ગુજરાતી ભાષાને સમર્પિત સંસ્થાઓ તરફથી પ્રવચનો, વાર્તાલાપો વગેરે રાખવામાં આવે છે તેથી માતૃભાષાને વંદન થઈ જાય છે. ગુજરાતી ભાષામાં ભણીને મોટી થયેલી પેઢી તેની શબ્દભૂખ મિટાવવા એટલે જ જ્યાં આવા ભાષાકીય કાર્યક્રમો થતા હોય છે ત્યાં પહોંચી જાય છે.
પ્રતીકાત્મક તસવીર
‘માધ્યમ ગુજરાતી અને ઉચ્ચ અંગ્રેજી’નો આદર્શ ફક્ત છાપાની કૉલમો અને ચર્ચાસત્રો પૂરતો જ રહ્યો. મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળા સમ ખાવા પૂરતી એકાદ જ મળી આવશે. આપણે માતૃભાષામાં શિક્ષણ ન આપતાં હોઈએ અને માતૃભાષા દિવસ ઊજવવાની વાત કરીએ એ કેવું વ્યંગ્યાત્મક લાગે! ૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. ભાષાવાર રાજ્યરચના થઈ તો રાજ્ય સ્તરે સામાન્ય માણસને પણ નજરે ચડે એ રીતે ઉજવણી થવી જોઈએ. ચૂંટણી હોય ત્યારે એક નાના બાળકને પણ એની ખબર હોય છે એવી જાણકારી માતૃભાષા દિવસની બધાને હોય ત્યારે જ સાચી ઉજવણી કરી કહેવાય. સરકારી રાહે પરિપત્ર પાઠવી દેવામાં આવે અને સ્કૂલ લેવલે વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ જાય એટલે ભયો-ભયો. ગુજરાતી ભાષાને સમર્પિત સંસ્થાઓ તરફથી પ્રવચનો, વાર્તાલાપો વગેરે રાખવામાં આવે છે તેથી માતૃભાષાને વંદન થઈ જાય છે. ગુજરાતી ભાષામાં ભણીને મોટી થયેલી પેઢી તેની શબ્દભૂખ મિટાવવા એટલે જ જ્યાં આવા ભાષાકીય કાર્યક્રમો થતા હોય છે ત્યાં પહોંચી જાય છે.
કૉન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાં જૅક ઍન્ડ જિલ ગાતી પેઢીનેય ‘એક બિલાડી જાડી, એણે પહેરી સાડી’ના શબ્દો તો ગમશે જ. સ્કૂલમાં ભલે ‘રેઇન રેઇન ગો અવે’ ગવડાવાય, ઘરે આપણે ‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ’ તો ગવડાવી જ શકીએને? ઘરમાં ગુજરાતી બાળગીતો ગાતાં રહીશું તો ઊછરતી પેઢી તમારા તાલમાં તેનો સૂર જરૂર પુરાવશે ને ગુજરાતીમાં ગાશે તો આપણને પણ ગમશે. એટલું તો કરી જ શકીએને? ગુજરાતી બાળગીતો નવી પેઢી પાસે ગાશો તો એ પણ અચરજ પામશે. અડકોદડકો દહીંદડુકો/ કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં/ ભાઈલો મારો ડાહ્યો ને પાટલે બેસી ન્હાયો/ ચકી ચોખા ખાંડે છે, પીતાંબર પગલાં માંડે છે/ ઘરરર ઘંટી બાજરો ને બંટી/ ઝૂલ હાથીડા ઝૂલ, તારી સૂંઢમાં કમળફૂલ વગેરે.
ADVERTISEMENT
ઘોડિયામાં હીંચતા બાળક માટે હાલરડું એ શબ્દોની પહેલી ગળથૂથી છે પણ આજે કઈ માને હાલરડાં આવડે છે? હાલરડાંથી મરશિયાં સુધીની આખી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. લગ્નપ્રસંગે હજી ગુજરાતીમાં ગીતો ગવાઈ રહ્યાં છે એ ગનીમત છે. ઇંગ્લિશમાં ટંગ ટ્વિસ્ટર્સની મજા માણતાં બાળકોને ‘કાચો પાપડ પાકો પાપડ/ ચાચાએ ચાચીને ચાંદીની ચમચીમાં... જેવાં જીભના લોચા વાળતાં થોથવણાં ગમશે જ. બે’ક ઉખાણાં લઈ માતૃભાષાને સલામ કરીએ. મા ધોળી ને બચ્ચાં કાળાં તોયે સૌને બચ્ચાં વ્હાલાં (એલચી)/ નાનકડી ડબ્બીમાં ૩૨-૩૨ બાવા (દાંત). વળી પેલી ત્રણ અક્ષરનું નામ છે, પહેલો અક્ષર કાઢીએ તો... જેવી શબ્દરમતો યાદ આવે છે? તો આ છે આપણી ભાષાની ભવ્યાતિભવ્ય સમૃદ્ધિ ! -યોગેશ શાહ

