ફિલ્મ ‘અનવર’નું જાવેદા ઝિંદગીથી પણ વધારે જો કોઈ ગીત પૉપ્યુલર થયું હોય તો એ મૌલા મેરે મૌલા... હતું. સઈદ કાદરીએ લખેલા એ ગીતમાં સાદગી હતી અને એ પછી પણ એમાં ભારોભાર ઊંડાણ હતું
કાનસેન કનેક્શન
રખ લૂં છૂપા કે મૈં કહીં તુઝકો, સાયા ભી તેરા ના મૈં દૂં રખ લૂં બના કે કહીં ઘર મૈં તુઝે, સાથ તેરે મૈં હી રહૂં...
આપણે ત્યાં બહુ ઓછા ગીતકારોને લાઇમલાઇટ મળી છે, જેને કારણે ગણ્યાગાંઠ્યા ગીતકારનાં નામ સામાન્ય લોકો સુધી પહોંચ્યાં. સઈદ કાદરી પણ એવા જ ગીતકાર જેને બહુ ઓછા ઓળખે છે, પણ તેમણે એકથી એક ચડિયાતાં અને અદ્ભુત ગીતો આપ્યાં.
આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘અનવર’ અને એના જાવેદા ઝિંદગી ગીતની...
ADVERTISEMENT
મનીષ ઝાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ રોમૅન્ટિક-થ્રીલર હતી. ફિલ્મનો હીરો સિદ્ધાર્થ કોઇરાલા હતો. સિદ્ધાર્થ એટલે એક સમયની સ્ટાર મનીષા કોઇરાલાનો નાનો ભાઈ. સિદ્ધાર્થે બૉલીવુડમાં એન્ટ્રી પ્રોડ્યુસર તરીકે કરી હતી અને બહેનને લઈને ‘પૈસા વસૂલ’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં મનીષા કોઇરાલાની સાથે સુસ્મિતા સેન પણ હતી. મનીષા કોઇરાલાના કારણે જ તેને ફિલ્મોમાં બ્રેક મળ્યો અને બેચાર ફિલ્મો પછી તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી. સિદ્ધાર્થે કરેલી એ ફિલ્મોમાં જો કોઈ સૌથી યાદગાર ફિલ્મ હોય તો એ આ ‘અનવર’. સિદ્ધાર્થનો આમાં લીડ રોલ હતો. અનવરનું કૅરૅક્ટર કરતાં સિદ્ધાર્થની સામે મહેરુના રોલમાં નૌહિદ સાઇરસી હતી. નૌહિદની કરીઅર પણ બહુ નાની રહી પણ એક સમય હતો કે નૌહિદને સાઇન કરવા માટે મોટા-મોટા પ્રોડ્યુસરો રેડી હતા પણ સિલેક્ટેડ ફિલ્મો કરવાની તેની ઇચ્છાના કારણે નૌહિદ જૂજ ફિલ્મ સાઇન કરતી અને એ ફિલ્મો ફ્લૉપ જતાં ધીમે-ધીમે તેનું માર્કેટ ખતમ થઈ ગયું.
‘અનવર’ની સ્ટોરી યુનિક છે. અનવર લખનઉમાં રહે છે અને ભારતીય પુરાતન સાથે સંકળાયેલાં મંદિરો પર રિસર્ચ કરે છે. અનવરની અમ્મી તેના વિશાળ ઘરમાંથી એક રૂમ મહેરુને રેન્ટ પર આપે છે. મહેરુ વિધવા છે. મહેરુના પ્રેમમાં અનવર પડે છે પણ મહેરુને ઇન્ડિયામાં રહેવું નથી. આપણા દેશની એકધારી સ્ટ્રગલ અને પોતાની ગરીબાઈથી ત્રાસી ગયેલી મહેરુ અમેરિકા સેટલ થવા માગે છે. અનવર જીવનમાં ક્યારેય મહેરુને લઈને અમેરિકા સેટલ થઈ શકે એમ નથી એ વાસ્તવિકતા પોતે તો જાણે છે પણ સાથોસાથ તે એક વાર એ બધી વાત મહેરુને કહી પણ દે છે. આ જ ગાળામાં મહેરુ ઉદિત નામના એક એવા એન્જિનિયરના પ્રેમમાં પડે છે જે હવે અમેરિકા સેટલ થવાની તૈયારી કરે છે.
અહીં દેખીતી રીતે એવું લાગે કે આ પ્રણય-ત્રિકોણ બને છે, પણ ના, આગળ જતાં એક એવો મોટો ટર્ન આવે છે જે સ્ટોરીને સાવ નવી દિશામાં લઈ જાય છે.
અનવર ઉદિતને ચેતવે છે કે મહેરુ અને તેનો ધર્મ અલગ હોવાથી આ મૅરેજ શક્ય નહીં બને, પણ ઉદિત માનવા રાજી નથી. અનવર મહેરુને પણ વિનંતી કરે છે કે એ મહેરુ વિના જીવી નહીં શકે. મહેરુને પણ તે સમજાવે છે કે હિન્દુ-મુસ્લિમની આ રિલેશનશિપ કોઈ નહીં સ્વીકારે, પણ મહેરુ હવે ઉદિતને છોડવા રાજી નથી અને એક દિવસ એ બન્ને ભાગી જાય છે. અચાનક દીકરી ગુમ થઈ જતાં મહેરુના ઘરે દેકારો મચી જાય છે. મહેરુની અમ્મી માથા પછાડી-પછાડીને રડે છે, જે નહીં જોવાતાં અનવર કહી દે છે કે મહેરુ ઉદિત સાથે ભાગી છે. બન્ને મૅરેજ કરવાનાં છે. પણ આ વાત ઑર્થોડોક્સ મુસ્લિમ ફૅમિલી સ્વીકારી શકતું નથી. મહેરુનાં સગાંવહાલાંઓ ઉદિતને શોધી મહેરુને ઘરે પાછી લાવે છે અને ઉદિતને મારી નાખે છે.
ઉદિતના મોતની ખબર પડ્યા પછી મહેરુ પણ સુસાઇડ કરી લે છે. રાજકારણીઓ પણ આ આખી વાતમાં પોતપોતાના રોટલા શેકે છે. અનવર નક્કી કરે છે કે તે સાચી વાત બહાર લાવશે, પોતાની ભૂલ સુધારશે અને ઉદિત-મહેરુના પ્રેમને સાચી રીતે સૌની સામે લાવશે, જેની ખબર પડતાં રાજકીય રોટલા શેકનારાઓ હવે અનવરને મારવા માટે નીકળે છે. અનવર ઘરેથી ભાગીને એક હિન્દુ મંદિરમાં આશરો લે છે, જેને ઘેરી લેવામાં આવે છે. મીડિયા પણ હાજર થઈ ગયું છે અને અનવરને બધાની હાજરીમાં આતંકવાદી જાહેર કરી પોલીસ તેને મારી નાખે છે. ફિલ્મના ક્લાઇમૅક્સમાં મરતા અનવરને આંખ સામે કૃષ્ણ અને મીરા દેખાય છે અને તે એ બન્નેના અમાપ પ્રેમ અને ભક્તિને જોતાં અંતિમ શ્વાસ લે છે.
આ પણ વાંચો : મેરી સાંસોં મેં મહક રહા રે તેરા ગજરા આ જા મેરી રાતોં મેં લહક રહા હૈ તેરા કજરા
ફિલ્મ ‘અનવર’નું જાવેદા ઝિંદગી... ગીત ઉપરાંત મૌલા મેરે મૌલા... ગીત પણ બહુ પૉપ્યુલર થયું હતું. હું તો કહીશ આ ગીત જાવેદા ઝિંદગી... કરતાં પણ વધારે હિટ રહ્યું હતું.
આંખેં તેરી કિતની હસીં
કે ઇનકા આશિક મૈં બન ગયા હૂં
મુઝ કો બસા લે ઇનમેં તૂ...
આ ગીત સઈદ કાદરીએ લખ્યું અને રૂપકુમાર રાઠોડે ગાયું. રૂપકુમારે બૉલીવુડમાં બહુ ઓછું કામ કર્યું પણ તેમણે જે કામ કર્યું એ અદ્ભુત સ્તર પર જ કર્યું એ તો તેના હરીફ સુધ્ધાં સ્વીકારશે.
સઈદ કાદરીના લિરિક્સમાં સાદગી છે, પણ એ સાદગીમાં એક ઊંડાઈ છે જે સાંભળતી વખતે સ્પર્શ થયા વિના રહેતી નથી.
રખ લૂં છૂપા કે મૈં કહીં તુઝકો
સાયા ભી તેરા ના મૈં દૂં
રખ લૂં બના કે કહીં ઘર મૈં તુઝે
સાથ તેરે મૈં હી રહૂં...
ઝુલ્ફેં તેરી ઇતની ઘની
દેખ કે ઇન કો યે સોચતા હૂં
સાયે મેં ઇન કે મૈં જિયૂં...
આપણે ત્યાં બહુ ઓછા ગીતકારોને લાઇમલાઇટ મળી છે, જેને કારણે ગણ્યાગાંઠ્યા ગીતકારનાં નામ સામાન્ય લોકો સુધી પહોંચ્યાં. સઈદ કાદરી પણ એવા જ ગીતકાર જેને બહુ ઓછા ઓળખે છે, પણ તમે તેમનું કામ જુઓ તો તમારી આંખો ચાર થઈ જાય. એકથી એક ચડિયાતા અને એકથી એક અદ્ભુત ગીતો તેમણે આપ્યાં. કાદરીસાહેબની એક ખાસ વાત કહું. તેમનાં ગીતોમાં તે સાદગી અકબંધ રાખતા અને એ સાદગીના કારણે જ એવું બનતું કે તેમના લિરિક્સ લોકોના હોઠ પર ચડી જતા. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એ ગીતો એવાં તે પૉપ્યુલર થઈ ગયાં હોય કે એ ફિલ્મને સુપરહિટ બનાવી દે. આજે ક્યાં એવાં ગીતો બને છે કે જે ફિલ્મ પહેલાં તમારું ફેવરિટ બની ગયું હોય? યાદ કરો તમે ગીતો, માંડ એકાદું ગીત એવું સામે આવશે કે જે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં તમારા હોઠે ચડ્યું હોય.
આ પણ વાંચો : મેરી સાંસોં મેં મહક રહા રે તેરા ગજરા આ જા મેરી રાતોં મેં લહક રહા હૈ તેરા કજરા
ભીગે હોંઠ તેરે... જેવા માદક કહેવાય એવા ગીતથી લઈને વો લમ્હેં, વો બાતેં... જેવા રોમૅન્ટિક સૉન્ગ પણ સઈદ કાદરીએ લખ્યાં છે તો તેમણે આવારપન બંજારાપન... જેવા સૂફિયાના અંદાઝનાં સૉન્ગ્સ પણ લખ્યાં છે. મહેશ ભટ્ટ અને તેમના પ્રોડક્શન્સની મોટા ભાગની ફિલ્મોમાં સઈદ કાદરીએ ગીત લખ્યાં અને એ બધાં જબરદસ્ત પૉપ્યુલર થયાં અને એ પછી પણ સઈદસાહેબને જોઈએ એવી ફેમ મળી નહીં. તમે જુઓ એક વાર સઈદ કાદરીનાં ગીતોનું લિસ્ટ, તમને ગૅરન્ટી સાથે કહું છું. તમારા મોઢામાંથી આહ અને વાહ નીકળી જશે. જેમ મહેશ ભટ્ટ સાથે સઈદસાહેબે ઘણું કામ કર્યું એવી જ રીતે તેમણે મ્યુઝિક ડિરેક્ટર મિથુન સાથે પણ ખૂબ કામ કર્યું અને દરેક વખતે એકથી એક ચડિયાતાં સૉન્ગ આપ્યાં. એ સૉન્ગનું અત્યારે લિસ્ટ જોઉં છું ત્યારે ખરેખર ૨૦૦૦ના વર્ષનો એ આખો દસકો યાદ આવે છે જ્યારે ગીતોની બોલબાલા હતી, જ્યારે ગીતો ફિલ્મને સુપરહિટ બનાવતાં; પણ આજે... એ આખો સમયગાળો જાણે કે ખતમ થઈ ગયો હોય એવું દેખાય છે. સઈદસાહેબ અત્યારે પણ કામ કરે જ છે પણ કાં તો મહેશ ભટ્ટની જેમ સૉન્ગ હિટ કરાવી શકે એવા પ્રોડ્યુસર-ડિરેક્ટર રહ્યા નથી અને કાં તો આજના મ્યુઝિકમાં એ તાકાત રહી નથી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)