આવા ધુરંધરો મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ સાથે જોડાયેલા હતા એ વાત જ આપણને આશ્ચર્ય આપવા માટે પૂરતી નથી?!
કાનસેન કનેક્શન
‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મે ૧૯૮૨માં ૧૦૦ કરોડનું કલેક્શન કર્યું હતું, જરા વિચારો કે એ રકમ આજના સમયમાં કેટલી થાય?
બપ્પીદાનો વિશ્વાસ સાચો પુરવાર થયો અને ફિલ્મનાં આઠેઆઠ ગીત હિટ થયાં તો એ આઠમાંથી સાત ગીત સુપરહિટ થયાં. ‘ડિસ્કો ડાન્સર’નાં ૮માંથી ૭ સૉન્ગ આપણા અત્યારના લિરિક્સ રાઇટર સમીરના પપ્પા એટલે કે અન્જાનસાહેબે લખ્યાં તો એક સૉન્ગ ઉર્દૂ કવિ અને ગીતકાર ફારુક કૈસરે લખ્યું, જે આ ફિલ્મનું બીજું આશ્ચર્ય છે.
આપણે ત્યાં આજકાલ ૧૦૦ કરોડ ક્લબની બૉક્સ-ઑફિસ પર બહુ વાતો થાય છે, પણ કહો જોઈએ, આ ૧૦૦ કરોડ ક્લબમાં કઈ ઇન્ડિયન ફિલ્મ હતી જે સૌથી પહેલી સામેલ થઈ? કઈ ફિલ્મ જેણે બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડના બિઝનેસનો આંક પાર કર્યો હતો?
ADVERTISEMENT
યાદ કરવાની જરૂર નથી, કારણ કે તમને આર્ટિકલના હેડિંગથી જ કદાચ ફિલ્મનો અંદાજ આવી ગયો હશે. હા, મિથુન ચક્રવર્તી સ્ટારર બી. સુભાષે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ દેશની પહેલી ફિલ્મ હતી જેણે બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો અને એ પણ ૧૯૮૨ના વર્ષમાં. વિચારો જરા કે એ સમયના ૧૦૦ કરોડ રૂપિયા આજે કેટલા થાય? જો ઇકૉનૉમિક્સના સ્ટુડન્ટ હો કે પછી ઇકૉનૉમિક્સ વિશે જાણકારી હોય તો તમે સહજ રીતે સમજી ગયા હશો કે ‘પઠાણ’, ‘થ્રી ઇડિયટ્સ’ કે પછી ‘દંગલ’ અને ‘દબંગ’ જેવી ફિલ્મોએ કરેલા બિઝનેસ કરતાં વધારે બિઝનેસ ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મે કર્યો હતો.
આ ફિલ્મ સાથે અઢળક એવી વાતો છે જે આજે આપણે સાંભળીએ તો આપણને તાજ્જુબ થાય. આ પહેલી ફિલ્મ હતી જેણે ઇન્ડિયામાં ડિસ્કો કલ્ચર લાવવાનું કામ કર્યું. ‘ડિસ્કો ડાન્સર’ અગાઉ એક પણ ફિલ્મ એવી નહોતી જેમાં ડિસ્કો સૉન્ગ્સ હોય. હા, કેબ્રે આવતા, પણ એ કેબ્રેને ઊતરતી માર્કેટના ગણવામાં આવતા અને એટલે જ મોટા ભાગે કોઈ લીડ સ્ટાર કેબ્રે કરવા રાજી થતી નહીં. એવું જ ડિસ્કોમાં પણ હતું. કોઈ સ્ટાર ડિસ્કો માટે તૈયાર ન થતો, પણ ‘ડિસ્કો ડાન્સર’ પછી આખી વાત બદલાઈ ગઈ. ડિસ્કો ડાન્સર પછી દરેકેદરેક સ્ટારને ડિસ્કો કરવા હતા અને તમે યાદ કરી જુઓ, એ અરસાની અન્ય ફિલ્મો, ફિલ્મમાં રીતસર ડિસ્કો ઉમેરવાનો દોર શરૂ કરાવી દીધો હતો ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મે. ‘કર્ઝ’ અને ‘યારાના’ એ સમયગાળાની સૌથી મોટી ફિલ્મ હતી, જેમાં અમિતાભ બચ્ચન અને રિશી કપૂરે ડિસ્કો કર્યો હતો.
‘ડિસ્કો ડાન્સર’ની બીજી એક ખાસ વાત, જે મને હંમેશાં અચરજ આપે છે.
આ ફિલ્મ લખી હતી ડૉ. રાહી માસૂમ રઝાએ. જેમણે ‘મિલી’થી લઈને ‘મૈં તુલસી તેરે આંગન કી’, ‘ગોલમાલ’, ‘કર્ઝ’, ‘આયના’, ‘જુદાઈ’ અને ‘લમ્હેં’ જેવી અદ્ભુત ફિલ્મો લખી કે એના ડાયલૉગ્સ લખ્યા હતા, જેણે ઇન્ડિયન ટેલિવિઝનને એક નવી જ દિશા આપી દે એવી ‘મહાભારત’ લખી અને ‘મૈં સમય હૂં...’ જેવી લાઇન ઘર-ઘર સુધી પહોંચાડી દીધી એ ડૉ. રાહી માસૂમ રઝા ‘ડિસ્કો ડાન્સર’ જેવી કમર્શિયલ ફિલ્મ કેવી રીતે લખી શકે?! આજે પણ મને આ વાતનું તાજ્જુબ છે. ઉર્દૂ અને હિન્દીના અદ્ભુત શાયર, અવ્વલ દરજ્જાના ગીતકાર અને તે ‘ડિસ્કો ડાન્સર’ લખે?!
બહુ સરસ વાત છે આ આખી ઘટના પાછળ.
ડૉ. રાહી માસૂમ રઝાએ એક સ્ટોરી લખી, જેમાં રંકમાંથી રાજા બનવાની એક આખી જર્ની હતી. આજના સમયમાં આ સ્ટોરીમાં તમને કંઈ નવીનતા ન લાગે, પણ એ સમયે આ વાત સાવ નવી હતી. એક નાનો છોકરો છે, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, બહુ સારો સિંગર છે અને એ છોકરાની જર્ની શરૂ થાય છે. દુનિયા ઇચ્છતી નથી કે સ્લમનો આ છોકરો ટોચ પર પહોંચે અને છોકરો પોતાની મહેનતથી આગળ વધવાનું છોડતો નથી. આ આખી જે સ્ટ્રગલની વાત હતી એ વાત બી. સુભાષને ગમી ગઈ અને તેણે એ સ્ટોરી પોતાના અસિસ્ટન્ટ એવા દીપક બલરાજ વીજને સંભળાવી. દીપકને પણ સ્ટોરી ગમી, પણ તેને કમર્શિયલી કશુંક ખૂટતું હોય એવું લાગ્યું એટલે એ લોકો ફરીથી મળ્યા રાઇટર રાહી માસૂમ રઝાને. રઝાસાહેબ પાસે આ સ્ટોરી વર્ષોથી એમ જ પડી હતી એટલે તેઓ પણ એવી માનસિકતા પર આવી ગયા હતા કે તમારે આનું જે કરવું હોય એ કરો, પણ આને અહીંથી લઈ જાઓ. દીપક બલરાજે હવે સ્ટોરીના આખા માળખામાં પોતાની રીતે થોડા ચેન્જ કર્યા અને એ ચેન્જ સાથે તે ફરીથી રઝાસાહેબને ત્યાં ગયા. નવી સ્ટોરી સંભળાવી અને રઝાસાહેબને ચમકારો થયો. તેમણે અમુક સજેશન આપ્યાં અને જે સ્ટ્રગલ સ્ટોરી હતી એમાં રિવેન્જ સ્ટોરી પણ ઍડ થઈ અને બી. સુભાષને જે જોઈતી હતી એવી કમર્શિયલ સ્ટોરી ઊભી થઈ.
આ સ્ટોરીમાં ડાન્સ ફૉર્મમાં ડિસ્કો રહેશે એ તો પહેલા જ દિવસથી ડિરેક્ટરે નક્કી કરી લીધું હતું, પણ મોટો પ્રશ્ન એ હતો કે ડિસ્કો મ્યુઝિક કોણ કરશે?
શરૂઆતમાં આર. ડી. બર્મન સાથે વાત થઈ, પણ બર્મનદામાં બે વાતનો પ્રૉબ્લેમ થયો. એક તો બજેટ અને બીજું, તેઓ બહુ બિઝી હતા. ફરીથી શોધખોળ શરૂ થઈ અને બપ્પી લાહિરીના નામનું સજેશન આવ્યું. બપ્પીદા સાથે મીટિંગ થઈ અને બપ્પીદા ફિલ્મનું ટાઇટલ ‘ડિસ્કો ડાન્સર’ સાંભળીને જ ખુશ થઈ ગયા. બપ્પીદાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ફિલ્મનું ટાઇટલ જ કહેતું હતું કે આ ફિલ્મ માત્ર હીરોની નહીં, મ્યુઝિક-ડિરેક્ટરની પણ છે અને આવી ફિલ્મો કરીઅરમાં બહુ ઓછી આવતી હોય છે.’
‘ડિસ્કો ડાન્સર’ મળવાથી બપ્પીદા જેટલા ખુશ થયા હતા એટલા જ તેઓ ટેન્શ પણ થયા હતા. મ્યુઝિકલ ફિલ્મનું મ્યુઝિક જો લોકો સ્વીકારે નહીં તો ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ એનો ફિયાસ્કો થઈ જાય અને જો એવું બને તો એ ફ્લૉપ ફિલ્મનો બધો દોષ મ્યુઝિક-ડિરેક્ટર પર આવી જાય. બપ્પી લાહિરીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મનું મ્યુઝિક પહેલી વાર ઇન્ડિયન ઑડિયન્સ સામે આવવાનું હતું એટલે નૅચરલી ટેન્શન હતું તો મનમાં ઊંડે-ઊંડે વિશ્વાસ પણ હતો કે દુનિયાઆખીને જે ડિસ્કોએ પાગલ કર્યા છે એ જ ડિસ્કો આપણે ત્યાં પણ ઑડિયન્સને બહુ ગમશે.’
બપ્પીદાનો વિશ્વાસ સાચો પુરવાર થયો અને ફિલ્મનાં આઠેઆઠ ગીત હિટ થયાં તો એ ૮માંથી ૭ ગીત સુપરહિટ થયાં. ‘ડિસ્કો ડાન્સર’નાં ૮માંથી ૭ સૉન્ગ આપણા અત્યારના લિરિક્સ રાઇટર સમીરના પપ્પા એટલે કે અન્જાનસાહેબે લખ્યાં તો એક સૉન્ગ ઉર્દૂ કવિ અને ગીતકાર ફારુક કૈસરે લખ્યું, જે આ ફિલ્મનું બીજું આશ્ચર્ય છે. કારણ કે ફારુકસાહેબે પણ જે સૉન્ગ લખ્યું હતું એ સૉન્ગ તેમની કલમમાંથી આવે એ વાત સહેજ પણ માનવામાં આવે એવી નહોતી. આ એક સૉન્ગ પણ કયા કારણે તેમણે લખ્યું એની પણ એક અલાયદી સ્ટોરી છે, પણ આપણે એ સ્ટોરીને બદલે અત્યારે વાત કરવાની છે એવી એક ઘટનાની જેણે કિશોરકુમારના નામે આ ફિલ્મનું એક સુપરહિટ ગીત ચડતાં-ચડતાં બાકી રાખી દીધું. હા, એક સૉન્ગ.
કિશોરદાએ ‘ડિસ્કો ડાન્સર’માં એક સૉન્ગ તો ગાયું હતું, પણ એ સિવાય પણ કિશોરકુમાર પાસે બપ્પીદાને એક સૉન્ગ ગવડાવવું હતું, જે હતું ‘યાદ આ રહા હૈ, તેરા પ્યાર...’ તમને થાય કે આ સૉન્ગ તો ઑલરેડી બપ્પીદાએ ગાયું જ છે અને સુપરહિટ પણ થયું છે તો પછી આમાં કિશોરકુમાર ક્યાંથી આવ્યા?
એ જ તો વાત આપણે કરવાની છે, પણ એ પહેલાં આ સૉન્ગનું મુખડું જોઈ લો...
‘યાદ આ રહા હૈ તેરા પ્યાર
કહાં તુમ કહાં હમ,
હુએ તુમ કહાં ગુમ
આ ભી જા, આ ભી જા એક બાર...’
ફિલ્મના હીરો મિથુન ચક્રવર્તી અને ઍક્ટ્રેસ કિમ માટે લખાયેલું આ સૉન્ગ ગીતકાર અન્જાને માત્ર ૮ મિનિટમાં લખ્યું હતું અને એ લખ્યા પછી તેમણે બપ્પીદાને કહ્યું હતું કે જો સમય આવાં ગીતોનો આવશે તો એ તો હું દિવસમાં ૧૦-૧૨ તો આમ ચપટી વગાડતાં જ લખી નાખીશ. ઍનીવેઝ, ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ના આ સૉન્ગમાંથી કિશોરકુમાર કેવી રીતે હટી ગયા એની વાત હવે આપણે કરીશું આવતા શુક્રવારે, ત્યાં સુધી, સ્ટે ટ્યુન...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)