‘અન્નદાતા’માં સલિલ ચૌધરી અને યોગેશે લખેલા આ ગીતમાં એકસાથે ત્રણ-ત્રણ વાર આવતા શબ્દોને કારણે મુકેશને એ બચકાના હરકત લાગી એટલે તેમણે ગાવાની ના પાડી દીધી, પણ કિશોરકુમારે આ મર્યાદા ઓળંગીને અઢાર રીટેક સાથે ગીત ઓકે કરાવ્યું
કાનસેન કનેક્શન
ગુઝર જાએ દિન દિન દિન, કે હર પલ ગિન ગિન ગિન
‘ગુઝર જાએ દિન દિન દિન...’ ગીતની આ પંક્તિ જેટલી સહેલી દેખાય છે રિધમ એટલી જ અઘરી હતી, તો સામે પક્ષે એ પણ મોટો પ્રૉબ્લેમ હતો કે આખા ગીતની અમુક પંક્તિઓ મિનિમમ બે વાર આવે તો અમુક પંક્તિઓ તો એવી હતી જે ગીતમાં ત્રણ-ત્રણ વાર આવે.
જગજિત સિંહે કહેલી એક વાત અત્યારે યાદ આવે છે. એક વખત જગજિત સિંહને મળવાનું બન્યું ત્યારે તેમના ફેવરિટ સિંગરની વાત ચાલતી હતી અને એ વાત દરમ્યાન જગજિત સિંહે કહેલું કે કિશોરકુમારની તોલે કોઈ ન આવી શકે. જરા વિચારો તમે કે એ માણસ એક પણ પ્રકારની સિન્ગિંગ ટ્રેઇનિંગ વિના આ સ્તરનું ગાઈ શક્યા, જો તેણે ટ્રેઇનિંગ લીધી હોત તો આજે કિશોરકુમાર કયા સ્થાન પર હોત?
ADVERTISEMENT
એ જ વખતે જગજિત સિંહે હસતાં-હસતાં કહ્યું હતું કે જો કિશોરદા ક્લાસિકલી ટ્રેઇન્ડ હોત તો અમારા જેવા ગઝલસિંગર્સ પણ તેમનાથી દૂર ભાગતા હોત. જગજિત સિંહે કહેલી આ જ વાત મ્યુઝિક-ડિરેક્ટર સલિલ ચૌધરીએ પણ કહી હતી. કિશોરકુમારના અવસાન પછી બંગાળી મૅગેઝિન ‘અનંતલોક’માં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે કિશોરકુમારને ઓળખવામાં મેં વર્ષો લગાડી દીધાં, પણ મારા કરતાં એસ. ડી. બર્મન વધારે તેજ નીકળ્યા અને તેમણે ક્લાસિકલી અનટ્રેઇન્ડ એવા કિશોરકુમારના ગળામાં વસતા ભગવાનને પારખી લીધા. જો કિશોરકુમાર ક્લાસિકલી ટ્રેઇન્ડ હોત તો તેમનું સિન્ગિંગ લેવલ એ સ્તરે પહોંચ્યું હોત કે કદાચ સરસ્વતીદેવીની બાજુમાં તેમની પણ મૂર્તિ બનાવીને મૂકવામાં આવી હોત.
સલિલ ચૌધરીએ કિશોરકુમાર સાથે બહુ મોડેથી કામ શરૂ કર્યું પણ હા, એ પણ એટલું જ સાચું કે તેમણે જ્યારથી કામ શરૂ કર્યું ત્યાર પછી તે રોકાયા નહીં અને અનેક ગીતો કિશોરદા પાસે ગવડાવ્યાં, જે અમર થઈ ગયાં. અલબત્ત, અત્યારે આપણે એ ગીતોની વાત નથી કરવી. અત્યારે આપણે વાત કરવી છે એ ગીતની જે ગીત પછી સલિલ ચૌધરી માની ગયા કે કિશોરદા ખરેખર કંઈક ગજબની ક્ષમતા સાથે જન્મ્યા છે. વાત છે ફિલ્મ ‘અન્નદાતા’ની.
જયા ભાદુરી, અનિલ ધવન અને ઓમપ્રકાશ સ્ટારર ફિલ્મ ‘અન્નદાતા’ ૧૯૭૨માં રિલીઝ થઈ. બંગાળી ડિરેક્ટર અસિત સેન એના ડિરેક્ટર તથા મ્યુઝિક-ડિરેક્ટર સલિલ ચૌધરી.
ચૌધરીસાહેબના ફેવરિટ સિંગર મુકેશ એટલે તે તરત જ મુકેશને ધ્યાનમાં રાખીને કામ પર લાગી ગયા. બીજા નંબરે તેમનો ઑપ્શન જો કોઈ હોય તો મોહમ્મદ રફી હોય, પણ કિશોરકુમાર ભાગ્યે જ ચૌધરીસાહેબના કમ્પોઝિશનમાં હોય. ફિલ્મનાં ગીતોનું કામ શરૂ થયું અને એક પછી એક એમ પાંચ ગીત રેકૉર્ડ થઈ ગયાં, પણ એક ગીતમાં કશું બને નહીં. મુકેશે એ ગીત ગાવાની ના પાડી દીધી અને એ ગીતમાં મોહમ્મદ રફીનો અવાજ સલિલ ચૌધરીને જોઈતો નહોતો. ત્રીજો ઑપ્શન હતો મન્ના ડેનો, પણ મન્ના ડેના અવાજની જે ગૂંથણી હતી એ આ સૉન્ગ માટે બરાબર નથી એવું સલિલ ચૌધરીને લાગતું હતું અને તેમની વાત ખોટી પણ નહોતી. ગીતના શબ્દો હતા પણ એ જ પ્રકારના.
ગુઝર જાએ દિન દિન દિન...
કે હર પલ ગિન ગિન ગિન
કિસી કી હાય યાદોં મેં,
કિસી કી હાય બાતોં મેં
કિસી સે મુલાકાતોં મેં
કે યે સિલસિલે જબ સે ચલે
ખ્વાબ મેરે હો ગએ રંગીન
ગુઝર જાએ દિન દિન દિન...
ગીતના મુખડાની પહેલી જ લાઇનમાં ત્રણ વાર આવતા દિન શબ્દ સામે મુકેશને વાંધો હતો. મુકેશનું કહેવું હતું કે ત્રણ વખત એક જ શબ્દ આવવાને લીધે એ લિરિક્સને બદલે રાયમ્સ વધારે લાગે છે, પણ સલિલ ચૌધરી અને ગીતકાર યોગેશ એ ત્રણ શબ્દ ઓછા કરવા રાજી નહોતા. બહુ લાંબી મથામણ પછી નક્કી થયું કે એક વખત કિશોરદા પાસે આ ગીત ગવડાવીએ, એ પછી પણ જો વાત નહીં બને તો પછી કાં તો સૉન્ગમાં ફેરફાર કરીશું અને કાં તો સૉન્ગ હટાવી દઈશું.
કિશોરકુમારને ચૌધરીસાહેબે ફોન કર્યો અને કિશોરદા તરત જ તેમને મળવા માટે પહોંચી ગયા. સલિલ ચૌધરીએ બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે તું મારો લાસ્ટ હૉપ છે. જો તું મહેનત કરવા તૈયાર હોય અને મને જે જોઈએ છે એ આપવા માટે તું મહેનત કરવા માગતો હોય તો જ આપણે આગળ વધીએ અને રેકૉર્ડિંગ રાખીએ.
તમને ખબર જ છે કે કિશોરદા એક એવા સિંગર હતા જે સ્ટુડિયો પર જઈને ૧૦થી ૧૨ મિનિટમાં રેકૉર્ડિંગ પૂરું કરીને નીકળી જાય. કામ પ્રત્યેની તેમની જે નિષ્ઠા હતી એના પર તો કિશોરદાનો દુશ્મન પણ શંકા ન કરે. સલિલ ચૌધરીની વાત સાંભળીને કિશોરદાએ તરત જ હા પાડી દીધી. તેમના મનમાં હશે કે મોટા ભાગે એક વખતમાં રેકૉર્ડિંગ પૂરું થઈ જતું હોય છે. આ વખતે કદાચ બે કે ત્રણ વખત ગીત ગાવું પડશે, પણ જો ચૌધરીસાહેબ સાથે કામ કરવા મળતું હોય તો વાંધો નહીં.
કિશોરદા તૈયાર થયા એટલે સલિલ ચૌધરીએ તેમને લિરિક્સ આપી દીધા. કિશોરદાએ પોતાના હૅન્ડરાઇટિંગમાં લખી લીધા અને લખતી વખતે જ તેમને સમજાઈ ગયું કે આ વખતે બરાબરની તેમની પરીક્ષા થવાની છે. જોકે તેઓ માનતા કે ધારતા હતા એનાથી પણ વધારે અટપટા કહેવાય એવા ગીતના વર્ડિંગ્સ હતા, પણ ગીત ગાવાનું સલિલ ચૌધરીને ત્યાંથી કહેવાયું હતું એ એક વાત અને બીજી વાત, કિશોરદા પોતે પણ ચૅલેન્જ હંમેશાં પસંદ કરતા એટલે કિશોરદાએ ઘરે જ રિહર્સલ્સ શરૂ કરી દીધાં અને આવી ગયો રેકૉર્ડિંગનો સમય.
કિશોરદાએ સામેથી જ સવારે ૯ વાગ્યાનું રેકૉર્ડિંગ રાખવાનું સૂચન કર્યું અને પોતે સવારે ૮ વાગ્યે જ હાજર થઈ ગયા. સલિલ ચૌધરી પાસેથી જરૂરી ટિપ્સ લઈને તેમણે એકલા જ રિહર્લ્સ શરૂ કરી દીધાં અને સમય થયો રેકૉર્ડિંગનો. રેકૉર્ડિંગમાં ૫૦ મ્યુઝિશ્યન હતા. બધા તૈયાર અને કિશોરદાએ ગીત શરૂ કર્યું. પહેલાં મુખડું અને એ પછી વારો આવ્યો પહેલા અંતરાનો...
રહે ન દિલ બસ મેં યે
ન માને કોઈ રસમેં યે
કે ખાઉં મૈં તો કસમેં યે
ઉન્હેં હૈ પતા
કિ જગ ચાહે રુઠે યે
નાતા નહીં ટૂટે યે
હા ગુઝર જાએ દિન દિન દિન...
ગીતની આ પંક્તિ જેટલી સહેલી દેખાય છે રિધમ એટલી જ અઘરી, તો સામે પક્ષે એ પણ મોટો પ્રૉબ્લેમ કે આ પંક્તિઓ પૈકીની દરેક બીજી પંક્તિ મિનિમમ બે વાર આવતી હતી તો અંતરાની બે પંક્તિ તો એવી કે જે ગીતમાં ત્રણ-ત્રણ વાર આવે. કિશોરકુમારની તકલીફ અહીંથી શરૂ થઈ. ગીત તરત જ અટકાવવામાં આવ્યું અને રીટેક થયું, જે અઢાર વખત સુધી ચાલ્યું!
હા, અઢાર વખત!
કિશોરકુમારની લાઇફમાં પહેલી વાર એવું બન્યું કે તેમણે અઢાર વખત રીટેક આપવા પડ્યા હોય અને એ પછી ગીત અપ્રૂવ થયું હોય. યસ, ઓગણીસમી વખત ગીત ગાવામાં આવ્યું ત્યારે એ પર્ફેક્ટલી, સલિલ ચૌધરીને જોઈતું હતું એ સ્તરનું ગવાયું હતું. ગીત ઓકે થયું ત્યારે સલિલ ચૌધરીએ સૌથી પહેલું કિશોરદાને પૂછ્યું, અબ તો પાની પીઓગે ના?!
હા, ગીત ગાવાનું શરૂ કર્યું ત્યારથી કિશોરકુમારે પાણી નહોતું પીધું અને પછી તેઓ પોતાની જ સાથે જીદ પર ચડ્યા કે ‘જ્યાં સુધી ગીત ઓકે નહીં થાય ત્યાં સુધી હું પાણી નહીં પીઉં’. કિશોરદાનું ઝનૂન જુઓ, સૂકા અવાજે ગવાયેલા આ ગીતમાં ક્યાંય તમને જરાસરખીય છાંટ નથી મળતી કે તે સૂકા ગળે ગીત ગાય છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)