે, આ લખતી વખતે મને કોઈની ઈર્ષ્યા થતી હોય તો એ કૌશર મુનિર છે. શું કામ અને તેમના કયા સર્જનને કારણે મારા મનમાં આ પ્રેમસભર ઈર્ષ્યા છે એની વાત કરીશું આપણે આવતા શુક્રવારે...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2022 05:53 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK