કામ પરથી જલદી ઘરે પહોંચીને ગરબા માટે નીકળવાની સ્ટ્રગલ એક છે અને જ્યાં તમારે ગરબા કરવા છે ત્યાં સુધી પહોંચવાની અને ત્યાં ગરબા રમવાની સ્ટ્રગલ બીજી છે.
મારી વાત
અલ્પના બુચ
કોઈ પણ ગુજરાતીની જેમ મારો પણ પ્રિય તહેવાર નવરાત્રિ છે. ગરબા રમું તો મારું શેર લોહી ચડે. ગરબા ન રમી શકું એ કલ્પના પણ મારા માટે અતિ ભારે પડે. દર વર્ષે ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ હું ગરબા રમવાનું ક્યારેય ન મૂકું. ગમે તેટલી ખેંચાઈ રહું, બીજે દિવસે કામ પર જવાનું ભારે પડે તો પણ ગરબા તો રમવાના જ. જોકે સાચું કહું તો મુંબઈમાં અમારા જેવા ગરબાપ્રેમીઓ માટે અમારા ગરબા પ્રત્યેના પ્રેમને ન્યાય આપવો અઘરો થઈ રહ્યો છે. અતિ વ્યસ્ત એવું આ શહેર ભાગ્યે જ કોઈ તહેવારને ન્યાય આપી શકે છે. નવરાત્રિમાં તો અલગ પ્રકારની તકલીફો છે. ટીવી-ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ એટલે બાર-સાડાબાર કલાક તો અમારા શૂટમાં જતા હોય છે. વળી, અમારે તો શનિ-રવિની રજા પણ ન હોય. આવામાં ગરબા રમવા ક્યારે જવું? ઘણી વાર હું એવું કરું કે પહેલેથી રજા મૂકી રાખું. જો એનો મેળ ન પડે તો જ્યાં શૂટ કરતી હોઉં એમને કહી રાખું કે મારું કામ વહેલું પતાવીને મને જલદી જવા દઈ શકો? આપણો ગરબાપ્રેમ જ એટલો હોય કે જોઈને કોઈ પણ પીગળી જાય અને જલદી નીકળવા દે. આમ ગરબાપ્રેમથી ઓવારીને કંઈ પણ કરીને ગરબા રમવાનો મેળ પાડીએ કે પ્લાન કરીએ તો ખરા જ, પણ તકલીફ ત્યાં છે કે આ રીતે ગરબા રમવા પણ સહેલા નથી.