આજે વાત કરવી છે રિશી કપૂરની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’ની. શીર્ષકને સાર્થક કરતી આત્મકથામાં તે જીવનની ચડતીપડતીનો નિખાલસ એકરાર કરતાં અનેક વાતો શૅર કરે છે
રાજ કપૂર, રિશી કપૂર
મશહૂર નવલકથાકાર અને નાટ્યકાર ગ્રેહામ ગ્રીન પોતાની આત્મકથાની શરૂઆતમાં એક સરસ વાત કહે છે, ‘મને કોઈએ પ્રશ્ન કર્યો કે શા માટે માણસે પોતાના કે અન્યના ભૂતકાળમાં જવું જોઈએ? તો એના જવાબમાં હું સૉરેન કિર્કગાર્ડનું એક અવતરણ ટાંકું છું : કેવળ લૂંટારાઓ અને જિપ્સીઓ જ પોતે જ્યાં એક વખત ગયા હતા ત્યાં પાછા જતા નથી.’
દરેક વ્યક્તિ એમ ઇચ્છે કે લોકો મને જાણે, પણ કોઈ જાણી ન જાય. કદાચ એટલે જ કહેવાય છે કે ‘Autobiography is probably the most respectable form of lying.’ બહુ જૂજ લોકો ઓછામાં ઓછો દંભ કર્યા વિના પોતાના જીવનનો ચિતાર રજૂ કરવાની હિંમત કરે છે. આ સંદર્ભે વિખ્યાત હાસ્યલેખક તારક મહેતાની આત્મકથા ‘ઍક્શન રિપ્લે’ વાંચવા જેવી છે. આજે વાત કરવી છે રિશી કપૂરની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’ની. શીર્ષકને સાર્થક કરતી આત્મકથામાં તે જીવનની ચડતીપડતીનો નિખાલસ એકરાર કરતાં અનેક વાતો શૅર કરે છે :
ADVERTISEMENT
‘આત્મકથા લખવાનું મુખ્ય કારણ એ જ કે લોકોમાં એવી ગેરસમજ છે કે ફિલ્મકલાકારોનાં સંતાનોને મહેનત કર્યા વિના ‘સ્ટારડમ’ મળી જાય છે. મારે દુનિયાને જણાવવું છે કે આ અર્ધસત્ય છે. હા, એ વાત સાચી કે અમને બ્રેક મેળવવા માટે ઝાઝો સંઘર્ષ નથી કરવો પડતો. પરંતુ એક વાર કારકિર્દીની શરૂઆત થાય એ પછી પોતાના બલબૂતા પર જ જંગ લડવો પડે છે. જો સત્ત્વ હશે તો કોઈ રોકી નહીં શકે અને જો દમ નહીં હોય તો પછી અમને કોઈ બચાવી નહીં શકે.
પડદા પર પહેલી વાર મેં અભિનય કર્યો ત્યારે મારી ઉંમર હતી ૩ વર્ષની. ‘શ્રી 420’ના ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ના શૂટિંગમાં મારે, રીમાએ અને ડબ્બુએ એક દૃશ્યમાં ચાલતાં જવાનું હતું. વરસાદનું દૃશ્ય હતું એટલે આંખમાં પાણીનાં ટીપાં પડવાને કારણે મને રડવું આવી જતું. રીટેક થતા હતા. એટલે નર્ગિસજીએ મને કહ્યું કે જો રડ્યા વિના શૂટિંગ કરીશ તો હું તને એક કૅડબરી ચૉકલેટ આપીશ. એ દૃશ્યના શૂટ સમયે તે દૂર ઊભાં-ઊભાં હાથમાં ચૉકલેટ રાખીને મને લાલચ આપી રહ્યાં હતાં એટલે મેં ખુશી-ખુશી એ દૃશ્ય શૂટ કરવા દીધું. તમે કહી શકો કે નાનપણથી હું લાલચુ હતો.
એ દિવસથી જાણે મને અભિનયનો ચસકો લાગ્યો. હું વાત-વાતમાં ભેંકડા તાણું અને પછી રડતો-રડતો કાચમાં જોવા જાઉં કે કેવો લાગું છું. મારું બાળપણ બહુ નૉર્મલ હતું. ભણવામાં હું સામાન્ય હતો. એ દિવસોમાં હું મોટો થઈને અભિનેતા બનીશ એવી કલ્પના નહોતી, પણ એક ઘટના બાદ સઘળું બદલાઈ ગયું. ડિનર ટેબલ પર અમે બેઠાં હતાં ત્યાં પપ્પાએ મમ્મીને કહ્યું કે ‘મેરા નામ જોકર’માં જોકરની કિશોરાવસ્થા માટે હું ચિન્ટુને કાસ્ટ કરવાનો વિચાર કર્યો છું, તારું શું માનવું છે? મમ્મીએ કહ્યું કે જો તેના ભણતર પર અસર ન પડે એવી રીતે શૂટિંગ થવાનું હોય તો મને વાંધો નથી. આમ મને જુનિયર રાજ કપૂર બનવાનો મોકો મળ્યો.’
આપણે સૌ જાણીએ છીએ કે રજૂઆતના દિવસોમાં ‘મેરા નામ જોકર’ બૉક્સ-ઑફિસ પર સદંતર નિષ્ફળ ગઈ. આજે ભલે એની ગણના માસ્ટરપીસ તરીકે થાય છે પણ એ સમયે રાજ કપૂરે ઘરબાર ગિરવી મૂકી આ ફિલ્મના નિર્માણ પાછળ તન, મન, ધન કુરબાન કરી દીધાં હતાં. આજની તારીખમાં આ ફિલ્મ આર. કે. ફિલ્મ્સની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ છે. જ્યારે-જ્યારે દેશવિદેશ અને ફેસ્ટિવલમાં રિલીઝ થાય ત્યારે અઢળક કમાણી કરે છે. ત્યાર બાદ રાજ કપૂરે ‘બૉબી’ જેવી આઉટ ઍન્ડ આઉટ કમર્શિયલ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો.
એ દિવસોને યાદ કરતાં રિશી કપૂર કહે છે, ‘જે દિવસે ‘મૈં શાયર તો નહીં’નું શૂટિંગ હતું ત્યારે હું એકદમ એક્સાઇટેડ હતો કારણ કે મારા જીવનનું પ્રથમ ગીત શૂટ થવાનું હતું. હું સેટ પર ગયો. મને એમ કે કોરિયોગ્રાફર આવ્યો હશે તો હું રિહર્સલ કરી લઉં. પણ કોઈ દેખાયું નહીં. મારો મિત્ર રાહુલ રવૈલ ફિલ્મનો અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. મેં તેને પૂછ્યું કે ડાન્સ-માસ્ટર ક્યાં છે? તો કહે, ‘કોઈને નથી બોલાવ્યો.’ ત્યાં તો પાપા આવ્યા. મેં કહ્યું, ‘માસ્ટરજી નહીં આએ, મૈં કૈસે શૂટ કરું?’ તો ગુસ્સે થઈને કહે, ‘ઉસકી કયા ઝરૂરત હૈ?’ મેં ડરતાં-ડરતાં કહ્યું, ‘મૈંને કભી ગાના નહીં ગાયા. મૈં કૈસે કામ કરું?’ જવાબ મળ્યો, ‘Go and perform. I will see.’ હું ખૂબ ટેન્શનમાં હતો. ગભરાટમાં મેં ગીત શૂટ તો કર્યું, પણ હું એટલો સ્ટિફ હતો કે જાણે એક પોલીસમૅન ટ્રાફિક સંભાળતો હોય એવી રીતે મારા હાથ હાલતા હતા.’
શૉટ પૂરો થયો. મેં રાહતનો શ્વાસ લીધો. પૂરા યુનિટની સામે પાપાએ મને કહ્યું, ‘તને મનમાં થતું હશે કે કોરિયોગ્રાફરને કેમ ન બોલાવ્યો. એનું કારણ એ હતું કે જો એ આવ્યો હોત તો તને એવાં સ્ટેપ બતાવત જે આજ પહેલાં તેણે રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, રાજેન્દ્ર કુમાર, શમ્મી કપૂર અને બીજા અનેક હીરોને બતાવ્યાં હોત. તું જો એવાં સ્ટેપ લેત તો લોકો કહેત કે આ તો ફલાણાની જેમ નાચે છે. મારે તારી સ્ટાઇલ દેખાડવી હતી. દુનિયા મેં અપની આઇડેન્ટિટી ખુદ ઢૂંઢો ઔર ઉસે એક બ્રૅન્ડ બનાઓ.’
આ હતી રાજ કપૂરની દીર્ઘદૃષ્ટિ. એક ડિરેક્ટર તરીકે તેમની આ સલાહ રિશી કપૂરના જીવનમાં ગુરુમંત્ર બની ગઈ. યુવાન રોમૅન્ટિક હીરો તરીકે રિશી કપૂરે પોતાની આગવી અદામાં અનેક લોકપ્રિય ગીતો દ્વારા પડદા પર પોતાની અલગ ઓળખ ઊભી કરી. જોકે આ કારણે જ તેમના જીવનમાં એક એવો તબક્કો આવ્યો જ્યારે તેમણે ઘોર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો.
એ વિશે વાત કરતાં રિશી કપૂર કહે છે, ‘બૉબી’ની બેસુમાર સફળતા બાદ મેં અનેક ફિલ્મો સાઇન કરી. હું ૨૧ વર્ષનો હતો. આ ઉંમરે આટલી સફળતા કોઈને પણ બહેકાવી દે. મને એ વાતનું પ્રમાણભાન નહોતું કે એક સમય એવો આવશે જ્યારે દર્શકો કંટાળીને મને રિજેક્ટ કરશે. મારી ઇમેજ યંગ રોમૅન્ટિક હીરો તરીકે એસ્ટાબ્લિશ થઈ પણ સાથે-સાથે ઍન્ગ્રી યંગ મૅનની ઇમેજવાળા અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહાની ફિલ્મો સામે મારે ટકવાનું હતું. દર્શકોનો ટેસ્ટ બદલાઈ રહ્યો હતો. લવ સ્ટોરીને બદલે ઍક્શન ફિલ્મોની ડિમાન્ડ વધતી જતી હતી.
બીજી મુશ્કેલી એ હતી કે મારી વયની કોઈ હિરોઇન નહોતી. ડિમ્પલ પરણી ગઈ. હેમા માલિની, શર્મિલા ટાગોર, મુમતાઝ અને બીજી હિરોઇનો મારા કરતાં મોટી હતી. મારા માટે કેવળ નીતુ સિંહ, મૌસમી ચૅટરજી, ટીના મુનીમ અને બીજી નવી છોકરીઓ બચી હતી. મારી હાઇટ પણ એક નેગેટિવ પૉઇન્ટ હતો. ‘બૉબી’ પછી ‘ઝહરીલા ઇન્સાન’, ‘રફુચક્કર’, ‘ઝિંદાદિલ’, ‘લયલા મજનૂ’ જેવી ફિલ્મો નિષ્ફળ જવાનું કારણ એ હતું કે પ્રેક્ષકોને ‘બૉબી’નો રિશી કપૂર જોવો હતો. એક તબક્કો એવો આવ્યો કે મારી સારી ફિલ્મો પણ નિષ્ફળ જવા લાગી.
‘કર્ઝ’ માટે મને બહુ આશા હતી કે આ ફિલ્મ હિટ જશે. સફળ અંગ્રેજી ફિલ્મ ‘The Reincarnation of Peter Proud’ની આ રીમેકમાં સુભાષ ઘઈનું સુંદર ડિરેક્શન અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલનું કર્ણપ્રિય સંગીત હતું. બન્યું એવું કે એ જ સમયે ‘કુરબાની’ રિલીઝ થઈ. લંડનમાં શૂટ થયેલી વિનોદ ખન્ના અને ઝીનત અમાનની ફિલ્મમાં ઉત્તેજક દૃશ્યો અને સંગીત સાથે દર્શકોને જકડી રાખે એવી ફોટોગ્રાફી હતી. આ કારણોસર ‘કર્ઝ’ને જોઈએ એવો પ્રતિસાદ ન મળ્યો. હું ડિપ્રેશનમાં આવી ગયો. હું સેટ પર જતો પણ કૅમેરાનો સામનો કરવાની હિંમત નહોતી આવતી. સેટ પર જઈને હું મેકઅપ રૂમમાં જ બેસી રહેતો. ‘કર્ઝ’ની નિષ્ફળતાએ મને એટલી હદે હચમચાવી નાખ્યો કે મને લાગ્યું કે અભિનેતા તરીકે મારા દિવસો પૂરા થઈ ગયા છે. ‘કર્ઝ’ના શૂટિંગ દરમ્યાન મારાં નીતુ સાથે લગ્ન થયાં હતાં. મને લાગ્યું કે હું પરણી ગયો એટલે હીરો તરીકે મારી વૅલ્યુ ખલાસ થઈ ગઈ.
એ સમયે મારા હાથમાં ચાર ફિલ્મો હતી. ‘નસીબ’, દીદાર–એ-યાર’, ‘ઝમાને કો દિખાના હૈ’ અને ‘પ્રેમ રોગ’. આ ફિલ્મના ડિરેક્ટર મનમોહન દેસાઈ, એચ. એસ. રવૈલ, નાસિર હુસેન અને પાપા; સૌ ચિંતિત હતા. ‘નસીબ’નું બે દિવસનું શૂટિંગ બાકી હતું પણ હું તૈયાર નહોતો. મને કૅમેરા સાથે મોટી લાઇટ્સનો પણ ડર લાગતો કે ક્યાંક મારી પર પડશે અને હું ઘાયલ થઈ જઈશ. થોડા સમય બાદ હું નૉર્મલ થઈ જતો. ડૉક્ટરોને કન્સલ્ટ કરવામાં આવ્યા. હું આ સૌનો આભારી છું કે તેમણે શાંતિથી મારા સાજા થવા સુધીની રાહ જોઈ.
ઈશ્વરકૃપાથી અને ડૉક્ટરોની મદદથી હું આમાંથી બહાર નીકળ્યો. જ્યારે આવી મનોદશામાંથી હું બહાર આવતો ત્યારે મને એક વાતની સમજણ હતી કે મારે જ મારી જાતની મદદ કરવાની છે. આ કાલ્પનિક ભય મેં જ ઊભો કર્યો છે. સાજા થવાની આ પ્રોસેસ સ્લો હતી પણ ધીમે-ધીમે મેં આત્મવિશ્વાસ કેળવી લીધો.
આ વાતને વીત્યે ઘણો સમય થયો ત્યારે એક વાર અમિતાભ બચ્ચને પણ કબૂલ કર્યું કે તેના જીવનમાં એક તબક્કો આવ્યો હતો જ્યારે કાલ્પનિક ભય હાવી થઈ ગયો હતો. પાપાએ કહ્યું કે ‘દિલ દિયા દર્દ લિયા’ના શૂટિંગ સમયે દિલીપકુમાર પણ થોડો સમય આ બીમારીથી પીડાતા હતા. મને લાગે છે કે કલાકારો માટે આવું બનવું સ્વાભાવિક હશે.’
રિશી કપૂરની આવી નિખાલસ કબૂલાતના બીજા કિસ્સાઓ આવતા રવિવારે.

