તસલીમા નસરીનની ‘લજ્જા’ આ જ વાત કહે છે અને સાથોસાથ સમજાવે છે કે જો તમારી અંદરના રાક્ષસનો વધ તમે નહીં કરો તો એને મારવા માટે દેવી જન્મ લેવાની રાહ પણ નહીં જુએ. તે આજે પણ મહિલાઓના સ્વરૂપમાં જીવે છે અને સંહાર પણ કરી શકે છે
બુક ટૉક
તસલીમા નસરીન અને લજ્જા બુક
‘મહિલાઓ સાથે સૌથી મોટો અન્યાય જો કોઈએ કર્યો હોય તો એ મુસ્લિમ સમાજ છે...’
આ વાત જો કોઈ મુસ્લિમ કહે તો કેવો ખળભળાટ મચી જાય એની કલ્પના કરવી પણ અઘરી છે, પણ આ કામ બંગલા દેશની લેખિકા તસલીમા નસરીને કર્યું અને માત્ર બંગલા દેશમાં જ નહીં, દુનિયાભરમાં દેકારો મચી ગયો. ઉપર કહેલી વાત એક નહીં, અનેક વખત લખ્યા પછી તસલીમા આ જ વાત જાહેરમાં બોલી પણ ખરી અને એનું પરિણામ પણ તેણે ભોગવવું પડ્યું. બંગલા દેશના ૨૧ મૌલવીઓએ સાથે મળીને તસલીમા નસરીન વિરુદ્ધ ફતવો જાહેર કર્યો કે ખુદાની તૌહીન કરનારી આ ઔરત જ્યાં પણ દેખાય ત્યાં તેની હત્યા કરવી. જાહેર થયેલા આ મોતના ફતવાથી બચવા માટે તસલીમા બંગલા દેશ છોડીને ભારત આવી ગઈ અને લાંબો સમય સુધી ભારતના શરણમાં રહી. જોકે ચોક્કસ કમ્યુનિટીથી ફાટી પડતી એ સમયની ભારત સરકારે તસલીમાને રાષ્ટ્રીયતા આપી નહીં એ પણ એટલું જ સાચું છે.
આ જે આખો વિવાદ હતો એ તસલીમા નસરીને લખેલી ‘લજ્જા’ને કારણે ઊભો થયો હતો. આજે પણ ‘લજ્જા’ નવલકથા પર બંગલા દેશમાં બૅન છે. તમને જાણીને નવાઈ લાગશે કે ‘લજ્જા’ નવલકથાની કૉપી ઘરમાં હોવાને કારણે ૧૯૯૦ના દશકમાં બંગલા દેશની સરકારે ૭૦થી વધુ લોકોની અરેસ્ટ પણ કરી હતી અને ‘લજ્જા’ જે પ્રેસમાં છપાઈ હતી એ પ્રેસને પણ સીલ માર્યું હતું. જરા વિચાર કરો કે એક નવલકથા કયા સ્તર પર
ADVERTISEMENT
વિવાદ સર્જી શકે છે. અફકોર્સ, છાના ખૂણે ભારતમાં પણ વિવાદ થયો હતો, પણ એ વિવાદને ખાસ હવા મળી નહીં એટલે સપાટી પર આવ્યો નહીં.
બાબરી ધ્વંસ અને તસલીમા | ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં બાબરી મસ્જિદનો ઢાંચો તોડવામાં આવ્યો એ પછી ભારતમાં ઠેર-ઠેર મુસલમાનો રસ્તા પર ઊતરી આવ્યા અને દેશભરમાં રમખાણોની શરૂઆત થઈ. આ રમખાણોમાં હિન્દુ પરિવારોએ જીવ ગુમાવ્યા તો હિન્દુ મહિલાઓ પર રેપ કરવામાં આવ્યો. બાબરીની ઘટનાએ માત્ર હિન્દુસ્તાનમાં જ અસર કરી હતી એવું નહોતું. એ ઘટનાને કારણે પાકિસ્તાન અને બંગલા દેશ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પણ નકારાત્મક અસર થઈ હતી, જેણે ત્યાં રહેતા હિન્દુઓને દૂર કરવાનું કામ કર્યું હતું. હિન્દુઓ સાથે ધીમી ધારે ત્યાં પણ દુર્વ્યવહાર શરૂ થયો અને ન્યુઝપેપરમાં આવતા એ રિપોર્ટ્સે તસલીમા નસરીનના માનસપટ પર ઘા કરવાનું કામ કર્યું. જોકે એક લેખક પોતાની હૃદય વ્યથા પેપર પર લેવા સિવાય બીજું કરી પણ શું શકવાનો?
તસલીમાએ ‘લજ્જા’ લખવાનું શરૂ કર્યું. તસલીમા નસરીન કહે છે, ‘શરમની વાત એ છે કે ધર્મના નામે આપણે અધર્મના રસ્તે ચાલીએ છીએ. ધર્મ જોડવાનું કામ કરે, પણ અહીં તો ધર્મની વાતને લઈને લોકો એકબીજાને તોડી રહ્યા હતા. પોતાના પરિવારની મા-બહેન કે દીકરીઓના આશીર્વાદ લેતા ભાઈઓ ઘરની બહાર નીકળતાં જ રાક્ષસ થઈ જતા. એ રાક્ષસોને ખબર નથી કે આજે પણ મહિલાઓમાં દુર્ગા છે જે તેને રાખ કરવાને સમર્થ છે.’
માત્ર બંગલા દેશમાં પ૦,૦૦૦ | ‘લજ્જા’ પ્રસિદ્ધ થયાના છ જ મહિનામાં એના પર બૅન મૂકી દેવામાં આવ્યો, પણ એ છ મહિનામાં બેન્ગોલી નવલકથા એવી ‘લજ્જા’ની માત્ર બંગલા દેશમાં ૫૦,૦૦૦ નકલ વેચાઈ ચૂકી હતી. બૅન મુકાયા પછી જે પ્રકારે અરેસ્ટ શરૂ થઈ એ જોઈને લોકો ડર્યા ખરા, પણ એમ છતાં ‘લજ્જા’ વાંચવાનું તેઓ ચૂકતા નહીં. કહેવાય છે કે બૅન મુકાયા પછી ‘લજ્જા’ નવલકથાની પાયરસી દ્વારા પાંચ લાખથી વધારે કૉપીઓ વેચાઈ.
હિન્દી અને અંગ્રેજી સહિત દુનિયાની ચોવીસથી વધારે લૅન્ગ્વેજમાં પ્રસિદ્ધ થયેલી ‘લજ્જા’ પરથી વેબસિરીઝ બને એ માટે તસલીમાએ પોતે હમણાં પ્રયાસો શરૂ કર્યા છે, પણ હજી સુધી કોઈ પ્લૅટફૉર્મ એ નવલકથા પરથી વેબસિરીઝ બનાવવા આગળ આવ્યું નથી.
ભારતે નાગરિકતા આપવાની ના પાડી દીધા પછી ૨૦૦૮માં એણે તસલીમા નસરીનને દેશમાંથી નીકળી જવાનો આદેશ પણ આપ્યો એટલે તસલીમા યુરોપ સેટલ થઈ, જ્યાં તેને સ્વીડને નાગરિકતા આપી. જોકે હવે તે ભારત અવરજવર કરતીરહે છે. રવિવારથી કલર્સ ચૅનલ પર શરૂ થયેલા રિયલિટી શો ‘બિગ બૉસ’ની આઠમી સીઝનમાં આવવા માટે તસલીમાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ મુસ્લીમ મૌલવીઓએ જાહેર કરેલો સઝા-એ-મૌતનો ફતવો હજી અકબંધ હોવાથી તસલીમાએ જાહેરમાં આવવાનું ટાળતાં એ ઇન્વિટેશન
સ્વીકાર્યું નહોતું.