Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > રિશી કપૂરને અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના માટે શું ગેરસમજ હતી?

રિશી કપૂરને અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના માટે શું ગેરસમજ હતી?

Published : 30 March, 2025 12:05 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

અમિતાભ બચ્ચન સાથે કામ કરતા વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહા, ધર્મેન્દ્ર દરેકને એક પ્રૉબ્લેમ નડતો કે સૌથી વધુ તાળીઓ અમિતાભ બચ્ચનને મળતી. જોકે ‘કભી કભી’ એક રોમૅન્ટિક ફિલ્મ હતી

રિશી કપૂર અને રાજેશ ખન્ના

વો જબ યાદ આએ

રિશી કપૂર અને રાજેશ ખન્ના


કાચી વયમાં મળેલી અણધારી સફળતા જીરવવી બહુ મુશ્કેલ હોય છે. રાતોરાત મળતી સફળતાની પાછળ છાને પગલે આવતી નિષ્ફળતાની સચ્ચાઈ પારખવાની પરિપક્વતા આવે ત્યાં સુધી મોડું થઈ ગયું હોય છે. કહેવાય છેને કે Never let success go to your head and failure to the heart. ‘બૉબી’ની અણધારી સફળતા બાદ રિશી કપૂરના મનમાં એ સમયના બે સુપરસ્ટાર માટે જે ગેરસમજ હતી એની વાત રસપ્રદ છે. ‘કભી કભી’ના શૂટિંગ વખતે અમિતાભ બચ્ચન સાથેના તેમના સંબંધો વિશે નિખાલસ એકરાર કરતાં તેઓ કહે છે...


‘હું કબૂલ કરું છું કે એ દિવસોમાં અમારી વચ્ચે ‘હાય હેલો’થી વિશેષ બોલચાલનો વ્યવહાર નહોતો. અમારી વચ્ચે કોઈ તકરાર કે મનદુઃખ પણ નહોતું છતાં અમને એકબીજા પ્રત્યે વિશેષ ઉમળકો નહોતો. એ સમયે હું નાદાન હતો. તેઓ મારાથી ઉંમરમાં ૧૦ વર્ષ મોટા હતા. મને લાગતું હતું કે મારી અભિનયક્ષમતા એવી છે કે હું કોઈ પણ અભિનેતા સામે ટક્કર લઈ શકું છું. એ મારો ‘self confidence’ હતો કે ‘Arrogance’ એ કહેવું મુશ્કેલ છે.




એ સમયે ઍક્શન ફિલ્મોની બોલબાલા હતી. અમિતાભ બચ્ચન એક મોટું નામ હતું. ‘મલ્ટિસ્ટારકાસ્ટ’વાળી ફિલ્મોમાં કામ કરવામાં મોટું નુકસાન એ હતું કે જે હીરો ‘ઢિશૂમ-ઢિશૂમ’વાળા સીન કરે તેની વાહ-વાહ બોલાય. અમિતાભ બચ્ચન સાથે કામ કરતા વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહા, ધર્મેન્દ્ર દરેકને એક પ્રૉબ્લેમ નડતો કે સૌથી વધુ તાળીઓ અમિતાભ બચ્ચનને મળતી. જોકે ‘કભી કભી’ એક રોમૅન્ટિક ફિલ્મ હતી. મારો રોલ પણ એટલો જ દમદાર હતો એટલે મને કોઈ ચિંતા નહોતી.

બેશક અમિતાભ બચ્ચન એક અદ્ભુત અભિનેતા છે. એ દિવસોમાં તેઓ નંબર‍ વન હતા. તેમની ‘એન્ગ્રી યંગ મૅન’ અને ‘ઍક્શન હીરો’ની ઇમેજને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનતી. એને કારણે તેમના સાથીકલાકારોએ વધુ મહેનત કરવી પડતી. એનો અર્થ એમ નથી કે બીજા કલાકારો ઓછા ‘ટૅલન્ટેડ’ હતા. સ્ક્રિપ્ટ-રાઇટર્સ ખાસ તેમને માટે પાવરફુલ ડાયલૉગ્સ અને દૃશ્યો લખતાં જેથી તેમને પોતાના પર્ફોર્મન્સમાં મદદ મળતી. આને કારણે બીજા કલાકારોએ પોતાની હાજરી સાબિત કરવા ખાસ્સી મહેનત કરવી પડતી. અમિતાભ બચ્ચને પોતાની સફળતા માટે હંમેશાં સ્ક્રિપ્ટ-રાઇટર્સ અને ડિરેક્ટર્સને શ્રેય આપ્યું છે. આજ સુધી તેમણે પોતાના સાથીકલાકારોને સફળતાની ક્રેડિટ આપી હોય એવું મારી જાણમાં નથી.


આજે વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે એ દિવસોમાં તેમનો આવો ઠંડો વ્યવહાર એટલા માટે હતો કે મને ‘બૉબી’ માટે ‘બેસ્ટ ઍક્ટર’નો અવૉર્ડ મળ્યો હતો. તેમને લાગ્યું હશે કે આ અવૉર્ડ તેમને ‘ઝંજીર’ માટે મળવો જોઈતો હતો. હું શરમ અનુભવું છું કે આ અવૉર્ડ મેં પૈસા આપીને મેળવ્યો હતો. મારી એ નાદાનિયત માટે હું કોઈ બચાવ નથી કરતો. હકીકત એ છે કે ત્યારે મને સફળતાનો નશો ચડ્યો હતો.

બન્યું એવું કે મારો ‘પબ્લિક રિલેશન્સ ઑફિસર’ મારી પાસે આવ્યો અને કહે, ‘સર, આપ તીસ હઝાર દે દો, તો આપ કો અવૉર્ડ દિલા દૂંગા.’ મારો સ્વભાવ ગોટાળેબાજ નથી. મેં મારા સેક્રેટરી ઘનશ્યામને વાત કરી તો તે કહે, ‘સર, દેતે હૈં. અવૉર્ડ મિલ જાએગા. ઇસમેં ક્યા બુરા હૈ.’ મેં વધારે વિચાર કર્યા વિના પૈસા આપી દીધા. મને લાગે છે કે અમિતાભ બચ્ચનને આ વાતની ખબર પડી હશે કે મેં પૈસા આપીને અવૉર્ડ ખરીદ્યો છે. હું બાવીસ વર્ષનો હતો. પૈસાની રેલમછેલ હતી. મારું વર્તન બાલિશ હતું. સમય જતાં મને સમજાયું કે આ મારી મોટી ભૂલ હતી.

મને લાગે છે કે મારી ‘ગિલ્ટી કૉન્શિયસ’ને કારણે મેં અમિતાભ બચ્ચનના વર્તન માટે ગેરસમજ કરી. ફિલ્મમાં તેમનો રોલ એક સિરિયસ પાત્રનો હતો જે હંમેશાં ગંભીર હોય છે. શક્ય છે કે શૂટિંગ દરમ્યાન તેઓ મૂડમાં રહેવા માટે શાંત રહ્યા હોય. મારા તરફથી મેં આ વાતને જુદી રીતે જોઈ, કારણ કે મારી ભૂલને કારણે હું હકીકતને સાચી રીતે મૂલવી ન શક્યો.

જોકે સમય જતાં અમારા સંબંધો એકદમ નૉર્મલ થયા. અમિતાભ બચ્ચન સાથે મેં ‘અમર અકબર ઍન્થની’, ‘નસીબ’ અને ‘કુલી’માં કામ કર્યું હતું. મનમોહન દેસાઈની ફિલ્મોમાં અમારે અજીબ હરકત કરવી પડતી એટલે અમે પણ એકમેક સાથે મસ્તી-મજાક કરી લેતા. અમે બન્ને પ્રાણસા’બની ખૂબ ફીરકી લેતા કે અમને ઍક્ટિંગની ટિપ્સ આપો. મોટા ભાગે ફિલ્મોમાં અમે ભાઈ-ભાઈના રોલ કરતા એટલે બન્ને વચ્ચે હિરોઇનની ખેંચતાણ નહોતી. અમારી બન્નેની કેમિસ્ટ્રી ‘કુલી’ના ‘લંબુજી ઠિંગુજી’ ગીત જેવી હતી.’

રિશી કપૂરની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’માં એ સમયના બીજા એક લોકપ્રિય અભિનેતા રાજેશ ખન્ના વિશેની વાતો પણ મજેદાર છે. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્ન ૧૯૭૩માં થયાં ત્યારે ‘બૉબી’ રિલીઝ થઈ ગઈ હતી. એ દિવસોમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાનું સિંહાસન અમિતાભ બચ્ચનના આગમનથી ડગમગાતું હતું. એ દિવસોને યાદ કરતાં રિશી કપૂર લખે છે...

‘મને કોઈકે કહ્યું કે રાજેશ ખન્નાને અમિતાભ બચ્ચનની સફળતાને કારણે કોઈ ડર નથી લાગતો. કારણ કે અમિતાભ બચ્ચન ઍક્શન હીરો છે જ્યારે પોતે રોમૅન્સનો બાદશાહ છે. તેમને ફિકર છે નવા ‘રોમૅન્ટિક કિડ’ રિશી કપૂરની, જે તેમનાથી ૧૦ વર્ષ નાનો છે.

કાકાજી (રાજેશ ખન્ના)નો ડર સાચો હશે કે ખોટો એની મને ખબર નથી. હું માનું છું કે ‘કભી કભી’ કે ‘ખેલ ખેલ મેં’ના ‘ટીનેજર’ જેવો રોલ કાકાજી ન જ કરી શક્યા હોત. તેમને માટે તો ‘દાગ’ અને ‘આપ કી કસમ’ જેવા મેચ્યૉર રોલ જ બરાબર હતા.

હકીકતમાં હું તેમનાથી નારાજ હતો. એટલા માટે કે તેમનાં લગ્ન ડિમ્પલ સાથે થયાં અને અમારી હિટ જોડી તૂટી ગઈ. મારી સાથે કામ કરવા માટે બીજી હિરોઇન શોધવી પડશે એનો મને ગુસ્સો હતો. ફરી એક વાર આ મારી નાદાની હતી. મને ગેરસમજ થઈ કે કાકાજી મારી સાથે નારાજ છે. જોકે એ સમયે હું પણ તેમના પર ગુસ્સે હતો.

‘બૉબી’ની સફળતા બાદ પાપાએ ‘સત્યમ શિવમ સુંદરમ’ની શરૂઆત કરી. તેમની ઇચ્છા હતી કે કાકાજી આ ફિલ્મમાં કામ કરે, પરંતુ કપૂર-પરિવાર આ બાબતે રાજી નહોતો. ખાસ કરીને મેં આ વાતનો ખૂબ વિરોધ કર્યો. પાપા કાકાજી માટે ‘સૉફ્ટ કૉર્નર’ ધરાવતા હતા, પણ અમે તેમને રોક્યા. હું દલીલ કરતો કે તમે શશીઅંકલ (શશી કપૂર)ને રોલ આપો. પાપા કહેતા કે તેમની પાસે સમય નથી (શશી કપૂર એ દિવસોમાં એટલા બિઝી હતા કે એકસાથે ચાર-પાંચ ફિલ્મોમાં કામ કરતા અને કલાકના હિસાબે એક સેટથી બીજા સેટ પર શૂટિંગ કરવા જતા. એ જોઈને રાજ કપૂરે કહ્યું કે તું તો ‘ટૅક્સી’ બની ગયો છે. જેકોઈ તારું મીટર ડાઉન કરે તેની સાથે કલાકના હિસાબે કામ કરે છે).

એમ કહેવાય છે કે કાકાજીએ પાપાને કહ્યું હતું કે તમે માગશો એટલી ડેટ એકસાથે આપીશ. મને ખબર નથી કે અમારી ‘પ્રેશર ટેક્ટિક’ની પાપા પર કેટલી અસર થઈ પરંતુ અંતે એ રોલ શશીઅંકલને મળ્યો. મને કાકાજી પર ગુસ્સો હતો એનું બીજું પણ એક કારણ હતું. તેમનાં લગ્ન બાદ ‘બૉબી’નાં થોડાં દૃશ્યોનું શૂટિંગ બાકી હતું એ સમયે તેમણે ડિમ્પલની ડેટ્સ માટે પાપાને હેરાન કર્યા હતા. એ સમયે પાપાને ખૂબ ગુસ્સો આવ્યો હતો, પણ તેઓ મજબૂર હતા.

જોકે સમય જતાં મારા મનમાં કાકાજી માટે કોઈ કડવાશ નહોતી રહી. અમારી દરેક પાર્ટીમાં તેઓ આવતા અને પાપાના ફેવરિટ હતા. મેં ડિરેક્ટ કરેલી ‘આ અબ લૌટ ચલે’માં તેમણે કામ કર્યું હતું. અમે ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું. વર્ષો બાદ મેં મારી બાલિશ હરકતોની વાત કરી ત્યારે અમે ખૂબ હસ્યા હતા.’

આ હતી રિશી કપૂરની ‘ખુલ્લમખુલ્લા’ કબૂલાત. નાદાન વયમાં કરેલી હરકતોનું પાકટ ઉંમરે મિથ્યાપણું સમજાય, એની જાહેરમાં કબૂલાત કરવા માટે પણ હિંમત જોઈએ. એવી જ હિંમત તેમણે દેખાડી જ્યારે ૯૦ના દાયકામાં હીરો તરીકેની પોતાની ડિમાન્ડ ઘટી ગઈ છે એ હકીકતનો સ્વીકાર કરી અભિનયમાં બ્રેક લીધો. ૨૦૦૦ની સાલમાં રિશી કપૂરની અભિનયયાત્રાની બીજી ઇનિંગ્સ ચરિત્ર અભિનેતાથી શરૂ થઈ અને ‘રાજુચાચા’, ‘હમ તુમ’, ‘પ્યાર મેં ટ્વિસ્ટ’, ‘ફના’ ‘લવ આજ કલ’ ‘દો દૂની ચાર’ અને બીજી ફિલ્મોમાં તેમના અભિનયની નોંધ લેવાઈ. ‘અગ્નિપથ’માં રૌફલાલાના પાત્રમાં તેમણે નેગેટિવ કૅરૅક્ટરમાં જીવ રેડી દીધો. ૨૦૧૬માં આવેલી ‘કપૂર ઍન્ડ સન્સ’ એક યાદગાર ફિલ્મ હતી. ૨૦૧૮માં આવેલી ‘102 નૉટઆઉટ’માં રિશી કપૂર અને અમિતાભ બચ્ચનના અભિનયની જુગલબંધી કેમ ભુલાય?

જીવનભર રિશી કપૂર એક ચીજ માટે જાણીતા રહ્યા. પોતાને જે સાચું લાગ્યું એ છડેચોક કહી દેવામાં તેઓ કોઈની શેહશરમ નહોતા રાખતા. આને કારણે ઘણી વાર મોટી-મોટી હસ્તીઓ સાથે તેઓ સંઘર્ષમાં આવી જતા. એ કિસ્સા પણ એટલા જ મજેદાર છે, પણ એ ભવિષ્યમાં બીજી કોઈ વાર.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2025 12:05 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK