જે દિવસે આ સૉન્ગ રેકૉર્ડ કરવાનું હતું એ જ દિવસે ફ્લાઇટ સમયસર ઊપડી નહીં અને એમાં સૉન્ગનું ભવિષ્ય સાવ જુદું જ લખાયું
કાનસેન કનેક્શન
‘ડિસ્કો ડાન્સર’ના સૉન્ગ રેકૉર્ડિંગ સમયે બપ્પી લાહિરી, બી. સુભાષ અને પાર્વતી ખાન. પાર્વતી ખાને ગાયેલું સૉન્ગ ‘જિમી, જિમી... આ જા, આ જા...’ પણ જબરદસ્ત હિટ થયું હતું.
લિરિક્સ સાંભળીને કિશોરદાએ અન્જાનસાહેબને ફોન પણ કર્યો હતો કે ક્યાંક ને ક્યાંક બૉલીવુડ સાથે જોડાયેલા છે એ સૌને આ અંતરો પોતાનો લાગશે અને અન્જાનસાહેબે જવાબ આપ્યો હતો, ‘બીજાની તો મને ખબર નથી પણ હા, એ મને મારી પોતાની વાત તો લાગે જ છે...’
આપણે વાત કરીએ છીએ બૉલીવુડની પહેલી ૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ની. આજે બૉલીવુડની કોઈ ફિલ્મ ૧૦૦ કરોડનો બિઝનેસ કરે છે તો પ્રોડ્યુસર બે-ચાર કરોડ રૂપિયા આ વાતની પબ્લિસિટીમાં વાપરી નાખે છે, જ્યારે મિથુનદાની ‘ડિસ્કો ડાન્સર’એ તો આજથી ૪૧ વર્ષ પહેલાં એટલે કે ૧૯૮૨માં ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. જરા વિચાર કરો એ સમયના ૧૦૦ કરોડ અને આજના સમયના ૧૦૦ કરોડ. એ સમયે પેટ્રોલનો ભાવ ૭.પ૦ રૂપિયા હતો અને ૧૦ ગ્રામ સોનું તમને ૧૬૪પ રૂપિયામાં મળતું હતું! કહેવાનો ભાવાર્થ એટલો જ કે એ સમયના ૧૦૦ કરોડ એ હકીકતમાં આજના સમયના ૧૦૦૦ કરોડથી વધારે હતા, પણ એ સમયે ૧૦૦ કરોડની કોઈ ક્લબ નહોતી એટલે એ વાતને ક્યાંય કોઈએ બઢાવી-ચઢાવીને કરી નહીં. એ સમયે એ જ મહત્ત્વનું હતું કે તમારી ફિલ્મ કેટલો સમય ચાલી અને જે ફિલ્મ ગોલ્ડન જ્યુબિલી એટલે કે ૫૦ વીક પૂરાં કરતી એ ફિલ્મની બોલબાલા રહેતી.
ADVERTISEMENT
‘ડિસ્કો ડાન્સર’ પછી મિથુનદાનો સાચે જ જમાનો આવ્યો હતો અને એવો જ જમાનો આવ્યો, ફિલ્મનું મ્યુઝિક આપનારા બપ્પી લાહેરીનો. બપ્પીદાએ ડિસ્કો સૉન્ગનો એક આખો નવો જ યુગ શરૂ કરી દીધો, જેને કારણે બૉલીવુડમાં સેંકડો ડિસ્કો સૉન્ગ્સ પણ આવ્યાં. જોકે આપણે આજે વાત કરવાની છે એક એવા સૉન્ગની જેણે બપ્પી લાહેરીની લાઇફમાં રહેલી એક કળાને એક નવા જ આયામ પર જઈને મૂકી દીધી. એ કળા એટલે સિન્ગિંગ. એવું નહોતું કે બપ્પીદાએ અગાઉ ગાયું ન હોય, ગાયાં હતાં તેમણે ગીતો, પણ ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મમાં ગાયેલા ‘યાદ આ રહા હૈ, તેરા પ્યાર... સૉન્ગ પછી બપ્પીદાની સાવ જુદી જ કહેવાય એવી ડિમાન્ડ નીકળી એ પણ આપણે સૌએ સ્વીકારવું જ રહ્યું.
ઓરિજિનલી આ જે સૉન્ગ છે એ સૉન્ગ કિશોરકુમાર ગાવાના હતા અને કિશોરકુમાર ઑલરેડી એ સૉન્ગ માટે તૈયાર પણ થઈ ગયા હતા. અગાઉ કહ્યું છે એમ, ફિલ્મનાં ગીતો અન્જાનસાહેબે લખ્યાં હતાં અને આ ગીતના લિરિક્સ કિશોરદાને બહુ ગમ્યા હતા. ખાસ તો પહેલો અંતરો...
‘યારોં મૈં તો યહાં જીતા રહા
સારે ગમ દિલ કે ભુલા કે
દે કે તુમ્હેં સારી ખુશી
મૈંને, મૈંને યહાં કુછ ભી તો પાયા નહીં
સબ કુછ પા કે
મુઝકો મિલી ક્યા ઝિંદગી...’
લિરિક્સ સાંભળીને કિશોરદાએ અન્જાનસાહેબને ફોન પણ કર્યો હતો કે ક્યાંક ને ક્યાંક બૉલીવુડ સાથે જોડાયેલા છે એ સૌને આ અંતરો પોતાનો લાગશે અને અન્જાનસાહેબે જવાબ આપ્યો હતો કે ‘બીજાની તો મને ખબર નથી, પણ હા, એ મને મારી પોતાની વાત તો લાગે જ છે...’
ઍનીવેઝ, આપણે આવીએ ફરીથી કિશોરકુમાર પર. કિશોરકુમારે ગીતની તૈયારી કરી લીધી અને સૉન્ગ રેકૉર્ડિંગની તારીખ પણ નક્કી થઈ ગઈ. કહે છેને કે કરમની કઠણાઈ. બન્યું એવું કે કિશોરદાએ જે દિવસ આ સૉન્ગનું રેકૉર્ડિંગ કરવાનું હતું એના આગલા દિવસે તેઓ પોતાની ટૂર પરથી પાછા આવવાના હતા. તેઓ ક્યાં ગયા હતા એ મને અત્યારે યાદ નથી, પણ જો મારી ભૂલ ન થતી હોય તો બપ્પીદાએ કદાચ કલકત્તા કહ્યું હતું. જો મારી ભૂલ ન
હોય તો.
કિશોરદાએ જે દિવસે રેકૉર્ડિંગ કરવાનું હતું એ દિવસે સવારે તેમની ફ્લાઇટ હતી, પણ કોઈક કારણસર એ ફ્લાઇટ રવાના જ ન થઈ અને છેક સાંજ સુધી સમય જાહેર થતો રહ્યો, પણ ફ્લાઇટ રવાના થઈ નહીં. અહીં, મુંબઈમાં બપ્પીદાએ તો બધી તૈયારી કરી રાખી હતી. સૉન્ગમાં
કુલ ૮૦ મ્યુઝિશ્યન હતા એ આવી ગયા હતા તો સાઉન્ડ રેકૉર્ડિસ્ટ પણ રેડી. બધા ભેગા મળીને કિશોરદાની રાહ જુએ, પણ કિશોરદાનો કોઈ પત્તો નહીં. કિશોરદા તો કલકત્તાના ડમડમ ઍરપોર્ટ પર અટવાયા હતા. સમય પસાર થતો ગયો એટલે કિશોરદાએ કંટાળીને બપ્પીદાને ફોન વાયા-મીડિયા સંપર્ક કરીને કહ્યું કે રેકૉર્ડિંગ આજે તો શક્ય નહીં બને, બહેતર છે કે એને આવતા વીક પર પોસ્ટપોન કરો. જોકે આ વાત કહેતી વખતે કિશોરદાએ કહ્યું પણ ખરું કે મ્યુઝિશ્યન આવી ગયા હોય તો ફાઇનલ કમ્પોઝિશન રેડી કરાવવી હોય તો કરાવી લેજે.
‘જી મામા...’
હા, બપ્પીદા કિશોરકુમારને મામા કહેતા. બપ્પી લાહેરી ફાઇનલ કમ્પોઝિશન રેડી કરાવતા હતા એ જ વખતે તેમને લાગ્યું કે બહેતર છે કે ખાલી મ્યુઝિક આવે એના કરતાં પોતે એ સૉન્ગ ગાઈને કિશોરદાને આપી દે, જેથી કિશોરદાનું કામ આસાન થઈ જાય અને બેચાર દિવસ પછી જ્યારે રેકૉર્ડિંગ કરવામાં આવે ત્યારે સમય બચી જાય. બપ્પીદાએ એવું જ કર્યું અને પોતે ગીત ગાઈ લીધું.
વાત પૂરી. બધા છૂટા પડી ગયા અને કલકત્તામાં અટવાયેલા કિશોરદા મોડી રાતે મુંબઈ આવી ગયા. સવારે ઊઠીને તેમણે પહેલો કૉલ બપ્પીદાને કર્યો અને બપ્પીદા પણ બે કલાકમાં કિશોરદાના ઘરે હાજર. ઘરે આવીને તેમણે સામેથી મામાને એ સૉન્ગ સંભળાવ્યું જે પોતાના અવાજમાં રેકૉર્ડ કર્યું હતું.
કિશોરદાએ આખું ગીત સાંભળ્યું.
એક વાર, બે વાર અને ત્રણ વાર.
‘મામા, આ સૉન્ગ આપણે તૈયાર કરવાનું છે. તમે કહો એટલે સ્ટુડિયોની ડેટ ફાઇનલ કરીએ...’
બપ્પીદા સાથે આવેલા ડિરેક્ટર સુભાષે પણ ચિંતા વ્યક્ત કરી.
‘શૂટિંગ ચાલુ કરવાનું છે તો જો બધાં સૉન્ગ હાથમાં આવી જાય તો ટેન્શન-ફ્રી થઈ જઈએ...’
કિશોરદાએ થોડો વિચાર કર્યો અને પછી પૂછ્યું કે હવે કેટલાં ગીતનું રેકૉર્ડિંગ બાકી છે. હકીકતમાં તો આ એક જ સૉન્ગ બાકી હતું. બપ્પીદાએ એ જ વાત કહી એટલે કિશોરદાએ કહ્યું કે, ના રે. આ સૉન્ગનું રેકૉર્ડિંગ પણ પૂરું થઈ ગયું. ગઈ કાલે...
બપ્પીદા વાત તો સમજી ગયા, પણ તેમને મનમાં થયું કે કદાચ પોતે ગીત ગાયું એ મામાને ગમ્યું નથી એટલે તેઓ એવું કહે છે, પણ એ સમયે સામે બેઠેલા અમિતકુમારના માથા પર હાથ મૂકીને કિશોરદાએ બપ્પી લાહેરીને કહ્યું, ‘જરા પણ એવું નથી. આ સૉન્ગ હું ગાઉં એના કરતાં પણ તેં વધારે સારી રીતે ગાયું છે. જો તને એમ હોય કે મને ખરાબ લાગ્યું છે તો હું સૉન્ગ ગાવા તૈયાર છું... પણ એક શરતે.’
‘કઈ શરત?’
‘ફિલ્મમાં સૉન્ગ તો તારું ગાયેલું જ રહેશે.’
જવાબ આપ્યા પછી કિશોરકુમારે ત્યારે જ આ સૉન્ગનું છેલ્લું મુખડું ગાયું હતું. તમે પણ સાંભળો...
વાદા, વાદા રહા સાથી મેરે
તેરે લિએ ગાતા ચલા જાઉં
તૂ મેરા દિલ, તૂ મેરી જાં...
જીના, જીના મેરા જીના નહીં
તેરે લિએ ઝિંદગી લૂટાઉં
તૂ જો નહીં, ક્યા હૈ યહાં...
યાદ આ રહા હૈ તેરા પ્યાર...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)