ફિલ્મ ‘અભિમાન’નું આ સૉન્ગ ગાવાની કિશોરદાએ પહેલાં ના પાડી હતી અને પછી તેમણે ફિલ્મનાં બાકીનાં સૉન્ગ માટે પણ ના પાડી દીધી, જેને લીધે મોહમ્મદ રફી અને મનહર ઉધાસને એકેક ગીત માટે બોર્ડ પર લાવવામાં આવ્યા
કાનસેન કનેક્શન
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન
પ્રસન્ન દામ્પત્યજીવન ધરાવતાં સુધીર અને ઉમાના જીવનમાં અચાનક એક ઘટના એવી ઘટે છે જેનાથી સુધીરમાં રહેલો મેલ-ઈગો પ્રચંડ અવાજ કરતો બહાર આવે છે. ઉમા ઇચ્છતી જ નહોતી કે તે સિંગર બને, પણ એ સમયે સુધીર જ તેને આગળ કરે છે અને ઉમામાં રહેલી નૈસર્ગિક ટૅલન્ટ સુધીરને પાછળ છોડી દે છે.
સૌથી પહેલાં ફિલ્મ ‘અભિમાન’નું કિશોરકુમારનું સોલો સૉન્ગ ‘મિત ના મિલા રે મન કા’ રેકૉર્ડ થયું અને એ પછી બીજું સૉન્ગ રેકૉર્ડ કરવાનો વારો આવ્યો. એ સૉન્ગ હતું, ‘તેરે મેરે મિલન કી યે રૈના’ અને આપણે આ સૉન્ગની વાત સાથે અટક્યા હતા.
ADVERTISEMENT
આ બીજા સૉન્ગના રેકૉર્ડિંગ પહેલાં કિશોરકુમારે હૃષીકેશ મુખરજી પાસે શરત મૂકી કે મારે આખી સ્ક્રિપ્ટ સાંભળવી છે. હૃષીકેશ મુખરજી ધારત તો તેઓ સ્ક્રિપ્ટ સંભળાવવાની ના પાડી શક્યા હોત, પણ કિશોરકુમાર જે લેવલ પર હતા એ લેવલની વ્યક્તિને વગર કારણે એવું કહેવું યોગ્ય ન કહેવાય, તો સાથોસાથ ‘અભિમાન’નાં બાકીનાં ગીતોનું રેકૉર્ડિંગ પણ બાકી હતું એટલે કિશોરદાને એમ પણ નારાજ કરવા પોસાય નહીં.
હૃષીકેશ મુખરજીએ સચિન દેવ બર્મનની હાજરીમાં જ સ્ક્રિપ્ટ સંભળાવવાનું નક્કી કર્યું અને સચિન દેવ બર્મને આપેલા લિરિક્સ પર કામ શરૂ કરી દેવાનું સૂચન પણ તેમણે કિશોરદાને કર્યું. કિશોરદાએ ખરેખર તૈયારી શરૂ કરી અને સાથોસાથ સ્ક્રિપ્ટ સાંભળવાની તૈયારી પણ કરવા માંડ્યા. દિવસ આવી ગયો સ્ક્રિપ્ટ સાંભળવાનો.
બધા સચિન દેવ બર્મનને ત્યાં એકઠા થયા અને મુખરજીસાહેબે ‘અભિમાન’ સંભળાવવાનું ચાલુ કર્યું. એ સમયે તો આઇપૅડ જેવું કંઈ હતું નહીં એટલે હાથથી લખીને પછી ટાઇપ થયેલી આખી સ્ક્રિપ્ટની ફાઇલ લઈને મુખરજીસાહેબ આવ્યા હતા.
પહેલો સીન, બીજો સીન, ત્રીજો સીન.
ઇન્ટરવલ અને પછી સેકન્ડ હાફ.
કિશોરકુમાર ચૂપચાપ આખી સ્ક્રિપ્ટ સાંભળ્યા કરે. વચ્ચે-વચ્ચે તેઓ તારીફ કરતા જાય, પણ પોતાનું મન કળવા ન દે. જેવો ક્લાઇમૅક્સ આવ્યો કે કિશોરકુમારનો ચહેરો સફેદ દૂધ જેવો થઈ ગયો. ક્લાઇમૅક્સ પૂરો થયો એટલે ક્લાઇમૅક્સમાં આવતા સૉન્ગ ‘તેરે મેરે મિલન કી યે રૈના’ની બેચાર લાઇન ગાઈને સચિન દેવ બર્મને કહ્યું કે હવે આપણે રેકૉર્ડિંગ કરીશું એ સૉન્ગ અહીં આવશે.
કિશોરદાએ તરત જ ટૉપિક ચેન્જ કરીને બીજી બધી વાતો શરૂ કરી અને છૂટા પડતી વખતે બર્મનદાને કહી દીધું કે આપણે રેકૉર્ડિંગ પર મળીએ. બધા માટે વાત પૂરી થઈ ગઈ હતી, પણ કિશોરકુમાર માટે અંદર ઝંઝાવાત શરૂ થઈ ગયો હતો.
એ જ રાતે કિશોરકુમારે ફોન કરીને બર્મનદાને કહી દીધું કે આ ફિલ્મનું છેલ્લું સૉન્ગ હું ગાઉં છું. હવે પછીનાં બીજાં ગીતો અન્ય કોઈ સિંગર પાસે ગવડાવી લેજો. બર્મનદા માટે તો આ સાવ નવી વાત હતી. તેમને તો દૂર-દૂર સુધી એવું લાગ્યું નહોતું કે આ ફિલ્મ કિશોરકુમાર અને તેમની પહેલી વાઇફ રુમા ગુહા પર આધારિત છે. બર્મનદાએ કારણ પૂછવાની કોશિશ કરી, પણ કિશોરકુમારે આ વિષય પર વાત કરવાની ઘસીને ના પાડી દીધી. બીજા દિવસે હૃષીકેશ મુખરજીએ ફોન કર્યો તો કિશોરકુમાર ફોન પર જ ન આવ્યા અને મજા જુઓ, કિશોરકુમારે વીક પછી એક મહિનાની રજા જાહેર કરી દીધી! રજા માટેનું તેમણે કારણ આપ્યું કે ઘણા વખતથી મેં બ્રેક લીધો નથી એટલે હવે હું ગળાને આરામ આપવા માગું છું. અફકોર્સ, રજા પર જતાં પહેલાં કિશોરકુમારે જઈને ‘અભિમાન’નું ‘તેરે મેરે મિલન કી યે રૈના’ સૉન્ગ રેકૉર્ડ કરાવી લીધું.
એ દિવસે રેકૉર્ડિંગ પછી હૃષીકેશ મુખરજીએ તેમને સમજાવવાની કોશિશ કરી, ચોખવટ કરવાની કોશિશ કરી, પણ આ તો કિશોરદા. આપણાં શાસ્ત્રોમાં બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠનો ઉલ્લેખ છે, પણ આ ત્રણેત્રણ હઠ જ્યાં ભેગી થતી હોય એ વ્યક્તિનું નામ કિશોરકુમાર હશે એવું ક્યાંય કહ્યું નથી.
કિશોરકુમાર માન્યા નહીં એટલે ફાઇનલી બીજાં સૉન્ગ્સ માટે અન્ય સિંગરની શોધખોળ શરૂ થઈ અને એમાં ચાન્સ લાગી ગયો આપણા ગુજરાતી સિંગર મનહર ઉધાસનો. મનહર અને લતા મંગેશકર પાસે ‘લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી’ ગવડાવવામાં આવ્યું, તો મોહમ્મદ રફી પાસે ‘તેરી બિંદિયા રે...’ ગવડાવવામાં આવ્યું. બન્ને ગીતો સુપરહિટ રહ્યાં અને ફિલ્મ જોનારાને ક્યાંય એવું લાગ્યું નહીં કે એક જ ઍક્ટર હોવા છતાં કેમ ગીતમાં વૉઇસ ચેન્જ થાય છે. આ જે ખાસિયત હતી એ ખાસિયત સચિન દેવ બર્મનની હતી. તેમણે આ બન્ને સૉન્ગની મ્યુઝિક અરેન્જમેન્ટ ચેન્જ કરી નાખી અને સૉન્ગમાં રાગ પણ ચેન્જ કર્યો.
મોહમ્મદ રફી તો લેજન્ડ હતા જ એટલે નૅચરલી તેમનું સૉન્ગ તો હિટ થાય જ, પણ મહત્ત્વની વાત હતી મનહરભાઈની. તેમની કરીઅર શરૂ થઈ ગઈ હતી, પણ એમ છતાં કિશોરકુમાર અને મોહમ્મદ રફી જેવા લેજન્ડ સિંગર સાથે પોતાનું પણ સૉન્ગ હોય અને એ પણ એટલું જ પૉપ્યુલર થાય એ વાત મનહરભાઈની કરીઅરમાં બહુ મહત્ત્વનો રોલ ભજવી ગઈ. ‘લૂટે કોઈ મન કા નગર...’ સૉન્ગ હિટ જવા પાછળ મજરૂહ સુલતાનપુરીના શબ્દો પણ એટલા જ મહત્ત્વના બન્યા હતા તો ફિલ્મની સિચુએશન પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવી ગઈ હતી.
પ્રસન્ન દામ્પત્ય જીવન ધરાવતા સુધીર અને ઉમાના જીવનમાં અચાનક જ એક ઘટના એવી ઘટે છે જેનાથી સુધીરમાં રહેલો મેલ-ઈગો પ્રચંડ અવાજ કરતો બહાર આવે છે. ઉમા ઇચ્છતી જ નહોતી કે તે સિંગર બને, પણ એ સમયે સુધીર જ તેને આગળ કરે છે અને ઉમામાં રહેલી નૈસર્ગિક ટૅલન્ટ સુધીરને પાછળ છોડી દે છે. એક તબક્કો એવો આવે છે કે ઘરમાં સુધીર માટે નહીં, પણ કમ્પોઝરના ફોન ઉમા માટે આવવા માંડે છે અને ઉમા માટે કામની લાઇન લાગવા માંડે છે. ઉમાની દુનિયા તો બહુ નાની હતી. તે તો સુધીર અને પોતાના જીવનમાં આવનારા બાળક સાથે રહેવા માગતી હતી, પણ પતિએ જ તેને ફોર્સ કરીને આગળ કરી અને તે આગળ વધી એટલે પતિમાં રહેલો મેલ-ઈગો ઝબકી ગયો.
સુધીર અને ઉમા બન્ને હોંશે-હોંશે જે ગીત ગાય છે એ ગીત એટલે ‘લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી...’ આ ગીત પછી તરત જ સુધીર અને ઉમાની રિલેશનશિપમાં મતભેદ આવવાનું શરૂ થાય છે અને કપલ-ડ્રામા સર્જાય છે. આ મહત્ત્વનો ટર્ન આવતો હોવાથી આ સૉન્ગને હાઇપ મળી. આ જ સૉન્ગની બીજી પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ‘લૂટે કોઈ મન કા નગર’ સૉન્ગ મનહરે માત્ર ડમી વૉઇસ તરીકે ગાયું હતું. મનહરને પણ કહેવામાં આવ્યું હતું કે મુકેશજી આ ગીત સાંભળશે અને એ પછી તેઓ આ ગીત ગાવાના છે, પણ મુકેશે જ્યારે આ ગીત સાંભળ્યું ત્યારે તેમને લાગ્યું કે આ ગીતને ચેન્જ કરવાની કોઈ જરૂર નથી, બર્મનદાએ મનહરના અવાજને કન્ટિન્યુ કરવો જોઈએ. બર્મનદાએ એ જ કર્યું. કહી શકાય કે ફિલ્મ ‘વિશ્વાસ’ પછી બીજી વખત મુકેશજી મનહરભાઈના સપોર્ટમાં આવ્યા.
બહુ વર્ષો પછી આર. ડી. બર્મને આ વાત જાહેરમાં સ્વીકારી હતી કે કિશોરકુમારે ‘લૂટે કોઈ મન કા નગર’ સૉન્ગ ગાવાની પહેલાં ના પાડી અને એ પછી બીજાં ગીતો ગાવાની પણ ના પાડી દીધી. આ ગીત ગાવાની ના કિશોરકુમારે એટલા માટે પાડી હતી કે ફિલ્મમાં જે રીતે ઉમા એટલે કે જયા બચ્ચન મોટો ચાંદલો કરતી એ જ રીતે કિશોરદાનાં વાઇફ રુમા ગુહા પણ કરતાં! કિશોરકુમારને એ આ સૉન્ગ અને ઉમાના ગેટઅપ પરથી લાગ્યું કે લોકો સાચું કહે છે, આ ફિલ્મ મારી અને રુમાની લાઇફ પર જ આધારિત છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.