રિવ્યુમાં હું માનતો નથી, પણ ‘લકીરો’ જોયા પછી એક વાત કહેવી જ પડે કે આ આજના સમયની આવશ્યક અને અનિવાર્ય ફિલ્મ છે
કાનસેન કનેક્શન
લકીરો
જેની સાથે અબોલા થયા હોય તેના વિશે જ સૌથી વધુ વિચાર આવતા હોય. જેને છોડવા સુધી પહોંચી ગયા હો એ જ પ્રતિક્ષણ તમને ઘેરી વળે. જેની સૌથી વધુ નજીક હો એ દૂર દરિયાના સામે કિનારે લાગે. જેને દૂર ખસેડવાનો પ્રયત્ન કરતા હો એ વધુ ને વધુ નજીક આવ્યા કરે. જે હાથવેંતમાં હોય, એ જોજનો દૂર હોય! કેવી વિટંબણા?!
તમને મળેલા શ્રેષ્ઠ આશીર્વાદ યાદ છે?
ADVERTISEMENT
કૉલેજના સમયે મને એક સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા, ‘May you find your happiness!’
આ આશીર્વાદનો સાદો અર્થ હું એટલો સમજ્યો હતો કે ‘તું જેને સુખ માનતો હોય એવું સુખ તને મળે.’
એ સમયે મને પ્રશ્ન થતો કે જે ઇચ્છો એ મળી જાય પછી થોડા જ સમયમાં સુખનું સુરસુરિયું કેમ થઈ જાય છે, સુખની સુવાસ ક્યાં ઊડી જાય છે?
સુખ નામની મિસ્ટ્રીનો એટલો તો ઉકેલ છે કે સુખ આપણને ‘શું મળે છે’ એમાં નથી, પણ આપણે ‘શું મેળવવા ઇચ્છીએ છીએ’ એમાં છે.
જેને ઠંડો શેરડીનો રસ કે જામુન શૉટ્સ પીવાની તલબ હોય તેને ગરમાગરમ ચાનો કપ ધરો તો તે કેવી રીતે રીઍક્ટ કરશે? ઇટ ડિપેન્ડ્સ ઑન વેરિયસ ફૅક્ટર્સ. કોઈ છોકરાની તમન્ના ઇન્સ્ટાગ્રામ પર સૌંદર્યના દરિયાની છોળો ઉડાડતી રૂપસુંદરી સાથે લગ્ન કરવાની હોય અને તેના પેરન્ટ્સ તેને એ શો-ઑફથી દૂર રહેતી ઘરરખ્ખુ કન્યા સાથે લગ્ન કરવાની સલાહ આપે તો? કોઈ છોકરીને કરીઅર બનાવવી હોય, ઍમ્બિશિયસ હોય અને તેનો હસબન્ડ જૉબ કરવાની ના પાડે તો?
‘શું જરૂર છે, હું તો કમાઉં જ છુંને? પછી ઘર કોણ ચલાવશે? મારે તારી સાથે બેબી પ્લાન કરવું છે અને તું જૉબના ધખારા લઈને બેઠી છે!’
‘શું બોલે છે તું, મારે નહીં... ‘આપણે’... ‘આપણે’ ઇસ ધ કીવર્ડ.’
‘તારે કાંઈ સમજવું જ નથી.’
‘મારે વાત નથી કરવી. આઇ નીડ સેમ સ્પેસ.’
‘વાત કેમ નથી કરવી? રિસ્પૉન્સિબિલિટીથી દૂર ભાગે છે તું.’
‘અરે મેં ક્યાં ના પાડી વાત કરવાની? અત્યારે વાત નથી કરવી.’
ધાર્યું ન થાય એટલે બન્ને દુખી!
આ છે ‘કહાની કપલ-કપલ કી!’
દુઃખ ત્યારે જ પડે છે જ્યારે વ્યક્તિએ ‘મારે માટે સુખ એટલે શું’ એની કોઈ ક્લિયર ડેફિનિશન જ બાંધી ન હોય. માણસને ખબર જ ન હોય કે સુખ ક્યાં છે, સુખ છે શું? અરે, સુખ તો જવા દો, ઘણી વાર તો વ્યક્તિને પોતાના ગમા-અણગમા બાબતે પણ સ્પષ્ટ ખ્યાલ હોતો નથી અને એટલે જ સામેની વ્યક્તિ સુધી વાત નથી પહોંચતી. લાઇફ પાર્ટનરને તમારી ઇચ્છાઓ વિશે જાણ જ ન હોય તો કમ્યુનિકેશન ગૅપ રહેવાનો જ!
સંબંધોમાં કમ્યુનિકેશન ગૅપ એટલે મનદુઃખ માટેનો ટ્રૅપ!
આ પણ વાંચો : સાયા ભી તેરા ના મૈં દૂં રખ લૂં બના કે કહીં ઘર મૈં તુઝે, સાથ તેરે મૈં હી રહૂં...
ઉપર લખાયેલા ડાયલૉગ્સ હમણાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લકીરો’ના છે, જે નરી વાસ્તવિકતા છે. ‘લકીરો’નાં ગીતો સાંભળ્યાં. એક ગીત તો જે કહ્યો એ કમ્યુનિકેશન ગૅપનો અરીસો છે...
‘ના જાણે તું, ના જાણે હું
કે થઈ ગયા જુદા કિનારા
ગઈ જો તું, ગયું છે શું
પૂછી રહ્યા બધા ઇશારા
તું નથી તો સૂની રાતો
આંસુઓમાં ડૂબી આંખો
તું નથી પણ તું છે, હા તું છે, પણ નથી
તું નથી કે તું છે કે નથી...’
જેની સાથે અબોલા થયા હોય તેના વિશે જ સૌથી વધુ વિચાર આવતા હોય. જેને છોડવા સુધી પહોંચી ગયા હો એ જ પ્રતિક્ષણ તમને ઘેરી વળે. જેની સૌથી વધુ નજીક હો એ દૂર દરિયાના સામે કિનારે લાગે. જેને દૂર ખસેડવાનો પ્રયત્ન કરતા હો એ વધુ ને વધુ નજીક આવ્યા કરે. જે હાથવેંતમાં હોય, એ જોજનો દૂર હોય! કેવી વિટંબણા?!
કહેવું હોય ત્યારે કોઈ સાંભળનારું ન હોય અને સાંભળવાની તૈયારી બતાવે ત્યારે કહેવાનું મન ન થાય! ફોન કરે ત્યારે સાઇલન્ટ કરી દઈએ અને વાત કરવા આવે ત્યારે, વાત કરવા આવે ત્યારે ચૂપ થઈ જઈએ.
‘મન એ માને નહીં,
દિલ આ જાણે નહીં
તું નથી કે તું છે, કે નથી
સમજો નહીં, કેમ મજબૂર છે
પાસ છે તું છતાં દૂર છે
તસવીરથી ક્યાં ગયું નૂર છે
શું આ તકદીર મંજૂર છે?’
આ સામસામે હિલ્લોળા લેતા કમ્યુનિકેશન ગૅપના ઝંઝાવાતમાં ડૂબતાને એક જ તરણું તારી શકે - સમજણ.
સાચું સુખ સમજણમાં છે. સમજણ આવી જાય તો જીવનનું ગીત બદલાઈ જાય. સ્વાર્થ છોડીને સહજીવન તરફ ધ્યાન જાય.
જો એવું થાય તો ગીતના શબ્દો બદલાઈ જાય.
સંબંધમાં ઊભી થયેલી દૂરી પછી સમજણ કેળવીને પાછા ભેગા થયેલા કપલ માટેનું ગીત કંઈક આવું બનાવી શકાય... ‘તું છે તો હું છું, હું છું તો તું છે.
તુંય છે ને હુંય છું, બે અળગાં નથી.
નથી જુદા કિનારા. આપણાં સુખ-દુઃખ સહિયારાં...’
જો આટલું થાય તો પેલો ગૅપ જતો રહે, સુખની મિસ્ટ્રી ઊકલી જાય.
ખેર, ‘લકીરો’ ફિલ્મનાં બે ગીતો સાંભળ્યાં અને વિચાર આવ્યો કે ગુજરાતી જૅઝ મ્યુઝિકના બોલ્ડ એક્સપરિમેન્ટમાં વાયોલિન અને સૅક્સોફોનને ઉચિત રીતે પ્રયોજવા માટે મ્યુઝિક-ડિરેક્ટર અને મિત્ર પાર્થ ભરત ઠક્કરને અભિનંદન તો આપવાં જ જોઈએ. મિત્ર ચિરાગ ત્રિપાઠીએ લિરિક્સ લખ્યા છે અને દરેક કપલને મેસેજ આપતી વાત કહી છે. ફિલ્મના બીજા જ સૉન્ગમાં એ સાર્થક થઈ જાય છે...
‘હાથની લકીરોમાં
લાગણીને વહેવા દે,
આપણે જે કહેવું છે
સ્પર્શને જ કહેવા દે...’
મને લાગે છે કે આ મૅરેજ સીઝનમાં જેમનાં મૅરેજ થયાં અથવા જે અત્યારે લાઇફ પાર્ટનર ચૂઝ કરવાની પ્રોસેસમાંથી પસાર થાય છે તેમણે એક વાત ગાંઠે બાંધવી જોઈએ કે આપણે કોઈનું ફ્યુચર બનવા જઈ રહ્યાં છીએ.
‘એ મારા માટે શું કરે છે’ એને બદલે ફોકસ ‘હું એને માટે શું કરી શકું’ પર જો રહે તો... સુખ જ સુખ છે!
‘લકીરો’ પોતાની રજૂઆત, દર્શન ત્રિવેદીના ડિરેક્શન, તપનની અદ્ભુત સિનેમૅટોગ્રાફી અને રોનક કામદાર તથા દીક્ષા જોષીના પર્ફોર્મન્સથી આ મેસેજ આપવામાં સફળ જાય એવી તેમની ટીમને ગુડ વિશિશ અને તમને પણ આ વર્ષ દરમ્યાન ક્યાંય કમ્યુનિકેશન ગૅપ ન નડે એવી શુભેચ્છાઓ, પણ હા, એને માટે મોબાઇલ-ઉપવાસનું વ્રત લેવું પડે, દોસ્ત!
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)